STORYMIRROR

Dr Nilesh Thakor

Others

2  

Dr Nilesh Thakor

Others

દિલથી દિલની સગાઈ

દિલથી દિલની સગાઈ

8 mins
13.8K


“સિસ્ટર, આટલા નવા એડ્મિટ થયેલા પેશન્ટની મેં ટ્રીટમેન્ટ લખી દીધી છે.” ડૉ. આવર્તે વોર્ડના પ્રવેશ તરફ નજર નાખતાં સિસ્ટર ઇન ચાર્જને કહ્યું.

ડૉ. આવર્તની ઘડિયાળમાં અત્યારે રાત્રિનાં આઠ વાગી ચૂક્યા હતાં. વોર્ડમાં બધાની ડ્યૂટીની શિફ્ટ બદલાઈ ગઈ હતી, પણ ડૉ. આવર્તને ડ્યૂટી પરથી મુક્ત કરવા રાત્રિની ડ્યૂટીના ડોક્ટર હજુ આવ્યાં નહોતાં એટલે ડૉ. આવર્તનું ધ્યાન વારે-વારે વોર્ડના પ્રવેશ તરફ જતું હતું.

“સર, આ બીજા નવા એડ્મિટ થયેલા પેશન્ટના કેસ પેપર છે. આના પર પણ જરા ટ્રીટમેન્ટ લખી આપો તો હું ટ્રીટમેન્ટ આપી દઉં.” સિસ્ટર ઇન ચાર્જે ડૉ. આવર્તને આજીજી કરી.

“સ્યોર, વ્હાય નોટ.”

અને ડૉ. આવર્ત ટ્રીટમેન્ટ લખવામાં મશગુલ થઈ ગયા. થોડીવાર રહીને પોતાની ઘડિયાળમાં જોયું તો રાત્રિના નવ વાગી ચૂક્યા હતા. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. એટલામાં જ રાત્રિના ડોક્ટર આવી ગયા. આવર્ત ઝડપથી ડ્યૂટી ઓવર આપી નીકળી ગયો.

છેલ્લા કેટલાંક દિવસથી કાળા ડિબાંગ વાદળો વડે ઘેરાઈને હાથતાળી આપી જતો રહેતો વરસાદ આજે મન મૂકીને વરસી રહ્યો હતો. વરસતા આ વરસાદ માટે મુશળધાર અને અનરાધાર ઉપમા કદાચ ઓછી પડે, હા, સાંબેલાધારની ઉપમા આપી શકાય એવો વરસી રહ્યો હતો. પાર્કિંગમાં આવતાં-આવતાં તો આવર્ત

ભીંજાઈ ગયો. કાર સ્ટાર્ટ કરી પૂરપાટ ઝડપે હંકારવા લાગ્યો. રસ્તામાં રોડ પર પુષ્કળ પાણી ભરાઈ ગયા હતાં. આ પાણીને ચીરીને આવર્તની કાર આગળ વધી રહી હતી. કારનાં વાઇપર પાણીનાં પ્રવાહને હડસેલી આવર્ત માટે રસ્તાને દૃશ્યમાન કરી રહ્યા હતા. કારની હેડ લાઇટ દૂર સુધી રસ્તાને પ્રકાશિત કરી

દિશાનિર્દેશ આપી રહી હતી. વરસતા વરસાદનાં ફોરાંનો અવાજ કારના સ્ટેરિઓ ટેપના અવાજમાં દબાઈ જતો હતો. ઋતુના પ્રથમ વરસાદના આવા મનમોહક વાતાવરણમાં કાર ડ્રાઇવ કરી રહેલા આવર્તની નજર સમક્ષ આજ રસ્તા પર ઘટેલી દશ વર્ષ પૂર્વેની ઘટના તરવરી ઊઠી.

