દ્રષ્ટિકોણ
દ્રષ્ટિકોણ
નિધિવન ફ્લેટ્સના નવમા માળે ફ્લેટ નંબર ૯૦૧ માં રવિવારની સુસ્ત સવારના લગભગ નવ વાગ્યા હતા અને ઘરના બધા સભ્યો આખા અઠવાડીયાનો થાક ઉતારીને લગભગ ઉઠયા હતા. ડાઈનિંગ ટેબલ પર ગરમ ચા નાસ્તાની તૈયારીઓ થઈ રહી હતી. જેવો ચા-નાસ્તો ટેબલ પર ગોઠવાયો અને રેખા બેનની વહુ સીમાએ બધાને ડાઈનીંગ ટેબલ પર આવવાનું આમંત્રણ આપ્યું એવામાં જ રેખાબેન ને એકદમ જ હળવા ધરતીકંપના આંચકાનો અનુભવ થયો. એક પણ ક્ષણ ગુમાવ્યા વિના પોતાની દૂરંદેશીતા વાપરીને રેખાબેને તરત જ સીમા ને પોતાના પાંચ વર્ષના દીકરા ઈશાન અને છ મહિનાની દીકરી ખુશી ને લઈને તાત્કાલિક ફ્લેટની બહાર નીકળી અને બિલ્ડીંગની નીચે જતા રહેવાની સૂચના આપી અને બીજી તરફ પોતાના પુત્રની મદદથી એમના ૮૦ વર્ષના પથારીવશ સાસુને વિલચેર પર બેસાડ્યા અને પછી એક હાથમાં ફોન લઈને બિલ્ડિંગના સેક્રેટરીને પણ જણાવી દીધું કે ધરતીકંપના હળવા આંચકાનો અનુભવ થયો છે માટે બધાને બિલ્ડીંગની બહાર આવી ને નીચે ઊભા રહેવાની સૂચના આપી દે અને સાથે સાથે પોતાનું વોટસઅપ ખોલ્યું અને બિલ્ડિંગના દરેક સભ્યના કોમન વો્સઅપના ગ્રુપમાં પણ આ અગત્યનો મેસેજ મૂકી દીધો. પછી પોતે પણ પોતાના સાસુને વ્હીલચેર પર બેસાડીને લિફ્ટની મદદથી બિલ્ડીંગની નીચે ઉતરી ગયા. જોતજોતામાં તો આખી બિલ્ડિંગમાં ભય અને અફરાતફરીનું માહોલ સર્જાઈ ગયું. માત્ર થોડા સમયમાં જ રેખાબેનની અગમચેતીના કારણે તેમનો પરિવાર અને બિલ્ડીંગના બધા જ સભ્યો, ચહેરા પર ભય અને અનિશ્ચિતતાના હાવભાવ સાથે બિલ્ડીંગ નીચે ઉતરી આવ્યા અને કોમન પ્લોટમાં ભેગા થઈ ગયા. હજી તો બધાએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યાં જ તો ફરી એકવાર ધરતીકંપનો વધુ એક આંચકો આવ્યો જે પહેલા કરતા થોડો વધુ તીવ્ર હતો અને બધાને જ અનુભવાયો. થોડી જ વારમાં તો સોશિયલ મીડિયા અને સમાચારો દ્વારા ધરતીકંપના સમાચાર બધે જ પ્રસરી ગયા. સદભાગ્ય કોઈને જાનમાલનું નુકસાન નહોતું થયું પરંતુ શહેરના આજુબાજુના વિસ્તારમાં થોડી તબાહી સર્જાઈ હતી. નિધિવન ફ્લેટ્સના કોમન પ્લોટમાં ભેગા થયેલા લોકોને પોતાના સગા વહાલાઓના ફોન આવવા માંડ્યા. બધા એકબીજાને ખબર અંતર પૂછી રહ્યા