Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

ઝાકળ બન્યું મોતી — ૪

ઝાકળ બન્યું મોતી — ૪

7 mins
14.4K


પિતાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર કુશળતાથી ચલાવ્યો.


પપ્પા અને મમ્મીના અકાળ અવસાન પછી સ્ટોર અને ઘરની જવાબદારી બન્ને જલ્પાના શીરે હતી. દાદી તો દીકરા અને વહુના જવાથી સાનભાન ગુમાવી બેઠી હતી. જય અને જેમિની આ બધું સમજવા નાના હતા. જલ્પા ખૂબ મુંઝાયેલી રહેતી. નવીને સ્ટોર સંભાળ્યો હતો. થોડા દિવસ પછી જલ્પાને પપ્પાએ સ્વપનામાં યાદ દેવડાવ્યું, ‘બેટા માણસો ગમે તેટલા સારા હોય આંધળો ભરોસો તેમના પર ન રખાય’.

જલ્પા ઉંઘમાંથી સફાળી જાગ્રત થઈ ગઈ. બીજે દિવસે ,’દાદી હવે મન મક્કમ કર. જય અને જેમિનીને રજાઓ છે. તેમનું ઘરમાં ધ્યાન રાખજે. મારે નિયમિત સ્ટોર પર જવું પડશે. નહિ તો આપણે ખાઇ શું શું? જય અને જેમિનીને હજુ ભવિષ્ય બનાવવાનું છે. તારે હવે મને સાથ દેવો પડશે.’

દાદીની અચાનક આંખો ખૂલી ગઈ. ‘અરે, મારી દીકરી ૨૦ વર્ષની છે. એકલી કેવી રીતે બધું સાચવે. મારે તેને હિમત આપવી જોઇએ. ગયેલા પાછા નહી આવે. પણ જે હયાત છે, તેમની સંભાળ વધુ અગત્યની છે.’ દાદીએ પ્રેમથી જલ્પાને ગળે લગાડી આશિર્વાદ આપ્યા.

ધીરે ધીરે બધું થાળે પડવા માંડ્યું. સાવિત્રી સારી મળી ગઈ હતી. જય અને જેમિની ભણવામાં પૂરતું ધ્યાન આપતા. જલ્પા હવે ઘર બાબત નિશ્ચિંત હતી. દાદીને સાવિત્રી સાથે ફાવી ગયું હતું. સ્ટોરમાં નિયમિત જતી જલ્પાને જ્યારે સમજ ન પડે ત્યારે મેનેજર રાહ બતાવતો. મેનેજર નવીન, જનકના હાથ નીચે ઘડાયો હતો. જય કોલેજમાં આવ્યો આઈ. આઈ. ટી.માં ગયો એટલે હોસ્ટેલમાં રહેવા ગયો. જેમિની નવમા ધોરણમાં આવી. જય ઘણો જવાબદાર જુવાન બન્યો હતો. ભણવામાં ઝળક્યો એ આનંદ અનેરો હતો.

જેમિની શાંત પણ કામની ચોક્કસ હતી. હવે ભાઇ ગયો એટલે કનડવું કોને ? દીદી આખો વખત સ્ટોર પર હોય. દાદીને શું સતાવવું? સમજી જેમિની દાદીના બે આંટા ફેરા ખાતી. દાદી ચશ્મા માટૅ કાયમ જેમિનીને બોલાવે. ઉંમર થઈ હતી, ભૂલી જાય ક્યાં છેલ્લે મૂક્યા હતા. સાવિત્રી પણ દાદીમાનું માન જાળવતી. જલ્પાને હૈયે ટાઢક હતી કે જય અને જેમિની અભ્યાસ પર પૂરતું ધ્યાન આપતા હતા.

જેમિની શાળાએ જાય પછી જલ્પા તૈયાર થઈને સ્ટોર પર આવે. સ્ટોર શરૂ શરૂમા જલ્પાને પરેશાન કરતો. સારું હતું કે નવીન જલ્પાને બધું સમજાવતો. જલ્પાએ સ્ટોરને સજાવી આધુનિકરણનું કામ કર્યું. જેને કારણે સ્ટોરનો સ્ટોક, ઈનવેન્ટરી બધું કમપ્યુટરમાં જણાતું. બી.એ. થયેલી ૨૧મી સદીની યુવતી કમપ્યુટરમાં હોશિયાર હોય. હવે તો જ્યારે નવા મશિનમાં ક્યાંક અટવાઈ જાય તો બાજુવાળા જતીન પાસે જઈને પ્રોબ્લેમ સુલઝાવતી.

