ગાંધીજીનો દિવસ 48 કલાકનો
ગાંધીજીનો દિવસ 48 કલાકનો
આમ તો આખું વરસ સવારે વહેલું ઉઠવાનો ઘરમાં વણલખ્યો નિયમ હતો પણ કડકડતી ઠંડીમાં બા કે બાપુજી વહેલા સવારે 4 વાગે ઉઠવાની બૂમ પડે ત્યારે ક્યારેક આળસ થઇ જાય. એક દિવસ બાપુજીએ ઉઠાડવા બૂમ પાડી તો મેં વિનંતી કરી કે વૅકેશન છે તો સુવા દો હાજી થોડી વાર. બાપુજીએ સુવા તો દીધો પણ બપોરે અમારે બીજો વણલખ્યો નિયમ હતો બાપુજીના પગ દબાવવાનો. ખેતી કામ કરતા બાપુજીના પગમાં રોજના 4-5 બાવળના કાંટા હોય તે સોયથી બહાર કાઢવાના અને બાપુજી વાતો કરે તે સાંભળવાનું. સવારની ઉઠવાવાળી વાત યાદ રાખી બાપુજીએ આજ ગાંધીજીના સમય વ્યવસ્થાપન વિષે વાત કરી. 78 વરસની જિંદગીમાં ગાંધી બાપુએ કોઈ સામાન્ય માણસ 250-300 વરસ જીવે તો ય ન કરી શકે તેવું કામ કરી બતાવ્યું એનું કારણ ખબર છે? અમે બંને ભાઈએ કહ્યું તેઓ મહાન હતા, સાદાઈ અને સરળતા, દેશદાઝ અને જેટલું જાણતા હતા અને યાદ આવ્યું તેટલું કહ્યું. બાપુજીએ કહ્યું તે તો સાચી વાત પણ ગાંધીજીનો દિવસ 48 કલાકનો હતો કેમકે તેઓ વહેલા ઉઠતા અને સમયસર સુઈ જતા. દિવસ દરમ્યાન કાઇંક ને કાઇંક પ્રવૃત્તિ કરતા જ રહેવાની.
તેમનો દિવસ વહેલો શરુ થઇ જાય અને નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે પ્રવૃતિઓ ચાલુ જ રહે. એક પ્રવૃત્તિ ઉપરથી બીજા કામ ઉપર ક્યારે લાગી જાય તે ખબર જ ના પડે. એકલા હોય ત્યારે વાંચવાનું ને લખવાનું, રેંટિયો કાંતવાનું ને પ્રાર્થના કરવાનું. આશ્રમના માણસોને માર્ગદર્શન આપવાનું ને દેશ વિદેશથી આવેલ મહેમાનોને મળવાનું. મહેમાન જોડે વાતો કરતા જાય ને રેંટિયો કાંતતા જાય. તેમની સામેના વ્યક્તિને સમજવા સાંભળવાની અદભૂત શક્તિ હતી. પેલો માણસ અડધું કહે ત્યાં ગાંધીજી આખું સમજી જાય. બાપુ જેમ ચીજ વસ્તુ અને પાણીની કરકસર કરે તેમ બોલવાની ય કરકસર કરે. પોતાની વાત ઓછામાં ઓછા શબ્દોમાં કહી બતાવે.
એમનામાં અદભુત વ્યવસ્થાપન શક્તિ પણ હતી. ગાંધીજી માનતા કે જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ કોઈ મોટું કામ કેટલીય નાની નાની બાબતો સારી રીતે કરવાથી જ થાય છે. દરેક જરૂરી નાનામાં નાની બાબત તમારા ધ્યાનમાં હોવી જોઈએ અને દરેક કામ ખુબ ગંભીરતાથી જ કરવું જોઈએ, જીવનમાં કોઈ કામ નાનું નથી હોતું. “ટ્રાયફલ્સ મેઈક પરફેક્શન એન્ડ પરફેક્શન ઈઝ નોટ ટ્રાયફલ – નાની નાની નજીવી વિગતો મળીને પૂર્ણતા સિદ્ધ થાય છે જ્યારે પૂર્ણતા એ કંઈ નજીવી વાત નથી.”
તેમનું સમય વ્યવસ્થાપન અદભૂત હતું. અત્યારે આપણે સખત ભાગદોડ અને તેજ ગતિના જીવન પદ્ધતિના યુગમાં જીવીએ છીએ. કોઈની પાસે સમય નથી, ભાગમભાગ છે ત્યારે ગાંધીજી પોતે સમય વ્યવસ્થાપન કઈ રીતે કરતા હતા તેનો મંત્ર જો આપણે જીવનમાં ઉતારીને ઉતારીએ તો આપણો દિવસ પણ 48 કલાકનો થઇ જાય. સેવાગ્રામમાં બાપુ જે કુટિરમાં બેસતા એમાં પાછળ ભીંત પર ત્રણ સૂત્રો લખેલાં રહેતાં.આ જાણે કે એમના મુલાકાતીઓ માટે લખાયાં હતાં:
પહેલું સૂત્રઃ ઝડપ કરો
બીજું સૂત્રઃ ટૂંકમાં વિષયની રજૂઆત કરો અથવા ટૂંકમાં વાત કરો
ત્રીજું સૂત્રઃ વિદાય થાવ.
