STORYMIRROR

Arjunsinh Raulji

Others

3  

Arjunsinh Raulji

Others

બ્રેઇન એનાલાઇઝર

બ્રેઇન એનાલાઇઝર

6 mins
26.8K


ડો.સ્વામીનાથ દુ:ખી દુઃખી થઈ ગયા હતા. તેમના પિતા પોલિસ કમીશનર સ્વામીનાથનું દુ:ખ અને અસ્વસ્થતા તેમનાથી જોવાતી નહોતી. પોતાની ફરજ પ્રત્યે આટલા બધી નિષ્ઠાવાન વ્યક્તિ તો કદાચ ડો.સ્વામીનાથે પ્રથમ વખત જોઈ હતી.

માની લીધું કે તેમના પિતા પોલિસના એક જવાબદાર ઓફિસર હતા કે જે પોતાની ફરજ પૂરેપૂરી નિષ્ઠાથી બજાવતા હતા. તેમણે પોતાની ફરજના એક ભાગ રૂપે જીવના જોખમે પણ દોડાદોડી કરી, સાહસપૂર્વક કુખ્યાત ડોન ગોગાને પકડ્યો હતો.

ડો.સ્વામીનાથ તેના સાક્ષી હતા કે તેમણે કેટલાં જોખમો ઉઠાવ્યાં હતાં...! ખાવાપીવાનું પણ તેમને ભાન નહોતું રહ્યું. બસ... એક જ લગની હતી કે સામાન્ય પ્રજાને રંજાડતા ગોગાનો ખાત્મો..! તેઓ તેની પાછળ લાગી ગયા હતા. તેની રજેરજની માહિતી મેળવતા હતા, રાતદિવસ જોયા વિના તેની પાછળ જ દોડતા હતા.

એકાદ બે વખત તો ગોગાના માણસોએ તેમનો જાન લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. એક વખત તો તેમને પૂરી પણ દીધા હતા છતાં સ્વામીનાથ હિંમત હાર્યા વિના જ પડકારોનો સામનો કરતા રહ્યા અને જ્યાં સુધી તેમણે ગોગાને જીવતો ના પકડ્યો ત્યાં સુધી દોડતા જ રહ્યા.

છેવટે તેમણે ગોગાને જીવતો પકડી જ લીધો – રંગે હાથ... એક બાળકી કે જેનું તેણે કીડનેપિંગ કર્યું હતું અને પૈસા ન મળવાના કારણે તેનું મર્ડર કરી નાખ્યું હતું... રંગે હાથ ગોગા પકડાયો હતો – મર્ડર કરતો- ખંજર સાથે...!

સ્વામીનાથે સજ્જડ સાક્ષી પુરાવા ભેગા કર્યા હતા અને તેમને ગળા સુધીની ખાત્રી હતી કે ગોગાના છૂટવાના ચાન્સ ઘણા ઓછા હતા. છતાં ગોગા કોર્ટમાં નિર્દોષ છૂટી ગયો. એટલું જ નહીં પણ સ્વામીનાથની કાર્યવાહી ઉપર પણ કોર્ટે ફિટકાર વરસાવ્યો  કે પોલિસની નિષ્કાળજીના કારણે નિર્દોષ નાગરીકો હેરાન થાય છે. માત્ર શંકાના આધારે ગોગા જેવી વ્યક્તિને હેરાન કરવી યોગ્ય ન ગણાય...! કારણ...? બસ, એક જ કારણ હતું...! ગોગા અને આ કેસના ચશ્મદીદ સાક્ષીઓ ફરી ગયા હતા. કોર્ટમાં ખોટું બોલ્યા હતા...! ખોટું, સોગંદનામું રજૂ કર્યું હતું. સ્વામીનાથ અને તેમના કર્મચારીઓ જાણતા હતા કે સ્વામીનાથ ખોટું બોલે છે. છતાં તેનો તેમની પાસે કોઈ ઉપાય નહોતો અને એટલે જ સ્વામીનાથ બેચેન બની ગયા હતા..!

