કીડીનો ચટકો
કીડીનો ચટકો
એક રાજાને સાત કુંવર અને એક કુંવરી હતાં. એક દિવસ બધા માછલીના શિકારે નીકળ્યાં. દરેક કુંવર માછલી પકડે અને કુંવરી તેને તડકે સૂકવે. બધા કુંવરોએ એક-એક માછલી પકડી. માછલીઓને સૂકવવા મૂકીને તેઓ મહેલમાં ગયાં.
બીજા દિવસે કુંવરીએ જઈને જોયું તો એક માછલી સિવાયની બીજી બધી જ માછલીઓ સુકાઈ ગઈ હતી.
કુંવરીને નવાઈ લાગી. તેણે ભીની માછલીને પૂછ્યું, "બીજી બધી માછલીઓ સુકાઈ ગઈ અને તું ભીની રહી ગઈ ?"
માછલી કહે, "આ ઘાસની ગંજીએ મારા પર સૂર્ય પ્રકાશ ન પડવા દીધો એટલે."
કુંવરીએ ગંજી પાસે જઈને પૂછ્યું, "તેં સૂર્યપ્રકાશ કેમ અવરોધ્યો ?"
ગંજીએ જવાબ આપ્યો, "ગાયે ઘાસ ખાધું નહીં એટલે હું આમ ને આમ અહીં પડી રહીં."
કુંવરી પહોંચી ગાય પાસે અને પૂછ્યું "તેં ઘાસ કેમ ન ખાધું ?"
ગાયે જવાબ આપ્યો, "મારા માલિકે મારા વાછરડાને ધાવવા ન છોડ્યો તેથી મેં ઘાસ ન ખાધું."
કુવરીને ગાયના જવાબથી સંતોષ ન થયો એટલે તેણે ગોપાલકને પૂછ્યું કે, તેણે વાછરડાને ગાય પાસે જવા કેમ ન છોડ્યું ? ગોપાલકે ગૃહિણી તરફ આંગળી ચીંધીને કહ્યું, "તેણે મને સમયસર ભોજન ન આપ્યું તેના આવેશમાં હું વાછરડું છોડવું ભૂલી ગયો."
કુંવરીએ ઘરની ગૃહિણીનો સંપર્ક સાધ્યો અને તપાસ ચાલુ રાખી. ગૃહિણી ગભરાયેલી હતી, કુંવરીએ તેને પૂછ્યું. "તેં ભોજન કેમ તૈયાર ન કર્યું ?" તેણે ડરતાં ડરતાં જવાબ આપ્યો, "મારું બાળક કોણ જાણે કેમ ગઈકાલ સવારનું રડ્યા કરે છે. તેને છાનું રાખવામાં હું રોકાયેલી હતી એટલે રસોઈ બનાવવાની રહી ગઈ."
કુંવરીએ બાળકને પૂછ્યું કે, "શા માટે રડતું હતું,"
તેણે જવાબ આપ્યો, "મારી આંગળીએ કીડી ચટકો ભરી ગઈ એટલે મને રોવું આવતું હતું."
જ્યારે કુંવરીએ કીડીને પૂછ્યું કે "તેં શા માટે બાળકની આંગળીએ ચટકો ભર્યો ?"
ત્યારે તેણે પ્રત્યુત્તર આપ્યો "હું કેમ ચટકો ન ભરું ? બાળક મારા દરમાં આંગળી નાખે તો હું ચટકો જ ભરું ને !"
