lina joshichaniyara

Others

4.8  

lina joshichaniyara

Others

એક નિર્ણય-DINK

એક નિર્ણય-DINK

11 mins
852


બપોરથી જ મનીષભાઈ ગુસ્સામાં આંટા-ફેરા કરી રહ્યા હતા. પોતાના પતિને આમ પરેશાન જોઈ મંજુલાબેને કહ્યું "હવે ક્યાં સુધી આમ દુઃખી અને પરેશાન થશો ? છોકરાવ આવે ત્યારે આજે ચોખ્ખી જ વાત કરી લેજો. કેટલા દિવસ સુધી આમ મૂંજાયા કરશો ?

મનીષભાઈ તાડુક્યા "હા, આજે તો આ વાતનો અંત આણી જ દઈએ. બહુ થયું હવે. આપણી વાતને એ લોકો ધ્યાનમાં લેતા જ નથી. દિવાળી ઉપર આપણે અમદાવાદ ગયા ત્યાં મારા મિત્રની દીકરીનું પણ અપમાન કર્યું. દીકરો વહુ સમજે છે શું એના મનમાં ? આજે અઠવાડિયું થયું એ વાતને. અમદાવાદથી આવ્યા પછી પણ એ જ વાત મગજમાં ફર્યા કરે છે."

દરરોજની જેમ સુકેતુ અને સાનવી ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે ઘરનું ભારેખમ વાતાવરણ જોઈને બન્ને જણા સમજી ગયા કે આજે પણ દરરોજની જેમ જ વાતોનું પુનરાવર્તન થવાનું છે. છેલ્લા છ મહિનાથી દરરોજ આમ જ બનતું હતું. એમાં પણ શનિ- રવિ કે રાજાના દિવસોમાં ઘરમાં રહેવું મુશ્કેલ થઇ જતું. બન્ને પતિ- પત્ની નોકરિયાત હોય એમના માટે તો રાજાના દિવસો એટલે સ્વર્ગ સમાન હોય. પરંતુ સુકેતુ અને સાનવી માટે એમ ન હતું. રજાના દિવસોમાં માનસિક યાતનાનો ભોગ બનવું પડતું. ઘરમાં આમ તો ચાર જણ રહેતા - મનીષભાઈ, એમના પત્ની મંજુલાબેન, દીકરો-વહુ સુકેતુ -સાનવી. પરંતુ રજાના દિવસોમાં એકબીજા સાથે વાત કરવાનું ટાળતા. જમી કરીને દીકરો-વહુ એમના રૂમમાં અને માં-બાપ એમના રૂમમાં બેસી રહેતા.

આમ તો આ બધું મનીષભાઈ અને મંજુલાબેન સુકેતુ અને સાનવી સાથે રહેવા આવ્યા ત્યારથી જ થતું હતું એટલે કે છેલ્લા છ મહિનાથી સુકેતુ અને સાનવી પરેશાન રહેતા હતા.

સુકેતુ અને સાનવી બન્ને સાથે જ ભણતા હતા અને સારા મિત્રો હતા. આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. સુકેતુ ફોટોગ્રાફીનો કોર્સ કરતો હતો જયારે સાનવી ફેશન ડિઝાઈનરનો કોર્સ કરતી હતી. બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.પરંતુ લગ્ન પેહલા બન્ને પોતાનું કેરિયર બનાવવા માંગતા હતા. સુકેતુને સારી પગારવાળી અને જાણીતી મેગઝીનમાં ફોટોગ્રાફરની નોકરી મળી અને સાનવી એક જાણીતી ફેશન બ્રાન્ડની ડિઝાઈનર બની ગઈ. બંને એ પોતાના માતા પિતાને લગ્ન ની વાત કરી. બંને સમકક્ષ જ્ઞાતિના હતા અને બંનેના માતાપિતા પણ સુશિક્ષિત હતા. સુકેતુ અને સાનવી બંને પોતાના માતાપિતાનાના એક માત્ર સંતાન હતા. બંનેના માતાપિતા એ પણ એમના પ્રેમને લગ્ન ની મહોર લાગવી દીધી. બંને લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા. લગ્નબાદ સાનવી અતિશય લાડકી વહુ કમ દીકરી અને સુકેતુ અતિશય લાડકો જમાઈ કમ દીકરો બની ગયા. બધા ખુબ ખુશ હતા.

