STORYMIRROR

Dr Nilesh Thakor

Others

2  

Dr Nilesh Thakor

Others

ઢીંગલીની ઢીંગલી

ઢીંગલીની ઢીંગલી

3 mins
14.7K


વાડજના અખબારનગરની એક શેરીમાં આવેલા જર્જરિત અને પુરાણા ઘરમાં એક સમી સાંજે ડૉ. જય શેઠ અને એમના સ્ટુડન્ટ ડૉ. નિશીથ પ્રવેશ્યા. પ્રવેશતા જ સામે રહેલા વૃદ્ધ બાને પૂછ્યું,  નમસ્તે બા, અમે અંદર આવીએ?”

“તમે?” આશ્ચર્યના ઉદગાર સાથે બાએ પૂછ્યું.

“અમે વીએસ હોસ્પિટલમાંથી ડોક્ટર છીએ અને તમારી પુત્રવધૂના સ્વાઇન ફ્લૂથી થયેલા મૃત્યુ વિશે થોડીક પૂછપરછ કરવા આવ્યા છીએ.”

બાએ આવકાર આપી તૂટેલા ખાટલા પર થીંગડા મારેલી ગોદડી પાથરી બંનેને બેસાડયા.

2009નું એ વર્ષ હતું. ગુજરાત અને આખા દેશમાં સ્વાઇન ફ્લૂ નામના રોગે બરાબરનો ભરડો લીધો હતો, કેટલાય લોકોને આ રાક્ષસ ભરખી ગયો. સરકારે એપીડેમીકની પરિસ્થિતી જાહેર કરી. અધિક નિયામક, આરોગ્ય વિભાગ ગાંધીનગરના આદેશ મુજબ એ સમયે સ્વાઇન ફ્લૂથી થતાં દરેક મૃત્યુની વર્બલ ઓટોપ્સીની જવાબદારી કમ્યૂનિટી મેડિસિન વિભાગના શિરે આવી. વર્બલ ઓટોપ્સી એટલે મરણોપરાંત પૂછપરછ જેથી મૃત્યુ થયાનું કારણ જાણી બીજા મૃત્યુ અટકાવી શકાય અને આ અંતર્ગત પોસ્ટ ગ્રેજયુએટ સ્ટુડન્ટ ડૉ. નિશીથ અને મદદનીશ પ્રાધ્યાપક ડૉ. જય શેઠ અત્યારે એક બાને પ્રશ્નો પૂછી રહ્યા હતા. બાની પુત્રવધૂનું થોડા જ દિવસો પહેલાં મૃત્યુ થયું હતું અને એ પોતાની પાછળ એક છ મહિનાની અને એક 3 વર્ષની

બાળકીઓને મૂકતી ગઈ હતી. નાની બાળકી અત્યારે બાના ખોળામાં હતી અને બાટલી વડે દૂધ પી રહી હતી. કેટલાક પ્રશ્નોના ઉત્તર આપતા આપતા બાના બંને આંખોનાં ખૂણા ભીના થઈ ગયાં હતાં.

જ્યારે નિશીથે બંને બાળકોની સારસંભાળ વિશે પૂછ્યું તો બાએ ધીમા સાદે કહ્યું, “હવે તો આ બેઉ છોકરાંની માં હું જ છું. તમે સાહેબ આ મોટીને કશું કહેતા નહીં, એ મને આખો દિવસ પૂછપૂછ કરે છે કે મારી મમ્મી ક્યારે આવશે? અમે હજુ સુધી એને કશું કહ્યું નથી, એને તો બસ એટલી જ ખબર છે કે એની મમ્મી હજુ દવાખાને છે અને એ થોડા દિવસો પછી પાછી આવવાની છે.

એટલામાં દૂર રમી રહેલી એ 3 વર્ષની એ માસૂમ બાળકી બાના ખોળામાં આવી અને પૂછવા લાગી “બા, આ કોણ છે?”

