Shalini Thakkar

Children Stories

4.5  

Shalini Thakkar

Children Stories

હોલી હૈ

હોલી હૈ

6 mins
275


ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હતા. અને કેમ ના હોય ? શાળાના આચાર્ય મહોદય શ્રી રમાકાંત મહેતાએ આ વખતે પહેલી વાર આટલું સરસ પિકનિકનું આયોજન કર્યું હતું. આજે સવારે જ એમણે સભાખંડમાં પ્રાર્થના પત્યા પછી ઘોષણા કરી હતી કે આ વખતે શાળા દ્વારા ધુળેટી નિમિત્તે ખાસ પિકનિકનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે જ શાળા ના ગેટ પરથી બસ ઉપડી ને નિર્ધારિત રિસોર્ટ પર પહોંચી જશે. ત્યાં પહોંચીને બધા ફ્રેશ થઈ,નાસ્તો કરીને ત્યાં જ ધુળેટીના અવસરનો આનંદ ઉઠાવશે, એવો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. એમની ઘોષણાને હાજર રહેલા બધા જ વિદ્યાર્થીઓ એ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. તાળીઓનો ગડગડાટ શાંત પડતાં જ આચાર્ય મહોદય એ કડક શબ્દોમાં બીજી એક મહત્વની સૂચના આપી. એમના તરફથી અપાયેલી સૂચના એ હતી કે કોઈપણ વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી કોઈપણ પ્રકારના રંગ લાવવા નહીં. અને ખાસ કરીને એવા પાકા રંગ જેનાથી આંખને કે ત્વચાને નુકસાન પહોંચે એવા રંગ લાવવાની એમણે સખત શબ્દોમાં મનાઈ કરી હતી. એમની સૂચના અનુસાર ધુળેટી રમવા માટે શાળા તરફથી નેચરલ કલરની જોગવાઈ કરવામાં આવશે, જેથી કરીને કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ પ્રકારનું નુકસાન ના થાય. સાથે સાથે એ પણ જણાવ્યું કે કોઈ વિદ્યાર્થી જો ઈચ્છે તો પોતાના ઘરેથી રંગ છાંટવાની પિચકારી લાવી શકે.

વાત એમ હતી કે ધુળેટીના એક દિવસ પછી યોજાનાર આંતર સ્કૂલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગાંધી સ્કૂલના ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને એમાં પણ સ્કૂલ તરફથી ભજવવામાં આવનાર મહાભારત પર આધારિત નાટક બધા માટે આકર્ષણનું કેન્દ્ર હતું. આચાર્યશ્રીની ઘોષણા સાંભળી ભીડમાં બેઠેલા નવમા ધોરણના વિદ્યાર્થી રાજેશને ટીખળ કરવાનું સૂઝ્યું. વાત એમ હતી રાજેશ એના વર્ગમાં સૌથી તોફાની, બેદરકાર અને અનિયમિત છોકરો હતો. અને એના એ અવગુણોને કારણે એ હંમેશા શિક્ષકોના ઠપકાનો ભોગ બનતો. એના વર્ગમાં ભણતો સુરેશ ખૂબ જ તેજસ્વી અને નિષ્ઠાવાન છોકરો હતો. અને એના એ ગુણોને કારણે એ શિક્ષકોમાં પ્રિય હતો. અને એટલે જ તો એને સ્કૂલ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાનાર નાટકમાં અર્જુન ના પાત્રની મુખ્ય ભૂમિકા મળી હતી અને રાજેશને દુર્યોધનની ભૂમિકા મળી હતી. આમ પણ રાજેશને પહેલેથી સુરેશ પર ખૂબ જ ઈર્ષા હતી અને એમાં પણ જ્યારથી એ નાટકમાં અર્જુનના પાત્રની મુખ્ય ભૂમિકા મળી હતી ત્યારથી એને મનમાં ને મનમાં સુરેશ પર ખૂબ જ ગુસ્સો આવતો કારણકે એને અર્જુનની ભૂમિકા ભજવવાની ખૂબ જ ઈચ્છા હતી. એણે એના વર્ગ શિક્ષક હેતલ મેડમને મુખ્ય પાત્ર મેળવવા માટે ખૂબ જ ભલામણ કરી હતી પરંતુ હેતલ મેડમ એ સુરેશની કાર્ય ક્ષમતા, નિયમિતતા અને નિષ્ઠાને ધ્યાનમાં રાખીને એ ભૂમિકા છેવટે સુરેશને આપી હતી. રાજેશને થયું કે સુરેશ સાથે બદલો લેવાનો આનાથી વધુ સારો મોકો એને ફરી નહિ મળે. એણે મનોમન નક્કી કરી લીધું કે એ ચોરીચૂપકે પોતાના ખિસ્સામાં પાકો રંગ લઈ જશે અને સુરેશના મોઢા પર લગાવી દેશે. પછી ત્રણ-ચાર દિવસ સુધી એના મોઢા પરથી એ પાકો રંગ જાય નહીં અને છેલ્લી ઘડીએ હેતલ મેડમ દ્વારા એને નાટકમાંથી કાઢી નાખવામાં આવશે અને પછી પોતે એ તકનો લાભ લઈને હેતલ મેડમ ને ભલામણ કરીને મુખ્ય પાત્રની ભૂમિકા ભજવી લેશે.

