કાગડો
કાગડો


એક હતો કાગડો-યુવાન કાગડો. આમ તો કાગડા બધા કાળા હોય. આ કાગડો પણ કાળો જ હતો, પણ એની કાળાશમાં કંઈક વિશેષ સુંદરતા હતી. પાંખો ઘણી મુલાયમ અને ચમકતા કાળા રંગની હતી. કાગડાનો આકાર પણ સુડોળ હતો. બધા જ કાગડા કાંઉ....કાંઉ જ કરતા હોય, એમ આ કાગડો પણ કાઉં-કાંઉ કરતો હતો પણ આ યુવાન કાગડાને લાગતું કે તેનો અવાજ અન્ય કાગડા કરતા સુરીલો છે અને એ બિચારો પોતાના ગીતને લયબધ્ધતાથી ગાવાની કોશીશ પણ કરતો ! પરંતુ હતો તો કાગડો જ. જન્મજાત કાગડો, સ્વભાવથી કાગડો, આકારથી કાગડો, પ્રકારથી કાગડો અને વિકારથી પણ કાગડો ! ઉકરડા ચૂંથવાના સંસ્કાર લઈને જન્મેલો કાગડો ! ચાલાકી વાપરવામાં કુશળ એવો કાગડો !
એકવાર ઉડતા ઉડતા એક ફકીરની ઝૂંપડીમાં કાગડો આવી ગયો. સમતા પૂર્ણ સાધુ માટે તો મોર, પોપટ, કાગડો, ચકલી કે કબુતર- બધા સમાન હતા. ફકીરે પ્રેમ ભરી આંખોથી કાગડા સામે જોયું અને કરુણા પૂર્વક એની સામે દાણા ધર્યા. કાગડો આમ તો કોઈનો વિશ્વાસ ન કરે અને કોઈની નજીક જાય નહીં. પણ આ તો સાધુની સાધુતાનો પ્રભાવ ! કાગડો અવશપણે સાધુ તરફ આકર્ષાયો- ખેંચાતો ગયો અને સાધુએ આપેલા દાણા ખાધા. પછી તો આ ક્રમ થઈ ગયો. જ્યારે સાધુ કુટિયામાં બેસીને પંખીઓને ચણ નાખતા ત્યાં, તે સમયે સાધુની સામે બેસી જતો. સાધુ પણ અન્ય પંખીની જેમ જ એને સાચવતા. સમગ્ર જીવોના કલ્યાણ માટે સદા પ્રાર્થનારત રહેતા સાધુના અહેતુ હેત અને કૃપા પ્રસાદથી કાગડો મોર બનવાના સ્વપ્ન જોવા લાગ્યો ! સાધુના પ્રભાવને તો તેણે ઓળખ્યો, સ્વભાવ ઓળખ્યો નહીં.
કાગડાએ માની લીધું કે પોતે એક વિશેષ કાગડો છે, એટલે તો સાધુ પાસેથી આટલું સન્માન પામે છે. પછી તો કાગડો અન્ય પક્ષીઓ ઉપર રોફ ઝાડવા લાગ્યો. વાછરડું જેમ ખીલાના જોરે કુદે,એમ સાધુની કૃપાનો પ્રસાદ પામીને, ગૌરવ અનુભવી, ધન્ય થવાને બદલે; કાગડો ગર્વ અનુભવવા લાગ્યો. પોતે સાધુનો ખાસ કૃપાપાત્ર છે, એમ માનીને ખુદનું કાગડાપણું ભૂલવા લાગ્યો ! પણ સ્વભાવ તો કાગડાનો ને ! સત્સંગથી સ્વભાવ સુધરે પણ સત્સંગી હોવાનુ અભિમાન સત્સંગની વિકારી બનાવે.
