Arjunsinh Raulji

Others

3  

Arjunsinh Raulji

Others

લોહીનો પોકાર

લોહીનો પોકાર

11 mins
14.1K


“આજે ભાભી આવ્યાં હતાં – રડતાં રડતાં.” બોલતો બોલતો અભિનવ ઘરમાં દાખલ થયો પણ ઘરમાં ચાલતી વાતચીતે તેને આગળ બોલતો અટકાવી દીધો. સુમી બેલાને કહી રહી હતી, “ભાભી, આખરે એને ને મારે લોહીનો સબંધ છે એટલે...” ને પછી તેનું એક ડૂસ્કું. અભિનવે પોતાની વાત ત્યાંથી જ અટકાવી દીધી. સાંજે સુમી કામ પૂરું કરીને જાય પછી વાત – એમ વિચારીને તેણે વાત તો અટકાવી દીધી પણ તેના મગજમાં ચાલતું તુમુલ યુધ્ધ અટકાવવાની તેની ક્ષમતા ક્યાં હતી?

ડુંગર તરફથી આવતો ઠંડો પવન પણ તેના ઉદ્વીગ્ન મનને શાતા આપી શકે તેમ નહોતો. મગજમાં તો જાણે કે ઘમાસાણ મહાભારતનાં મંડાણ થયાં હતાં. તેણે બેલા તરફ જોયું પણ બેલા તો સુમીની વાતો સાંભળવામાં ગળાડૂબ હતી. જો કે તેને પોતાને તો ગળા સુધીની ખાત્રી હતી કે બેલા કોઈપણ સંજોગોમાં નમતું આપવા તૈયાર થવાની નથી. મોટાભાઈ અને ભાભીએ તેમને વિતાડવામાં અને વગોવવામાં કશું જ બાકી રાખ્યું નહોતું.

એક જમાનો હતો – મોટાભાઈ અને ભાભીનો. સમાજમાં ડંકો વાગતો હતો રાઘવેંદ્રના નામનો. જ્યાં જૂઓ ત્યાં બસ રાધવેંદ્ર જ રાઘવેંદ્ર. સામાજિક મેળાવડો હોય કે લગ્ન પ્રસંગ, કોઈના મરણનું બેસણું હોય કે સરવણીનો ખાટલો નાખ્યો હોય, મોટાભાઈ રાઘવેંદ્રના નામના જ સિક્કા વાગતા. લોકો કહેતાં – રાઘવેંદ્ર એટલે રાઘવેંદ્ર. વહેવારમાં ક્યારેય પાછો ના પડે. વટભેર. જ્યારે પેલો નાનો અભિનવ તો જાણે કે કાંઈ સમજતો જ નથી. ના વહેવારનું જ્ઞાન ના કશી બુદ્ધિ. બસ, એક જેમ તેમ નોકરી કરી ખાવાની. બાકી બીજું કશું નહીં. અને નોકરી પણ ક્યાં મોટી ભારે નોકરી હતી? માંડ માંડ ઘર ચાલે એવી નોકરી...! હશે આઠ-દસ હજાર રૂપિયા પગાર. આ મોંઘવારીમાં તેનો શો ધડો?

મોટાભાઈ અને ભાભી જાણી જોઈને,  તે જાણતાં હતાં કે લાંબો વહેવાર કરવાની નાના ભાઈની ત્રેવડ નથી એટલે તેમને નીચાં દેખાડવા જાણી જોઈને લાંબો વહેવાર કરતાં, જેથી નાતમાં સરખામણી થાય અને અભિનવનું ખરાબ દેખાય.