હતા. આમ લગભગ દોઢ-બે કલાકતો વ્યગ્રતા, અનિશ્ચિતતા અને ભયમાં વીતી ગયા પછી ધીરે ધીરે બધા થાળે પાડવા મંડ્યા. તોફાન આવી અને પસાર થઈ ગયું હતું છતાં પણ ડરના કારણે કોઈને ફ્લેટમાં જવાની હિંમત નહોતી પડતી. એવામાં સકારાત્મક વ્યક્તિત્વ અને આશાવાદી વલણ ધરાવતા બિલ્ડિંગના સેક્રેટરી મુકેશ ભાઈ એ ડર અને ગભરાહટ ના માહોલ ને હળવું કરવાના હેતુથી બધાને બિલ્ડિંગના ક્લબ હાઉસ માં આવેલી કેન્ટીનમાં રસોઈ બનાવીને, સાથે બેસીને જમવાનો સુઝાવ આપ્યો જેને બધાએ આવકારી લીધો. થોડીવારમાં તો બિલ્ડીંગની બધી મહિલાઓ કેન્ટીનમાં જઈને જમવાનું બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ અને બાળકો પોતપોતાના પસંદની રમતો રમવામાં પરોવાઈ ગયા. વિદ્યાર્થીઓ અને પુરુષો પોતાના મોબાઈલ લેપટોપ પર ઓનલાઈન કામ કરવામાં વ્યસ્ત થવા માંડ્યા અને વૃદ્ધ લોકો એક ખૂણામાં શેતરંજી પાથરીને આરામ કરતા કરતા એકબીજા સાથે હળવી પળો માણવાના પરોવાઈ ગયા.
જોતજોતામાં તો રસોઈ તૈયાર થઈ ગઈ અને બધા સાથે બેસીનેે જમ્યા. સવારનુંં ગભરાહટવાળુ વાતાવરણ ધીરે ધીરે ભયમુક્ત અને હળવુંં થવા માંડ્યુંં. જમીને બધાએ થોડો સમય આરામ કર્યો અને પછી સાંજ પડતાં સુધીમાં તો બધા જ એકદમ ફ્રેશ થઈ ગયા. મુકેશભાઈ એ બધાને રાત સુધી પોતાના ફ્લેટમાં ન જવાનો સુઝાવ આપ્યો અને રાતે પણ બહારથી જમવાનુંં મંગાવીને સાથેેે જ બેસીને ડિનર કરવા પણ જણાવ્યું. સવારે ડરના કારણે સ્ટ્રેસ લીધા પછી, રાહતનો શ્વાસ લઈ રહેલા બધાને મુકેશભાઈનો પ્રસ્તાવ ખૂૂૂબ જ ગમ્યો હતો.
સાંજના સમયે એકદમ પાર્ટી જેવું માહોલ સર્જાઈ ગયું બધા ભેગા મળીને અંતાક્ષરી અને હાઉસી જેવી રમતો રમ્યા. અને પછી સાથે બેસીને જમ્યા અને ખૂબ જ આનંદ કર્યો. બધાએ ભેગા મળીને એકબીજાના સાથ-સહકારથી ભયના વાતાવરણને આનંદ અને ઉલ્લાસમાં ભર્યા માહોલમાં ફેરવી નાખ્યું.
જીવનમાં ઉતાર ચઢાવ અને સંઘર્ષ તો આવતા જ રહે છે પણ જ્યારે કોઈ આફત આવે, એ પછી કુદરતી હોય કે માનવસર્જિત, પણ એ આવેલા પડકારનો એકબીજાના સાથ સહકારથી સામનો કરીએ તો આવેલી આપત્તિને અવસરમાં બદલી શકાય છે. એ જ પરિસ્થિતિમાં, એની સામે જોવાનો દ્રષ્ટિકોણ બદલીયે તો જીવન જીવવાનો અભિગમ પણ બદલાઈ જાય છે.