ગાંધીજીને મળવા આવનાર ગમે તેટલી મોટી સંખ્યામાં મુલાકાતીઓ હોય તો પણ
દરેકની સાથે વાત કરતા જાય, પોતાનું કામ કરતા જાય અને સામેની વ્યક્તિની વાતમાંથી લેવા જેટલો સાર લઇ નોંધ ટપકાવતા જાય. તેઓ મૃદુભાષી અને સ્પષ્ટ વક્તા હતા. જરૂર વગર વાતમાં મોણ નાખવાનું કે કારણ વગરની વાત કે દલીલ કરવાનું તેમને પસંદ નહોતું.
ટૂંકા ગાળામાંય એ સ્પષ્ટતાપૂર્વક પોતાની વાત મુકી શકતા. સામેની વ્યક્તિને ઓળખવાની અને પોતાની વાત બીજાને ગળે ઉતારવાની તેમનામાં જન્મજાત હતી. ખુબ જ સહેલાયથી પોતાના વિચારોનું પ્રત્યારોપણ સામેની વ્યક્તિમાં કરી શકતા. ગાંધીજી પોતાને લખાયેલા હજારો પત્રો વાંચતા અને એનો જવાબ લખતા. ગાંધીજીએ 200,000 કરતાં વધુ પત્રો લખ્યા છે. દક્ષિણ આફ્રિકા અને ભારતમાં 7 વરસ ઉપરાંત જેલમાં રહ્યા અને જેલમાં પણ લખતા જ રહ્યા. તેમણે લખેલ પત્રો, લેખ, નોંધ, ચોપડીઓ અને આત્મકથા લગભગ 50,000 પણ જેટલી થવા જાય છે. આ સાહિત્ય દુનિયાનું શ્રેષ્ઠ સાહિત્ય ગણાય છે અને કેટલીયે ભાષામાં ભાષાન્તર થયેલું છે. તેઓ નિયમિત રીતે દિવસ દરમ્યાન આશ્રમમાં પોતાને ભાગ આવતી કામગીરી કરતા. નવજીવન અને અન્ય પ્રકાશનો માટે લેખ લખતા. દેશ અને વિદેશના મહાનુભાવોને પણ મળતા.
આશ્રમમાં સમય પત્રક રહેતું અને તે પ્રમાણે બધા પ્રવૃતિઓ કરતા, જોકે ગાંધીજી પોતાના માટે પણ કાયમ સમય પત્રક તૈયાર કરતા અને તેનો અમલ વ્યક્તિગત જીવનમાં પણ કાયમ કરતા. બીમાર હોય તોય તેમનું વાંચવા લખવાનું ચાલુ જ રહેતું. તેઓ આજીવન વિદ્યાર્થી હતા. જીવનભર કૈંક અને કૈંક શીખતાં રહ્યા. લંડનમાં વિદ્યાર્થી તરીકે 3 વરસ રહ્યા તે દરમ્યાન ડાન્સ, સંગીત, લેટિન જેવા નવા નવા વિષયોનો અભ્યાસ કર્યો તો વેજિટેરિઅન સંસ્થામાં સક્રિય રહ્યા. આફ્રિકામાં ઉર્દુ, તમિલ અને બીજી ભાષાઓ શીખ્યા. ભારત આવી રેંટીયો કાંતતા શીખ્યા.
જીવનના મર્મને તેઓ આ સૂત્રમાં બરોબર સમજાવે છે, “There is more to life than simply increasing its speed.” એટલે કે "જીવનમાં તેની ગતિ વધાર્યા સિવાય ઘણું વધારે છે." એટલે કે જીવનમાં ભાગદોડ કરવાની જરૂર નથી, શાંતિ રાખો અને ધીરજ અને નિષ્ઠાથી અવિરત કામ કરતા રહો. તેઓ સમય પાલનના પ્રહરી હતા અને એટલા વ્યસ્ત હોવા છતાં ક્યારેય એમ ના કહેતા કે હું બહુ કામમાં છું અને મારી પાસે સમય નથી. ગાંધી એક પ્રખ્યાત લેખક હતા. મહાત્મા ગાંધીના સંગ્રહિત કાર્યો લગભગ 50,000 પાના છે! આશ્ચર્યજનક વાત એ છે કે, ગાંધીજીએ ફક્ત થોડા પુસ્તકો જ લખ્યા. તેમના મોટાભાગનાં લખાણો લેખ, નિબંધો અને પત્રોના રૂપમાં હતા. સત્યના પ્રયોગો અને હિન્દ સ્વરાજ તેમના મુખ્ય પુસ્તક છે. તેમને વાઇસરોયને લખેલા પત્રો સમજવા 15-20 નિષ્ણાતોની સમિતિ બનતી! હિન્દ સ્વરાજ ભારતની સિવિલ સર્વિસ પરીક્ષામાં ખુબ મહત્વનું ગણાય છે. તેમના કામ ઉપર કેટલાય લોકોએ શોધનિબંધ લખી પી. એચ.ડી. ની પદવી મેળવી છે.
આવા વિશાળ કાર્ય સફળતાપૂર્વક પૂરું કરવામાં ગાંધીજીની સમયનો યોજનાબદ્ધ ઉપયોગ કરવાની ક્ષમતા બતાવે છે. આટલું જાણ્યા પછી ખરેખર લાગે છે કે ગાંધીજીનો દિવસ 48 કલાકનો હશે.