સુકેતુ અને સાનવી બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. એકબીજાને સારી રીતે સમજી શકતા હતા. જેટલા દેખાવે સુંદર હતા એનાથી ક્યાંય વધારે સ્વભાવથી સુંદર હતા. બંને જાણે કે એકબીજા માટે જ બન્યા હોય !

સુકેતુ અને સાનવીને પુના નોકરી મળી જેથી બંને એ અમદાવાદ છોડીને પુના જવું પડ્યું. શરૂઆતમાં તો મનીષભાઈ અને મંજુલાબેને વિરોધ કર્યો પણ સુકેતુ અને સાનવી પોતાના કરિયરમાં આગળ વધવા માગતા હતા. એટલે એમની જીદ સામે બંનેના માતા પિતા એ ઝુકવુ પડ્યું. સુકેતુ અને સાનવી પુના આવી ગયા અને પોતાની જિંદગીમાં સેટ થઇ ગયા. સાનવીના માતા પિતા પોતાની એકની એક દીકરી પાસે રહેવા માટે પુના રહેવા આવી ગયા જયારે મનીષભાઈ અને મંજુલાબેન આવતા જતા રહેતા. તહેવારોમાં સુકેતુ અને સાનવી અમદાવાદ જઈ આવતા. આમને આમ રાજી ખુશીથી સુકેતુ અને સાનવીના લગ્ન ને ત્રણ વર્ષ પુરા થઇ ગયા.

સારો સમય જાતા વાર નથી લાગતી. હવે મનીષભાઈ અને મંજુલાબેનને દાદા- દાદી બનવાના સપના જાગ્યા. બંને જણા સુકેતુ અને સાનવીને આડકતરી રીતે બાળક માટે કહેવા લાગ્યા. સમય પસાર થતો ગયો અને સુકેતુ- સાનવીના લગ્ન ને છ વર્ષ પુરા થઇને સાતમું બેઠું. આ પ્રસંગે રાખેલી પાર્ટીમાં મનીષભાઈ એ બધાની હાજરી માં કહ્યું કે હવે તો બસ પ્રભુ આ ઘરને બાળકની કિલકારી ઓથી ભરી દે એ જ દિવસની રાહ જોઈએ છે. એ પછી તો મનીષભાઈ અને મંજુલાબેન સુકેતુ અને સાનવીને જરાય સંકોચ વિના ચોખ્ખું જ પૂછવા લાગ્યા "હવે તમારે બાળક ક્યારે કરવું છે ? યોગ્ય ઉંમરે જો બાળક થઇ જાય તો સારું. મોટી ઉંમરે પછી ડિલિવરીમાં પણ મુશ્કેલીઓ થાય છે. અમે બેઠા છીએ તો પૌત્ર-પૌત્રીનું મોઢું જોઈ લઈએ અને એનું સારું ઘડતર પણ કરી શકીએ. હજી અમારા હાથ પગ ચાલે છે ત્યાં સુધીમાં જો બાળક થાય જઈ તો અમે મા અને બાળક બંને ની સાર સંભાળ લઇ શકીએ. અમારી ઉંમર થઈ જશે પછી અમે કઈ જ નહિ કરી શકીએ. બને એટલું વહેલું બાળક કરી લો. હજુ કેટલા વરસ રાહ જોવી છે તમારે ? અત્યારે તમારી પાસે બાળક સિવાય બધું જ સુખ છે. ગાડી છે, બંગલો છે બસ હવે તો એક પા પા પગલી પાડનારની જ ખોટ છે.