આટલેથી અટકયાં હોત તો પણ વાંધો નહોતો, પણ જ્યાંને ત્યાં અભિનવ અને બેલાને વગોવતાં ફરતાં. બેલા માટે તો કહેતાં – સાવ ફુવડ જેવી છે, નથી સાફ સફાઈનું ભાન કે નથી વહેવારનું જ્ઞાન. બસ, લટ્ક મટ્ક બે સારા ડૂચા પહેરી, ટાપ ટીપ કરી ફરવાથી કાંઈ મોટાં થઈ જવાતું હશે ! ન તો અભિનવને વહેવારનું કોઈ જ્ઞાન છે ના તેની બૈરી બેલાને...! રાઘવેંદ્ર અને ભાભી બંને એમ માનતાં હશે કે સમાજમાં બધાં તેમના જ છે, પણ એ લોકો ભૂલે છે કે પચાસ સગાં તેમના તરફી હોય તો પાંચ અભિનવ તરફી પણ હોય જ ને? અરે! કેટલાક તો એવા પણ હોય છે કે જે દુધમાં અને દહીંમાં એકસાથે પગ રાખે છે. અરે ! આ બાજુથી વાત જાણી, તેમાં મરી મસાલો ઉમેરી પેલી બાજુ જઈને કહે અને પેલી બાજુથી વાતો જાણી તેમાં મરચું – મીઠું ભભરાવી આ બાજુ આવીને કહે...! તેમને બંને પક્ષો વચ્ચેનું અંતર વધારવામાં જ રસ હોય...! પણ... મોટાભાઈ કે ભાભી બેમાંથી કોઈને પણ આવું થતું અટકાવવામાં રસ નહોતો. તેમની વચ્ચેનો મતભેદ મનભેદમાં પરીણમે તેમાં જ રસ હોય છે. રાઘવેંદ્રની જગ્યાએ બીજો કોઈ ભાઈ હોય તો નાના ભાઈને મદદ કરી કેટલો આગળ લઈ આવે...! ભગવાને બધું જ આપ્યું હતું તેને , ભણેલો ગણેલો માણસ હતો, સરકારી ક્લાસ વન ઓફિસર હતો, તે ધારે તે કરી શકે, તેને સારી જગ્યાએ નોકરી પણ અપાવી શકે, સારા પગારની સરકારી નોકરીનો મેળ ના પડે પણ ખાનગી કંપનીમાં તો નોકરી અપાવી શકે ને? પૈસાની મદદ પણ કરી શકે. સાજા-માંદે તેની પડખે ઊભો રહી, તેને હિંમત આપી શકે, પણ ના... કશું જ નહીં, માત્ર અભિમાન જ – પોતાની નોકરીનું, પોતાના પગારનું અને ભાભીને તો પોતાના રૂપનું પણ અભિમાન...!

ભાભીનું પિયર ખૂબ પૈસાવાળું અને બેલાના પિયરમાં તો ખાવાનાં પણ ફાંફાં એટલે બધાંને કહેતી ફરે કે – શું છે બેલાના પિયરમાં? સાવ ભૂખડીબારસ છે, બે માણસોને લઈને જઈએ તો પણ ના સમાય...! ઉલ્ટી લઈ જનારની આબરૂ જાય...! કોઈને લઈને ના જવું હોય તો કાંઈ નહીં પણ આમ વગોવવાનો શો અર્થ? બેલાને અને અભિનવને બસ કોઈપણ રીતે વગોવવાં – એ એક જ હેતુ. પછી બેલાને પણ ગુસ્સો આવે અને અભિનવને પણ ગુસ્સો આવે પણ શું કરે? બેલા અભિનવને ફરિયાદ કરે તો અભિનવ એમ જ કહે, "હશે, એમનું મોંઢૂં ગંધાશે, આપણે એવું બધું નહીં વિચારવાનું. ભગવાન તો છે ને જોનારો." અભિનવની એ વાત આજે સાચી પડી હોય એવું અભિનવને લાગ્યું. ભાભી રડતાં રડતાં આવ્યાં અને...!

રાઘવેંદ્રને ત્રણ દીકરા. ત્રણે ભણવામાં પહેલેથી હોંશિયાર. આ ઉપરાંત બાપની લાગવગના કારણે આગળ આવે ને? હોંશિયાર હોય અને બાપની લાગવગનો ધક્કો લાગે એટલે પછી આગળ નીકળી જાય ને? મોટા બે મીકેનીકલ એન્જીનીયર થયા હતા અને જુદી જુદી કંપનીઓમાં ઓફિસર હતા. નહીં નહીં તો ય લાખ લાખ રૂપિયા પગાર હશે બંનેનો. સૌથી નાનો સોફ્ટવેર એન્જીનીયર હતો જે અમેરિકા હતો. પૈસાની રેલમછેલ હતી. દસ-વીસ હજાર ઓછા થઈ જાય તો ય તકલીફ પડે એમ નહોતું. પણ હરામ બરાબર જો નાના ભાઈને મદદ કરે તો...!

