દીકરીએ દિ’ ફેરવ્યો !
દીકરીએ દિ’ ફેરવ્યો !
‘મમ્મી તને આજે સિનિયર’સ હોમ’માં મૂકવા જવાની છે’.
લતાની એકની એક દીકરી અનુષ્કા જાણે ગ્રોસરી લેવા ન જઈ રહી હોય તેવા સાવ સાદા ટોનમાં પોતાની લાડલી મમ્મીને જણાવી રહી.
‘૮૨’ વર્ષની લતા છેલ્લા પાંચ વર્ષથી કાયમ માટે અમેરિકા રહેતી હતી. તેને ખબર હતી. અહીં ઘરડાં લોકોની સ્થિતિ ખૂબ દયનિય હોય છે. પોતાની વહાલી એકની એક દીકરી, જેને લાખોની મિલકત મળવાની છે તે આવો ‘ધડાકો’ કરશે. પહેલાં તો તેને પોતાના કાન ઉપર વિશ્વાસ ન બેઠો. પણ પછી તે સડક થઈ ગઈ. તબિયત અવારનવાર નરમ ગરમ રહેતી. જ્યારે સાજી હોય ત્યારે પોતાની દીકરી અનુષ્કાને બધી તરફની મદદ કરતી. અનુષ્કા તેની એકની એક દીકરી હતી. લક્ષ્મીચંદના વિયોગ પછી તે એકલી થઈ ગઈ હતી. લક્ષ્મીચંદ લાખોમાં રમતો વ્યાપારી હતો. સંતાન માત્ર એક જ હતું. અનુષ્કા પરણીને સાસરે ન્યૂયોર્ક આવીને સ્થાયી થઈ હતી. પપ્પા હતા ત્યાં સુધી તો બધું બરાબર ચાલતું હતું. અચાનક ૬૫ વર્ષની ઉંમરે પહેલો હાર્ટ એટેક આવ્યો અને લતા એકલી થઈ ગઈ. ૭૫ વર્ષની થઈ ત્યાં સુધી તો મુંબઈ નોકર ચાકર વગેરેની હાજરીમાં બાદશાહની જેમ રહેતી.
જેમ ઉંમર વધે તેમ દીકરીને ચિંતા થતી. ‘કાલે ઊઠીને મમ્મીને કાંઈ થઈ જાય તો આ બધું કોણ અવેરશે? અનુષ્કાનો પતિ ખૂબ વિચારીને ડગલાં ભરતો. ખબર હતી લાખોની જાયદાદ તેને જ મળવાની છે. પોતે પણ ડોક્ટર હતો. પૈસાની ક્યાં કમી હતી? આ તો જાણે લોટરી લાગી હોય તેવી વાત હતી. ધીમે ધીમે અનુષ્કાને સમજાવી મગજમાં ઠોકાવ્યું કે મમ્મીનું બધું મુંબઈથી સમેટી ઘર ભેગું કરી લે. મમ્મી નહીં હોય પછી મુંબઈના ચક્કર કોણ કાપશે? અનુષ્કાને આ વાત વ્યાજબી લાગી. મમ્મીને પ્યારથી સમજાવી. લક્ષ્મીચંદને મિત્રો ઘણા હતા. તેના સ્વભાવમાં સહુને સહાય કરવી એવો મુદ્રાલેખ કોતરેલો હતો. જેને કારણે લતાને મુંબઈનું બધું સમેટતાં કોઈ અગવડ પડી નહીં. અમરે બધા પૈસા બેંક મારફત અમેરિકા મગાવી લીધા. લતા અમેરિકા ઘણીવાર આવીને રહી હતી તેથી તેને અહીં રહેવામાં પણ કોઈ વાંધો ન હતો. લતાને બાળકો આવે ત્યારે હંમેશા આવતી અને છ મહિનાનો બાળક થાય ત્યાં સુધી અનુષ્કાને મદદ કરતી. પાછી ‘નેની’ તો હોય જ.
