એ ટી એમ
એ ટી એમ
કચ્છના રસ્તા પર એક ગાડી પુરપાટ જઈ રહી હતી. આગળની સીટ પર ડ્રાયવર જેવો લાગતો માણસ સ્ટિયરિંગ પર તાલ આપતો હતો. રેડીઓ પર કિશોરકુમારનું કોઈ રોમેન્ટિક ગીત વાગતું હતું અને પાછળની સીટ પર એક શેઠિયા જેવો માણસ જરાક ત્રાંસો થઈને બારી પર માથું ટેકવી ને સૂતો હતો. તે સંગીત હતો. પપ્પા સંગીત શિક્ષક હોવાના નાતે દાદીએ તેનું નામ પણ સંગીત પાડી દીધેલું. માત્ર સ્કુલમાં બધા ચીઢવતા એજ કારણથી તેને સંગીત શીખવામાં રસ ન રહ્યો. ડિપ્લોમા સિવિલ કરીને તે જમીન લે વેંચ ના ધંધામાં આવી ગયો હતો. તેની આગવી સુજના લીધે બધું બરાબર હતું. વળી બે હજાર આઠ પછી જમીનના ભાવ વધ્યા તેનો તેને ફાયદો પણ થયો હતો. સાંજ પડી ગઈ હતી. તેણે ગાડી જમણી બાજુ લેવાનું કહ્યું. એક બે ગલી પાર કરીને તેઓ એક ઓફિસે પહોંચ્યા. માત્ર દસ મિનિટ પછી તેના પોર્ટફોલિયોમાં બે કરોડ રૂપિયા હતા. બે મહિના પહેલા જે સોદો થયો હતો તેના પૈસા આવી ગયા હતા. તેણે ફોન કર્યો," શેઠ, પૈસા આવી ગયા છે. ચાર લાખ ઘરે મોકલી આપો. બસ કલાકમાં તમને મળું છુ."
એક કલાકમાં પૈસા સુપ્રત કરીને બહાર નીકળ્યો અને ડ્રાઈવરે કહ્યું,"ડીઝલ ભરાવવું પડશે. તેણે હજારની નોટ કાઢી. દસ મિનિટ પછી એક પમ્પ આવ્યો. હજારની નોટ આપતા જ પમ્પવાળાએ પાછી આપી. "આ નહિ ચાલે." બે પાંચસોની નોટ પણ પાછી આવી. કારણ પૂછતાં ખબર પડી કે હમણાં જ આ નોટો કેન્સલ થવાની જાહેરાત પ્રધાનમંત્રીએ કરી છે. પગ નીચેથી જમીન સરકી ગઈ. બસોનું ડીઝલ પુરાવી ને તે ફટાફટ ઘરે પહોંચી ગયો. ટીવી ચાલુ કર્યું અને "મેરે પ્યારે દેશ વાસીઓ"થી શરુ થયેલ ભાષણ ના અંશો ચર્ચાતા જોયા. હૃદય ના ધબકારા વધી ગયા." ઓછામાં ઓછા પાંચ લાખ તો હશે જ ઘર માં." પત્નીને સમજાવીને દૂધ વાળા પાસેથી બે લાખનો તોડ કર્યો. જ્યાં સુધી પતે નહિ ત્યાં સુધી દૂધના પૈસા વાળતા જવાનું. સોનાના ભાવ જોઈને ઈચ્છા મરી ગઈ. બીજા દિવસે બાળકોને સ્કુલમાં રજા લેવરાવી બધા અલગ અલગ બેંકની લાઈનમાં ઉભા રહી ગયા. માંડ અઠવાડીએ બધા પૈસા બેંક માં જમા થઈ ગયા. હવે ઘરમાં એક રૂપિયો ન હતો.
અઠવાડિયામાં પૈસાની ખેંચ પાડવા લાગી. પૈસા જમા કરાવનારની લાઈન ના લીધે પૈસા ઉપાડવાનું અશક્ય હતું. એ ટી એમ ખાલી જ મળતા. એવામાં દીકરીની સ્કુલમાંથી ફી ભરવાની નોટિસ આવી. બેંકના ધક્કા ખાવા છતાં પૈસા મળતા નહિ. હવે ઘર માં કંકાસ શરુ થયો." રઘવાટમાં બધા પૈસા થોડા બેંકમાં મુકાય? નામ જ સંગીત છે. ભગવાન સુર મુકવાનું જ ભૂલી ગયા છે..."