અનિકેતને એક દીકરો અને એક દીકરી. એ લોકો પણ ભણવામાં હોંશિયાર. પણ  ટ્યુશન વિના, કોઈ પણ પ્રકારની લાગવગ વિના આગળ આવવું મુશ્કેલ...! છતાં મોટાભાઈને કે ભાભીને ક્યારેય એવો ઉમળકો આવ્યો નથી કે – ચાલો છોકરાં ભણવામાં હોંશિયાર છે તો થોડી ઘણી મદદ કરીએ. થોડી ઘણી લાગવગ કરીએ, પણ ના... એ એમના અભિમાનમાંથી ઊંચાં આવે તો ને? બાકી બીજો હોય તો કહેશે, મારેતો છોકરી નથી, મારા ભાઈની છોકરી એ મારી જ છોકરી છેને ! એને મદદ કરું, ભણવામાં મદદ કરૂં, મારી લાગવગથી સ્કોલરશીપ અપાવું. પણ ના...! બાકી એ ધારે તો બધું જ કરી શકે – આખરે ક્લાસ વન ઓફિસર હતો. અરે ! પોતાની છોકરી સમજીને પરણાવવાની પણ બધી જ જવાબદારી ઉપાડી લે. એટલે જ તેની આ દશા થઈ છે. ત્રણ ત્રણ છોકરા હોવા છતાં એકેય છોકરો કે વહુ તેની પડખે ઊભા રહેવા તૈયાર નથી.

એનો અર્થ એ થયો કે ખામી એ બંનેમાં છે, એ બંનેના સ્વભાવમાં છે. બાકી ત્રણ ત્રણ દીકરા, અને આવા મુશ્કેલીના સમયે ત્રણમાંથી એક પણ દીકરો કે વહુ જો પડખે રહેવા તૈયાર ના હોય, મદદ કરવા તૈયાર ના હોય તો તેનો એક જ અર્થ થાય કે મોટાભાઈ અને ભાભી બંનેનો સ્વભાવ ખરાબ છે.

ભાભી આવ્યાં હતાં તે પણ અભિનવની ઓફિસે, ઓફિસે આવવાની શી જરૂર? શું કરે બિચારી? ઓફિસે જ આવવું પડેને? સ્વભાવ એવો રાખ્યો હોય તો ઘેર આવવા પગ ક્યાંથી ઉપડે? બેલાની બીક લાગતી હશે – ઘેર આવતાં! કદાચ બેલા મોંઢું તોડી લે તો? કદાચ ઉતારી પાડે તો? શું કરે બિચારાં ભાભી પણ?

મોટાભાઈની બંને કિડનીઓ ફેઈલ થઈ ગઈ હતી, નડિયાદ કિડની હોસ્પીટલમાં દાખલ કર્યા છે, ડાયાલીસિસ ચાલે છે. ધૂમ ખર્ચો થાય છે અને પૈસેટકે ખાલી થઈ ગયા છે, પેન્શન આવે છે પણ તે તો બધું જ દેવામાં જતું રહે છે. જ્યારે અઢળક કમાણી હતી ત્યારે કોઈને મદદ કરવાની વાત તો બાજુ ઉપર રહી પણ પાછળનો – ઘડપણનો પણ વિચાર ના કર્યો, ત્યારે તો મદમાં રાચતા હતા મોટાભાઈ અને ભાભી બંને – અમારે તો કોઈની જરૂર નથી, ત્રણ ત્રણ દીકરા છે, સારું કમાય છે, અમારે કોઈની મદદની ક્યાંથી જરૂર પડવાની છે!

પૈસા બચાવવાની, ઘડપણ અને વૃદ્ધાઅવસ્થા માટે જોગવાઈ કરવાની પણ ચિંતા ન કરી, જેમ પૈસા આવે તેમ ખર્ચતા ગયા. રિટાયર્ડ થયા ત્યારે પણ ખાસ્સા પૈસા આવ્યા હતા. નાના ભાઈને કે ભાઈનાં છોકરાંને થોડી ઘણી મદદ કરી હોત તો લેખે લાગત. પણ ના બધાજ પૈસા ત્રણે દીકરાઓમાં વહેંચી દીધા. પોતાનો પણ વિચાર ના કર્યો, વિશ્વાસ હતો પોતાના લોહી ઉપર!