અને બાપને બેચેન જોઈ ડો.સ્વામીનાથ કે જે એક ન્યુરોસાયન્ટીસ્ટ હતા. એક વૈજ્ઞાનિક હતા તે પણ બેચેન બની ગયા હતા. અસ્વસ્થ બની ગયા હતા... તેમને એક જ પ્રશ્ન સતાવતો હતો કે સામી વ્યક્તિ ખોટું બોલે છે તે કઈ રીતે સાબિત કરી શકાય? અથવા ગુનેગાર પાસે સાચું જ બોલાવી શકાય તેનો કોઈ રસ્તો નથી...? તેઓ આજ દિશામાં પ્રયત્નો કરી રહ્યા હતા અને એટલે જ... રાત દિવસ બેસી રહેતા. ડીપ્રેશનમાં સરી પડેલા પોતાના પિતાને જોઈ આ દિશામાં કંઈક સંશોધન કરવાના પ્રયત્ન કરતા હતા.

આ માટે તે એનેટોમી ઓફ બ્રેઈનનાં નવાં નવાં સંશોધનો અને તેના જર્નલો ઉપર નજર નાખતા  હતા.

આ માટે તેમણે પોતાના બંગલાના એક ખૂણામાં પ્રયોગશાળા ઊભી કરી હતી. તેમાં બ્રેઈન મેપિંગ, બ્રેઈન એનાલિસીસ અને બ્રેઈન ઈવેલ્યુશન માટે ડાર્ક રૂમ પણ બનાવેલો હતો.

આખો દિવસ લેબોરેટરીમાં પોતાનાં સંશોધનોમાં જ રચ્યા પચ્યા રહેતા હતા. ડો.સ્વામીનાથે કરેલાં ઘણાં બધાં સંશોધનોને ઈન્ટરનેશનલ યુનિયન ઓફ એનેટોમીએ પણ સ્વીકાર્યાં હતાં અને માન્યતા આપી હતી. તેઓ પોતે સેન્ટ્રલ લેબોરેટરી ઓફ એનેટોમીના ચીફ સાયન્ટીસ્ટ હતા. અને સંશોધનો કર્યા કરતા હતા. પણ જ્યારથી ગોગાના કેસમાં તેમના પપ્પાને  કોર્ટનો ફિટકાર સહન કરવો પડ્યો ત્યારથી ડો.સ્વામીનાથનું ધ્યાન જ આ કેસ તરફ વળી ગયું હતું...!

તેમને માત્ર અને માત્ર બ્રેઈન એનેટોમી, બ્રેઈન મેપિંગ અને બ્રેઈન એનાલિસીસના જ વિચારો આવ્યા કરતા હતા...!

ડો.સ્વામીનાથના હાથમાં ડો.હિડિંગ્સનો એક સંશોધન પત્ર આવ્યો જેમાં લખ્યું હતું કે – મનુષ્યના મગજને એક ખાસ વિશિષ્ટ પ્રકારનાં રેડિયો એક્ટીવ કિરણોથી સ્કેનીંગ કરવામાં આવે તો, જો તે મનુષ્ય જુઠું બોલતો હોય, કોઈક રહસ્ય છૂપાવતો હોય તો તેના મગજના એક ભાગમાં કેટલાંક ન્યુરોન કોષોનો રંગ ભૂરો પડી જાય છે. અને બાકીનાનો રંગ લાલ જ રહે છે.

ડો.સ્વામીનાથ બસ આજ વાત વારંવાર વાંચતા હતા અને તેના ઉપર જ વિચારતા હતા. આજ વિષય ઉપર હવે તેમણે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને પ્રયોગ શાળામાં આજ બાબતમાં સંશોધનો ચાલુ કર્યાં હતાં.

