Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

દિલાવર પ્રેમ

દિલાવર પ્રેમ

6 mins
7.0K


દીવાની થાકી ગઈ. ખૂબ પ્રેમ કરવાનો દાવો કરતી મમ્મી તેની વાત સાંભળવામાં બેદરકાર હતી.

આજે સવારે ગાડીમાં કોલેજ જતાં પહેલાં, ‘મમ્મી, તું મને સાંભળતી કેમ નથી?’
‘શું સાંભળું બેટા?’
‘મારી વાત.’
‘અરે પણ છેલ્લા પંદર દિવસથી તું એકની એકજ વાત કરે છે.’
‘તો આજે સોળમો દિવસ.’
‘હાં, બોલ.’

‘મમ્મી એક મિનિટ તું ભૂલી જા. કે તું મારી મમ્મી છે, વિચાર કર મારી જગ્યાએ તું હોય તો શું કરે?’

‘પણ હું કેવી રીતે ભૂલી શકું, કે હું તારી ૪૫ વર્ષની મા છું. મને તારા જેવી લાગણી આ ઉમરે થવી અશક્ય છે.’

દીના કોઈ વાતે નમતું જોખવા તૈયાર ન હતી. તેના માન્યમાં ન આવતું કે તેની દીવાની એક મુસલમાનને પ્રેમ કરે છે !

મા અને દીકરી બેમાંથી કોઈ ઢીલ મૂકતું ન હતું. દીવાની, માને સમજાવ્યા વગર છોડવાની ન હતી. નામ પણ કેવું રાખ્યું હતું, દીવાની.

દીનાને બે પુત્ર જન્યા પછી દીકરી માટે તે દીવાની થઈ ગઈ હતી. જ્યારે નાનો દીકરો ૯ વર્ષનો થયો ત્યારે અચાનક શુભ સમાચાર મળ્યા કે તે ફરી પાછી મા બનવાની છે. તેણે બાધા, આખડી બધું કર્યું. દીકરી જોઈતી હતી. તેની હાલત પાગલ જેવી થઈ ગઈ હતી.

દીનાનાં પતિ દિલિપ માટે ખૂબ કપરી પરિસ્થિતિ હતી. બન્ને ભાઈઓ માની હાલત જોઈને ડઘાઈ ગયા હતાં. આખરે જ્યારે દીના એ કન્યાને જન્મ આપ્યો ત્યારે ખુશીમા પાગલ દિલિપે તેનું નામ, ‘દીવાની’ રાખ્યું.

દીના તો નામ સાંભળીને ખુશ થઈ ગઈ. આખરે ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી. ખૂબ સુંદર અને અણિયાળી આંખોવાળી દીવાનીનાં સહુ દીવાના હતાં. ઘરમાં, કુટુંબમાં કે શાળામાં બધે ‘દીવાની’ની ચર્ચા થતી હોય. દીવાની હતી પણ એવી સહુનું મન મોહી લેવામાં પ્રથમ!

સુંદર સંસ્કાર આપવા માટે દીના દિન રાત સજાગ રહેતી. દીકરીને લાડ કરતી અને શિસ્તની આગ્રહી પણ હતી. દીવાની માતા અને પિતાની આંખનો તારો. બન્ને ભાઈઓની દુલારી બહેન. શાળાનું શિક્ષણ સુંદર રીતે મેળવ્યું. હવે કોલેજની તૈયારી. તેને ડોક્ટર બનવું હતું. પિતાએ ચેતવણી આપી, ‘બેટા, સખત કામ કરવું પડશે.’

‘પિતાજી કામથી હું કદી ગભરાતી નથી.’

ઘરમાં દીવાનીની મમ્મીએ ખાસ માવાના પેંડા બનાવ્યા અને ખુશીની મારી પાગલ થઈ ગઈ જ્યારે તેને મેડિકલમાં દાખલો મળ્યો. એ જ અ મમ્મી આજે દીવાનીની વાત સાંભળવા તૈયાર નહોતી. જો કે કારણ દીવાનીની મમ્મીની દૃષ્ટીએ વ્યાજબી હતું. નવાઈ જરૂર લાગશે. મારી સાથે ભણતો દૌલત પર હું આફરિન થઈ ગઈ હતી. દૌલત હતો ‘મુસલમાન’.

‘મારી માને કેમ કરીને સમજાવું?’

‘મમ્મી હું દૌલતને ત્રણ વર્ષથી જાણું છું. અમે બન્ને મેડિકલ સ્કૂલમાં બધું ભાગિદારીમાં કરીએ છીએ. મમ્મી દૌલતની શરાફતનું તને જોઈએ તો સર્ટિફિકેટ લાવી આપું. હજુ સુધી મને આંગળી સુદ્ધાં અડાડી નથી. મમ્મી તને એટલો જ વાંધો છે, કે તે ‘મુસલમાન’ છે?’