પછી ધુળેટીના દિવસે સવારે બધા શાળાના ગેટ પાસે મળ્યા અને બસમાં બેસીને રિસોર્ટ તરફ જવા રવાના થયા. ચારે બાજુ તહેવાર અને હર્ષોલ્લાસનું વાતાવરણ હતું. બધા જ વિદ્યાર્થીઓ બસમાં બેસીને અંતાક્ષરી જેવી રમતો રમતા રમતા રિસોર્ટ પહોંચી ગયા. થોડી જ વારમાં બધા ફ્રેશ થઈને રિસોર્ટની બહાર ખુલ્લા મેદાનમાં ધુળેટી રમવા માટે ભેગા થઈ ગયા. બહાર મેદાનમાં ધુળેટી રમવાનું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. એક ખૂણામાં મોટા ટેબલ પર નાના પાત્રમાં રંગો મૂકવામાં આવ્યા હતા જે એકદમ નિર્દોષ નેચરલ કલર હતા. રાજેશે ધીરે રહીને પોતાના ખિસ્સામાં હાથ નાખીને પોતાના ઘરેથી લાવેલ પાકો કલર એકવાર ફરી ચકાસી જોઈ લીધો. જેવી બધાએ પોતાના ઘરેથી લાવેલી પિચકારીઓમાં રંગ ભરી ને ધુળેટી રમવાની શરૂઆત કરી, રાજેશે ધીરે રહીને પોતાના ખિસ્સામાંથી લાવેલો પાકો કલર કાઢ્યો અને ટેબલ પર પડેલા એક નાના પાત્રમાં મુકીને પાણી સાથે ને પિચકારીમાં ભરવાની શરૂઆત કરી ત્યાં તો હેતલ મેડમએ એને કોઈ કામ માટે બોલાવ્યો. એણે ગભરાઈને એ કલર ત્યાં મૂકી દીધો અને ફટાફટ હેતલ મેડમ ને જવાબ આપવા ત્યાં પહોંચી ગયો.

અને એટલી જ વારમાં સુરેશ ત્યાં આવી ગયો અને ભૂલથી એ પાત્રમાં પડેલો પાકો રંગ પાણીમાં ભેળવીને પોતાની પિચકારીમાં નાખી દીધો. થોડી ક્ષણોમાં રાજેશ ફરી એ જ જગ્યાએ આવ્યો અને ત્યાં નાના પાત્રમાં પડેલા કલરને પોતાના ઘરેથી લાવેલો પાકો કલર સમજીને પોતાની પિચકારીમાં પાણી સાથે ભેળવીને ભરી દીધો. આમ ભૂલથી બંનેના રંગોની અદલાબદલી થઈ ગઈ. પછી તો જોવાનું શું હતું ? બંને રાજેશ અને સુરેશ પોતાની પિચકારી સાથે આમને સામને થઈ ગયા અને પછી,' હોલી હૈ..' કરીને એકબીજા ના મોઢા પર અને શરીર પર રંગ છાંટવાનું શરૂ કરી દીધું. સુરેશ પર રંગ નાખતી વખતે રાજેશ મન હરખાઈ રહ્યો હતો. આટલા બધા સાથે ધુળેટી રમ્યા પછી સુરેશ ને ખબર પણ નહિ પડે કે એ પાકો રંગ એના પર કોણે લગાડ્યો ? અને જ્યારે એ નાહીને નીકળશે ત્યારે એનો કાળો થયેલો ચહેરો અને શરીર જોઈને હેતલ મેડમ એને નાટકના મુખ્ય ભાગની ભૂમિકામાંથી કાઢી મૂકશે અને પછી પોતે મેડમ ને ભલામણ કરીને એ પાત્ર ભજવી લેશે. એ વખતે સુરેશનું કાળુ થયેલું મોઢું જોવાની કેટલી મજા આવશે. પછી તો આખી સવાર બધા એ આનંદથી ધુળેટીનો ઉત્સવ મનાવ્યો.