આમ તો આ બાબતમાં સંશોધનો કરવાં હોય તો સ્પેસીમેન મેળવવા પડે... સજીવ માનવ...! અને વિવિધ પ્રકારનાં રેડિયો એક્ટીવ કિરણો..! જો કે તેમની લેબોરેટરીમાં બધી જ જાતના રેડિયોએક્ટીવ પદાર્થો હાજર હતા પણ તે માટેના સજીવ માનવો ક્યાંથી લાવવા? આજ એક મુશ્કેલી હતી..! પણ તેઓ તો ન્યુરોવૈજ્ઞાનિક હતા, મગજના વૈજ્ઞાનિક...! તેમના મગજે તેનો પણ ઉપાય શોધી કાઢ્યો, સરકારની પરવાનગી લઈ તેમણે આવા સ્પેસીમેન મનુષ્યો માટેની જાહેરાતો સમાચારપત્રોમાં આપી દીધી સામે તગડું રેમ્યુનરેશન આપવાની અને આ પ્રયોગોમાં કોઈ જોખમ નથી તેવું પણ જણાવ્યું.

તેમની આ જાહેરાતને સારો એવો રિસપોન્સ મળ્યો. તેનાં ઈન્ટર્વ્યુમાં તેમણે એક વાતનો ખાસ ખ્યાલ રાખ્યો કે મજબૂત મનોબળવાળા સ્પેસીમેનની પસંદગી કરવાની નહોતી કારણકે જે વ્યક્તિ મક્કમ મનોબળ ધરાવતી હોય તે હંમેશાં પોતાના ધ્યેય અને હેતુ માટે સ્પષ્ટ હોય છે. સરળતાથી આવી વ્યક્તિ પીગળતી નથી, તમારી માનસિકતાના તાબે થતી નથી પરીણામે આવી વ્યક્તિ ક્યારેક સત્ય તો ક્યારેક અસત્ય બોલતી નથી. તે સત્ય બોલે તો તેમાંથી ફરતી નથી અને અસત્ય બોલે તો પણ છેક સુધી પોતાની વાતને વળગી જ રહે છે તેમાંથી તે જુઠ્ઠી હોવા છતાં પણ ફરતી નથી.

પરીણામે બ્રેઈન એનાલાઈઝરથી તેના ન્યુરોસેલનું એનાલિસીસ કરવું મુશ્કેલ બની જાય છે. આ ઈન્ટર્વ્યુની સાથે સાથે મગજના ન્યુરોસેલને અસર કરે.

ડો.હિડિંગ્સના સંશોધન પત્ર અનુસાર સાચું કે જુઠ્ઠું બોલવાથી ન્યુરોનસેલ્સનો રંગ બદલી શકાય તેવાં રેડિયો એકટીવ કિરણોનું સંશોધન ચાલું હતું. જો આ પ્રકારના રેડિયોએક્ટીવ કિરણો શોધી શકાય તો તેની મદદથી માણસ સાચું બોલે છે કે ખોટું બોલે છે તે જાણવા માટે બ્રેઈન એનાલાઈઝર સરળતાથી બનાવી શકાય...! કે જે સાચું બોલનારના ન્યુરોનસેલ્સને લાલ અને ખોટું બોલનારના ન્યુરોનસેલ્સને ભૂરા બનાવી શકે...!

આખરે બંને કામમાં ડો.સ્વામીનાથને સફળતા મળી ગઈ. તેમણે એવાં રેડિયો એક્ટીવ કિરણો શોધી કાઢ્યાં કે જેના તરફ ન્યુરો સેલ્સ સેન્સીટીવ હતા. ન્યુરોન સેલ્સ ઉપર આ કિરણો અસર કરતાં હતાં. ડો.હિડિંગ્સના શોધ પત્ર કરતાં થોડોક તફાવત હતો. આ કિરણોની અસરથી કેટલાક ન્યુરોન સેલ્સ ભૂરા નહીં પણ સલેટી રંગના બની જતા હતા જ્યારે કેટલાક લાલ રંગ પકડતા હતા. હવે જોવાનું એ હતું કે માણસ સાચું બોલે છે કે ખોટું એ નક્કી કરવા માટે આ કિરણો સીધાં જ મગજ ઉપર આપાત કરવાં કે કેમ? પણ આ કામમાં ડો.સ્વામીનાથને પૂરેપૂરી સફળતા ન મળી.

