Vrajlal Sapovadia

Children Stories

3  

Vrajlal Sapovadia

Children Stories

હિમ વર્ષા - રસાસ્વાદ

હિમ વર્ષા - રસાસ્વાદ

5 mins
530


ભારતમાં સિમલા, મનાલી જેવા પ્રદેશો તો ઉત્તર અમેરિકા અને યુરોપમાં શિયાળામાં અવારનવાર હિમ પડે છે. જેમ જેમ તમે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જાઓ કે દરિયાની સપાટીથી વધુ ઊંચાઈ ઉપર જાઓ તો ત્યાં હિમ પાડવાની શક્યતા વધી જાય છે. ‘હિમ વર્ષા’ અંત્યાનુપ્રાસ અલંકાર સ્વરચિત છંદ રચના છે અને તે ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ હિમ પાડવાની પ્રક્રિયા અને તેના વૈજ્ઞાનિક પાસાનું વર્ણન કરે છે, બીજો ભાગ હિમ પડવાથી પ્રકૃતિ ઉપર કેવી અસર થાય છે અને છેલ્લો ભાગ હિમ પડવાથી બાળકો કેવો આનંદ લૂંટે છે.


સૂરજ તપતો, દિવસે ધખતો, જલધિ તરતો, ઉપર ચડતો..


સમુદ્રમાં અપાર પાણી ભરેલું છે તેમ સમુદ્રના પેટાળમાં કેટલા અસંખ્ય જીવનું પાલન પોષણ થાય છે. સમુદ્રના પાણીમાં જથ્થાબંધ ખનીજ અને મીઠું ભરેલું છે. દરિયાના પાણી ઉપર બારે માસ દિવસે સૂરજનો તાપ પડે છે. સૂરજની ગરમીથી પાણીની વરાળ થાય છે, ઠંડો કે ગરમ પવન વરાળની દિશા અને દશા નક્કી કરે છે. ગરમ પવનથી વરાળ ઉપર ઉઠે છે અને આકાશ તરફ ગતિ કરે છે.  


આભે ઉડતો, બાદલ બનતો, શીતળ વહેતો, હિમ વરસતો,

ઊંચે ચડતો, આભે અડતો, ઉડતો ઉડતો, નીચે પડતો,

સલિલ ઠારતો, બરફ બનતો, શીતળ વહેતો, હિમ વરસતો,


પાણીની વરાળ સમુદ્રની સપાટીથી ઉપર ઉડીને વાદળ બનાવે છે, વરાળથી બનેલું વાદળ જો પાણીથી સંતૃપ્ત થઇ જાય તો વરાળનું ફરીથી પાણી કે હિમમાં પરિવર્તન થાય છે અને વરસાદ કે હિમ રૂપે પાણી ધરતી ઉપર પાછું ફરે છે. જો ઉષ્ણતામાન ઝીરો ડિગ્રી સેલ્સિયસથી વધારે નીચું હોય તો વરાળમાંથી સીધું હિમમાં પરિવર્તન થાય છે અને જો એનાથી ઊંચું તાપમાન હોય તો વરાળમાંથી પાણી બની વરસાદ પડે છે. વરાળમાંથી સીધું હિમમાં પરિવર્તન થાય તો ધરતી ઉપર હિમ વરસે છે. જ્યારે વાદળોમાં નાના આઇસ સ્ફટિકો એક સાથે વળગી રહે છે ત્યારે બરફ રચાય છે જેને સ્નો કે હિમ કહેવાય છે. જો પૂરતા સ્ફટિકો એક સાથે વળગી રહે છે, તો તે જમીન પર પડવા માટે પૂરતા ભારે થઈ જશે. ... તાપમાન ઓછું હોય ત્યારે બરફ રચાય છે અને નાના બરફના સ્ફટિકોના રૂપમાં વાતાવરણમાં ભેજ હોય છે. હિમની ઘનતા બરફ કરતા ઓછી હોય છે અને હિમ બરફ કે પાણી કરતા વજનમાં હલકો હોય છે. 


કુદરતી જળ ચક્ર નું સુંદર વર્ણન કરેલું છે. ગરમીથી સમુદ્રનું પાણી ગરમ થઇ વરાળ બને છે અને વરાળ હલકી હોવાથી ઉપર ચડે છે અને વાદળ બંધાય છે. વાદળની ઊંચાઈ, તાપમાન અને હવાની ગતિ વરસાદ અથવા હિમ પડશે કે નહિ તે નક્કી કરે છે. કુદરતના નૈસર્ગીક અને વૈજ્ઞાનિક ક્રમનું સુંદર વર્ણન આ પંક્તિમાં જોવા મળે છે.