જેવો ધુળેટીનો કાર્યક્રમ સમાપ્ત થયો બધા ના'વા માટે જતા રહ્યા. રાજેશનો આનંદ સમાતો ન હતો. ક્યારે સુરેશ આવે અને એનું કાળું થયેલું મોઢું જોવા મળે. થોડીવારમાં બધા નાહી ને નીચે જમવા માટે ભેગા થઈ ગયા. રાજેશ સુરેશનું મોઢું જોવા તલપાપડ હતો પરંતુ જેવો એ નાહી ને બહાર નીકળ્યો બધા એની સામે જોઈને ખડખડાટ હસવા માંડ્યા. બધાને હસતા જોઈને એના મનમાં શંકા ઉપજી. હજી એ કંઈ વિચારે એ પહેલા તો સુરેશ સામેથી એકદમ ચોખ્ખો થઈને આવતો દેખાયો અને એના પગ નીચેથી જમીન ખસી ગઈ. એને થયું કે મેં લાવેલો પાકો રંગ સુરેશ પણ નથી ચડ્યો તો પછી ગયો ક્યાં ? અને પછી થોડી જ વારમાં એની આજુબાજુ ઘેરાઈને એની મજાક કરતા બીજા વિદ્યાર્થીઓને જોઈને એને એ ભેદ ઉકેલતા વાર ના લાગી કે સુરેશનું મોઢું કાળુ કરવા જતા એનું પોતાનું જ મોઢું કાળુ થઈ ગયું હતું. થોડી જ વારમાં તો હેતલ મેડમ પણ ત્યાં આવી ગયા. રાજેશ નું કાળુ થઈ ગયું બધું જોઈ ને એમણે બધા વિદ્યાર્થીઓને ઠપકો આપ્યો અને પૂછ્યું કે ઘરેથી પાકો રંગ લઈને કોણ આવ્યું હતું ? અને એમને સાચો જવાબ ના મળ્યો. પછી તરત જ હેતલ મેડમ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને પાકો કલર ક્યાંથી આવ્યો છે એના પર બધું વિચાર્યા કરતાં રાજેશે જે ભૂમિકા ભજવવાની હતી એ પાત્ર હવે કોણ ભજવશે એ દિશામાં વિચારવાનું શરૂ કરી દીધું અને તેમના કલાકનો જ એક પ્રકાશ નામનો વિદ્યાર્થી એ ભૂમિકા ભજવવા માટે તૈયાર થઈ ગયો. સાંજ સુધીમાં બધા પાછા ઘરે પહોંચી ગયા અને બીજે દિવસે સવારે બધા વિદ્યાર્થીઓ જેમણે નાટકમાં ભાગ લીધો હતો એ બધા નાટકનું રિહર્સલ કરવા માટે ભેગા થઈ ગયા. પ્રકાશે રાજેશ ને મળેલી દુર્યોધનની ભૂમિકા ભજવા માટે બધી જ તૈયારી કરી દીધી અને છેવટે સાંસ્કૃતિક કાર્યક્રમના દિવસે ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓએ મહાભારત પર નાટક ભજવ્યું અને એ લોકોને પહેલું ઈનામ મળ્યું. દૂર પ્રેક્ષકમાં કાળુ થયેલું મોઢું લઈને બેઠેલા રાજેશ ને નાટક જોતાં જોતાં ખૂબ જ પસ્તાવો થયો. છેલ્લે બધા જ વિદ્યાર્થીઓ જ્યારે સ્ટેજ પર ટ્રોફી લેવા માટે આવ્યા ત્યારે રાજેશને થયું કે મને જે ભૂમિકા મળી એમાં સંતોષ માની લીધો હોત અને સુરેશ સાથે ષડ્યંત્ર કરવાની કોશિશ ન કરી હોત તો હું પણ આ ટ્રોફીનું હકદાર હોત. પણ હવે પસ્તાવાથી શું ફાયદો ? ત્યારથી એણે કાન પકડ્યા કે હવે ક્યારેય કોઈની ઈર્ષા કરવી નહીં. કોઈની બરાબરી કરવી જ હોય તો એના જેવા ગુણો અપનાવી ને એના જેવી જ મહેનત કરીને એનાથી પણ આગળ નીકળી શકાય. પરંતુ કોઈની ઈર્ષા કરીને એનું નુકસાન કરવા જઈએ તો છેવટે આપણું જ નુકસાન થાય.


Rate this content
Log in