સુકેતુ અને સાનવી એમની આવી વાતોને અવગણતા હતા. પણ છેલ્લા છ મહિનાથી તો હદ આવી ગઈ હતી. દરરોજ સાંજે જમ્યા પછી એક જ વાત થતી બાળક ! બાળક ! બાળક ! સુકેતુ અને સાનવી કંટાળી ગયા હતા. સોમથી શુક્ર એકબીજા સાથે ન બોલે અને જેવો શનિ કે રવિ વાર આવે કે રજાના દિવસ આવે એટલે સવારથી જ બાળકની વાત ચાલુ થઇ જાય.

મનીષભાઈ અને મંજુલાબેન કેટલી વાર ડોક્ટરને દેખાડવાનું કહેતા પણ બંને તૈયાર ના થતા. દિવાળી ઉપર જયારે અમદાવાદ ગયા ત્યારે તો હદ થઈ ગઈ. મનીષભાઈ એમના મિત્રની દીકરી કે જે ગાયનેકોલોજિસ્ટ છે એને ઘરે લઇ આવ્યા અને સુકેતુ-સાનવીનું ચેકઅપ કરવા માટે દબાણ કરવા લાગ્યા. સુકેતુ અને સાનવી એ ડૉક્ટરની માફી માંગી અને એમને વિદાય કર્યા.

"સુકેતુ, આપણે ક્યાં સુધી આવી રીતે કારણ નહીં જણાવીએ ? આપણે એકને એક દિવસ તો કહેવું જ પડશે. દિવાળી ઉપર જે થયું એ પછી તો હવે એ સમય આવી ગયો છે કે અપને એ લોકો ને સાચું કહી દઈએ." સાનવી એ કહ્યું.

"પણ સાનવી, એ લોકો આપણા વિચારો નહિ સમજી શકે."

"તો સુકેતુ આપણે એમને સમજાવવા પડશે. આપણે જે નિર્ણય કર્યો છે એ કહેવો તો પડશે જ." સાનવી એ કહ્યું.

ઠીક છે આવતી કાલે આમેય રવિવાર છે તો સવારે નાસ્તો કર્યા પછી આપણે આપણી વાત મમ્મી પપ્પાને જણાવશું. એક કામ કર તું તારા મમ્મી પપ્પાને પણ બોલાવી લે. વાત પુરી કરી સુકેતુ અને સાનવી આવતી કાલ કેવી હશે એ વિચારતા સુઈ ગયા.

બીજા દિવસે સવારે અનિલભાઈ અને રજનીબેન એટલે કે સાનવીના માતા પિતા પણ આવી ગયા. એમને આમ અચાનક આવેલા જોઈને મનીષભાઈ અને મંજુલાબેનને અચરજ તો થયું પણ સાથે સાથે રાહત પણ થઈ કે આપણો પક્ષ લેવા માટે કોઈ તો છે. હવે પાછો દાણો દાબી જોશું. સુકેતુ અને સાનવીને સાનવીના માતા પિતા પણ સમજાવશે. બધા નાસ્તો કરી હોલમાં બેઠા. અનિલભાઈ એ સુકેતુ ને પૂછ્યું

"શું વાત છે સુકેતુ ? આમ અચાનક જ અમને શા માટે બોલાવ્યા ? તમારી અને સાનવીની વચ્ચે બધું ઠીક તો છે ને ?"

સુકેતુ અને સાનવી એ એકબીજાની સામે જોઈ પરસ્પર સંમતિથી પોતાનો નિર્ણય જણાવવાની શરૂઆત કરી.

"હું અને સાનવી તમને લોકોને કંઈક જણાવવા માંગીએ છીએ. છેલ્લા ઘણા સમયથી તમે બંને માતા પિતા અમને આ સવાલ પૂછો છો કે બાળક ક્યારે કરવું છે ? અત્યાર સુધી અમે આ વાત ને અવગણતા હતા. પરંતુ હવે સમય આવી ગયો છે કે અમે તમને સાચું કહીએ."