ઘડપણમાં સેવા ચાકરી કરશે – એવા ખ્યાલોમાં જ રાચતા રહ્યા. દેવું કરી કરીને પણ દીકરાઓને આપતા જ રહ્યા અને સ્વભાવ પણ સારો રાખ્યો હોય તો કોઈ આવા સંજોગોમાં પડખે રહેને? પણ ના... એ બંને જણ તો એક જ અહમમાં રાચતાં હતાં કે અમારે તો કોઈની જરૂર નથી. પછી શું કામ બીજાનો ગોલાપો કરવો?

હવે પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ હતી, પાસે પૈસા નહોતા અને કોઈ તેમનું કરવા તૈયાર નથી એટલે શું કરે બિચારાં? ભાભી અભિનવની ઓફિસે આવીને રડતાં હતાં, ડાયાલીસિસનો ઢગલો ખર્ચો થાય છે, જો કોઈ ડોનર મળે તો કિડની બદલાવવાની છે, પણ તેના રૂપિયા લાવવા ક્યાંથી? ભાભીની રજૂઆત તો એવી હતી કે તમારા મોટાભાઈ છે, તમારી પણ ફરજ છે, મોટાભાઈની સેવા તમારે કરવી જોઈએ. તમારા મોટાભાઈની દવા દારૂ પણ તમારે કરવી જોઈએ. પણ ના...!

અભિનવ વિચારતો હતો કે અત્યારસુધી મોટાભાઈએ ક્યારેય નાના ભાઈનો વિચાર કર્યો હતો ખરો? મોટાભાઈ તરીકે તેમણે નાનાભાઈ માટે શું કર્યું? નાનાભાઈ તરફ મોટાભાઈની કોઈ ફરજ નહોતી? તેમણે કેટલી ફરજ બજાવી – મોટાભાઈ તરીકે? હજુ બેલાને તો આ વાત કરી જ નથી પણ બેલા જાણશે તો વિસ્ફોટ જ થશે...!

બેલાના મનમાં તો ભારોભાર નફરત ભરેલી છે આ લોકો માટે...! તે મોટાભાઈ કે ભાભી માટે મદદરૂપ થવાની વાત કોઈપણ સંજોગોમાં સ્વીકારશે નહીં જ...! અને ક્યાંથી સ્વીકારે? જ્યારે બેલાને જરૂર હતી ત્યારે ભાભી કે ભાઈ બેમાંથી એકેય મદદ કરવા તૈયાર નહોતાં ત્યારે તો એ લોકોએ મોંઢું ફેરવી લીધું હતું. હજુ વધારે સમય પણ વીત્યો નથી એ વાતને...!

અભિનવને યાદ આવ્યું. ગયા વરસે જ વળી. જુન જુલાઈની આસપાસનો જ સમય હતો. બે ત્રણ દિવસથી બેલાને પેટમાં થોડો થોડો દુખાવો થતો હતો. સામાન્ય ડોક્ટરની દવા પણ લાવી હતી બેલા. કદાચ એસિડિટી થઈ ગઈ હોય કે પછી પેટમાં ગેસ થઈ ગયો હોય એવું લાગતું હતું બેલાને. ડોક્ટરને પણ એવું જ લાગતું હતું આથી તેની જ દવા એન્ટાસિડ આપતા હતા પણ ખાસ કોઈ ફેર જણાતો નહોતો. જેમ તેમ જેમ તેમ ચાર પાંચ દિવસ તો કાઢ્યા પણ પછી એક દિવસે. રાતે નવ વાગ્યાથી જ પેટમાં થોડું થોડું દુખતું હતું... દવાનો ડબલ ડોઝ લીધો તો પણ દુખાવો તો ઘટવાના બદલે વધતો જ જતો હતો. રાત્રે લગભગ ત્રણ વાગ્યાના સુમારે... પેટનો દુખાવો ખૂબ જ વધી ગયો. હવે તો બેલાથી રહેવાતું પણ નહોતું. ના બેઠાં બેઠાં રહેવાય કે ના ઊભાં ઊભાં, સૂતાં સૂતાં રહે તો પણ દુખાવામાં કોઈ રાહત નહીં. હવે શું કરવું? અભિનવ પાસે તો બાઈક હતી. બાઈક ઉપર અડધી રાતે જવામાં જોખમ...! પેટમાં દુખાવો થતો હતો એટલે બાઈક ઉપર કેમનું બેસાય? મોટાભાઈને ત્યાં ગાડી હતી. પાછો બીજો પ્રશ્ન એ હતો કે અડધી રાતે ખાનગી દવાખાને જાય તો ઈમરજન્સીના પૈસા ચૂકવવા પડે. મહિનાની છેલ્લી તારીખો ચાલતી હતી એટલે ઘરમાં પૈસા પણ નહોતા...!