રસ્તો એ જ હતો, વરસાદ પણ આવો જ હતો ફરક બસ એટલો કે એની પાસે કારની જગ્યાએ બાઇક હતું. આવો જ સાંબેલાધાર વરસાદ એ દિવસે પણ વરસી રહ્યો હતો. બી. જે. મેડિકલ કોલેજની લાઇબ્રેરીમાં વાંચી રહેલો આવર્ત વરસાદના થોભવાની રાહ જોઈ રહ્યો હતો, પણ વરસાદ આજે વિરામ લેવાનું નામ નહોતો લેતો. અને છેવટે વરસતા વરસાદમાં જ આવર્ત બાઇક લઈ નીકળી પડ્યો. રાત્રિના આશરે નવ વાગ્યા હતાં. પૂરેપૂરો ભીંજાયેલો આવર્ત વરસતા વરસાદના ફોરાંને જાણે પડકાર આપી રહ્યો એમ એ ફોરાંને ચીરી ઝડપથી બાઇક ચલાવી ગાંધીનગરની દિશામાં આગળ વધી રહ્યો હતો. થોડીવારમાં ચ-0 સર્કલ આગળ પહોંચેલા આવર્તે જોયું તો એક એક્ટિવા રોડની સાઇડ પર નીચે પડી ગયું હતું અને એની બિલકુલ બાજુમાં એક છોકરી દર્દથી કણસતી રોડ પર ફસડાયેલી હાલતમાં પડી હતી. રસ્તો સૂમસામ ભાસતો હતો.

આજુબાજુ નજર કરી તો કોઈ જ નહોતું. ગુજરાત સરકારની ૧૦૮ સર્વિસ શરૂ થવાને આડે હજી ત્રણ વર્ષ બાકી હતાં. આવર્તે બાઇક નજીક લઈને જોયું તો એક અઢારેક વર્ષની સુંદર છોકરી હતી, જેના મીન જેવા અક્ષ, ફૂલની પાંદડી જેવા ઓષ્ઠ હતાં. ગાલ પર પડેલા વર્ષાબિંદુઓ જાણે ફૂલ પર બાઝેલા ઝાકળ બિંદુઓ જેવા

લાગતાં હતાં. મરોડદાર અંગ સાથેના આ શરીરમાં પગ લોહીથી ખરડાયેલો હતો. આવર્તને ચિંતા થઈ ગઈ કે આવી સૂમસામ રાત્રિએ જો આ છોકરીને એકલી મૂકી જતો રહે તો એની જોડે કઈ પણ અઘટિત ઘટના બની શકે એમ હતી.

એ નજીક ગયો ત્યાં જ એ છોકરીએ અર્ધ બેભાન અવસ્થામાં કહ્યું. “મારી મદદ કરશો પ્લીઝ, મને સેક્ટર ૧૨માં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં મૂકી જશો.”

“તમને હાલ તુરંત સારવારની જરૂર છે એટલે હું તમને પહેલાં સિવિલ હોસ્પિટલ લઈ જાઉં છું. ધીમે રહી મારા બાઇક પર બેસી જાઓ.” મદદના ઉદગાર સાથે આવર્તે કહ્યું. એ છોકરી પણ જાણે આવર્ત પર પૂરો ભરોસો મૂકતી હોય એમ બાઇક પર બેસી ગઈ.

પહેલીવાર આમ આવર્તના બાઇકની બૅક સીટ પર આટલી સુંદર છોકરી બેસી હતી. કહેવાય છે કે એક છોકરાના જીવનમાં એના બાઇક પાછળ કોઈ છોકરી પહેલીવાર બેસે એ યાદગાર ઘટના હોય છે.