મનીષભાઈ એ થોડા ગુસ્સા સાથે કહ્યું "જો સુકેતુ આમ ગોળ ગોળ વાત ના કર. જે કહેવું હોય એ ચોખ્ખે ચોખ્ખું કહે.

"ઠીક છે, મેં અને સાનવી એ લગ્ન પેહલા જ એક નિર્ણય કર્યો હતો કે અમે બાળક નથી ઇચ્છતા. અમે બાળકની જવાબદારી નથી લેવા માંગતા. અમને DINK જ રહેવું છે. એવું નથી કે અમારામાં કોઈ શારીરિક ખામી છે કે જેના પગલે અમે આ નિર્ણય કર્યો છે. જી ના. અમે બધા જ રિપોર્ટ કરાવેલા છે તમારી ખાતરી માટે. આ રહ્યા બધા જ રિપોર્ટ કે જે એકદમ નોર્મલ છે.

અમે અમારી જિંદગી આઝાદીથી જીવવા માંગીએ છીએ. અમારા જિંદગીમાં ઘણા બધા સપના છે જેને અમે પુરા કરવા માંગીએ છીએ. આ આઝાદી, સ્વપ્નાઓ બાળકના આવવાથી પુરા ના થઈ શકે. બાળક એક જવાબદારી છે જેના માટે અમે તૈયાર નથી.

મનીષભાઈ, અનિલભાઈ, મંજુલાબેન, રજનીબેન બધાને આ વાત જાણીને આઘાત લાગ્યો. મનીષભાઈ તાડુક્યા "આ બધું શું માંડ્યું છે તમે બંને એ ? બાળક નથી જોતુ? શા માટે નથી જોતુ ? તમે લોકો શું બોલો છો વિચારો છો એનું કઈ ભાન છે તમને ? બાળક માટે લોકો શું શું નથી કરતા ? કેટકેટલી માનતાઓ, દવા દારૂ કરે છે માણસ એક બાળક માટે. કેટલી તકલીફો સહે છે બાળક માટે. અને તમારે બાળક નથી જોઈતું? અને પેલું શું કીધું તે DINK ? આ DINK વળી શું છે ? સમાજમાં લોકો તમને શું કહેશે ? આખી જિંદગી લોકો તમને મહેણાં માર્યા કરશે. અમે સમાજમાં શું મોં દેખાડશું ? શું કહેશું બધાને કે અમારા દીકરા વહુ તો પેલું શું કહેવાય DINK રહેવા માંગે છે ?"

મંજુલાબેને મનીષભાઈને શાંત કરતા કહ્યું કે "તમે શાંત થઈ જાઓ. તમારું બીપી વધી જશે. સુકેતુ, આ કેવો નિર્ણય છે ? તમને ક્યાં કોઈ રોક ટોક છે ? તમે નોકરી માટે પુના આવ્યા તો અમે હસતા હસતા સ્વીકારી લીધુંને કે કઈ વાંધો નહિ ભલે છોકરાવ આગળ વધે. અમે મળવા આવતા રહેશુ તમને. તમારી ખુશીમાં જ અમારી ખુશી વિચારી અમે. પણ બાળક વિના જિંદગી કેમ નીકળશે ? આજે તો અમે તમારી સાથે છીએ પણ આખી જિંદગી નહિ હોય ત્યારે શું કરશો ? એકલા થઈ જશો. આ બાબત કઈ વિચાર્યું છે તમે ? અને સાનવી તું ? તું એક સ્ત્રી થઈ ને આવી વાત કરે છે ? તારામાં માની મમતા નથી જાગતી ? તને એવું નથી થતું કે કોઈ હોય જેના નાના નાના પગલાં તમારા જીવનને હાર્યું ભર્યું કરી દે. તને મા, મમ્મી કહી ને બોલાવે ? શું તારામાં આવી કોઈ લાગણી જ નથી ? અને આપણા ઘરની તો પરિસ્થિતિ પણ સારી છે કે તમે આરામથી બે-ત્રણબાળકોનો ઉછેર કરી શકો. ચાલો બે-ત્રણ બાળકો ન કરો પણ એક તો હોવું જ જોઈએ. આપણે બધા જ શિક્ષિત અને સંસ્કારી છીએ એટલે દીકરો કે દીકરીમાં ભેદભાવ નથી કરતા. જે હોય એ પણ એક બાળક તો જોઈએ જ. અને સુકેતુ, આ તારા પપ્પા એ આખી જિંદગી બચત કરીને આટલી સંપત્તિ ભેગી કરી છે એનું શું ? હંમેશા ક્યાંય ખર્ચો કરતા પેલા વિચારતા કે ખોટા ખર્ચ નથી કરવા, બધું ભેગું કરવું છે મારા સુકેતુના છોકરા-છોકરી માટે. અમારા સપનાઓનું શું ? શું અમને અમારા પૌત્ર-પૌત્રીને રમાડવાના અરમાન ના હોય ?તમે લોકો એ ફક્ત તમારો જ વિચાર કર્યો છે. અમારા શું કઈ સપનાના હોય ? અનિલભાઈ, રજની બેન હવે તમે જ આ લોકોને સમજાવો. કદાચ તમારી વાત માને.":

