Shalini Thakkar

Children Stories

4.8  

Shalini Thakkar

Children Stories

કાઈપો છે

કાઈપો છે

4 mins
325


જેમ જેમ ૧૪ મી જાન્યુઆરી નજીક આવતી ગઈ તેમ તેમ દર વર્ષની જેમ જ રોહનના મગજ પર પતંગ ચગાવવાનું ભૂત સવાર થતું ગયું હતું. રોહનને નાનપણથી જ લગભગ બધા છોકરાઓની જેમ પતંગ ચગાવવાનો ખુબ જ શોખ હતો. જેમ જેમ ઉતરાયણનો સમય નજીક આવે એમ એનું કોઈ કામમાં ચિત્ત ના લાગે. ઉતરાણના લગભગ એક મહિના પહેલાથી જ એ બધા મિત્રો સાથે ધાબા પર ચડી ને પતંગ ચગાવવાનો આનંદ લેવાનું શરૂ કરી દે. એનું પતંગ ચગાવવાનું ઝનૂન એટલું વધી જાય કે એ શોખ અને ગાંડપણ વચ્ચેની પાતળી રેખા ક્યારે ઓળંગી જાય એની એને પોતાને જ ખબર ના પડે. એનું ના તો ખાવા-પીવામાં ચિત લાગે કે ના તો પછી ભણવામાં. અને એમાં પણ કપાયેલા પતંગ પકડવામાં એને કોઈ ના પહોંચે. જેવો દૂરથી કપાતો પતંગ દેખાય એ સીધો જ ધાબા પરથી છાપરા પર કૂદે અને છાપરા પરથી નીચે જમીન પર કૂદકો મારી અને કપાયેલી પતંગ પાછળ એને પકડવા દોડે. એની આ આદતથી એના ઘરના બધા જ ખૂબ જ પરેશાન અને ચિંતિત હતા. પતંગ ચગાવવાનો શોખ કોને ના હોય ? અને એના એ શોખ સામે ઘરના લોકોને કોઈ વાંધો ન હતો. એના મોંમાંથી શબ્દો નીકળતા પહેલાં જ ઘરમાં પતંગનો અને ફિરકીઓ ઢગલો થઈ જતો. ઘરના લોકોને એના પતંગ ચગાવવાના અને કપાયેલી પતંગ પકડવાના ગાંડપણ સામે પરેશાની હતી. રોહનના મમ્મી-પપ્પાએ એને કેટલી વાર સમજાવ્યો હતો કે પતંગ એના જીવ કરતા વધુ કિંમતી નથી.. એ કહેશે એના કરતાં વધારે પતંગો ઘરમાં આવી જશે પરંતુ મહેરબાની કરીને એ કપાયેલી પતંગ પકડવા માટે ઘરની બહાર દોટ ના મૂકે. રોહન મગજમાં પણ આ વાત ગંભીરતાથી ઉતરી ગઈ હતી છતાં પણ જ્યારે એ દૂરથી હવાની લહેરખીમાં લહેરાતી લહેરાતી, કપાયેલી પતંગ ને જોતો ત્યારે એના સઘળા જ્ઞાનનું જાણે એના મગજમાંથી બાષ્પીભવન થઈ જતું. એ પોતાની સુધબુધ ખોઈ ને સીધો છાપરા નીચે કૂદીને પતંગ પાછળ દોડતો. એની આ આદતથી કંટાળી ને આ વર્ષે એના માતા અને પિતા એ એની પાસે પહેલેથી જ વચન માંગ્યું કે હવે એ કપાયેલી પતંગ પાછળ જોખમ લઈને એને પકડવાની કોશિશ બિલકુલ નહીં કરે . અને જો એવું કરશે તો એના માતા-પિતા એનું પતંગ ચગાવવાનું બંધ કરાવી દેશે.

