Jagruti Pandya

Children Stories Children

3  

Jagruti Pandya

Children Stories Children

મારી યાદગાર શાળા

મારી યાદગાર શાળા

4 mins
488


અને અંતે જયારે મેં,10 મી ફેબ્રુઆરી 2017 ના રોજ આ તપોભૂમિ સમાન બહારથી દેખાવે નાની નાની અને અંદરના વ્યક્તિઓ ના વ્યક્તિત્વ ના તેજ થી દીપી ઊઠતી મારી દર્શન સોસાયટી, શાળા નંબર,30, બાકરોલ ની શાળામાં મારા અનેક જન્મોના ઋણી એવાં બાળકોના શિક્ષણકાર્ય અર્થે, આ પવિત્ર અને પોઝિટિવ વાઈબ્રેશનથી ભરપૂર એવી ધરા પર પગ મૂક્યો ત્યારે એક અલગ જ પ્રકારની અનુભૂતિ થઈ. જાણે વર્ષોથી પરિચિત હોઉં તેમ ! 

    સવારની પાળી, સૌ પ્રથમ પ્રાર્થના, અને થોડીઘણી ઠંડી ના વાતાવરણને શાળાનાં પ્રાર્થના હૉલમાં શાળાનાં બાળકોએ સમગ્ર વાતાવરણને ચેતનવંતુ બનાવી દીધું. ફર્સ્ટ ઇમ્પ્રેશન. મને નવાઈ લાગી. આટલી સુંદર પ્રાર્થના ! આટલી વહેલી સવારે ! મોટાભાગના બાળકો હાજર ! પ્રાર્થના સંમેલન એ પણ સંગીતના સાધનો સાથે. બાળકો ખૂબ જ કુશળતા પૂર્વક ઢોલક અને ખંજરી વગાડતાં. મને ખૂબ જ ગમ્યું. મનમાં થયું કે, આ બાળકો ખૂબ ઊર્જાવાન છે.

      પ્રાર્થના સંમેલનમાં શ્રી હીનાબેને મારો પરિચય બાળકોને કરાવ્યો. મારાં પરિચય બાદ, બાળકોએ તાળીઓ અને તે પણ ઢોલક/ ખંજરીના તાલ સાથે વગાડી. હું તો ખૂબ જ ખૂશ થઈ ગઈ. કેટલો સુંદર સત્કાર ! બાળકોના ચહેરા પર, એક નવા ટિચરને આવકારવાની ખુશી જણાઈ આવી. બાળકોને પણ મેં પ્રથમ દિવસે વાર્તા કહી. બાળકો સાથે પ્રથમ દિવસથી જ વાર્તા કહી અને ભાઈબંધી કરી દીધી. ત્યારબાદ બાળકીને મેં કહ્યું, ' મનુષ્ય તું બડા મહાન હૈ ' કવિતા તમે સાંભળી છે ? બાળકોએ તો સંગીત સાથે અને સુંદર રાગ/ ઢાળ સાથે ગાઈ સંભળાવી. પ્રથમ દિવસ ખૂબ જ સુંદર રહ્યો.

   શાળાનાં આચાર્ય શ્રી રાજેશભાઈ પરમાર. એક અનોખું વ્યક્તિત્વ - અનોખા જીવ. શાળા માટે ખૂબ જ ચિંતિત. સાથે સાથે શાળાનાં બાળકો અને શિક્ષકો માટે પણ હંમેશા તૈયાર. બાળકોને અને શિક્ષકોને કદી ક્યાંય તકલીફ ના પડવા દે. મોટાભાગના કામ જાતે જ કરે. કામ કરીને સૌના દિલ જીતી લીધાં. કદી કામ નું ભારણ તેમના ચહેરા પર જણાય નહીં. સૌનો મદદ કરે. સૌનાં હિતેચ્છુ. શાળાનાં તમામ બાળકોના ઘરે રૂબરૂ મુલાકાતે જાય. કોઈનું ઘર બાકી નહીં. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અને તેમાંય સવારની શાળામાં ૧૦૦% હાજરી, તે અમારા આચાર્યશ્રીનાં પ્રતાપે. એકદમ સરળ અને સહજ પ્રકૃત્તિ ધરાવતા અમારા શ્રી રાજેશસર ' તોત્તોચાન ના કોબાયાસી સરની યાદ અપાવી દે તેવાં. સ્વચ્છતાના આગ્રહી અને ખૂબ જ ચોકસાઈ પૂર્વકનું કામ. તેમનામાંથી ઘણું બધું શીખી. ખૂબ જ પોઝિટિવ અને દયાળુ. હંમેશા શાળા માટે તૈયાર. બાળકોના પ્રિય. તેમની વાતો કરતા આખો બ્લૉગ પૂરો થાય પણ અમારાં રાજેશસરની વાત પૂરી ના થાય !