સાધુએ પોતાના કૃપા પૂર્ણ સ્વભાવને કારણે ઘણી વાર કાગડાને પરોક્ષ રીતે સુધરી જવાના સંકેતો પણ આપ્યા. સાધુ સંકેત આપે- સંદેશ, ઉપદેશ કે આદેશ આપવાનો સંતનો સ્વભાવ ન હોય ! હા, કાગડો અભક્ષ્યનું ભક્ષણ ભૂલી ગયો હતો, કાગડો બેરખો ફેરવતો હતો, કાગડો સાધુ પ્રત્યેની પોતાની શ્રદ્ધા પણ વ્યક્ત કરતો હતો, કાગડો સાધુના ગુણગાન પણ હ્રદયપૂર્વક ગાતો હતો. પણ કાગડાના અભિમાનને, કાગડાની ચતુરાઈને, કાગડાની દેખાડા વૃત્તિને સમજતા સાધુએ એક ધર્મસભામાં પરોક્ષ રીતે સંકેત પણ આપ્યો કે "શુભ કર્મ કરવું એ સારું છે, પણ શુભ કર્મ કરનારની ભીતર સાધુતા ન પ્રકટે તો શુભ કર્મ ફળદાયી નથી બનતું ! શુભ કર્મ દુષ્ટ પણ કરી શકે છે. અયોગ્ય માર્ગે ધન કમાનાર પણ શુભ કર્મ કરી શકે છે. એટલે શુભ કર્મ કરતાં પહેલાં સ્વભાવમાં સાધુતા પ્રગટવી એ આવશ્યક છે."
પણ કાગડો તો આખરે કાગડો હતો. સાધુની કૃપા પામીને હવામાં ઉડતો હતો ! ફાટ્યો ફરતો હતો !
આખરે સાધુએ વિચાર્યું કે "હોઈ સોઇ જો રામ રચી રાખા.. "- અને સાધુ કાગડા તરફ ઉદાસીન થઈ ગયા. કુપાત્ર હોય તો પણ સાધુનો ક્રોધ તેના પર ન ઉતરે, સાધુ માત્ર એનાથી અંતર બનાવી લે- એની ઉપેક્ષા કરે. સમતા રહે, મમતા મરી જાય. કાગડાને જ્યારે આ સત્ય સમજાયું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. સાધુની કરુણાની છાયા તો સહુ પર હોય જ પણ સાધુની પ્રેમ- છાયા ગુમાવ્યાનો અફસોસ કાગડાને કોરી ખાવા લાગ્યો.
કાગડો રડ્યો, કાગડો કરગર્યો, કાગડાએ કોશિશ કરી કે પોતે હવે ભૂલ નહીં કરે એવું સાધુને કહે. પણ કોશિશ કે નેટવર્કથી કદી કૃપા ઉતરતી નથી. સાધુ તો આંતર્ દ્રષ્ટિથી સાધકની આરપાર જોઇ શકે છે- પાત્રના પ્રમાણી શકે છે ! સાધુએ સ્પષ્ટપણે કશો આદેશ ન આપ્યો હોવા છતાં, કાગડો સમજી ગયો કે પોતાનો ત્યાગ થઇ ચૂક્યો છે.
કાગડાને ભૂલ સમજાઈ ગઈ. કાગડાએ મોર થવાના પ્રયત્નો છોડી દીધા. કાગડા તરીકેની પોતાની પાત્રતા જાળવી રાખવા હવે પોતે સાચો કાગડો બનવા પ્રયત્ન કરવા લાગ્યો. અભિમાન ગયું, પ્રસિદ્ધિની- નામની ખેવના છૂટી, શુભ કર્મ પાછળ પોતે કર્તા નથી, પણ કોઈની કૃપાથી શુભ કર્મ થાય છે- એવો સાક્ષીભાવ પ્રગટવા લાગ્યો. જે આંખમાં અહંકાર દેખાતો એ આંખમાં કેવળ આશ્રિત ભાવ- કેવળ આસું ઉમટ્યાં. હવે કાગડો માત્ર સાચો કાગડો બની રહેવાનો પ્રયત્ન કરે છે. પોતાની પાત્રતા ન હોવા છતાં સાધુની અપાર કરુણા, તેની અહેતુ કૃપાનો અનુભવ કરી, ધન્યતા અનુભવે છે., ગદ્દ ગદ્ થાય છે અને દૂર બેસી, સાધુના દર્શન-શ્રવણનું પાન કરી, ધન્યતા અનુભવે છે !