એક કોન્ટ્રાકટ
એક કોન્ટ્રાકટ
વર્ષો પછી આજે રમણભાઈ પોતાના પૌત્ર સાથે ગામડે આવ્યા હતાં. પોતાના પૌત્રને લઈ તે ગામની સફર કરવા નીકળ્યા.
"કેટલું બદલાય ગયું ગામ. પેલી જગ્યા છે ત્યાં એક ચબૂતરો હતો અને પાસે પશુને પાણી પાવા માટેનો હવાડો. નદી ઉપર હવે તો પુલ બની ગયો પેલા તો અહીં એક ઢાળીયો હતો જ્યાં હું નાનો હતો ત્યારે બહુ નદીમાં નહાયો." પોતાના પૌત્ર જતીનને દાદા બધું કહેતા હતાં.
થોડે આગળ જતાં જ દાદા ઊભા રહી ગયા અને મનમાં ને મનમાં હસવા લાગ્યાં. આ જોઈ જતીને પૂછ્યું ," શું થયું દાદા ? કેમ હસો છો ?"
"કઈ નહીં હું જયારે નાનો હતો ત્યારે સામે મેદાનમાં ઘણા નાના ઝાડને તોડી નાખ્યા હતાં અને બાપુજીને ખબર પડતાં મને બહુ માર પડ્યો હતો. એ પછી મને પ્રકૃતિ સાથે લગાવ વધી ગયો બાપુજીની સમજથી અને મેં એ જ સમયે આ 10 ઝાડ રોપ્યા હતા અને રોજ તેની સારસંભાળ રાખતો. 5 વર્ષ સુધી બહુ ધ્યાન રાખ્યું અને પછી શહેરમાં આવવાનું થયું હવે જયારે 20 વર્ષે જોઉં છું તો આટલા મોટા ઝાડ બની ગયા અને આ છોકરાઓ કેટલી મોજથી તેની નીચે રમે છે."
"હા..! તમે સાચું કહ્યું દાદા."
" હવે તું જંગલ ખાતામાં અધિકારી બની ગયો છો એટલે તારી પણ જવાબદારી છે પ્રકૃતિ અને વૃક્ષોનું જતન કરવું."
વૃક્ષોનું અને પ્રકૃતિના જતનની વાત સાંભળતા જ જતીન ઊભો રહી ગયો જાણે કે કોઈ આંચકો લાગ્યો હોય અને ગયા અઠવાડિયે જ એક કોન્ટ્રાક્ટમાં કરેલી સહી તેના મનને ખૂંચવા લાગી.