પાંચેક વર્ષ તો અનુષ્કાનાં બાળકો નાના હતાં એટલે મમ્મી આશીર્વાદ જેવી લાગે. બાળકોની ચિંતા નહીં. તેમને ઘરની સુંદર અને તાજી ભાતભાતની વાનગીઓ પણ મળી રહેતી. બાળકો કાંઈ કાયમ નાના રહેવાના ન હોય ! મોટો તો હવે કૉલેજ ગ્રેડ્યુએટ થવાની તૈયારીમાં હતો. નાના બન્ને હાઈસ્કૂલમાં આવી ગયા હતાં. અનુષ્કાએ અમરની ક્લિનિક પર જઈ ફાઈનાન્સ સંભાળી લીધું.
લતા પહેલાં કોઈક કોઈક વાર ગાડી ચલાવતી હતી. ૭૫ની થયા પછી સદંતર બંધ કરી દીધું. અનુષ્કાને કાંઈ પણ કહે તો ગલ્લાંતલ્લાં કરે. મનમાં કહે, "મમ્મી છે તો શું થઈ ગયું ? હું પણ થાકી જાઉં છું. મારે ઘરે અવી અમર સાથે સમય પસાર કરવો હોય." બાળકોને એમની મનગમતી જગ્યાઓએ લઈ જવાનાં હોય.’
લતા સમજતી પણ બોલતી નહીં. પોતાનાં કાંડા કાપી આપ્યા હતાં. મુંબઈની જગ્યા વેંચી નાખી હતી. ધંધાની દુકાન ખૂબ મોકાની હતી. અરે માત્ર ભાડે આપી હોત તો પણ લતાને ચમન હતું. સંબંધીઓ પુષ્કળ હતાં. લક્ષ્મીચંદના ભાઈ તેમજ બહેન પણ મુંબઈમાં હતાં. દીકરીનાં પ્રેમમાં પાગલ થઈ બધું સમેટી લીધું હતું. છતાંય મુંબઈ જવું હોય તો જેઠનું અને નણંદનું ઘર તેને માટે ખુલ્લું હતું. મોટીભાભી હોવાને કારણે સહુ તેની ઈજ્જત કરતાં. મુંબઈમાં બધું સમેટતાં પહેલાં દિયર અને નણંદે ખૂબ સમજાવ્યાં હતાં. મોટી ભાભી તો ‘મા’ સમાન ગણાય. લતા એકની બે ન થઈ.
છેલ્લા છએક મહિનાથી લતા વિચારી રહી હતી અનુષ્કા ઓછું બોલે અને મમ્મીની હાજરી ઘરમાં હોવા છતાં પણ ગણકરે નહી. મા હતી તેથી તેની પાસે જતી ત્યારે ઉત્તર 'હા' કે 'ના'માં મળતા. તેને ખૂબ અતડું લાગતું. શબ્દ બોલે નહીં. અમર તો સવારે વહેલો જાય રાતના મોડો આવે. બાળકો ભણવામાં વ્યસ્ત રહેતાં.
આજે સવારે જ્યારે અનુષ્કાએ કહ્યું કે મમ્મી તને ‘સિનિયર્સ’ હોમમાં મૂકવાની છે. હવે ભારત પાછાં જવાના બધા દરવાજા બંધ હતા. મમ્મીને કારણે તેમને વેકેશન પર જવું હોય હોય ત્યારે ખૂબ અગવડ પડતી. નાના બન્ને હવે રજામાં કૉલેજ જવાની તૈયારી કરી રહ્યાં હતાં. અમરના માતા અને પિતા તો ૬૫ વર્ષની ઉંમરે બદ્રીનાથ ગયા ત્યારે અકસ્માતમાં સાથે વિદાય થઈ ગયા હતાં. એ લપ અનુષ્કાને હતી નહી.
લતા વિચારી રહી હવે શું? તેને એમ કે સેઈમ ટાઉનમાં હશે. ના, લગભગ ૫૦૦ માઈલ દૂર. અમર તો વ્યસ્ત હોય એટલે મૂકવા પણ ન ગયો. અનુષ્કાએ ખૂબ પ્યાર જતાવ્યો.
