એકકું અમેરિકા
એકકું અમેરિકા


પશાભાઈ ઘણો સમય ધારાસભ્ય ને થોડોક સમય તો મિનિસ્ટર પણ રહ્યા. 20 વરસ રાહ જોયા પછી ગ્રીન કાર્ડ મળ્યું એટલે તે જ દિવસે મોંઘા ભાવની ટિકિટ લઇ જયારે ન્યૂયોર્ક જે.એફ.કેનેડી એરપોર્ટ ઉતર્યા ત્યારે બપોરના 2 વાગ્યા હતા. વિઝા અને કસ્ટમની વિધિ પતાવી બેગો લઇ બહાર નીકળ્યા ત્યારે 46 ડિગ્રી તાપમાનનું બોર્ડ જોઈ ગરમી લાગશે એમ માની સફારી ને અમેરિકાની ઠંડીથી બચવા પહેરેલ કપડાં ઉતારી નાખ્યા.
જેવા એરપોર્ટની બહાર નીકળ્યા ને ઠંડીથી ધ્રુજવા લાગ્યા એટલે એને મનમાં આશ્ચર્ય થયું કે નડિયાદમાં તો 42 ડિગ્રીમાં પરસેવે રેબઝેબ થવાય જાય અને અહીં કેમ 46 ડિગ્રીમાં ઠંડી લાગે છે? ઘડીક તો થયું કે શરીરમાં તાવ ચડ્યો હશે પણ તેમને લેવા આવનાર મીનાએ જણાવ્યું કે અમેરિકામાં તાપમાન ફેરનહીટમાં મપાય છે. જોકે પશાભાઈને સેન્ટિગ્રેડ શૂન્યથી ચાલુ થાય ને ફેરનહીટ 32થી ચાલુ થાય તે સમજતા મહિનાઓ લાગી ગયા. પછી તો ગાડીની સ્પીડ ને રસ્તાની દૂરી અમેરિકામાં માઈલ મપાય છે, પેટ્રોલને ગેસ કહે છે ને ગેસને ગેલનમાં માપે છે તે જાણી આશ્ચર્ય થયું.
ગાડીનું સ્ટિયરિંગ અને રસ્તા ઉપર ગાડીઓ (રસ્તાની જમણી બાજુએ) અવળી દિશામાં ચાલતી જોઈ પશાભાઈને ચક્કર આવવા મંડ્યા તો મોલમાં વજન કિલોને બદલે પાઉન્ડમાં જોઈ તેઓ કોઈ નવી જ દુનિયામાં આવી ગયા હોય તેવું લાગ્યું.
પશાભાઈના યજમાનની દીકરીએ કહ્યું કે અંકલ ભારત અને દુનિયાના બીજા દેશથી અમેરિકામાં રીત રિવાજમાં ઘણા તફાવત છે અને તેમાં કોઈ તફાવત રાખવા પાછળ કારણ છે તો ઘણા પાછળ કોઈ કારણ નથી, જોકે આ ચર્ચામાં વિવિધ મત જોવા મળે છે.
યુરોપથી લોકો જુદા જુદા કારણસર અમેરિકામાં 15-16મી સદીથી આવતા જતા થયા. કોલંબસે અમેરિકા શોધ્યું કે બીજા કોઈએ તે અંગે કોલમ્બસને પણ પાકી ખાતરી નહોતી. કોઈ યુરોપીઅન સોના જેવી કિંમતી ધાતુ માટે અમેરિકા આવ્યા તો કોઈ લોકો યુરોપના ધાર્મિક અને રાજકીય વિદ્રોહી તરીકે અમેરિકા આવ્યા પણ એટલું નક્કી હતું કે આવનાર લોકો બુદ્ધિશાળી, સાહસિક અને સ્વતંત્ર મિજાજના હતા. ઘણા સંઘર્ષ પછી ઈ.સ. 1776માં અમેરિકા બ્રિટિશ ગુલામીથી મુક્ત 'સંયુક્ત અમેરિકા રાજ્ય' બન્યું અને પોતાનું બંધારણ અમલમાં આવ્યું. જોકે એ પછી ફ્રેન્ચ અને સ્પેનિશ કોલોની પણ અમેરિકામાં સમાવી દેવામાં આવી તો અમેરિકાએ કેટલાક પ્રદેશ જીતી લીધા ને કેટલાક પ્રદેશ ખરીદી લીધા.