પૈસા વગર શું કરવું? એક તરફ બેલાનો પેટનો દુખાવો વધતો જતો હતો, તેનાથી રહેવાતું પણ નહોતું અને બીજી તરફ ઘરમાં ખણ ખણ ગોપાલ હતા. ગાડી વગર તો કદાચ ચાલી જાય. ૧૦૮ બોલાવે કે પછી રીક્ષામાં લઈ જાય પણ દવાખાને જઈને શું કરે? ત્યાં જે પૈસા થાય તે ક્યાંથી કાઢે? ડોક્ટર કાંઈ સગો થતો નહોતો કે બાકી રાખે...!

ખૂબ ખૂબ વિચાર કર્યો પણ અભિનવને બીજો કોઈ રસ્તો ના જ મળ્યો એટલે છેવટે મોટાભાઈને જ ફોન કર્યો. ફોન પણ આ ભાભી જે હાલ અભિનવ પાસે આવી રડતી હતી તેણે જ ઉપાડ્યો. અભિનવે બધી વાત કરી – અને બેલા સખત બિમાર છે. તમે તાત્કાલિક થોડા ઘણા પૈસા અને ગાડી લઈને આવી જાવ – એવી વાત કરી ત્યારે આજ ભાભી ખોટું બોલી – તમારા ભાઈ ડીસ્ટ્રીકટથી હમણાં જ આવ્યા છે, છોકરાઓની પરીક્ષા ચાલે છે અને તમારા ભાઈને તો ત્રણ રાતનો ઉજાગરો છે એટલે ઊંઘી ગયા છે, ગાડી પણ બાજુવાળા અમદાવાદ લઈ ગયા છે એટલે કેવી રીતે આવીએ? ના આવી – એ ભાભી, ધરાર ના પાડી દીધી. એને ના પાડતાં શરમ પણ ના આવી. એ ભાભી અને ભાઈ માટે હવે અમારે દોડવાનું? અભિનવનું મન પણ કચવાતું હતું – શા માટે? એ તો પાડોસી રેખાબહેન સારાં તે બિચારાં પૈસા લઈ તરત જ જાણ્યું એવું દોડ્યાં અને બેલાને દવાખાને લઈ ગયાં. તે પણ રીક્ષામાં. ડો. ધવલને ત્યાં લઈ ગયા. તેણે તો બેલાને દાખલ કરી દીધી. ટેસ્ટ, એક્ષ્રરે, સોનોગ્રાફી કેટલો બધો ખર્ચો થયો હતો? દસ મહિને રેખાબહેનના પૈસા આપ્યા હતા. અને સગો ભાઈ? બેલાને દાખલ કર્યા પછી ચોથા દિવસે આવ્યાં હતાં એ લોકો ખબર કાઢવા. તે પણ દુનિયાને બતાવવાજ ને? બાકી ક્યાં લાગણી હતી બેલાની...! અને પાછા મોટાભાઈ તો વળી કહે – અભિનવ, કાંઈ જરૂર હોય તો કહેજે, મૂંઝાતો નહીં. અભિનવ તો પૈસાની વાત કરવા માગતો હતો પણ બેલાએ જ ના પાડી. આપણે વ્યવસ્થા થઈ ગઈ છે ને પછી? શા માટે કોઈનો અહેસાન ચઢાવવો? તમારા ભાઈ પૈસા પાછા તો લેવાના જ છે ને? પછી રેખાબહેન શું ખોટાં? એ કાંઈ ઉંબરો તોડી પાડે એવાં નથી...!

