Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

જર્જરિત

જર્જરિત

4 mins
7.2K


‘અરે દેખાવમાં તો હટ્ટીકટ્ટી છે. ખાય છે પણ બે પેટ. તો પછી શાનું  આમ મોઢું ચડાવીને ફરે છે?' આમ રોજ સવાર પડેને વાગ્બાણ ચાલુ થઈ જાય. ઘરમાં મા ગુમાવ્યા પછી આવેલી માના રાજ્યમાં  આમ મુસ્કાનની સવાર શરૂ થતી.

નામ તો હતું મુસ્કાન. મોઢા પર કદી ફરકતું દેખાય નહી. માની આંખનો તારો અને બાપની દુલારી. બે વર્ષ પહેલાં મા શાક લઈને આવતી હતી ત્યાં ખટારાએ પાછળથી તેને ઉડાડી. ભલે ખટારાનો ડ્રાઇવર જેલમાં ગયો. બસ મુસ્કાનની રામ કહાની શરૂ થઈ ગઈ.

શરૂઆતના સમયમાં ‘ મા’  વિનાની કહી લોકોએ દયા ખાધી! પિતા તેની મુસ્કુરાહટના પાગલ હતા. એ હસતી ત્યારે જાણે ફુલ ઝરતા હોય તેવું લાગે. સમસ્ત વાતાવરણમાં તેની મુસ્કુરાહટનો ધ્વનિ ગુંજી ઉઠતો. ખૂબ પ્રેમાળ, જે પણ જુએ તેને વહાલી લાગે. એ મુસ્કાનને માથે આભ ટૂટી પડ્યું મા તો ગઈ. પિતા બીજી સ્ત્રીને પરણ્યા. મુસ્કાનને તેનું રૂપ અને મોહકતા ભારે પડ્યા. નવીમા પિતાના દેખતાં કશું ન કહે. જેવા પિતા નજર સમક્ષથી દૂર થાય કે તેના વા્ક્બાણ ચાલુ થઈ જાય.

શાળાએ જાય પણ ઘરકામ કરવાનો સમય ન આપે. કપડાના પણ ઠેકાણા નહી. જાણે ચિંથરે વિંટ્યું રતન. પિતાને હવે તેની સાથે બેસવાનો સમય ન મળતો. જેવા વહાલ વરસાવવા જાય કે નવીમા કંઈક કામ ચીંધે. ઝટપટ જો  મુસ્કાનને તેના બાપથી અલગ ન કરે તો હાજર થઈ જાય.

‘કેમ આજે ઘરકામ નથી કરવાનું. જા તારા રુમમાં..’

પિતાજી જેવા ઓઝલ થાય કે અપરમાના મ્હોંમાંથી સરસ્વતિ ચાલુ થઈ જાય.

‘મારા ક્યાં ભોગ લાગ્યા હું બીજવરને પરણી!'

નવીમાને બે બાળક થયા. મુસ્કાનના રાજમાં તેને ખબર ન પડી. પંદર વર્ષની મુસ્કાન બે બાળાકની માતા જેટલું કામ કરે. જરાક વહેલું મોડું થાય તો વાણીનો પ્રવાહ ચાલુ. મુસ્કાનનું હૈયું વિંધાઈને જર્જરિત થઈ ગયું હતું. અસંખ્ય કાણાં તેમાં પડ્યા હતા.  ભણવાનો સમય ન મળવાથી તે ખૂબ પાછળ પડી ગઈ હતી. શાળામાં જવું ગમતું, જેને કારણે માના શબ્દોના પ્રહાર સહેવા ન પડે.  બન્ને નાના ભાઈ અને બહેન મુસ્કાનને ખુબ પ્યાર કરતાં. માને બદલે તેની ગોદમાં ભરાતા. રણમાં મીઠી વિરડી સમાન આ બન્ને જણા તેની જીંદગીમાં સ્નેહ સિંચતા.

પાડોશમાં રહેતો મોહિત મુસ્કાનની બધી વાતથી વાકેફ હતો. જુવાની મુસ્કાનને સોળે કળાએ ખીલવી રહી હતી. મોહિત ખૂબ મહત્વકાંક્ષી હતો.  કોઈ વખત મુસ્કાન એકલી હોય ત્યારે પ્રેમના બે મીઠા બોલ બોલી તેના મુખ પર મુસ્કુરાહટ પાછી લાવવાનો પ્રયત્ન કરતો. મોહિત એક હતો જેને મુસ્કાનની લાગણી થતી. પોતાની માથી સંતાડી મુસ્કાન માટે કોઈવાર ખાવાનું લાવતો તો કોઈવાર નાનીશી ભેટ. મુસ્કાનને પણ મોહિતની મીઠી નજરની ખેવના રહેતી. તેના પર પડેલા જર્જરિત કાણાને સાંધવાનો પ્રયાસ મહદ અંશે સફળ થતો.

નાના ભાઈ અને બહેન તો કાંઈ સમજતા નહી. આમ મુસ્કાનને ઠરવાનું સ્થળ ઘરમાં બે નાના ભુલકાં અને પાડોશી મોહિત. મોહિત, મુસ્કાન કરતાં ત્રણ વર્ષ મોટો હતો. નાનપણમાં શાળાએ સાથે જતાં. મુસ્કાનને ભણવામાં પણ મદદ કરતો. ઘરે આવી તેને અભ્યાસ કરવાનો સ્મય ન મળતો જેને કારણે વર્ગમાં પાછળ પડી જતી. આજે મુસ્કાન ઘરકામ કરવા બેઠી હતી.

