STORYMIRROR

Dr Nilesh Thakor

Others

2  

Dr Nilesh Thakor

Others

દાદીની વ્હાલી દીકરી

દાદીની વ્હાલી દીકરી

5 mins
15K


“અનુજ્ઞા મારા ટેબલ પરથી કારની ચાવી નીચે ફેંકતો,  હું ભૂલી ગયો છું.” નીચેથી ઓફિસ જવાની ઉતાવળમાં ઋતુજિતે બૂમ પાડી ને પોતાના ઘરની ગૅલૅરી તરફ નજર કરી કહ્યું.

“એ લાવી, તમે ય રોજ રોજ ચાવી ભૂલી જાઓ છો.” ઘરકામમાં વ્યસ્ત થયેલી અનુજ્ઞા  હાંફળી ફાંફળી થતી ગૅલૅરીમાં ચાવી લઈને આવી.

“ચાવી, તો એક બહાનું છે, તને ઓફિસ જતાં-જતાં પ્રેમભરી નજરે ફરી-ફરીને જોવાનું.” ઋતુજિતે સહેજ આછું સ્મિત મુખ પર લાવતાં અનુજ્ઞાને કહ્યું.

“શું તમે પણ!” અનુજ્ઞા જરા શરમાઈ ને એક સ્નેહસભર સ્મિત સાથે ઋતુજિતને વિદાય આપી. આટલી ખુશી ભરેલો સંસાર અને પતિનો આટલો છલકતો પ્રેમ હોવા છતાં અનુજ્ઞા આજે ઉદાસ હતી. એ સોફા પર બેસી ભૂતકાળ ની યાદો વાગોળવા લાગી.

****

“દાદી તમે ચિંતા ના કરો, બધું જ સારું થઈ જશે. અમે બધા તમારી સાથે છીએ.” ઘરના તમામ સભ્યોએ દાદીને હિમ્મત આપતાં દવાખાને લઈ જતાં કહ્યું. આજે સવારે અચાનક છાતીમાં શરૂ થયેલા દુખાવા સાથે દાદીને શહેરની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી યુ. એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. નિદાન થયું હૃદય રોગના પ્રથમ હુમલાનું. એન્જિઓગ્રાફીનો રિપોર્ટ આવ્યો. હૃદયની મુખ્ય

ધમની (લેફ્ટ કોરોનરી આર્ટરી) 90% બ્લોક થઈ ગઈ હતી. અંતે દાદીનું બાયપાસનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું.

****

અનુજ્ઞા ને ઋતુજિત સાથેની કોલેજમાં થયેલી પ્રથમ મુલાકાત યાદ આવી ગઈ. ગુજરાત કોલેજમાં બી. એ.ના પ્રથમ જ વર્ષમાં અભ્યાસ કરતી અનુજ્ઞા એક દિવસ લાઇબ્રેરી જવાની ઉતાવળમાં ઋતુજિત સાથે અથડાઈ ગઈ અને અનુજ્ઞાના હાથમાંથી બધા પુસ્તકો વેરણછેરણ થઈ નીચે વિખરાઈ પડ્યાં.

“ઓહ, સોરી” કહી ઋતુજીતે પુસ્તકો ઊઠાવવા નીચે ઝૂકી સહાય કરી.

 

“ના તમારો વાંક નહોતો, હું જ જરા ઉતાવળમાં હતી એમાં તમને સામેથી આવતાં જોઈ ના શકી.”

 

આ મધુર અને સૌમ્ય અવાજ સાથે થયેલ અનુજ્ઞાનો ઋતુજિત સાથેનો પ્રથમ સંવાદ અંતે પ્રેમની પરિભાષામાં વિલીન થઈ ગયો. વાત આવી અંતે લગ્નગ્રંથિએ જોડાવવાની. અનુજ્ઞાનાં માતપિતાની ઋતુજિત માટે સંમતિ હતી, પણ ઋતુજિતની મમ્મી ઋતુજિતના બીજી જ્ઞાતિમાં લગ્નથી નાખુશ હતી.

અંતે અનુજ્ઞા અને ઋતુજિતનાં પ્રેમ આગળ ઝૂકીને એમણે પણ મંજૂરી આપી અનુજ્ઞાને સહર્ષ સ્વીકારી લીધી. અનુજ્ઞાએ પણ ઋતુજિતના કુટુંબના તમામ રીતરિવાજને આનુષંગિક થઈ ઋતુજિત સાથે દાંપત્યજીવનનો શુભારંભ કરી દીધો.