જતીનનો ઈલેક્ટ્રોનિક્સનો ધંધો હતો. બધા આધુનિક ઉપકરણો તેની પાસે હતાં. જલ્પાએ બુધ્ધિ વાપરી તેની પાસેથી બધું ખરીદ્યું. જેને કારણે કોઈ પણ તકલિફ આવે તો તરત બાજુમાં જઈ જઈને જતીન પાસે સુલઝાવાય.

જલ્પાને ખબર હતી, સ્ટોર પર પપ્પા સાથે આવવું અને એકલે હાથે ચલાવવો એમાં ખૂબ તફાવત છે. શરુ શરુમાં ખૂબ મુંઝાતી. ઘરે જઈને રડતી. રાતે પપ્પા સપનામાં આવી તેની ઉલઝન સુલઝાવતા. જેને કારણે સવારે પાછી સ્ટોર પર જવા તૈયાર થઈ જતી. પપ્પા ખરેખર આવતા કે વિચારોમાં પોતાની મેળે મુશ્કેલીઓનો રાહ કાઢતી એ કોયડો ન ઉકેલીએ તેમાં જ સહુનું ભલું છે. જલ્પાને બધો યશ પપ્પાને આપી આનંદ મેળવવો હોય તો ભલે ને તે ખુશ રહે.

સ્ટોરમાં દાખલ થતાની સાથે મમ્મી અને પપ્પાનો સુંદર હસતો ચહેરો હોય તેવો ફોટો ટિંગાડ્યો. નવીનને કડક ચેતણી હતી, રોજ આવતી વખતે હાર લઈને તેને ચડાવવો. શિસ્તની તે ખૂબ આગ્રહી હતી. શરૂમાં તો પપ્પાએ સ્ટોક ભર્યો હતો એટલે વાંધો ન આવ્યો. ત્યાં સુધીમાં બધા વેન્ડર્સની સાથે ફોન ઉપર ઓળખાણ કરી લીધી. સહુને પપ્પાના સમાચાર જણાવ્યા. તેમને પણ ખૂબ દુઃખ થયું. સ્ટોરમાં હતા એ બધા માલથી પરિચિત થવું એ ખાવાના ખેલ ન હતા. હિંમત હારે ત જલ્પા શેની. એમ તો ભણવાનું પણ કાંઇ સહેલું ન હતું. છતાં બી.એ. ઈકોનોમિક્સ અને પોલિટિક્સ, ઓનર્સ સાથે પાસ થઈ હતી. પરિણામ જોવા મમ્મી અને પપ્પા ક્યાં હાજર હતાં !

રાતના બધા ઝંપી જાય એટલે મમ્મીના ફોટાને વહાલ કરે અને પપ્પને પ્રશ્નો પૂછે. નસિબ સારા કે પપ્પા સ્વપનામાં આવીને માર્ગ દર્શાવે. સવારે સ્ટોરમાં આવી.આજની પોસ્ટ ટપાલી આપી ગયો હતો. મેનેજર ખાતામાં પૈસા મૂકી આવે તેના બિલ તપાસતી હતી. હજુ બધું તેનું કામ કમપ્યુટર પર થતું ન હતું. ઘરનો મામલો થાળે પડ્યો એટલે હવે જલ્પાએ પોતાનું લક્ષ સ્ટોર બનાવ્યું. જનકના ગયા પછી સ્ટોરની આવક થોડી ઘટી હતી. પણ ખર્ચા નિકળવામાં તકલિફ પડતી નહી. એકલે હાથે ધંધો સંભાળવો એ ખાવાના ખેલ ન હતા.

સ્ટોરમાં આવતા ઘરાકનું ખૂબ ધ્યાન રાખતી હતી. એક વાત તેને બરાબર ખબર હતી, ‘ગ્રાહક છે તો આજે તેનો ધંધો સલામત છે.’ મોટું સરસ પાટિયુ લખીને મુકાવ્યું હતું. 'કસ્ટમર્સ કમ ફર્સ્ટ'. આમ ધંધાની રિતભાત શિખતી હતી. બીજું તે પોતે સુંદર અને જુવાન હતી. ઘણા ગ્રાહકો તેની સાથે વાત કરવા મળે તેનાથી આકર્ષાઈને આવતા. આમ ખૂબ સતેજ રહીને ધંધો ચલાવતી. નવીન તેનું ખાસ ધ્યાન રાખતો. તેને આજે આટલો કુશળ બનાવવામાં જનકે ભાગ ભજવ્યો હતો.

