STORYMIRROR

Mrugtrushna *Tarang*

Children Stories Comedy Fantasy

4  

Mrugtrushna *Tarang*

Children Stories Comedy Fantasy

લાલ કિતાબ

લાલ કિતાબ

5 mins
48

  "આ 'લાલ કિતાબ'નો શો મામલો છે બીરબલ ? મારાં સ્વપ્નમાં રોજ રોજ એજ કિતાબ કેમ દેખા દે છે?"

  બીરબલ અકબર બાદશાહની આ અજીબોગરીબ આદતથી વાકેફ હોવા બાદ પણ દર વખતની જેમ આજે પણ એને આશ્ચર્ય જ થયું કે જે પણ થતું આવ્યું છે એ બાદશાહ સાથે જ કેમ થયું છે? આનો ઉપાય તો કરવો જ રહ્યો, અને એ પણ કાયમનો !

  "જી હજુર ! હું શોધખોળ કરી જાણ કરું આપને." 

  "આજ સાંજ પહેલાં જ. મારે આજે રાત્રે ફરી એજ સ્વપ્ન નથી જોવું. ધ્યાનમાં રાખજે બીરબલ !"

  "કોશિશ તો એવીજ રહેશે સરકાર. બાકી અલ્લાહ માલિક!"

  સલામી ઠોકી બીરબલ તો ચાલ્યાં પોતાને રસ્તે. ત્યાં મારગમાં એને માટીથી લીંપેલી એક ઝૂંપડી દેખાણી. ઝૂંપડીમાં ડોકિયું કર્યું તો ત્યાં ચાચા ચૌધરીનો સાબૂ જમીન ખોદતો દેખાયો.

  બીરબલને જોઈ સાબૂ ઝંખવાયો ખરો પણ, તુરંત સ્વસ્થતા મેળવી બિરબલ સમક્ષ હાજર થયો.

  "આપ જેવા મહાનુભવ અમારી કુટિયામાં ક્યાંથી સરકાર ?"

  "સાબૂ, આજે એકલો જ પરિભ્રમણ કરવા નીકળ્યો ! તારાં ચૌધરી સરકાર શું નાળિયેરી ચઢવા ગયા છે કે !?"

    પ્રશ્ન સામો પ્રશ્ન આવતાં સાબૂ અટવાયો, ગૂંચવાયો ય ખરો. પણ, સાવધાનીપૂર્વક જવાબ આપવાની ચાચાજીની આવડતને મનોમન બિરદાવતો એમનાં જેવા જ ઉત્તર આપવા માટે વાંકો વળી બીરબલને પોતાની હથેળીએ લઈ ઊભો થયો.

    "બીરબલનાં અકબર બાદશાહને મળવાનું નિમંત્રણપત્ર યોજી રહ્યા હોય ત્યાં હું કેમનો ખલેલ પાડી શકું ? બસ, એટલે અહીં ધ્યાનસ્થ થવાની જગ્યા ખોદી રહ્યો હતો."

    અટપટા જવાબો આપવા માટે બીરબલ કુખ્યાત ગણાતો. જ્યારે આજે તો પાસું ઊંધું પડી રહેતુ દેખાતાં બીરબલને યુક્તિ કરવાનો મોકો ન મળ્યો.

    સાબૂએ બે ઘડી વાટ જોઈ પણ, કોઈ પ્રત્યુત્તર ન મળતાં ફરી ખોદકામ શરૂ કરી દીધું. આખીયે ઝૂંપડી ફેંદી વળ્યો પણ મળેલા સંકેત મુજબ કોઈ લાલ કિતાબ હાથ ન લાગતાં ત્યાંથી પોબારા નીકળી જવાનો ઈરાદો ગોઠવ્યો. અને એ મુજબ ઝૂંપડીની બહાર પણ આવ્યો. પરંતુ, બીરબલને ત્યાં જ ખોડાયેલો જોઈ અસ્ફૂટપણે કંઈક તો બબડ્યો.

    બીરબલ પણ સાબૂની ગડમથલ સમજી રહ્યો હતો. પરંતુ, એનેય સાબૂનું અહીં હોવું સાહજિક નહોતું લાગી રહ્યું. અને એટલે જ એણે પોતે જાતે ઝૂંપડીમાં જઈ ખોજબીન કરવાનું વિચાર્યું. અને ઝૂંપડી તરફ આગળ વધ્યો.

    પોતાની ચોરી પકડાઈ જશે ને ચાચાજી ભારોભાર નારાજ થશે એ ડરથી સાબૂ ઝૂંપડીની આડોઆડ ઊભો રહી ગહન વિચારોમાં ડૂબેલો હોય એવી એક્ટિંગ કરવા લાગ્યો.