ઇંગ્લેન્ડમાં ડાબી બાજુ ડ્રાઇવિંગ વિકસિત થયું કારણ કે મોટાભાગના લોકો (93%) જમણા હાથવાળા હોય છે, અને તેથી મોટા ભાગના કામ અને તલવારોનો ઉપયોગ તેમના જમણા હાથથી કરવામાં આવે છે. તેથી ડાબી બાજુ વાહન ચલાવવું એ ઘોડા પર બેસીને વિકસિત થયું જ્યાં એક બીજા પર આવતા લોકોએ તેઓને કોઈ દુશ્મનનો સામનો કરવો પડ્યો હોય તેવા સંજોગોમાં રસ્તાની વચ્ચેની તરફ પોતાનો પ્રબળ હાથ રાખવાનું પસંદ કર્યું. અમેરિકાએ 1776માં ઇંગ્લેંડથી સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી, તેઓ તેમના બ્રિટીશ વસાહતી ભૂતકાળ સાથેની બાકીની બધી કડીઓ તોડી નાખવા માટે બેચેન હતા અને ધીમે ધીમે બદલીને જમણા હાથની ડ્રાઇવિંગમાં ફેરવાયા અને તે અંગે નિષ્ણાતો અલગ અલગ કારણ પણ બતાવવા મંડ્યા. એવું પણ કહેવાય છે કે ઇંગ્લેન્ડમાં બનેલી મોટર ને બદલે અહીંના લોકો અમેરિકન મોટર ખરીદે અને તેમની મોનોપોલી જળવાય રહે તે માટે સ્ટીયરીંગની સ્થિતિ બદલી નાખવામાં આવી. વિદ્વાન સ્કોટ પેજે તેમના લેખમાં ઉલ્લેખ કર્યો છે કે યુ.એસ. જમણી બાજુએ વાહન ચલાવવાનું પસંદ કર્યું કારણ કે મોટરકારના શોધક હેનરી ફોર્ડે તેની કારની ડાબી બાજુ સ્ટીઅરિંગ વ્હીલ મૂકવાનું પસંદ કર્યું હતું.
એક સમયે બ્રિટિશરો એટલી જગ્યાએ શાશન કરતા હતા કે એમ કહેવાતું કે બ્રિટિશ તાજનો સુરજ ક્યારેય આથમતો નહિ, પણ અત્યારે માત્ર 35% દેશ જ વાહન ડાબી બાજુ ચલાવે છે જયારે બે તૃતીયાંશ દેશ અમેરિકાની પદ્ધતિ પસંદ કરે છે.
દુનિયાના મોટા ભાગના દેશ મેટ્રિક પદ્ધતિ નીચે તાપમાનમાં સેન્ટિગ્રેડ, વજનમાં કિલોગ્રામ, અંતરમાં કિલોમીટર અને કદ માપવા લીટરનો ઉપયોગ કરે છે. મેટ્રિક પદ્ધતિમાં એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતર કરવા 10, 100, 1000 જેવી સંખ્યાથી ગુણવા કે ભાગવામાં સરળતા રહે છે. અમેરિકા, નાના ટાપુઓ અને અમુક કેરેબિયન દેશ તાપમાનમાં ફેરનહીટ, વજનમાં પાઉન્ડ, અંતરમાં માઈલ અને કદ માપવા ગેલનનો ઉપયોગ કરે છે.