આવર્તના જીવનમાં આજે એ સુખદ યાદગાર ઘટનાએ આકાર લીધો હતો. આવર્તના શરીરમાં એક ઉત્તેજનાની વીજળીનું લખલખું પસાર થઈ ગયું. સિવિલ હોસ્પિટલ આવી ગઈ. આવર્તે ધીમે રહી એને સ્ટ્રેચર પર ઊતારી ઇમર્જન્સી વોર્ડમાં લઈ ગયો. સ્થળ પર હાજર ડોક્ટરને સઘળી હકીકત જણાવી. એને નોંધ્યું કે એ છોકરીએ હજુ સુધી એનો હાથ પકડી રાખ્યો હતો. આવર્ત બસ પ્રેમભરી નજરોએ એને નિરખી રહ્યો હતો. છોકરી એ હાલતમાં નહોતી કે એ એનું નામ પૂછી શકે. વોર્ડમાં દાખલ કરી એ નીકળી ગયો. બહાર નીકળતાં જ ફક્ત તનથી ભીંજાયેલો આવર્ત મન અને દિલથી પણ ભીંજાઈ ગયો. એના હૈયામાં એ છોકરી માટે પ્રેમનું બીજ રોપાઈ ગયું. આ હતો આવર્તનો પ્રથમ પ્રેમ. સવારે આવીને એ છોકરીને ફરીથી મળવાનો નિર્ધાર કરી આવર્તે ઘર તરફ પ્રયાણ શરૂ કર્યું.

પોતાના ઘર નજીક આવેલા રસ્તા પરના તીવ્ર વળાંકે આવર્તનું ધ્યાન ભંગ કરી નાખ્યું. દૂરથી એને જોયું તો પોતાના ઘરનો ઝાંપો નિરીક્ષાએ ખૂલ્લો જ રાખ્યો હતો. એણે ઝડપથી કાર ઘરની બહાર પાર્ક કરી દીધી. જેવો કારમાંથી બહાર નીકળ્યો કે નિરીક્ષા ટુવાલ લઈ બહાર જ ઊભી હતી અને પ્રેમભર્યો ઠપકો આપતી હોય એવા સ્વરે બોલી, “કેટલી રાહ જોવડાવી? આવા વરસાદમાં મને તમારી ચિંતા થઈ ગઈ. કેટલા કોલ લગાવ્યા... તમારો એક કોલ ના લાગ્યો. અને મને ખબર જ હતી કે તમે ભીંજાઈ ગયા હશો. લો આ ટુવાલ, અને જલ્દીથી ફ્રેશ થઈ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ જાઓ.”

આવર્તે પોતાનો મોબાઇલ ખિસ્સામાંથી બહાર કાઢી જોયું તો એનો મોબાઇલ ક્યારે ડિસ્ચાર્જ થઈ ગયો એની એને ખબર જ ના રહી. આવર્ત ફ્રેશ થઈ જેવો ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયો કે તુરંત જ નિરીક્ષા આવર્તના ફેવરીટ આલુ પરોઠા સાથે હાજર.

“વાઉ, આલુ પરોઠા” આવર્ત ખુશી સાથે ઉછળી પડ્યો.

“હા, તમારો કોલ લાગ્યો નહીં અને તમને આવતાં મોડુ થયું એટ્લે મને થયું કે તમને પ્રથમ વરસાદમાં આમ આલુ પરોઠાની સરપ્રાઇઝ આપું.” નિરીક્ષાએ ખુશી ભર્યા સ્વરે આવર્તને કહ્યું.

આવર્તે ખુશી ખુશી ડિનર ફિનિશ કર્યું અને બેડરૂમ તરફ પ્રયાણ શરૂ કર્યું. ત્યાં જ નિરીક્ષાએ આવર્તનો હાથ પકડીને અટકાવ્યો.

“શું આવર્ત તમે પણ, બિલકુલ અનરોમેન્ટિક છો. બહાર જુઓ ઋતુનો પ્રથમ વરસાદ વરસી રહ્યો છે... ચાલો ને, થોડીવાર આમ ગૅલૅરીમાં બેસી વરસાદની સાથે મજા માણીએ.” નિરીક્ષાએ રોમેન્ટિક મૂડ સાથે કહ્યું.