જેમ ઉત્તરાયણનો દિવસ નજીક આવતો ગયો તેમ રોહન ના ઘરે રંગબેરંગી પતંગો અને દોરાઓનો ઢગલો થઈ ગયો. . ઘરમાં જાતજાતની ચીકીઓ બનીને તૈયાર થઈ ગઈ હતી. એનું આખું ઘર જાણે મકરસંક્રાંતિના અવસરના રંગમાં રંગાઈ ગયું હતું. ઉતરાણની બસ માત્ર ગણતરીના દિવસો જ બાકી હતા. રોહન રોજ સાંજની જેમ હાથમા પતંગોનો ઢગલો લઈને મિત્રો સાથે ધાબા પર પતંગ ઉડાવવા માટે ચડી ગયો હતો. જોતજોતામાં તો રોહનની લાલ રંગની પતંગ દૂર આકાશમાં જઈને સ્થિર થઈ ગઈ. થોડીવારમાં એના બાજુના ઘરના રહેતા તેના મિત્રના પતંગ સાથે એની પેચ લાગી ગઈ. પતંગ ચગાવવામાં પાવરધા રોહનનો પતંગ કાપવો એના મિત્ર માટે આસાન નહોતો. એક લાંબી રસાકસીના અંતમાં આખરે રોહનની લાલ પતંગ કપાઈ ગઈ. દૂરથી પોતાની કપાયેલી પતંગ ને જોઈને રોહનનું દિલ પર જાણે કપાઈ ગયું. એનું મન એ કપાયેલા પતંગ પકડવા માટે તલપાપડ થઈ ગયું પણ બીજી જ ક્ષણે માતા-પિતાના આપેલું વચન યાદ આવી ગયું. આખરે મમ્મી-પપ્પાને વચન આપ્યું હતું કે કપાયેલી પતંગ પાછળ પોતાનો જીવ જોખમમાં મૂકીને નહી ભાગે. અને એ વચન શી રીતે તોડાય ?" કેટલી પતંગ પડી છે મારી પાસે. છોડ જવા દે એને. કોઈ બીજી પતંગ લઈને ફરી નવેસરથી એને આકાશમાં ચગાવું."એમ વિચારીને રોહન જેવો બીજી પતંગ લેવા ગયો સામેથી કોઈ બીજા છોકરાને એની કપાયેલી પતંગ પકડવા માટે એની દિશામાં દોડતા જોયો. એની નજર સામે કોઈની કપાયેલી પતંગ પકડીને જતું રહે એ કેવી રીતે જોઈ શકાય ? એવો વિચાર આવતા જ રોહનના મનમાંથી માતાપિતા તરફથી મેળવેલું જ્ઞાન પાણીમાં જતું રહ્યું અને એને ધાબા પરથી કૂદી ને નીચે છાપરા પર છલાંગ લગાવી અને છાપરા પરથી જેવો જમીન પર કૂદવા ગયો એનું સમતુલન હલી ગયું અને સીધો ફંગોળાઈને એના હાથના આધાર પર નીચે પડ્યો. તેના શરીરનું બધું જ વજન એના હાથ પર આવી ગયું અને મોઢામાંથી ચીસ નીકળી ગઈ. એનો અવાજ સાંભળીને એના ઘરના બધા જ ગભરાઈને બહાર આવી ગયા અને એને તાત્કાલિક દવાખાને લઈ ગયા અને એના હાથનો એક્સ-રે કરાવ્યો. એના જમણા હાથમાં ફેક્ચર નીકળ્યો અને લગભગ બે મહિના સુધીનો પાટો આવી ગયો. ઉતરાયણના ગણતરીના દિવસ પહેલાં બનેલા બનાવથી રોહન ઉજવવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. આખરે ૧૪ મી જાન્યુઆરીનો દિવસ આવી ગયો. આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું હતું. ચારે બાજુ 'કાઈપો છે ...' અને 'લપેટ...'જેવા શબ્દોના સૂરથી આકાશ ગાજી રહ્યું હતું.. ક્યાંક પીપુડાનો અવાજ તો ક્યાંક મ્યુઝિકના અવાજથી બધાની અગાસીઓ ગુંજી રહી હતી. અને હાથ પર પાટા બાંધીને બેઠેલા રોહન પાસે માત્ર આ નજારો જોવા સિવાય બીજું કશું થઈ શકે એમ ન હતું. પોતાના માતા પિતાની વાત ના માનવાનો એને ભારોભાર પસ્તાવો થઈ રહ્યો હતો. આ બનાવ પછી રોહનને જીવનભર માટે બે શીખ મળી ગઈ હતી. એક તો એ કોઈપણ વસ્તુ નો અતિરેક નહીં સારો. પતંગ ચગાવવાનો શોખ જરૂર રાખો પણ ગાંડપણ ક્યારેય ના કરવું અને બીજું પોતાના માતા-પિતાની કહેલી વાતનું ક્યારે અનાદર ન કરવું. 


Rate this content
Log in