થોડા વર્ષો પછી ઋતુજિત અને અનુજ્ઞા જીવનમાં બંનેના સ્નેહસેતુ સમાન શર્વણીનો જન્મ થયો.

ઘરનાં તમામ સભ્યો ખુશી સાથે ઝૂમી ઉઠ્યાં. શર્વણીના ઉછેરમાં અનુજ્ઞા જ નહીં પરંતુ આખું ઘર વ્યસ્ત થઈ ગયું. અનુજ્ઞા અને ઋતુજિતનું જીવન જાણે મઘમઘી ઉઠ્યું. 3 વર્ષની થયેલી શર્વણીની બાળસહજ વાતો બધાને હસાવતી. અનુજ્ઞા અને ઋતુજિત શર્વણીના જ્ન્મ પછી પૂર્ણતા અનુભવતાં.

અનુજ્ઞા ફરી ગર્ભવતી થઈ. ઋતુજિત ખૂબ જ ખુશ હતો. ઘરમાં પણ બધા ખુશ હતાં પરંતુ ઋતુજિતની મમ્મીના ચહેરા પર હવે પુત્ર જન્મ માટેનો આગ્રહ સ્પષ્ટ જણાઈ આવતો. વારે વારે એ અનુજ્ઞાને ગર્ભમાં રહેલા બાળકની જાતિ અગાઉથી જાણવા આગ્રહ કરતાં. જાતિ જાણ્યા પછી એમના આગળ પગલાં વિષે અનુજ્ઞાને ખ્યાલ આવી ગયો. એ ઉદાસ થઈ ગઈ. આજે સોફા પર બેસી પેટ પર હાથ રાખી શૂન્યમનસ્ક થઈ ગઈ. એટલામાં તો જાણે પોતાના ગર્ભમાંથી કોઈ વાત કરતું હોય એવો ભ્રમ થવા લાગ્યો.

“મમ્મી, ઓ મમ્મી, મને સાંભળે છે ને? જો હું કદાચ દીકરી હોઉ તો તું મને જન્મ નહીં આપે? જો મમ્મી હું તને બહાર આવી બિલકુલ નહીં પજવું. દીદીનાં રમકડાંથી રમી લઈશ. તારે મારા કપડાં લાવવાં પણ ખર્ચ નહીં કરવો પડે. તું દીદીનાં કપડાં સાચવી રાખજે, હું એ પહેરીને મોટી થઈ જઈશ. મારા માટે કંઈ વિશેષ તારે જમવાનું નહીં બનાવવું પડે, હું અત્યારે તમે જે બનાવો છો એમાંથી જ જમી લઈશ. મારા ભણતર વિષે પણ તું બહુ ચિંતા ના કરીશ. હું દીદીનાં પુસ્તકોથી ભણી લઈશ. હું મારું સ્કૂલનું હોમવર્ક પૂરું કરીને તને ઘર કામમાં મદદ કરાવીશ. હું ઘરમાં એવી રીતે રહીશ કે ઘરમાં કોઈ ને પણ હું બોજ નહીં લાગું... બસ.

મમ્મી એકવાર મને બહાર આવી બહારની દુનિયા જોવાની અને માણવાની એક તક આપ. આમ મને તારા જ ગર્ભમાં મૃત્યુ ના આપીશ. આખરે હું તારો અને પપ્પાનો જ અંશ છું.”

અનુજ્ઞાની આંખમાંથી અશ્રુધારા વહી પડી. જેવી એ ધારા બંધ થઈ કે તુરંત જ આંખો લૂછી અનુજ્ઞા એક અનેરી હિમ્મત સાથે સોફા પરથી ઊભી થઈ.

અંતે અનુજ્ઞાએ પોતાની સાસુને ગર્ભમાં રહેલા બાળકની જાતિ જાણવાની મનાઈ કરી અને એ જે પણ હોય એને જન્મ આપવાની મક્કમતા દાખવી. અનુજ્ઞાએ હિમ્મતપૂર્વક પોતાની સાસુને પુત્ર જન્મની ઘેલછાને વિદાય આપવાનું કહ્યું. અંતે અનુજ્ઞાની મક્કમતા જોઈ એની સાસુએ પણ ત્યાર બાદ ક્યારેય એ વાતને અનુજ્ઞા સમક્ષ ના ઉચ્ચારી. અનુજ્ઞાએ એક ફૂલ જેવી સુંદર અને કોમળ દીકરીને જન્મ આપ્યો.