“સારું ચાલ ગૅલૅરીમાં બેસીએ.” આવર્ત આજે થાકી ગયો હોવા છતાં નિરીક્ષાની વાતનું માન રાખી રાજી થઈ ગયો.

“તમે ઉપર જાઓ, હું આપણાં બંને માટે કોફી બનાવીને આવું.” નિરીક્ષા રસોડામાં ગઈ અને આવર્ત ગૅલૅરીમાં આવી વરસતા વરસાદને નિરખવા લાગ્યો.

નિરીક્ષા જીવનમાં આવતાં જ આવર્તનાં જીવનમાં નિરીક્ષાની પ્રેમ રૂપી વર્ષા વરસવા લાગી. હજુ બંનેના લગ્નને એક જ વર્ષ પૂર્ણ થયું હતું. નિરીક્ષા આવર્તની બધી વાતોનું એટલું ધ્યાન રાખતી કે આવર્તને પૂર્ણતાનો અહેસાસ થતો. પણ કહેવાય છે ને કે પ્રથમ પ્રેમ જીવનમાં ક્યારેય નથી ભૂલાતો. એમ વરસતા વરસાદને નિરખી રહેલા આવર્તની નજર સમક્ષ દસ વર્ષ પૂર્વેની આવી જ રાત્રિની આગળની ઘટના પુનઃ જન્મી.

એ છોકરી સાથેની આમ નાની સરખી મુલાકાતે આવર્તના હૈયામાં પ્રેમનું બીજ રોપી દીધું. બાઇક પર ઘરે પાછા ફરી રહેલા આવર્તની નજર સમક્ષ બસ એનો જ ચહેરો હતો. એ છોકરીનું નામ કે સરનામું કશું જ ખબર નહોતી એટ્લે આખી રાત એને નીંદર ના આવી. વહેલી સવારે એ તૈયાર થઈ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો અને એ છોકરી વિષે એ સિસ્ટર ઇન ચાર્જને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે વહેલી સવારે જ એ છોકરીનાં માતા-પિતા આવી એને લઈ ગયાં હતાં. આવર્તે નામ વિષે પૂછ્યું તો ખબર પડી કે રાત્રિની સિસ્ટરની ડ્યૂટી સવારે બદલાઈ ગઈ હતી અને આ નવી સિસ્ટરને કંઈ જ ખબર નહોતી. કેસ પેપર પણ મેડિકલ રેકોર્ડ સેક્શનમાં જમા થઈ ગયાં હતાં. આવર્ત નિરાશ થઈ ગયો. ફરીથી મળવા એ કેટલીય વાર ચ-0 સર્કલ આગળથી નીકળ્યો, કેટલીય વાર સેક્ટર -12ની ગર્લ્સ હોસ્ટેલ આગળથી પસાર થયો, પણ એ છોકરી ક્યાંય ના મળી પરંતુ હંમેશા માટે આવર્તના હૃદયમાં પોતાની જગ્યા બનાવતી ગઈ.

એટલામાં તો નિરીક્ષા કૉફી લઈને ગૅલૅરીમાં આવી ગઈ. બંને જણા હાથમાં હાથ પકડી એક ગાઢ પ્રેમીની જેમ કલાકો સુધી ગૅલૅરીમાં બેસી રહ્યાં.

બીજા દિવસે સવારે પ્રેમપૂર્વક નિરીક્ષાએ આવર્તને ઉઠાડતા કહ્યું” આવર્ત જલ્દી ઊઠો અને તૈયાર થાઓ, ભૂલી ગયા મેં તમને બે દિવસ પૂર્વે જ કહ્યું હતું કે આજે મારા મામાના દીકરાની સગાઈ છે અને આપણે બંનેએ આ શુભ પ્રસંગે વહેલા જ અમદાવાદ પહોંચી જવાનું છે.” અને બંને કાર લઈ નીકળી પડ્યાં.

