બર્થ ડે ગિફ્ટ
બર્થ ડે ગિફ્ટ
જન્મદિવસ એ બધાનાં જીવનમાં એક અલગ જ મહત્વ ધરાવતો હોય છે. જે દિવસ વ્યક્તિના જીવનમાં એક અલજ ઉત્સાહ અને ઉમંગ લઈને આવતો હોય છે. જો વાસ્તવમાં જોવા જઈએ તો જન્મદિવસ એ એક આંકડો છે, જે વ્યક્તિનાં શારીરિક અને માનસિક વિકાસ દર્શાવે છે. આવો જ એક દિવસ અભિમન્યુ શાહનાં જીવનમાં આવ્યો.
સ્થળ : અભિમન્યુનું ઘર.
સમય : સાંજના 8 કલાક.
આજે અભિમન્યુનો પંદરમો જન્મદિવસ હોવાથી સવારથી બધા મિત્રો, સંબંધીઓ અને સ્નેહીજનો અભિમન્યુને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યાં હતાં. આજે અભિમન્યુનો જન્મદિવસ હોવાને લીધે આજે રાતે તેમનાં નિવાસસ્થાને એક પાર્ટીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં તેનાં મિત્રો, સગાઓ, સબંધીઓ, સ્નેહીજનો અને પાડોશીઓને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં.
અભિમન્યુનો જન્મદિવસ હોવાને લીધે પુરા શાહ પરિવારમાં એક અલગ જ પ્રકારનો આનંદ છવાયેલો હતો. સૌ કોઈ અભિમન્યુનાં જન્મદિવસ ઉજવણીની તૈયારીમાં લાગી ગયેલાં હતાં. આખા ઘરને અલગ અલગ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવેલ હતો. ઘરની બહાર આવેલ બગીચામાં સુશોભિત ખુરશી અને ટેબલ ગોઠવવામાં આવેલ હતાં. જે શાહ પરિવારનાં ઘરની રોન્કમાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં.
ધીમે ધીમે બધાં આમંત્રિત મહેમાનો અભિમન્યુ શાહનાં ઘરે આવવા લાગ્યાં. જ્યારે આ બાજુ અભિમન્યુનાં જન્મદિવસની ઉજવણીની પણ સંપૂર્ણ તૈયારી થઈ ગયેલ હતી. બરાબર એ જ વખતે અભિમન્યુ કોઈ મુવીના હીરોની માફક તૈયાર થઈને બગીચામાં પ્રવેશે છે. અને આખો બગીચો "હેપી બર્થ ડે ટુ યુ ડિયર અભિમન્યુ" ના નાદથી ગુંજી ઉઠ્યો. ત્યારબાદ કેક કટિંગ કરવામાં આવ્યું. અને ત્યારબાદ બધાં મહેમાનો અભિમન્યુ માટે ગિફ્ટ લાવેલ હતાં તે ગિફ્ટ આપે છે. પછી બધાં મહેમાનો ડિનર લે છે અને ડિનર લીધાં બાદ સૌ કોઈ અભિમન્યુને શુભેચ્છાઓ પાઠવી પોત પોતાનાં ઘરે જવાં માટે રવાના થાય છે.
એ જ દિવસે રાતે.
સમય : રાતના 11 કલાક.
સ્થળ : અભિમન્યુનો રૂમ.
અભિમન્યુ પોતાનાં રૂમમાં બેસીને તેને જન્મ દિવસ નિમતે મહેમાનો તરફથી જે ગિફ્ટ આપવામાં આવેલ હતી, તે બધી ગિફ્ટ આતુરતાવશ થઈને ખોલીને જોઈ રહ્યો હતો. બરાબર આ જ સમયે તેનાં હાથમાં એક નાનું ગિફ્ટ બોક આવે છે. આથી અભિમન્યુ એક અલગ જ ઉત્સાહ અને આતુરતા સાથે એ ગિફ્ટબોક્સ પર લગાવેલ લેબલ પર નજર કરે છે. જેનાં પર લખેલ હતું.. "હેપી બર્થ ડે ટુ માય ડિયર સન અભિમન્યુ" ફ્રોમ યોર લવલી પાપા." આ જોઈ અભિમન્યુનાં મનમાં અલગ અલગ વિચારો જેવા કે,"પપ્પાએ મને બર્થ ડે ગિફ્ટમાં શું આપેલ હશે ? શું પપ્પા મારા માટે કોઈ મોંઘેરી ગિફ્ટ લાવ્યાં હશે ? શું પપ્પા મને મનપસંદ ગિફ્ટ લાવેલાં હશે ?" આવવા લાગ્યાં. આથી અભિમન્યુ ઉત્સાહ સાથે એ ગિફ્ટબોક્સ ખોલે છે. ગિફ્ટબોક્સ ખોલતાની સાથે જ અભિમન્યુની આંખોના મોતિયા મરી જાય છે. જે ચહેરા પર આનંદ અને ઉત્સાહ છવાયેલો હતો, તે જ ચહેરા પર દુઃખ અને હતાશા છવાય ગયાં. કારણ કે અભિમન્યુના પિતાએ અભિમન્યુને એક જૂની ઘડિયાળ ગિફ્ટમાં આપેલ હતી, જે તેનાં ખાનદાનની નિશાની સમાન હતી. આ જોઈ અભિમન્યુ હતાશ થઈ જાય છે અને વિચારોમાં ને વિચારોમાં તે પથારીમાં સુવે છે.