ત્યાં નાનો આવીને દીદીને ખેંચવા લાગ્યો. ‘શું થયું ભાઈલા?'

નીના, નીના કહીને રડવા લાગ્યો. મુસ્કાન જઈને જુએ છે તો નીના બાથરૂમમાં લપસી પડી હતી. તેનાથી ઉભા થવાતું ન હતું. તેમની મમ્મી બપોરની ઉંઘ ખેંચતી હતી. મુસ્કાન ઘરમાં હોય ત્યારે બાળકો મા પાસે નહી દીદી પાસે હોય. મુસ્કાન દોડીને નીનાને બેઠી કરી.

‘કેવી રીતે પડી ગઈ?' એમ પૂછતી હતી ત્યાં, માનો ઘાંટો સંભળાયો.

‘કેમ નીના રડે છે.'

‘મમ્મી એ પડી ગઈ.'

મા, દોડતી આવી નીનાને શાંત રાખવાને બદલે, મુસ્કાનને ધીબવા માંડી.

નીલથી રહેવાયું નહી,‘મમ્મી, દીદીને શું કામ મારે છે? બાથરૂમમાં પાણી હતું નીનાનો પગ લપસી ગયો. બાળકોન દેખતા મા, જબાન પર જરા કાબૂ રાખતી. મુસ્કાન નીનાને પ્રેમથી ખોળામાં લઈ વહાલ કરવા લાગી. નીલ, દીદીની પાછળ છુપાઈ ગયો. તે ગભરાઈ ગયો હતો. તેણે મમ્મીને કયારેય દીદીને મારતા જોઈ ન હતી.

રાતના પપ્પા આવ્યા ત્યારે નીલે બધી વાત કરી. દીદીએ ના પાડી હતી છતાં બધુ કહ્યું. પપ્પા મુસ્કાનના રુમમા આવ્યા. તેને માથે હાથ ફેરવવા લાગ્યા. મુસ્કાન વહાલ સહન ન કરી શકી. પપ્પાના ખોળામાં માથું મૂકી રડી રહી.

‘બેટા હું શું કરું. મને ખબર નથી પડતી કેમ આમ થઈ રહ્યું છે?'

સોમવારે શાળાએ જતા રસ્તામાં મોહિત મળ્યો. તેને મુસ્કાન ગામતી હતી. આ  છેલ્લું  તેનું વર્ષ હતું શાળાનું. મોહિતની કોલેજ અને મુસ્કાનની શાળા એક જ રસ્તા પર હતા.

વાતની શરૂઆત કાયમ મોહિત કરતો. તેને મુસ્કાનના મુખ પર હાસ્ય જોવાનું ગમતું. ‘અરે આજે તારું હાસ્ય કેમ દેખાતું નથી?’

‘મારો મુડ સારો નથી.'

‘મારી સામે જો. એકદમ સરસ થઈ જશે.'

મુસ્કાને જોયું. તેની આંખમાં આંસુ જોઈ મોહિત ચમક્યો. ‘શું વાત છે મુસ્કાન?'

‘મોહિત હું શું કરું. મારી મમ્મીને હું ગમતી નથી.'

મોહિતથી કહ્યા વગર ન રહેવાયું, ‘મુસ્કાન તું મને બહુ ગમે છે.'

‘હું તને વર્ષોથી જોતો આવ્યો છું. હજુ બે વરસ મારે ભણવું છે. પછી હું મારી મમ્મીને કહીશ તારા પપ્પાને વાત કરશે.‘

મુસ્કાનને પોતાની જાત પર વિશ્વાસ ન બેઠો. કોઈ તેને પ્રેમ કરી શકે. તેને તો આદત હતી, ગુસ્સો સાંભળવાનો, બે નાના ભાઈ અને બહેનનું ચોવીસ કલાક ધ્યાન રાખવાનું.

મુસ્કાન મોહિતની સામે એકીટશે નિહાળી રહી.

‘મુસ્કાન તને ખબર છે તું કેટલી સુંદર છે?'

મુસ્કાન પોતાની જર્જરિત થયેલી કાયાને નિરખી રહી.

‘મુસ્કાન, તું તને મારી આંખેથી જો.'

આજે મુસ્કાનને લાગ્યું, જીવનની બીજી બાજુ પણ છે. શાળાએથી ઘરે આવતાં તેના પગલામાં જોમ હતું. નવીમાના કટુ વચનો તેને સ્પર્શતા ન હતાં. નીલ અને નીના તો દીદીની જોડે જમવા બેઠા.

પપ્પા જોઈ રહ્યા કેટલા પ્રેમથી મારી મુસ્કાન બન્ને જણાને સાચવે છે. તેમનામાં હિમત ન હતી કશું બોલવાની.

રાતના મોહિત મુસ્કાનના સ્વપનામાં આવ્યો. હજુ સ્વપનામાં મોહિતને પ્રેમ ભર્યા શબ્દો બોલવા જાય ત્યાં માની બુમ સંભળાઈ. પથારીમાંથી મુસ્કાન ઉભી થવા ગઈ. તેની જર્જરિત કાયાને મોહિતે પડતાં બચાવી. આંખ ખુલી, મુસ્કાનના મુખ પર આજે સ્મિત લહેરાઈ રહ્યું. આજે માના શબ્દો તેને ચુભતા ન હતાં. કાયા પણ તેને સોહામણી જણાઈ.


Rate this content
Log in