કાર ડ્રાઇવ કરી રહેલા આવર્તના માનસપટ પર રાત્રિની ઘટના હજુ તાજી હતી. જેવી એમની કાર ચ-0 સર્કલ આગળથી પસાર થઈ કે તુરંત જ આવર્તના મુખ પર નિરીક્ષાને જોઈ એક આછું સ્મિત આવી ગયું.

ત્યાં જ નિરીક્ષા હર્ષભર બોલી, “ ખબર છે આવર્ત, એક વર્ષ પૂર્વે જ્યારે તમે મને જોવા મારા ઘરે આવ્યાં ત્યારે આપણને બંનેને એવું લાગ્યું કે આપણે ક્યાંક મળ્યા છીએ. અને જ્યારે આપણે બંનેએ યાદ કર્યું તો ખબર પડી કે આવર્ત તમે એ જ વ્યક્તિ હતાં જેમણે મને દશ વર્ષ પૂર્વે આવી વરસાદની રાત્રિમાં મારા એક્ટિવા સાથે થયેલા અકસ્માત પછી હોસ્પિટલ સારવાર માટે પહોંચાડી હતી. ખરું કહું આવર્ત મને કોણ જાણે એ દિવસે તમારી આંખોમાં જોઈ એક ગજબનો વિશ્વાસ બંધાઈ ગયો હતો કે તમે મારા જોડે કંઈ જ ખરાબ નહીં કરો અને મેં તમારો હાથ છેક સુધી પકડી રાખ્યો હતો. ગઈ કાલે રાત્રે હું ગૅલૅરીમાં ઊભી-ઊભી આપણી એ પ્રથમ મુલાકાત યાદ કરતી હતી.”

ત્યાં જ આવર્તના ચહેરા પર ખુશી ફરી વળી અને પ્રેમપૂર્વક નિરીક્ષાને કહ્યું, ”નિરીક્ષા બસ એ રાત્રિથી જ હું તને પ્રેમ કરી બેસ્યો છું. તને મળવા બીજે દિવસે હું હોસ્પિટલ આવ્યો હતો, પરંતુ તું નીકળી ગઈ હતી. કેટલીય વાર આ ચ-0 સર્કલ આગળથી અને તારી ગર્લ્સ હોસ્ટેલથી પસાર થયો, પણ તું ના મળી. અને હું નિરાશ થઈ ગયો, પણ કુદરતની કરામત તો જો, જે છોકરીને મેં પ્રથમ પ્રેમ કર્યો એ જ છોકરી આજે મારી અર્ધાંગિની છે. આઈ લવ યૂ નિરીક્ષા.”

“આઇ લવ યૂ ટૂ માય ડિયર હસબન્ડ” કહી નિરીક્ષાએ આવર્તના ખભા પર માથું ઢાળી દીધું. કાર ડ્રાઇવ કરી રહેલા આવર્તની કારમાં ટ્યુન કરેલા એફ.એમ. પર કઈક આવું સંભળાઇ રહ્યું હતું.

“ગૂડ મોર્નિંગ ટુ એવરી વન, તમે સાંભળી રહ્યાં છો ૯૮.૩ એફ.એમ. રેડિયોમિર્ચી અને હું છું ધ્વનિત. તમને બધાને સીઝનનો પ્રથમ વરસાદ મુબારક અને આવા વરસાદી રોમેન્ટિક માહોલમાં પ્રસ્તુત છે મારા ફેવરીટ મુવીનો ફેવરીટ ટ્રેક.

“કિતને દૂર દૂર હો, ઉન દોનો કે રાસ્તે,

મિલ જાતે હૈ જો બને, એક દુજે કે વાસ્તે”

પોતાના મામાના દીકરાની સગાઈમાં હાજરી આપવા જઈ રહેલા આવર્ત અને નિરીક્ષાની સગાઈ અને લગ્ન ભલે એક વર્ષ પૂર્વે થયાં હોય પણ દિલથી દિલની સગાઈ તો દશ વર્ષ પૂર્વે જ થઈ ગઈ હતી.

 

 

 


Rate this content
Log in