****

દાદીની તબિયત વધુ ગંભીર હતી. ઓપરેશન બે દિવસ પછી કરવાનું નક્કી કરવામાં આવ્યું. દાદીને આઇસીયુમાં રખવામાં આવ્યાં. ઉર્જિતા દાદીની આસપાસ ખડે પગે ઊભી રહી અને વળી કેમ ઊભી ના રહે? આજે પોતાની વ્હાલી દાદી પથારીવશ હતી. દાદીને જ્યારથી એડ્મિટ કર્યા ત્યારથી લઈ આજ સુધી ઉર્જિતા દાદીની જોડે ને જોડે જ રહી. દાદીની ભરપૂર કાળજીમાં ઉર્જિતા મશગુલ થઈ ગઈ.

****

અનુજ્ઞાએ એક ફૂલ જેવી સુંદર અને કોમળ દીકરી ને જન્મ આપ્યો નામ આપ્યું ઉર્જિતા. ઉર્જિતા નામ મુજબ જ ઉર્જાથી ભરપૂર. આવતાંની સાથે જ એની બાળસહજ ક્રિયાઓએ બધાનું મન મોહી લીધું. ઉર્જિતાને જો કોઈ વધારે પસંદ હતું તો એના દાદી. એ દાદી કે જેમને ઉર્જિતાના જન્મથી વિરોધ હતો. અંતે ઉર્જિતાની નિર્દોષ અને ભોળી આંખોમાં જોતાં જ દાદીની પુત્ર જન્મની ઘેલછા ક્યાંય ઓગળી ગઈ.

દાદી પણ ઉર્જિતામય બની ગયાં. દાદી જ્યાં જ્યાં પણ જતાં ઉર્જિતા એમની જોડે જ હોતી. પોતાની મમ્મી કરતાંય ઉર્જિતાનો સમય દાદી જોડે વધુ પસાર થતો. દાદી અને ઉર્જિતા બંને એકબીજાના પૂરક બની ગયાં. દાદીની વ્હાલી દીકરી ઉર્જિતા અને ઉર્જિતાના વહાલાં દાદી.

****

દાદીનું આજે ઓપરેશન હતું. ઉર્જિતાની આંખમાં અશ્રુ હતાં. કોઈ પણ ભોગે પોતાની દાદીને સાજા-સમાં કરવા હતાં. દાદીને ઓપરેશન થિએટરમાં લઈ જવામાં આવી રહ્યા હતાં. ઘરના તમામ સભ્યો દાદીની આસપાસ હતાં. ઓપરેશન થિએટરની બહાર રોકાઈ ગયાં. પણ ઉર્જિતા દાદી જોડે છેક ઓપરેશન થિએટરમાં ગઈ અને ત્યાં રહેલા ઓ.ટી.ના સિસ્ટર્સને ઓપરેશન થિએટર તૈયાર કરવા આદેશ આપ્યો.

“જી મેમ” કહી ઓ.ટી. સિસ્ટર્સે ઓ.ટી.માં પહેરવાના કપડાં અને ગ્લોવ્સ ઉર્જિતાને આપ્યા.

કેમ?

કેમ કે ઉર્જિતા આજે એમબીબીએસનો અભ્યાસ ક્રમ પૂર્ણ કરી ડૉ.ઉર્જિતા બની ચૂકી હતી અને યૂ. એન. મહેતા હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઇન ક્લિનિકલ કાર્ડિઓલોજી કરી રહી હતી અને આજે તે પોતાના દાદીની બાયપાસ સર્જરી કરી રહેલા ડોક્ટર્સની ટીમમાં હતી.

દાદીનું ઓપરેશન સફળ રહ્યું. ઓપરેશન પછી દાદીએ આંખો ખોલી તો પોતાની વ્હાલી દીકરી ઉર્જિતા સામે જોઈ બોલ્યા “બેટા મને ખબર જ હતી કે તું મને કંઈ જ નહીં થવા દે. જો તારી દાદી સાજીસમી થઈ ગઈ ને.” ત્યાં જ ઉર્જિતા અને દાદી ભેટી પડ્યા. દૂર ઊભી રહેલી અનુજ્ઞાની આંખો બંનેને ભેટતાં જોઈ હર્ષાશ્રુ સાથે ભરાઈ ગઈ.

 

 

 


Rate this content
Log in