દીના કહ્યા વગર ન રહી શકી. ‘બેટ, તું મારું મર્યું મુખ જોઈશ, જો તું દૌલત સાથે તું લગ્ન કરીશ.’

જે દીવાની માટે પ્રભુ સમક્ષ દીના કરગરી હતી તેને આવા વેણ કહેતાં તેના દિલ પર શું વિત્યું હશે’?

કોઈ પણ હિસાબે દીના રાજી નહી થાય. દીવાનીએ પણ મનોમન નક્કી કર્યું હતું. મમ્મી હા પાડે પછી જ પપ્પાને વાત કરવી. તે જાણતી હતી પપ્પાને પટાવવાનું કામ મમ્મી આસાનિથી કરી શકશે. દીના ટસની મસ થતી ન હતી.

‘દૌલત, હું શું કરું?’

‘દીવાની, તું કહે તો હું હિન્દુ થઈ જાઉં?’

‘દૌલત, એવું હું તને નહીં કહીં શકું. તે મને પરવાનગી આપી છે કે લગ્ન પછી મારે નામ તેમજ ધર્મ બદલવાની જરૂર નથી. તો એ વાત તને પણ લાગુ પડે છે.’

દૌલત એક કામ કરીએ, તું મારી મમ્મીને મળ.’
‘ક્યાં અને કેવી રીતે?’

કાલે રવીવાર છે. મારી મમ્મીને લઈને હું ક્રિમ સેન્ટરમાં જમવા આવીશ તું પણ ત્યાં આવજે. પછી તને જોઈને હું તને ન ઓળખવાનો અભિનય કરીશ. તું યાદ અપાવજે કે અરે, આપણે એક જ કોલેજમાં છીએ પણ કદી વાત કરવાનો પ્રસંગ સાંપડ્યો ન હતો. હું તને અમારા ટેબલ પર બેસવાનો આગ્રહ કરીશ. તું મમ્મી સાથે વાતો કરજે. જોઈએ મમ્મીને તારા માટે કેવો અભિપ્રાય બંધાય છે.

સરસ રીતે આખો નાટકનો સંવાદ તૈયાર કર્યો. યથા સમયે દીવાની મમ્મીને લઈ ક્રિમ સેન્ટર આવી. પાંચ મિનિટમાં એક છોકરો, હલો દીવાની કરીને આવ્યો. મમ્મી  તેની સાથે વાતે વળગી. નાટક બન્ને જણાએ બરાબર ભજવ્યું.

‘તું પણ અમારી સાથે એક જ ટેબલ પર બેસ.’

મમ્મીને ખૂબ ગમ્યું. દીવાની આ તારા વર્ગનો છે અને તું ઓળખતી નથી?’

‘મમ્મી ઓળખું તો છું પણ વાત કરવાનો મોકો મળ્યો નથી.’

મમ્મીને એ અજાણ્યો યુવાન ખૂબ ગમી ગયો. આખો વખત એ બન્ને જણ વાત કરતાં હતાં. દીવાનીએ ઓર્ડર આપવાનું માથે લીધું. એની વર્તણુક એવી હતી કે મમ્મીને શક ન જાય. બરાબર જમીને સહુ છૂટાં પડ્યાં. મમ્મીથી રહેવાયુ નહી, ‘જો સમય મળે તો ઘરે જરૂર આવજે બેટા. તારી રિતભાત અને સજ્જનતા મને ખૂબ ગમ્યા છે.’

‘સારું આંટી સમય મળ્યે જરૂર આવીશ.’ સહુ છૂટા પડ્યાં. આખે રસ્તે મમ્મી એ નવજુવાનની વાત કરતા થાકી નહી. બે દિવસ પછી, ‘દીવાની  મમ્મીને કહે, આપણને પેલો મારા ક્લાસનો મિત્ર મળ્યો હતો તે તને યાદ કરે છે.’

‘બેટા કેટલો સરસ છોકરો હતો. તમે બન્ને સાથે ભણો છો,  એ તારો મિત્ર નથી?’
‘મમ્મી, એ જ તો દૌલત છે’.
‘શું વાત કરે છે. એ મુસલમાન હતો?’
‘હા, મમ્મી.’
‘બેટા તેં મને અંધારામાં રાખી. ભલે ગમે તેટલો સારો હોય, મને એ નહીં ચાલે.’