આમ બોલતા બોલતા મંજુલાબેનને ગળે ડૂમો બાઝી ગયો અને રડવા લાગ્યા. રજનીબેન પાણી લઇ આવ્યા અને મનીષભાઈ તથા મંજુલાબેનને પાણી આપ્યું અને શાંત પાડયા. રજનીબેને મંજુલાબેન ની વાત માં સહમતી દર્શાવતા કહ્યું કે મંજુલાબેનની વાત સાચી છે. તમે લોકો એ અમારો વિચાર જ ના કર્યો ? આ બાબતમાં અનિલભાઈ એકદમ સ્પષ્ટ હતા કે આ નિર્ણય સુકેતુ અને સાનવીનો અંગત છે.

સુકેતુ અને સાનવી પણ બંનેના માતા પિતાની વાતથી સહમત થયા.

"તમે લોકો તમારી જગ્યા એ સાચા છો. કોઈ પણ મા-બાપને પોતાના પૌત્ર પૌત્રી રમાડવાના અરમાન હોય. અમે જે કઈ પણ નિર્ણય લીધો છે એ ખુબ સમજી, બધી પરિસ્થિતિઓ ને વિચારી ને લીધો છે. DINKનો મતલબ છે Double Income No Kids .બાળકના આવવાથી જિંદગી બાળકમય થઈ જાય. એ નાનું હોય ત્યારે એના પાલન પોષણમાં, મોટું થાય ત્યારે એના ભણતરમાં અને લગ્ન બાદ એના છોકરા મોટા કરવામાં જ આખી જિંદગી નીકળી જાય. આમ પણ બાળક કરવું ન કરવું એ પતિ પત્નીનો અંગત પ્રશ્ન છે નહિ કે સમાજનો." સાનવી એ કહ્યું.

જ્યાં સુધી એકલા રહેવાનો પ્રશ્ન છે તો આ દુનિયામાં બધા એકલા જ આવે છે અને જાય છે. હવે અમને જ જોઈ લો. અમે તમારા સંતાનો છીએ પણ ક્યાં તમારી સાથે રહી શકીએ છીએ ? અમે નોકરી માટે, સારા ભવિષ્ય માટે તમને મૂકીને બીજી જગ્યા એ આવ્યા જ છીએ ને ? બાળક જ્યાં સુધી ભણતું હોય ત્યાં સુધી જ તમારી સાથે રહે છે. પછી તો એ પણ એના અલગ માળામાં ચાલ્યું જાય છે. આજે તો બાળક ભણતું હોય તો પણ તમારી સાથે નથી રહી શકતું કેમ કે આ હરીફાઈના યુગ માં ટકવા માટે એને સ્કૂલ, ટ્યુશન ઉપરાંત ઘણા બધા ક્લાસીસ કરવા પડે છે. જેમ અમે તમારી સાથે સમય વિતાવતા એટલો સમય આજ ના બાળક પાસે ક્યાં છે ?