જલ્પા, નવીન વિશ્વાસુ છે એ જાણતી છતાં લગામ બધી પોતાના હાથમાં રાખતી. નવીન વફાદારીથી કામ કરે એટલે તેને નફામાં થોડો ભાગ આપવાનું વિચાર્યું. હવે આ બાબતની સલાહ લેવા કોની પાસે જવું? એ પ્રશ્ન જલ્પાને મુંઝવી રહ્યો. એક વાર જતીન પાસે મશીનની વાત કરવા બેઠી હતી, ત્યાં અચાનક જલ્પાએ પોતાના મનની વાત કરી.

જતીન એકીટશે આ જુવાન છોકરીની વાતને બિરદાવી રહ્યો. તેને મનમાં થયું આ છોકરી કેટલી કાબેલિયત ધરાવે છે. તેણે જલ્પા સાથે વિગતે ચર્ચા કરી. જતીન અને જલ્પાને બહુ મળવાની તક મળતી નહી. જતીનને બે દીકરીઓ હતી. તેની પત્ની જરા નરમ તબિયતની હોવાથી તે હમેશા ચિંતિત રહેતો. આજે જલ્પાને સાથે ખુલ્લા દિલે વાત કરતા તેને સાચી સલાહ આપવા તત્પર થયો. તેણે જલ્પાને ધંધાની આંટીઘુંટી સમજાવી. જેનાથી જલ્પા સાવ અજાણ હતી.

ખાસ ભાર દઈને કહ્યું, ‘કશું લખાણ કરવાનું નહી.’ મોઢાની વાત રાખવાની જેને કારણે, ભવિષ્યમાં કોર્ટ કચેરીના લફરાં ન થાય. જલ્પાને આ મુદ્દો ખૂબ ગમ્યો. આમ નવીનને હાથમાં રાખવાનો પ્રયત્ન સફળ થયો. ધંધો હોય એટલે તેજી પણ આવે ને મંદી પણ આવે. જલ્પાને ધીમે ધીમે બધી સમજ પડવા માંડી. તેના અને નવીનના સહિયારા પ્રયત્નોથી ધંધાની ગાડી પાટા પર ચાલતી હતી. નવીન હવે પહેલાં કરતા વધારે મહેનત કરતો લાગ્યો. તેને પણ થોડી મલાઈ મળવાની હતી.

જલ્પાએ શાણપણ વાપરીને નફાના પૈસાથી મશીનો તો ખરીદ્યા. જેને કારણે ખોટા ખરચા પર કાપ મૂક્યો. ગાડીનો ડ્રાઈવર છૂટો કર્યો. પોતે જાતે ચલાવીને આવતી. કમપ્યુટરને કારણે ઘણું કાગળનું કામ બચી ગયું. જેને લીધે નવીનને ઓવરટાઈમ આપવો ન પડતો. નવીનને કમપ્યુટરનો માહિતગાર કર્યો. ઈનવેન્ટોરી બધી કમપ્યુટરમાં હોવાથી માલની ચોરી અને રોકડામાં ગોટાળા બંધ થયા. અકાઉન્ટીંગના પ્રોગ્રામનો પાસવર્ડ નવીન પાસે ન હતો. અમુક સત્તા પોતાના હાથમાં રાખી હતી.

કામની ચોક્કસ જલ્પા ધંધાથી બરાબર પરિચિત થઈ ગઈ. સ્ટોરની જગ્યા ખાસી મોટી હતી. સ્ટોરમાં દાખલ થવાની ડાબી બાજુ ત્રણેક ટેબલ અને ૬ ખુરશી મુકી. આવનાર ત્યાં બેસીને લેપટોપ પર કામ કરી શકે. વાતચીત કરવી હોય તો બેસી શકાય. કોફીનું મશીન રાખ્યું. જલ્પાની ધંધો કરવાની કાબેલિયત જણાઈ આવી. તે જબાનની પાકી હતી. એકવાર જબાન આપ્યા પછી જો નુકશાન વેઠવું પડૅ તો સહી લેતી.

જનક બીડી યા સિગરેટનો વિરોધી હતો. જલ્પાને થયું આમાં નફો સારો એવો છે. તેણે સહુ પ્રથમ મોટું બુલેટિન બોર્ડ બનાવડાવ્યું. જેના પર મોટા અક્ષરે લખ્યું હત્તું. ‘સિગરેટ પીવાથી કેન્સર થવાની શક્યાતા ખરી’. ૨૪ કલાક તેના પર ઝબુકતી લાલ લાઈટ પણ રાખી હતી. એવું આકર્ષક કાઉન્ટર બનાવ્યું કે સિગરેટ પીવાવાળા આરામથી કર્ટન કે બે પેક લઈ જાય. આમ ધંધો ચાલતો, કોઈવાર મંદો હોય તો દુઃખી ન થતી. જલ્પાને હવે અનુભવથી સમજાયું હતું કે ધંધામાં તેજી યા મંદી હોય. સાચવીને ધંધો કરવાનો.