“બેટા આ ડોક્ટર છે તારી મમ્મીના દવાખાનેથી આવ્યા છે.” બાએ ચહેરા પર આવેલી દર્દની રેખાઓને છુપાવતા કહ્યું.

“બા હવે મારી મમ્મી ઘરે આવી જશે ને? એ ગઈ હતી ત્યારે મને ઢીંગલી લઈ આપવાનું કહ્યું હતું, એ ઢીંગલી લઈને જલ્દી આવશેને બા? એ ઢીંગલી લાવશે પછી હું ને મારી મમ્મી બંને ઢીંગલી જોડે રમીશું. મમ્મી મને નવડાવશે અને હું ઢીંગલીને, મમ્મી મને ખવડાવશે અને હું ઢીંગલીને...”

આગળ એ નાની ઢીંગલી શું શું બોલી એનો નિશીથને ખ્યાલ ના રહ્યો, બસ શૂન્યમનસ્ક અને વ્યગ્ર મન સાથે એ એની ભોળી આંખોમાં જોતો રહ્યો. કોઈની ય પાસે એ ઢીંગલીના પ્રશ્નોના જવાબ નહોતાં.

પૂછપરછ પૂરી થતાં જ ડૉ. જય શેઠ ઊભા થયા. ડૉ. નિશીથે ઊભા થતાં જ બાની સામે 500 રૂપિયાની નોટ ધરી. બાએ ખુમારીપૂર્વક મના કરતાં કહ્યું “બેટા! અમે મહેનત કરવાવાળા માણસો છીએ, મહેનત કર્યા વગર કોઈનો એક રૂપિયો પણ ના લઈએ.”

નિશીથને બાની ખુમારીને દાદ આપવાનું મન થયું. ડૉ. નિસિથે કારમાં પોતાની પાસે રહેલા કેટલાક ફળો એ બાળકીને આપ્યા.

બાળકીએ ફળો હાથમાં લેતા લેતા કહ્યું, “મારી મમ્મીને જલ્દી મોકલજો, ને! એને કહેજો એની વ્હાલી એને બહુ જ યાદ કરે છે.”

કારમાં પાછા ફરી રહેલા ડૉ. નિશીથના વ્યગ્ર અને ઉદાસ મન સમક્ષ કેટલાય સમય સુધી એ નાની માસૂમ ઢીંગલીનો ચહેરો અને એના પ્રશ્નો તરતા રહ્યાં.

વર્ષ 2015માં સ્વાઇન ફ્લૂ નામના રાક્ષસે ફરી માથું ઊંચક્યું.

હવે ડૉ. નિશીથ પોસ્ટ ગ્રેજયુએટ સ્ટુડન્ટ મટીને જીએમઇઆરએસ મેડિકલ કોલેજ પાટણ ખાતે મદદનીશ પ્રાધ્યાપક છે. આજે સવારે નિશીથના મોબાઇલ પર પાટણ તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી શ્રીનો કોલ આવ્યો “હેલ્લો ડૉ. નિશીથ, આપના તાલુકામાં રાજપુર મુકામે એક મહિલાનું સ્વાઇન ફ્લૂથી મૃત્યુ થયું છે અને એની વર્બલ ઓટોપ્સી માટે આપને ત્યાં જવાનું છે.”

નિશીથે એ મહિલાના પરિવારજનોએ વિશે કેટલીક પૂછપરછ કરી તો ખબર પડી કે એ મહિલા 3 વર્ષની એક બાળકી મૂકતી ગઈ છે. નિસિથના મનમાં 2009ની કેટલીક યાદો તાજી થઈ ગઈ॰

નિશીથે કાર સ્ટાર્ટ કરી, અચાનક કઈંક યાદ આવ્યું. કાર બંધ કરી એ ઉપર પોતાના ક્વાર્ટર્સમાં ગયો, પોતાની 4 વર્ષની પુત્રીના રૂમમાં જઈ કઇંક લઈ એ કારમાં બેઠો, અને એ કઇંક હતું,

‘એક માં વગરની ઢીંગલી માટે ઢીંગલી’


Rate this content
Log in