પથારીમાં સુતા સુતા અભિમન્યુ વિચારે છે કે, "પપ્પાએ મને સાવ આવી જૂની ઘડિયાળ ગિફ્ટમાં શાં માટે આપેલ હશે ? જો પપ્પાએ ઘારેલ હોત તો તે મને સારો એવો મોબાઈલ, બાઇક કે લેપટોપ પણ ગિફ્ટમાં આપી શકતા હતાં ને ? તો પપ્પાએ શાં માટે મને સાવ આવી મામુલી ઘડિયાળ ગિફ્ટમાં આપી હશે?" આવું વિચારતા વિચારતા અભિમન્યુ હતાશ થઈને ઊંઘી જાય છે.
બીજે દિવસે સવારે
અભિમન્યુ સવારે ઉઠે છે, એ સાથે જ તેનાં આશ્ચર્ય કે નવાઈનો કોઈ જ પાર નથી રહેતો કારણ કે તેનાં રૂમમાં રહેલ ટેબલ પર એક નવો મોબાઈલ અને લેપટોપ પડેલ હતું, આથી અભિમન્યુ વિચારોની વમળોમાં ખોવાય જાય છે. એવામાં એકાએક અભિમન્યુનાં મનમાં કોઈ એક વિચાર ઝબકે છે. આથી અભિમન્યુ બેબાકળા થતાં થતાં પોતાનાં રૂમની બારી પાસે જઈને નીચે દરવાજા તરફ નજર કરે છે. દરવાજા તરફ નજર કરતાંની સાથે જ અભિમન્યુની ખુશીઓનો કોઈ જ પાર રહેતો નથી, કારણ કે તેનાં ઘરના ફળિયામાં એક નવી નકોર બાઇક પાર્ક થયેલ હતી. આ જોઈ અભિમન્યુ મનોમન વિચારી રહ્યો હતો કે આ કેવી રીતે શક્ય છે. પોતે રાતે તેનાં પિતાએ ગિફ્ટમાં આપેલ ઘડિયાળ તરફ જોઈને જે જે ઈચ્છાઓ વ્યક્ત કરેલ હતી. તે બધી જ ઇચ્છાઓ પૂર્ણ થઈ ગયેલ હતી. આથી અભિમન્યુની ખુશીઓનો કોઈ જ પાર રહેતો નથી.
આથી અભિમન્યુ તેનાં પિતાએ તેને ગિફ્ટમાં આપેલ પેલી જૂની ઘડિયાળ હાથમાં લઈ પોતાના રૂમમાંથી બહાર નીકળીને તેનાં પિતા પાસે જાય છે. પિતાને વળગીને પોતાને આટલી સરસ ગિફ્ટ આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરે છે. અભિમન્યુનાં પિતાને પણ હાલ પોતાની સાથે જ કાંઈ ઘટના બની રહી હતી, અથવા અભિમન્યુ પોતાને જે કાંઈ જણાવી રહ્યો હતો તે કંઈ સમજમાં નહોતું આવી રહ્યું હતું.
ત્યારબાદ પરિવારનાં વયોવૃદ્ધ એવાં દાદી પાસેથી તેઓને ખ્યાલ આવે છે કે તેનાં દ્વારા અભિમન્યુને ગિફ્ટમાં જે ખાનદાની જૂની ઘડિયાળ આપેલ હતી, તે કોઈ સામન્ય ઘડિયાળ નહીં, પરંતુ વ્યક્તિની ઈચ્છાઓ પૂર્ણ કરનાર એક ચમત્કારી અને જાદુઈ ઘડિયાળ હતી. આ ઘડિયાળની પણ એક લાક્ષણિકતા હતી કે આ ઘડિયાળ કોઈ વ્યક્તિની વધુમાં વધુ ત્રણ ઈચ્છાઓ પૂરી કરી શકતી હતી. જ્યારે અભિમન્યુએ પોતાની ત્રણ ઈચ્છાઓ જેમ કે મોબાઈલ, લેપટોપ અને બાઇક માંગીને આ ઘડિયાળની ત્રણ ઈચ્છાઓ પૂર્ણ થઈ ગયેલ હતી.
આ સાંભળીને સૌ કોઈને પોતે હાલ જે કાંઈ સાંભળી કે જોઈ રહ્યાં હતાં તેનાં પર કોઈ સંજોગોમાં વિશ્વાસ નહોતો આવી રહ્યો પરંતુ આ બાબત પર વિશ્વાસ કરવાં સિવાય તેઓ પાસે અન્ય કોઈ વિકલ્પ જ ન હોવાથી તે બધાં આ વાસ્તવિકતા સાથે સહમત થઈ ગયાં.
મિત્રો આપણા જીવનમાં પણ ક્યારેક એવી ઘટનાઓ બનતી જ હોય છે. આપણી આજુબાજુમાં રહેલ ઘણી વસ્તુઓ આવા કેટલાય રહસ્યો પોતાની સાથે દબાવીને આપણી આસપાસ પોતાનું અસ્તિત્વ ધરાવતી હોય છે, જે અમુક સમયે આપણને ખ્યાલ આવે છે તો ક્યારેક આ રાઝ કે રહસ્યો કાયમિક માટે રાઝ કે રહસ્યો બનીને જ રહી જતાં હોય છે. આપણે જે વસ્તુને એકદમ સામન્ય ગણી કે સમજી રહ્યાં હોઈએ એ વાસ્તવમાં કોઈ ચમત્કારી કે રહસ્યમય હોઈ શકે, જે આપણે અભિમન્યુને તેનાં પિતા દ્વારા બર્થ ડે પર ગિફ્ટમાં આપવામાં આવેલ જૂની ખાનદાની ઘડિયાળમાં જોયું.