આવાં આ ભાઈ-ભાભી. હવે ફસાયાં છે એટલે દિયર પાસે આવીને રડે છે. બાકી ન તો એમને દિયરની પડેલી છે ના દિયરનાં છોકરાંઓની...! ભાભી તો હવે અભિનવને તેની ફરજ શીખવી રહ્યાં છે, કોણ જાણે કેમ તેમણે પોતે તો પોતાની બધી જ ફરજો નિભાવી ના હોય...! અરે...! બધી વાત બરાબર. ચાલોને પાછલો ભૂતકાળ ભૂલી જઈએ. અભિનવ અને બેલાની ફરજ છે કે મુશ્કેલીના સમયમાં તેમની પડખે રહેવાની, માની લીધું...! મોટાભાઈની સેવા-સુશ્રુષા કરવાની પણ ફરજ છે. પણ તે માટે નાણાં જોઈએ તેનું શું? ક્યાંથી લાવવા પૈસા? આટલા ટૂંકા પગારમાં બચતના નામ પર તો મીંડું જ હતું. હા... થોડી ઘણી બચત હતી – પેટે પાટા બાંધી બાંધીને કરેલી બચત હતી પણ તે કોના માટે? અમી – તેમની એકની એક દીકરી, હવે તો કોલેજના બીજા વર્ષમાં આવી હતી તેના લગ્ન માટે. બે-પાંચ વરસ પછી તેના હાથ પીળા કરવા પડશે. વધારે નહીં તો પણ ઓછામાં ઓછો સાતેક લાખ રૂપિયાનો ખર્ચો છે. આટલા ટૂંકા પગારમાં આટલી મોટી રકમ તો એક સામટી કાઢી ના શકાય એટલે છેલ્લાં દસ – અગિયાર વર્ષથી થોડા થોડા કરીને પાંચેક લાખ રૂપિયા બચાવ્યા હતા. તે થોડા કાઢી નખાય? પછી અમીને પરણાવવાની થાય ત્યારે ક્યાંથી લાવવા પૈસા? તે વખતે કોઈ બાપો પણ ઊભા ના રાખે ! અને એ અમીને… ક્યારેય એના મોટા પપ્પાએ નથી તો લાડ કર્યા કે નથી ક્યારેય તેના માટે વારનું ચીંથરું લાવ્યા ! અમી તો કાયમ કહેતી – મમ્મી, બધાંના મોટા પપ્પા અને મોટી મમ્મી તો કેટલી બધી વસ્તુઓ લાવતી હોય છે પણ મારા મોટા પપ્પા કે મોટી મમ્મી તો કશું ય લાવતાં નથી, એવું કેમ? બેલા એને શું જવાબ આપે? તેમની સ્થિતિ નથી બેટા, તારા માટે વસ્તુઓ લાવવાની…!

અરે! અમી કાયમ સાયક્લ લઈને કોલેજ જાય, મોટાભાઈ અને ભાભી જુએ છે તો પણ ક્યારેય તેમને ઉમળકો નથી આવ્યો કે બે ભાઈ વચ્ચે આ એક જ છોકરી છે તો લાવ તેને જુનું તો જુનું સ્કૂટી કે એક્ટીવા લાવી આપું. ના... પછી અત્યારે શું જોઈને એ લોકો અપેક્ષા રાખતાં હશે કે મોટાભાઈની સેવા ચાકરી અને દવાદારૂનો ખર્ચ અભિનવ કરે…!

અભિનવની વિચારધારા હજુ તો ના જાણે કેટલી લંબાત, પણ બારણું ખખડ્યું, બેલાએ બારણું ખોલ્યું, એટલે અભિનવની વિચારયાત્રા અટકી.

“ભાભી, ગમે તે કરો પણ મને વધારે નહીં બે હજાર રૂપિયા કરી આપો.” સુમી બોલતી હતી.

“અલી સુમી, તું ગાંડી થઈ ગઈ છે? ભલેને એનું જે થવાનું હોય તે થાય. તે ક્યાં તારી લાગણી કરીને તૂટી જાય છે? ભાઈ છે તો શું થઈ ગયું. ઉપરથી તને તો ઢોર માર મારે છે. છોને પોલિસવાળા લઈ જતા. થોડોક હલકો કરવા દે એને. તું પૈસા આપીને ના છોડાવીશ એને…!”

“ના... ના... ભાભી, મારાથી એવું ના થાય. કૂતરું બચકું ભરે એટલે શું આપણે સામું બચકું ભરવાનું? મારું અને એનું લોહી એક છે, તેના લોહીનો પોકાર જો હું ના સાંભળું તો મારા લોહીનો રંગ ફિક્કો પડી જાય. ના... ના... ભાભી મારાથી એવું ના જ થાય…!”

“અભિનવના કાનમાં તમરાં બોલતાં હતાં – લોહીનો પોકાર... લોહી ફિક્કું પડી જાય... ના...ના...”


Rate this content
Log in