     શરૂઆતમાં મને તો એમ જ કે આ શાળામાં કેવી રીતે કામ કરીશ ? સવારની પાળી અને ઝૂંપડપટ્ટી વિસ્તાર ના બાળકો. કેમનું મારું કામ અને તે પણ મારું ધાર્યું કામ કરી શકાશે? ધીરે ધીરે જેમ જેમ પ્રસંગો ઉપસ્થિત થતાં ગયાં તેમ સમજાઈ ગયું કે, આ બાળકો તો ખરેખર ખૂબ જ એક્ટિવ છે ! બાળસહજ તમામ વૃત્તિઓથી ભરપૂર છે ! આવાં વિસ્તારમાંથી આવેલાં બાળકો આવી બધી જ રીતે કેળવાયેલા હશે ! તે નો'તી ખબર. તો આ તમામ પ્રકારની કેળવણી , જેમકે,,, સફાઈ, સંગીત, પ્રાર્થના, શિક્ષણ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, ગણિત/ વિજ્ઞાન મેળો, ઉત્સવો ની ઉજવણી, વિવિધ સ્પર્ધાઓમાં ભાગીદારી અને ક્યારેક ઉત્તમ પ્રદર્શન ! આ બધું ક્યાંથી ! આ શાળાનાં આચાર્યશ્રી અને તમામ શિક્ષકોના સાથ અને સહકારથી આ બાળકો નું યોગ્ય ઘડતર થયું હતું. 

      મેદાન વિનાની નાની શાળા, રિસેશમાં બાળકોની પ્રવૃત્તિઓ જોઈ નવાઈ પામી. પ્રથમ તો બાળકો ચેસ રમતા. ચેસ રમતાં બાળકીને જોઇને થયું કે, બાળકો સાચી રીતે રમતાં હશે ? કે પછી એમ જ નિયમો અને રમવાની રીત જાણ્યા વિના રમતાં હશે ? બાળકોની પાસે જઈને જોયું અને જાણ્યું કે બાળકો સાચી રિતે ચેસ રમતાં હતાં. મારી પણ પ્રિય રમત હોઈ શરૂઆતમાં એકવાર બાળકો સાથે રમી અને જીતી પણ ગઇ. બાળકોને ખૂબ મઝા આવી. બાળકોએ રોજ રમવાનું આમંત્રણ આપી દીધું પણ પછી કદી રમવા ગઈ નથી. બાળકોની વિવિધ રમતો જોઇ મને એ તમામ રમતોને શિક્ષણ સાથે જોડી અને શિક્ષણકાર્ય કેવી રીતે આપી શકાય ? તે આયોજન મગજમાં ગોઠવતી ગઈ. 

 આમ, શાળાનાં બાળકો ખૂબ જ તરવરાટ વાળા અને જિજ્ઞાસુ હતાં. આપણે જે ઈચ્છીએ તે ધારેલું કામ પાર પાડી શકીએ તેવો સહકાર મળે તેવા બાળકો ! 

    સાથે સાથે શાળામાં જે ઉષ્માભર્યું અને પરિવાર જેવું લાગે તેવા વાતાવરણનું નિર્માણ કરનાર તમામ શિક્ષકોની ઊંચી સૂઝ અને સમજ ને દાદ આપવી ઘટે ! દરેકમાં કંઇકને કંઇક, આપણને ઉપયોગી અને જીવનમાં શીખવા મળે તેવાં શિક્ષકો ! સૌને ઘર જેટલી જ શાળા વહાલી. ઘર જેટલી જ સારસંભાળ રાખે. સૌ બાળકોને ખૂબ સાચવે. પ્રાર્થના સંમેલનમાં બાળકો માટે કંઇક નવું નવું લઈને આવે જે નાના - મોટા સૌને ગમે.

     ખરેખર હું આ શાળામાં આમતો, ત્રણ વર્ષ અને દશ માસ રહી. 

  એમાં હું ચૌદ માસ ધોળાકૂવા શાળામાં રહી. ( ધોળાકૂવા શાળાની વાત અલગ થી કરીશ. ત્યાં પણ ખૂબ જ સરસ બાળકો અને સ્ટાફ છે. જે આ અગાઉ વાત કરવાની હતી પણ આળસમાં ! )  

  આમ, ટોટલ તો બે વર્ષ અને આઠ માસ નો સમયગાળો આ શાળામાં ગળ્યો. 

ઘણું શીખી. 

ઘણો સાથ- સહકાર મળ્યો.

ઘણાં સારાં મીત્રો મળ્યા.

એક આદર્શ આચાર્ય કેવા હોય ! તે જાણ્યું, જોયું, શીખી !

ખૂબ શાંતિ અને પ્રેમ મેળવ્યો. 

ખૂબ પ્રેમાળ બાળકો મળ્યા ! 

મારી લકી સ્કૂલ ! 

ઘણાં સન્માન પ્રાપ્ત થયાં. 

ખૂબ આનંદ થયો ! 

બાળકોએ ઘણું શીખવ્યું. 

  " આપણને પ્રાપ્ત થતી સારી વસ્તુ, વ્યક્તિ અને સ્થળ ખૂબ ઓછા સમય માટે મળે છે. "


Rate this content
Log in