    "કોની સરકાર ઉથલાવવાનાં ફેરામાં છો સાબૂ ભાઈ? સોટ્ટી સરકારે કંઈ ખોટું કર્યું છે તમારી સાથે ! મને કહો, અકબર બાદશાહની બાદશાહીયત હજુ પણ એવી જ બરકરાર છે. અહીંની રાજાશાહીને કમ ન સમજતાં. તમારી ફરિયાદનો નિકાલ જરૂરથી લાવવામાં આવશે."

    હવે સાબૂ બરાબરનો ફસાયો. ફસાવા ગયો'તો બીરબલને, અને ભૂલભૂલામણીમાં ખોવાઈ ગયો પોતે જ... સાબૂ વિચારવા લાગ્યો - ક્યારેક ખુદને જ ટપલી મારતો તો ક્યારેક માથું ખંજવાળતો. તો ફરી જીભ બહાર કાઢી હે હે હે કરી કૂતરાની જેમ હાંફતો...

    "હું કંઈક મદદ કરું સાબૂ ભાઈ ?" એવું પૂછવા સાથે બીરબલ સરકીને ઝૂંપડીમાં પેસી ગયો. અને ન જાણવાનું ઘણું બધું જાણી પણ ગયો. હવે, એ પોતે ચાહતો હતો કે સાબૂ જેમ બને એમ જલ્દી અહીંથી રવાના થાય. પણ, સાબૂ નામ પ્રમાણે જ ચીકણો નીકળ્યો. જાઉં, જાઉં કરતાં રોકાઈ જ ગયો.

    "શું વિચારો છો સાબૂ ભાઈ ?"

    "એ હું એમ વિચારતો હતો કે ચર્ચા અને દલીલમાં શું ફેર ?"

    "બસ એટલું જ ! બીજું કંઈક પણ હોય તો એય પૂછી લ્યો. આમ તો ચાચાજી આ બાબતે ખૂબ સારી રીતે સમજણ પૂરી પાડે. પણ, આપે પૂછ્યું જ છે તો મારી ફરજ બને છે તમને જવાબ આપવાની...કાં!!" - એમ કહી બીરબલ ઝૂંપડીમાં જ લાલ માટી પર બિછાયેલા સૂકા પાંદડાઓ પર પલાંઠી વાળી બેસી ગયો.

    "સાબૂ ભાઈ, એ તો વાત એમ છે કે,ચર્ચા એટલે વિચારોની આપ-લે.

અને

દલીલ એટલે અહમ્ ની આપ-લે..!!

   બોલો સરદાર આપ શું કરવા ઈચ્છો છો !?"

    સાબૂ જવાબ આપવા ક્ષણભર પણ ન રોકાયો અને અલાદ્દીનનાં ચિરાગમાંથી કથ્થઈ ધુમાડા સાથે જેમ જીન્ન બહાર નીકળે ને એજ રીતે ફરી એમાં ભરાઈ જાય બસ એમ જ એ સાબૂ સરદાર પણ દૂમ દબાવી ભાગ્યો... ઉડ્યો... જઈ પહોંચ્યો સીધો ચાચા ચૌધરીનાં ઘર આંગણે.

    ***

    અકબર અહીં ફતેહપુર સિકરીમાંના કિલ્લામાં આંટાફેરા મારતાં મારતાં વિચારવા લાગ્યાં... આ મુઓ બીરબલ ક્યાં રોકાઈ ગયો ! હવે હું જોધાબાઈને શો જવાબ વાળીશ ! ફરી નામોશી ભોગવવાનો વારો ન આવે પરવરદિગાર ! 

    (બે હાથ ઉપર આસમાન તરફ ઊંચા કરીને) ''યા ખુદા ! મહેર કર. સમય રહેતાં બીરબલને જલ્દીથી જલ્દી જવાબ સાથે કિલ્લાનો રુખ લેતો કર. વર્ના આજે તારો આ બંદો એની બેગમ સાથે આંખ નહીં મિલાવી શકે !"

    સાંજ પહેલાં તો બીરબલ અકબર બાદશાહનાં બગીચામાં ચુપકીદીથી દાખલ થયો. બાદશાહ સલામતને કાનમાં કંઈનું કંઈ કહી નાંખ્યું અને દરબારમાં જવાબ આપવાનું વચન પણ આપ્યું.

    બીજા દિવસની પરોઢ અકબર બાદશાહ માટે ખાસમખાસ હતી. ત્રણે રાણીઓ પરદાનશીં થઈ પોતાનાં સિંહાસન પર વિરાજમાન થઈ.

