માની મીઠી યાદો
માની મીઠી યાદો
"મા" આ એક મીઠો શબ્દ મારી જિંદગીમાં કાયમ માટે મમ્મીના ગયાં પછી વિલિપ્ત થઇ ગયો. દિલના હર એક ધબકારમાં હરપળ જીવતો. જયારે હું દુનિયામાં પહેલીવાર આવી ને આંખો ખોલી હશેને, ત્યારે "મા"ને મને જોવાની તાલાવેલી કેટલી હશે, એ મમતા ભર્યો હાથ મારા માથે ફેરવવાની રાહ જોતી હશે. ત્યારે જ "મા"એ એની હેત ભરી છેલ્લી આંગળી મારા હાથમાં પકડાવી હશે. મમતા ભર્યો એ વાત્સલ્ય સભર હાથ મારા માથામાં ફેરવ્યો હશે. ત્યારે એ પોતે પણ એટલુંજ હરખાઈને પ્રસવપીડા પણ ભૂલી ગઈ હશે.
મારા એક અવાજે મારી પાસે દોડી આવતી, વ્હાલ વરસાવતી. એના સ્પર્શ માત્રથી મારી સઘળીયે વેદના નાશીપાત થતી. એના મીઠા મધુરા બોલ આંખોમાં નીંદરરાણી ને લઈને આવતા. આજે એજ વાત્સલ્ય સભર મમતા કેરો સ્પર્શ ઝંખું છું. "મા" તારા એજ મીઠાં મધુરા અવાજને તરસું છું "મા", મારા દિલમાં ઉઠતાં આ દર્દના વમળોને કેમ કરી શાંત રાખું હું "મા" ?
તું એવી દુનિયામાં જઈને વસી ગઈ છે "મા" જ્યાં હું તારા નામે કોઈ કાગળ પણ લખીને પહોંચાડી નથી શકતી "મા" હવે આગળ શું લખું હું ? કઈ લખી શકું તારા માટે એવા શબ્દો પણ નથી મારી પાસે. બસ એટલુંજ દિલમાંથી નીકળે છે, અને એટલુંજ તારા સુધી પહોચાડવુ છે મારે, કે તારા વિના તારી આ દીકરી ખુબજ તૂટી ગઈ છે, તારી દીકરીનું અસ્તિત્વજ નથી. તુંજ સદા સર્વદા સર્વસ્વ હતી મારૂં "મા"
મિસ યુ મમ્મી
તારી લાડકી દીકરી...