સ્નેહ વરસતો, મેહ વરસતો, કેવો ગરજતો, બહુ તરસતો,

આગ ઝરતો, નીચે ખરતો, કેવો ઠરતો, જલથી ભરતો,

જોરથી વરસે, ગરમી ટળશે, ધરતી તરસે, હિમ વરસે,

શ્વેત ચમકતો, કેવો ઝળકતો, ડગલાં ભરતો, પગ લપસતો,

આગ ઝરતા, નીચે ખરતા, કેવા ઠરતા, જલથી ભરતા,

નભથી ખરતા, મોતી ઝરતા, તિમિર હરતા, શીશુ ચરતા

ઢોલ ઢબૂકે, વીજ ઝબૂકે, વિના તડકે, કેવા ઝળકે,

બિંદુ ચળકે, ઈંદુ મલકે, કરમાં છલકે, ભારમાં હલકે,

રાતે ઠરતા. જલમાં તરતા, તાપે મરતા, તેજ ઉતરતા,


હિમ વર્ષાથી તરસતી ધરતીની તરસ છિપાશે, ગરમી ઘટશે અને હિમના સ્ફટિકો નીચે ખરતો હોય ત્યારે પાણી ભરતો સાર્વત્રિક ઠંડી પ્રસરાવે છે. હિમ વરસાદ જાણે ધરતી ઉપર સ્નેહ વરસાવતો હોય તેવો લાગે છે. ગર્જતો વરસાદ ધરતીને મળવા તરસતો હોય તેવું લાગે છે. હિમ વર્ષે ત્યારે તરસી ધરા સંતૃપ્ત થાય છે, હિમમાં કોઈ લપસે ને કોઈ પડે છે.


સફેદ હિમના સ્ફટિક ચમકે છે, ઝળકે છે અને લોકોને ધીમે ડગલાં ભરતા કરી દે છે તો કોઈ લાપસી પડે છે. આકાશમાંથી મોતીની જેમ ખરતા હિમના સ્ફટિકો તેજથી ચળકે છે, અંધારું દૂર કરી દે છે. બાળકો હિમ - બરફ ખાય છે. સૂરજનો તાપ ને તડકો ગાયબ થઇ જાય છે. હિમ પડતો જોઈ રાતે ચંદ્ર પણ મલકે છે. બાળકો હાથમાં બરફ લે છે અને તેમના હાથ હિમથી છલકે છે. હિમ પાણીથી વજનમાં હલકું છે. બરફ હલકો હોવાથી પાણી માં તરતો તરતો ઓગળી જાય છે. તડકો પડતા ગરમીથી હિમ ઓગળી જાય છે.


પાન ખરશે, ઝાડ મારશે, ઘાસ મરશે, ફૂલ મારશે,

જીવન હરશે, ચાલુ વરસે, સજીવ કરશે, આવતા વરસે,

ઘડીક મરશે, પાછા થાશે, જીવ આવશે, પાછા થાશે,


અહીં પાછા થવા ના બે અર્થ (મરી જવું અને ફરીથી થવું) થાય છે. સૌરાષ્ટ્રમાં પાછા થવાનો એક અર્થ મરી જવું એવો થાય છે. હિમ પડે એટલે ઝાડ પાન થીજી જાય છે, મરી જાય છે. અને વસંત ઋતુ આવતા જ થીજી ગયેલા ઝાડ પાન પુનર્જીવિત થાય છે એટલું જ નહિ વધારે લીલાછમ બની જાય છે, નવપલ્લવિત બની જાય છે. એટલે લખ્યું કે "ઘડીક મરશે, પાછા થાશે', હિમ વર્ષથી ઝાડ પાન હંગામી રીતે મરી જશે, પાછા થશે, સુષુપ્ત અવસ્થામાં ચાલ્યા જશે. બીજી પંક્તિમાં લખ્યું કે "જીવ આવશે, પાછા થાશે" એટલે કે વસંત ઋતુ આવતા થીજી ગયેલ ઝાડ પાન સજીવન થશે, ફરીથી જીવતા થશે, પાછા થાશે.