‘સારું મમ્મી. અમે બે જણાંએ ન પરણવાના સોગન ખાધાં છે. તને ખબર છે? મમ્મી એ હિંદુ થવા પણ તૈયાર છે. તેની મમ્મી હિંદુ હતી. પ્રેમ થયો હતો એટલે એના અબ્બા સાથે ભાગીને નિકાહ કર્યા. દૌલત તો કહે છે, મને મારી અમ્મીજાને હિંદુ સંસ્કાર પ્રમાણે ઉછેર્યો છે. હું માંસ પણ ખાતો નથી. મારી અમ્મીને ખબર પડી કે મારી બહેનપણી હિંદુ છે. એ તો ખૂબ ખુશ હતી. મારા અબ્બાજાનને પણ વાંધો નથી.’

દીના, દીવાનીને બોલતી સાંભળી રહી. એના મુખની રેખાઓ તંગ થતી જતી હતી. કઈ રીતે પોતાની દીકરીને સમજાવે? બેટા આ તું સારું નથી કરી રહી. દીકરીના પ્રેમમાં તે આંધળુકિયા કરવા માંગતી નહોતી.

દીવાની અને દૌલતે ખૂબ સમજીને પ્રેમ કર્યો હતો. લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. પ્રેમનો એકરાર દૌલતે કર્યો હતો.

‘દીવાની હું તને પ્રેમ કરું છું. તને ખબર છે હું મુસલમાન છું. તું ના પાડીશ તો મને દુઃખ નહી થાય.’

દીવાની તો આવો એકરાર સાંભળીને થીજી ગઈ હતી. હા, તેને દૌલત ગમતો હતો. ભણવામાં બન્ને જણા પાર્ટનર પણ હતા. છતાં પરણવા સુધીના વિચાર તેણે કર્યા ન હતા. તે જાણતી હતી તેના પપ્પા અને મમ્મી આ વાત નહી માને.

આખરે તેની મમ્મીએ બ્રહ્માસ્ત્ર તેના ભાથામાંથી કાઢ્યું, ‘બેટા તું જરા વિચાર કર આજે તમે જુવાન છો. કાલે ઊઠીને બાળકો થશે. તેમને આપણો સમાજ કઈ દૃષ્ટીથી જોશે? બેટા, ભવિષ્યનો વિચાર કર. તારા અને દૌલતના બાળકોનો વિચાર કર. આવું પગલું ખૂબ વિચારીને ભરવું જોઈએ.’

શનિવારની સાંજે દીવાની અને દૌલત મળ્યા. દીવાનીએ રડતાં - રડતાં મમ્મીની વાત કરી. દૌલત વિચારમાં ગરકાવ થઈ ગયો. દીવાનીને સાંત્વના આપવા લાગ્યો. બસ આ ડોક્ટરીનું છેલ્લું વર્ષ હતું બન્ને જણાંને રેસિડન્સી ગુજરાતના ગામડામાં મળી હતી. બાર મહિના ત્યાં રહેવાનું અને ગામડાંની પ્રજાની સારસંભાળ કરવાની.

છેલ્લા વર્ષની બધી પરિક્ષા પૂરી થઈ ગઈ. એક અઠવાડિયું દીવાની દાદા અને દાદીને મળવા ગામ ગઈ હતી. દાદા અને દાદીના આશીર્વાદ ફળશે એવી દીવાનીને શ્રદ્ધા હતી. પાછી આવીને દૌલતને મળી. દીવાનીને એક અઠવાડિયું મળાય તેમ ન હતું. દૌલતે ખૂબ વિચાર કર્યો. દીવાનીની મમ્મીને ચિંતા છે કે ભવિષ્યમાં બાળક થાય તેનું શું? વિચાર કરતાં માર્ગ સૂઝ્યો.

દૌલત અને દીવાનીએ પ્રેમ કર્યો હતો. દીવાની વગર એક અઠવાડિયું, દૌલતે ઉપાય વિચારી રાખ્યો. જેને કારણે દીવાનીના મમ્મીને કોઈ પ્રશ્ન જ ન રહે. દીવાનીને પણ જણાવ્યું ન હતું. કદાચ એ આનાકાની કરે. દીવાની વગર તે રહી શકે એ શક્ય ન હતું.

દીવાની પાછી આવીને દૌલતને મળી. ખૂબ ઉત્સાહમાં આવીને બોલ્યો, “તારા મમ્મી અને પપ્પાને કહે જે દૌલતે પ્રેમ કર્યો છે. તેમાં હવે બાધા નહીં આવે.”

દીવાની સડક થઈ ગઈ. એકીટશે દૌલતની સામે જોઈ તેનું શુદ્ધ અંતર વાંચી રહી. મુસલમાન છોકરાનો હિંદુ છોકરી પ્રત્યેનો અનહદ પ્રેમ જોઈ દીવાનીના પપ્પા અને મમ્મી સ્તબ્ધ થઈ ગયા.


Rate this content
Log in