આમ પણ અત્યારના બાળકો માતા પિતા સાથે રહેવા જ ક્યાં માંગે છે ? ખરેખર જો બાળક માતા પિતા સાથે રહેતા હોત અથવા તો રહેવા માંગતા હોત તો તો આટલા વૃદ્ધાશ્રમ બન્યા જ ના હોત. માણસને સંતાનની ખાસ જરૂર તો જયારે એ વૃદ્ધ થાય ત્યારે જ પડે છે. પણ ત્યારે એ જ સંતાન પોતાનો નવો માળો બનાવવામાં પડયા હોય. હું અને સાનવી, બંને એમ માનીએ છીએ કે અમારે અમારી જિંદગી માણવા, જીવવા માટે બાળકની જરૂર નથી. સંતાન કર્યા પછી પણ જો એકલા જ રેહવું હોય તો પછી સંતાન કરવાની શું જરૂર છે ? શા માટે અમે અમારા જિંદગીના કિંમતી વર્ષો બાળક પાછળ વિતાવીએ ?"

"અમે બાળકને ખરાબ નથી કહેતા કે બાળક વિરોધી વિચારસરણી નથી ધરાવતા કે એવું પણ નથી કે અમને બાળકો નથી ગમતા. કોઈ ના કાકા-કાકી, મામા-મામી, માસા-માસી કે ફઈ-ફુઆ બનીને બાળકો સાથે રહેવું અમને પણ ગમે છે. પરંતુ અમે માતા પિતા બની અને બાળકની જવાબદારી નથી લેવા માંગતા. અમે અમારા DINK નિર્ણયથી ખુશ છીએ અને કોઈ પણ સંજોગોમાં આ નિર્ણય બદલવાના નથી." સુકેતુ એ સમજાવ્યું.

ઘણીબધી મંત્રણાઓ અને ચર્ચા બાદ અનિલભાઈ અને રજનીબેન સુકેતુ અને સાનવી સાથે સહમત થયા અને કહ્યું કે અમારા સંતાનોની ખુશી માં જ અમારી ખુશી છે. તમને જેમ ઠીક લાગે એમ કરો.

પરંતુ મનીષભાઈ અને મંજુલાબેન આ DINK નિર્ણયથી ખુશ ન હતા. પોતાના દીકરા વહુ સાથે એમણે સંબંધ તો ના કાપ્યો પરંતુ આ ચર્ચા પછી પેલા જેવો પ્રેમ, ઉમળકો ના રહ્યો. કાયમી રહેવા માટે આવેલા મનીષભાઈ અને મંજુલાબેન ત્યાંથી અમદાવાદ પાછા આવી ગયા. બસ ક્યારેક ફોન પર વાત કરી લેતા.

પાંચ વર્ષ વીતી ગયા જેમાં પહેલા મનીષભાઈ અને છ મહિના પછી મંજુલાબેન સિધાવી ગયા.

આજે સુકેતુ અને સાનવીના લગ્નની ૧૨મી વર્ષગાંઠ છે. આજે એમના મિત્રો કે જે ક્યારેક એમના DINK નિર્ણય બદલ હાંસી ઉડાવતા, મ્હેણાં મારતાં એ જ મિત્રો DINK નિર્ણય માટે બિરદાવે છે અને ઈર્ષા અનુભવે છે કે આપણે આ બંનેની જેમ જિંદગી માણી નથી શકતા.

સુકેતુ અને સાનવી પોતાના DINK નિર્ણયથી ખુબ જ ખુશ છે અને જિંદગી માણી રહ્યા છે.Rate this content
Log in