જીવન હરશે, ચાલુ વરસે, સજીવ કરશે, આવતા વરસે,


આ વરસે થોડા સમય માટે ઝાડ પાનનું જીવન હરાશે પણ આવતા વર્ષે વસંત ઋતુમાં ફરીથી જીવતા થશે, સજીવ થશે. કુદરતના નૈસર્ગિક સ ક્રમનું સુંદર વર્ણન આ પંક્તિમાં જોવા મળે છે.


બાલક હરખે, ના પગરખે, કેવા પરખે, મોતી સરખે,

હિમના મોદક, સંકટ મોચક, ભાવે ભોજક, કેવા રોચક,

જોરથી હસતા, આઘા ખસતા, સૌ ઢસડતા, રમતા રમતા,


મનમાં મરકે, ઘુમ્મટ ફરકે, રમવા બરફે, સખાને બરકે,

સફેદ ચાદર, હિમની ચાદર, ગામને પાદર, કરશે આદર,

ઢોલ ઢબૂકતો, તેજ ઝળકતો, મોતી મલકતો, નીચે ટપકતો,        

અંગે ભભૂતી, માથે મુકતી, રખે ચુકતી, બહુ ચમકતી,

હિમના માનવ, કરતા તાંડવ, બનતા પાંડવ, ખેંચે પાલવ,

ફોરા પડતા, ધોળા રંગે, કેવા ગણતા, ઝીલતા અંગે,


આખા ગામમાં હિમ પથરાઈ જાય છે, રસ્તા ઉપર જાણે સફેદ ચાદર પાથરી કોઈ મહેમાનોનું સ્વાગત કરતા હોય તેવું લાગે છે. બાળકો હરખાતા હરખાતા બુટ ચપ્પલ પહેર્યા વગર ખુલ્લા પગે બરફથી રમવા ઘરની બહાર નીકળી પડે છે. બાળકોને મન હિમના સ્ફટિકો હીરા જેવા કિંમતી ભાસે છે.

બાળકો પોતાના મિત્રોને સ્નોમાં રમવા બોલાવે છે અને ઠંડી કે બીમારીની કોઈ પરવા કર્યાં વગર તેઓ હિમના લાડુ બનવે છે તો એક બીજા ઉપર ફેંકે છે, બરફમાંથી દેવી દેવતાઓની મૂર્તિ ને વાંદરાઓની પ્રતિકૃતિ બનાવી આનંદ લૂંટે છે, એક બીજાને ઢસડે છે, લપસે છે, પડે છે, હીરા જેવા ચળકતા હિમને શરીર ઉપર ઝીલે છે. બાળકોનો સમૂહ છોકરા અને છોકરીઓનો છે. આખા શરીર ઉપર ભભુતીની જેમ બરફ લગાવે છે. બધા પાંડવ અને કૌરવનો વેશ ધરી નાટક કરે છે, છોકરીઓ ફેરફુદરડી રમતા સખીનો પાલવ ખેંચે છે, એક બીજાના માથા ઉપર બરફ મૂકે છે ત્યારે ચહેરા ચમકે છે.


બા બરકતા, પાછા ફરતા, રોતા રોતા, ઘરમાં જાતા

ખાલી સમંદર, જંતર મંતર, રમશે અંદર, બંદર બંદર  


જયારે ઘણો સમય જાય ને બા, મમ્મી કે માને ચિંતા થાય છે એટલે બાળકોને ઘરે પાછા બોલાવે છે ત્યારે બાળકો નિરાશ વાળને રોતા રોતા ઘરમાં જાય છે ને ના છૂટકે ઘરમાં અંદર બંદર-બંદર (વાંદરા બનવું) રમે છે. બાળકોનો આનંદનો સમંદર ખાલી થાય છે અને ઘરમાં જંતર-મંતર જેવી રમતો રમવા લાગે છે,  

બાળકોને હિમમાં રમવાની ખુબ મઝા પડે છે અને મા બાળકોને ઘરમાં પાછા બોલાવે ત્યારે તેમના આનંદનો અંત આવે છે તેનું ખુબ જ સાહજિક વર્ણન કર્યું છે. બાળકોને હિમમાં રમવાની ખુબ મઝા પડે છે અને મા બાળકોને ઘરમાં પાછા બોલાવે ત્યારે તેમના આનંદનો અંત આવે છે તેનું ખુબ જ સાહજિક વર્ણન કર્યું છે.


Rate this content
Log in