ફી ભરવાનો છેલ્લો દિવસ બાકી હતો. તે હતાશ હતો અને એક મિત્રનો ફોન આવ્યો." રાત્રે એ ટી એમ માં પૈસા આવે છે. લાઈનમાં બેસવું પડે પણ લગભગ બે વાગે મેળ પડી જાય છે." સાંજે જમીને ટિફિન લઈને તેણે શાલ ખભે નાખી. પાકીટ ખિસ્સામાં મૂક્યું અને નીકળી પડ્યો. ઓફિસ પાસે પેલા મિત્રએ જણાવેલ એ ટી એમ મશીન હતું. તે બાર વાગે ત્યાં પહોંચ્યો. લગભગ પચાસ જણની લાઈન હતી. તેની ગણતરી ખોટી પડી હતી. પણ હવે છૂટકો ન હતો. તે લાઈનમાં બેસી ગયો. વાતાવરણમાં કોઈ અલગ પ્રકારની ઠંડક હતી. લગભગ એક વાગે તેને ઝોકું આવી ગયું. આવી રીતે બેસવાનો પહેલો અનુભવ જો હતો! તેની આંખ ખુલી અને સામે એ ટી એમ દેખાયું. વચ્ચેના બધા માણસો ગાયબ હતા. તે દોડ્યો. નજીક પહોંચતા જ દરવાજો એની મેળે ખુલી ગયો. અંદરથી ઠંડો પવન આવ્યો. પણ સંગીતનું ધ્યાન પૈસા ઉપાડવામાં જ હતું તેથી તેણે આ વાત ધ્યાન પર ન લીધી.એ ટી એમ મશીનની લાઈટ ઝબકારા મારતી હતી. તેણે કાર્ડ કાઢીને સ્લોટ માં નાખ્યું. કાર્ડ અંદર જતું રહ્યું. સંગીતે મશીન પર હાથ માર્યો અને અંદર થી બિલાડી જેવા અવાજ માં સંભળાયું'' આ રૂટની બધી લાઈન વ્યસ્ત છે, કૃપા કરી થોડી વાર પાછી પ્રયત્ન કરો. સંગીતે કાર્ડના સ્લોટ પાસે હાથ નાખ્યો અને તેના હાથમાં લાલ રંગ નું પ્રવાહી ચોંટ્યું. તે લોહી હતું? સંગીતે ગભરાઈ ને હાથ કપડાં પર લૂછ્યો. તે જ્યાં જ્યાં હાથ લૂછતો ત્યાંથી લોહીની ધાર થવા લાગી. તેને પરસેવો વળી ગયો, હાર્ટ બીટ વધવા લાગ્યા. તેણે મશીન ને લાત મારી અને ચારે બાજુ અવાજ ગુંજવા લાગ્યો,"મેરે પ્યારે દેશ વાશીઓ...." તેની આસપાસની લાઈટો ઝબકારા મારવા લાગી જાણે વીજળી ન ચમકતી હોય? તે બહાર ભાગવા ગયો, પણ દરવાજો બંધ થઈ ગયો હતો. એ સી માંથી સુસવાટા ભેર ઠંડો પવન આવતો હતો.
લગભગ વીસ મિનિટ સુધી તે મથતો રહ્યો. તેની નજર સામે ઉભેલી પોલીસની જીપ પર પડી. તેણે મદદ માટે બૂમ પાડી. તેનો અવાજ પણ ઘસાઈ ગયેલી સિસોટી જેવો થઈ ગયો હતો. પરસેવાથી કપડાં ભીના થઈ ગયા હતા. જીપમાંથી યુનિફોર્મમાં એક સ્ત્રી ઉતરી. તે એ ટી એમ સેન્ટર તરફ આવવા લાગી. સંગી ની હિમ્મત વધી તેણે ફરી કાર્ડ સ્લોટ પર હાથ મુક્યો અને કાર્ડ હાથમાં આવી ગયું. તેને વિશ્વાસ આવ્યો કે આ જે કોઈનું પરાક્રમ છે તે પોલીસથી ડરે છે. પેલી સ્ત્રી જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ તેના કપડાં નો રંગ લાલ થતો ગયો. સંગીતની નજર તેના પગ પર પડી. પગ ઊંધા હતા. તેના મોઢા માંથી ચીસ નીકળી ગઈ. તે એ ટી એમ મશીન પાછળ ભરાઈ ગયો. અંદરથી અવાજ આવ્યો,"તું બરાબર જગ્યા એ છે.' મશીન માંથી બે હાથ નીકળ્યા અને તેને જકડી લીધો. હવે ગળામાંથી અવાજ પણ નીકળતો ન હતો. તેના શરીરમાંથી તાકાત ઓછી થઈ હતી. અચાનક તેને ફી ભરવાની લાસ્ટ નોટિસ યાદ આવી. તે બધી જ તાકાત સાથે ઉભો થયો. સામેથી પેલી બાઈ અદ્રશ્ય થઇ ગઈ. તેણે ફરી મશીનમાં કાર્ડ નાખ્યું. અચાનક નવી નોટો બહાર આવવા લાગી. તેણે લગભગ પાંચેક લાખની નોટો ઉપાડી અને સામે પેલી ઇન્સ્પેક્ટર પ્રગટ થઈ. તેણે જોયું તો બધી જ નોટો જૂની થઈ ગયી હતી. તેના હાથમાંથી નોટો પડી ગઈ. ઈન્સ્પેક્ટરે ડંડો ઉગામ્યો. તે ખરેખર ફસાઈ ગયો હતો. પણ બચવા માટે તેણે ડંડો પકડી લીધો. થોડી ઝપાઝપી થયા પછી અચાનક કોઈએ તેને ધક્કો માર્યો.
તેણે સામે જોયું તો તે રસ્તા પર પડ્યો હતો. તેની પાછળ બેઠેલો માણસ ગુસ્સામાં હતો. શું ક્યારનો આળોટ્યા કરેછે ને ચીસો પાડે છે? છાનો માનો લાઈનમાં આગળ ખસ ને!" તેણે જોયું તો એ ટી એમમાં પૈસા આવી ગયા હતા. બે કલાકે પૈસા લઈને તે ઘરે ગયો ત્યારે તે ખુબ થાકી ગયો હતો. પત્ની એ પૂછ્યું,"મળ્યા પૈસા? " શરીર માંથી એક લખલખું પસાર થઇ ગયું. તેને યાદ આવ્યું પેલી ઇન્સ્પેક્ટરનું મોં તેની પત્ની જેવું જ હતું. એક સ્મિત સાથે તે બાથરૂમ ઘુસી ગયો. શાવર ચાલુ કરીને વિચારતો રહ્યો,"આવું સાચે થયું હોત તો?