"મમ્મી, તને રોજ ફોન કરીશ."
"મમ્મી તને દર મહિને હું અને અમર મળવા આવીશું." સાવ ખોટાં અને બેહુદાં વચન લતાને આપી રહી !
લતાતો બહેરી અને મુંગી થઈ ગઈ. તેનું દિમાગ કામ ન કરતું. બોલવાનો કોઈ અર્થ ન હતો. તેને ખબર હતી તેની જીદ્દી દીકરી પોતાના મનનું ધાર્યું જ કરવાની છે. જરૂરી સામાન લીધો. આમ પણ પતિ ગુમાવ્યા પછી તેની જરૂરિયાત ખૂબ ઓછી થઈ ગઈ હતી. જાણે ચાવી દીધેલું પૂતળું ન હોય. સારું હતું એને ઈંગ્લીશ આવડતું હતું. શરૂ શરૂમાં તો બે મહિના લતા આવી. એક વાર અમર સાથે આવી ત્યારે સવારે આવી સાંજના જતી રહી.
"મમ્મી, તારે કાંઈ જોઈએ છે?"
"ના, બેટા."
"એકવાર તો કહે મમ્મી મને આ મહિને ફાવે એવું નથી. હું આવતા મહિને આવીશ."
"સારું બેટા."
લતાને હવે કોઈ ઉમળકો રહ્યો ન હતો. તેણે તો અહીં પોતાનાં મીઠા અને મળતાવડા સ્વભાવને કારણે ઘણા મિત્રો બનાવી લીધાં. ઈંગ્લીશમાં ઈન્ડિયન ફિલોસોફીની લોકોને વાતો કરતી.
પોતાની વાકચાતુર્યને કારણે લોકોમાં પ્રિય થઈ પડી. હંમેશા સહુમાં સારું જોનાર દીકરીમાં શું કામ ખરાબ જુએ? હકિકતનો સામનો કરવાનો મનોમન નિર્ધાર કર્યો. 'મા' હંમેશા પોતાના સંતાનનું સુખ અને સમૃદ્ધિ વાંછે.
લતા ખૂબ હોંશિયાર હતી. મુંબઈમાં તેને બધી સગવડ હતી. બાળપણમાં તેની માતાએ તેને ખૂબ લાડકોડ અને કાળજીથી ઉછેરી હતી. પૈસો કદાપિ તેના દિમાગ પર છવાયો ન હતો. હા, કોઈની ખુશામત કરી ન શક્તી. પોતાની આગવી પ્રતિભાને કારણે નર્સિંગ હોમમાં આદર પામતી. પતિ સાથે આખી દુનિયા ફરી હતી. તે જાણતી હતી, મનુષ્ય માત્રમાં, "માત્ર ચામડીના રંગ અલગ હોય બાકી સ્વભાવે સહુ સરખાં." અહીં બધીજ જાતની પ્રજા હતી પણ સહુની સાથે હળીમળીને તેની એકલતા દૂર થઈ ગઈ. તેની સગવડ બધી સચવાતી. હાથની છૂટ્ટી હોવાને કારણે બધાં તેનું કામ પણ પ્રેમથી કરતાં. એક વસ્તુ ખૂબ સુંદર રીતે પતિએ શિખવાડી હતી.
"ભલે અનુષ્કા દીકરી છે. તારા પૈસાનો વહિવટ અને કાબૂ તારા હાથમાં રાખજે. તું નહિ હોય ત્યાર પછી બધું એ લોકોનું જ છે. તેને હવે અનુષ્કા મળવા આવે તો સારું ન આવે તો ફિકર ન હતી. એકલાં આવ્યા એકલાં જવાના."
મનોમન તેણે દીકરીનો આભાર માન્યો, "હા, દીકરી તારે કારણે મારો દી’ ફર્યો."