અમેરિકા ફેરનહીટ પસંદ કરે તેની પાછળ એક કારણ એવું આપવામાં આવે છે, પાણીનું બરફ બનવું અને વરાળ બનાવમાં સેન્ટિગ્રેડ 100 ડિગ્રીના ફરકથી માપે છે જયારે ફેરનહીટ 180 ડિગ્રીનો ફરક બતાવે છે એટલે તે વધુ ચોક્સાઈથી માપી શકાય છે. બીજો મત એવો છે કે ફેરનહીટે જયારે ફેરનહીટ માપ બનાવ્યું ત્યારે તેમણે સૌથી નીચુ તાપમાન શૂન્ય ડિગ્રી પાણી, બરફ અને મીઠાના સપ્રમાણ દ્રવ્યને ગણ્યું, ઉપરનું તાપમાન શરીરનું 96 ડિગ્રી ગણ્યું, તે પ્રમાણે પાણી અને બરફનું તાપમાન 32 ડિગ્રી થયું હતું. કેટલાક લોકોના મતે ફેરનહીટની ધાર્મિક માન્યતા 'ફ્રી-મેસોનરી' પથ જોડે જોડાયેલી હતી અને તે પ્રમાણે સ્વર્ગ મેળવવા 32 ડિગ્રીનું મહત્વ છે જેમ કેટલાક ધર્મમાં 108, 51, 11 ખાસ મહત્વ ધરાવે છે.
કેટલાક ગણિતશાસ્ત્રીઓ મને છે કે 100ના ભાજક (1, 2, 4, 5, 10, 20, 25, 50, 100) કરતા 96ના ભાજક (1, 2, 3, 4, 6, 8, 12, 16, 24, 32, 48, 96) વધુ હોય છે એટલે કોઈ સંખ્યાના ભાગ કરવામાં 96 વધુ યોગ્ય છે.
મેટ્રિક પદ્ધતિનો અમલ થતા પાઇ, પૈસા, પાલી, ખાંડી, મણ, શેર, નવટાંક, તોલાનું મહત્વ ખતમ થઈ ગયું હતું. 1964 પહેલા ભારતમાં ચલણમાં આનાનું (6 પૈસા) મહત્વ હતું અને 16 આનાનો એટલે કે 96 પૈસે રૂપિયો!
દુનિયાના ત્રણ જ દેશ વજન અને અંતરમાં મેટ્રિક પદ્ધતિનો ઉપયોગ નથી કરતા, જેમાં અમેરિકા, લાઇબેરિયા અને મ્યાંમાર કે બ્રહ્મદેશનો સમાવેશ થાય છે. અમેરિકાના બંધારણ અમેરિકી સરકારને વજન, કદ, અંતર માપવા અંગે નિયમ અંગે સત્તા આપે છે. એક મત એવો છે કે જુના સમયના ઉત્પાદનમાં જે માપ અમલમાં હતા તેને અનુરૂપ મશીનરી વગેરે બનેલા હતા તેમજ કારીગરો તે માપથી ટેવાયેલ હતા. જો માપ બદલે તો કેટલીયે મશીનરી અને ઓજારો બદલવા પડે તથા કારીગરોને તાલીમ આપવી પડે જેનાથી સમય અને નાણાંનો મોટા પ્રમાણમાં વ્યય થાય. એટલે દુનિયાના મોટા ભાગના દેશોએ મેટ્રિક પદ્ધતિનો અમલ કર્યો પણ અમેરિકાની સરકારે પોતાની આગવી પદ્ધતિ પકડી રાખી.
પશાભાઈને સમજાય ગયું કે બીજા તો જે કારણ હોય તે પણ મૂળ કારણ તો અમેરિકા વસાવનાર લોકો સાહસિક, વિદ્રોહી અને સ્વતંત્ર મિજાજી હતા. બાકીના કારણ તો તેમના આ સ્વભાવને કારણે રીત, રિવાજો ને નિયમો અલગ રાખ્યા કે અમેરિકાની પોતાની એક અલગ છાપ પડે અને બ્રિટિશરો અને યુરોપીઅનથી જુદા પડે તે છે.