    બાદશાહ અકબર પણ સિંહાસન પર બેસતાં પહેલાં ખાતરી કરી લે છે કે એમનાં નવેનવ રત્ન હાજર તો છે ને ! એમાંય ખાસ બીરબલ.

    સલામ ઠોકી બીરબલે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. આંખનાં ઈશારાથી બાદશાહ સલામતને ધીરજ ધરવાની સલાહ આપી. ત્યાં સાબૂ અને ચાચા ચૌધરી બંન્ને બાદશાહીયત માણવા હાજર થઈ ગયાં.

    ચાચાજીને હાજરાહજુર જોઈ બાદશાહ સાથે રાણીઓ પણ ખુશખુશાલ થઈ ગઈ. અને ત્રણેવનાં તેરે તેર શહેઝાદાઓ તથા શહેઝાદીઓ પણ તાળીઓ વગાડી વાહવાહ કરવા લાગી.

    સાબૂને અત્યાર સુધી કૉમિક બુકમાં જ જોયો હતો. આજે તો બાદશાહ સલામતની મહેરબાનીથી નજરોનજર જોવા મળી રહ્યો હતો.

    બીરબલે સાબૂ સાથેની ગઈકાલની પૂર્ણ કહાણી બયાં કરી અને અંતે એ લાલ કિતાબ બાદશાહ અકબર સામે રજૂ કરી.

    લાલ કિતાબ જોઈ ચાચા ચૌધરી સાબૂ સામે કડકાઈથી જોઈ રહ્યાં. અને સાબૂ બિચારો કાનની બુટ પકડી ઊઠકબેઠક કરવા તૈયાર થઈ ગયો.

    અકબરે બીરબલને એ લાલ કિતાબ ક્યાં અને કેવીરીતે મળી એનું વિસ્તૃત વર્ણન કહેવાનો આદેશ આપ્યો.

    બીરબલ કહેવા જ જઈ રહ્યો હતો ત્યાં સાબૂએ કંઈક કહેવા માટે પરવાનગી માંગવા ચાહી, પણ, ચાચાજીએ એનો હાથ ઝાલી ચૂપ બેસવાનો ઈશારો કર્યો.

    એટલે બીરબલ બોલ્યો: "જનાબ, સાબૂ સાથેનાં વાર્તાલાપ દરમ્યાન હું એટલું તો જાણી જ ચૂક્યો હતો કે, સાબૂ કંઈક શોધવા જ અહીં સુધી લાંબો થયો હોવો જોઈએ. બસ, એનાં ગયા બાદ મેં ઝૂંપડીમાં નિરીક્ષણ કર્યું તો જણાયું કે, ઝૂંપડીની ભીતરની દીવાલો લીંપેલી હતી. એ પણ લાલ માટીથી. એ લીંપણ વચ્ચે છાણથી નાના મોટા બાકોરાં બનાવેલા હતાં. એમાંના દરેક બાકોરાંને તપાસ્યા બાદ મેં ત્યાંથી વિદાય લીધી. 

    "તો બીરબલ તને આ કિતાબ મળી ક્યાંથી ?"

    "એમાંના જ એક બાકોરામાં. એ કિતાબમાં ચાચા ચૌધરીનાં કિસ્સાઓ લખેલા છે. અને રાણી સરકારને પોતાનાં બાળકોને એ વાંચવાનો શોખ નિર્માણ કરવો છે એટલે એમણે તમને એ શોધવા બાબતે આગ્રહ રાખ્યો. અને એટલે જ તમારાં સ્વપ્નમાં એ લાલ કિતાબે ધમાલ મચાવી દીધી."

    "વાહ, બીરબલ વાહ ! જેટલી પણ શાબાશી આપું એ ઓછી જ છે. તમે તો વગર મારાં કહ્યે બધી જ વાત અતઃ થી ઇતિ સુધીની જાણી લીધું ને ! અને, ઉપાય પણ મેળવી આપ્યો."

    "શુક્રિયા હજુર !" કહી બીરબલ વિરાજમાન થયો.

    અહીં ચાચા ચૌધરી અને સાબૂનેય સહુ તરફથી ખૂબ ખૂબ બહુમાન મળ્યું. રાણીઓ તથા એમનાં બાળકોએ ભેગા મળી એક ફેમલી ચિત્રાંકન પણ કરાવડાવ્યું.

    સાબૂને ચાચાજી તરફથી માફી પણ મળી ગઈ. એટલે સાબૂ ચાચાજીને લઈ ઊડી ચાલ્યો એમને ગામ.


Rate this content
Log in