ઘણીવાર બહારગામના ગ્રાહક આવે ત્યારે તેમને સાચવવા ખૂબ અઘરા પડે. તેઓ સારો ધંધો આપતા હોવાથી જલ્પા, નવીન પાસેથી બધું શિખતી કે તેના પપ્પા કેવીરીતે સાચવતા. બે મહિના પહેલા એક ગ્રાહકે માલ પાછો મોકલ્યો. વાંક તેમનો હતો. જલ્પા પાસે તેના ઓર્ડરની કોપી હતી. જ્યારે માલ પાછો આવ્યો ત્યારે જલ્પાએ ફેક્સ કરીને કોપી મોકલાવી. બરાબર તેમાં જણાવ્યા પ્રમાણેનો માલ હતો. વેપારીને ભૂલ સમજાઈ. તેણે પોતાની ભૂલ કબૂલ કરી અને માલના પૈસા આપ્યા.

તેણે કહ્યું, 'માલનું તમારે જે કરવું હોય તો કરો. મહેરબાની કરીને પાછો નહી મોકલતા. ‘જલ્પાને તો પોતાના પૈસા મળી ગયા હતા. નવીને કહ્યું,’ બહેન તમે ખૂબ પ્રમાણિકતાથી ધંધો કરો છો એટલે વેપારીએ આપણને પૈસા આપી પોતાની ભૂલ કબૂલ કરી.

જલ્પાએ એ માલ માટે તપાસ કરી. મ્યુનિસિપાલિટીની શાળામાં એ વપરાય તેમ હતો. તેણે મફતમાં એ માલ આપ્યો. શાળાના પ્રિન્સિપાલ તો તેના આ કાર્યથી ખૂબ પ્રસન્ન થયા. જલ્પાને તેના પપ્પા ડગલેને પગલે યાદ આવતા હતા. તેમનું સત્ય અને ન્યાય ભર્યું આચરણ ધંધામાં હમેશા બરકત લાવતું. પપ્પાનો 'જલારામ' પપ્પાના કાર્યને દીપાવી રહ્યો હતો. બન્ને નાના ભાઈ બહેન પણ તેમની દિશામાં પ્રગતિ કરી રહ્યા હતા. જય આઈ.આઈ.ટી.માં નામ રોશન કરી રહ્યો. હવે તો જેમિની બહેને પણ કોલેજના પગથિયા પર પગ મૂક્યો.

પહેલા ખોળાની દીકરીએ ઘરની જે જવાબદારી ઉપાડી લીધી તે ખૂબ અભિનંદનને પાત્ર છે. દાદી અને નાના ભાઇ બહેનને જાળવ્યા. પોતાની જીંદગી હોડમાં મૂકી. ૨૦ વર્ષની ઉમરે જેના દિલ અને દિમાગ પર પ્રણયના ફાગ ખિલ્યા હોય તે સમયે પિતા અને મમ્મીના નામને રોશન કર્યું. દાદી એ તો એકવાર યાદ કરાવ્યા પછી બીજી વાર કહ્યું જ નહી. તે જાણતી હતી જલ્પા કાંઇ નહી સાંભળે. ધંધો પાટા પર ચડી ગયો હતો. ઘરે આવે પછી થાક લાગતો પણ ગણકારે તે બીજા. જલ્પાએ લગ્નનો વિચાર સુદ્ધાં ન કર્યો. પણ જય અને જેમિનીએ યોગ્ય પાત્ર શોધ્યા. દાદી આ બધું જોવા ન રોકાઈ. જલ્પાને અંતરના આશીર્વાદ આપી, કોઈ પણ જાતની વ્યાધિ આપ્યા વગર ચૂપચાપ ચાલી નિકળી.

જય અને જેમિની, જલ્પાનો પડ્યો બોલ ઝીલતાં. બન્ને એ જ્યારે પોતાના પ્રિય પાત્ર શોધ્યા ત્યારે સહુ પ્રથમ દીદીની પરવાનગી લીધી. બન્ને સુપાત્ર હતાં, જલ્પાએ ઉમળકાભેર તેમને ગળે લગાવ્યા અને કુટુંબના સભ્ય બનાવ્યા. જયની મિત્ર અને જેમિનીનો પ્રેમી જાણતા હતાં કે ‘જલ્પા’ આ બન્ને ભાઈ બહેન માટે કેટલું મહત્વનું અંગ છે.


Rate this content
Log in