કેટલાક મનુષ્યો ઉપર આ કિરણો મગજ ઉપર આપાત કરતાં ન્યુરોન સેલ્સ પોતાનો રંગ બદલતા હતા ,જ્યારે કેટલાક મનુષ્યોના ન્યુરોન સેલ્સ આ કિરણો પ્રત્યે નિષ્ક્રીય હતા. રંગ બદલતા નહોતા. આનો પણ ઈલાજ ડો.સ્વામીનાથે શોધી કાઢયો. જે મનુષ્યોના ન્યુરોનસેલ્સ આ કિરણો પ્રત્યે નિષ્ક્રીય હતા. તેમના મગજમાં ફીટ થાય એવી એક ચીપ તેમણે શોધી કાઢી.

આ ચીપ તેમના મગજમાં બહુ સરળતાથી ફીટ કરી શકાય એવી હતી અને આ ચીપ ફીટ કર્યા પછી આવા માણસો ઉપર આ બ્રેઈન એનાલાઈઝરમાંથી રેડિયો એક્ટીવ કિરણો ફેકવામાં આવ્યાં તો તરત જ તેના ન્યુરોન સેલ્સનો રંગ બદલાઈ ગયો.

હવે સાબિત કરવાનું હતું કે બ્રેઈન એનાલાઈઝર બરાબર છે કે નહીં અને આ માટે હવે સ્પેસીમેનનો સહારો લેવાનો હતો. જે કામ મુશ્કેલ નહોતું. ડો.સ્વામીનાથે સિલેક્ટ કરેલા સ્પેસીમેનને બ્રેઈન એનાલાઈઝર સમક્ષ ઊભા રાખ્યા અને તેમની પોલિસની માફક પૂછપરછ કરી, પ્રશ્નના જવાબો નોંધતા ગયા અને સામે ન્યુરોંસેલ્સનો કલર.

આ પ્રમાણે એક પછી એક સ્પેસીમેનની પૂછપરછ કરી. ત્યારબાદ જે તે સ્પેસીમેનના જીવન માટે તેમણે પોતાના જાસૂસો દ્વારા તપાસ કરાવડાવી તો બ્રેઈન એનાલાઈઝરની કાર્ય પધ્ધતિ પૂરવાર થઈ  ગઈ કે જ્યારે વ્યક્તિ સાચું બોલે ત્યારે તેના ન્યુરોન સેલ્સ લાલ બની જાય છે અને ખોટું બોલે તો સલેટી રંગના...!

ડો.સ્વામીનાથ ખુશખુશાલ હતા. તેમનું સંશોધન સફળ થઈ ગયું હતું. હવે તેમના બ્રેઈન એનાલાઈઝરની મદદથી કોર્ટમાં પણ સાબિત કરી શકાશે કે વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું? અને જો તે ખોટું બોલતી હોય તો તેની સાક્ષી કાં તો રદ કરી શકાય અથવા તેને સાચું બોલવા મજબૂર કરી શકાય.

આમાટે સૌ પ્રથમ કામ તેમણે આ માટે ઈંટરનેશલ યુનિયન ઓફ ન્યુરો સાયન્સની માન્યતા મેળવવાનું કર્યું.

હવે એક જ કામ બાકી હતું. પોતાના પિતાશ્રીને કહી ગોગાનો કેસ રિઓપન કરાવવો અને કોર્ટમાં આ બ્રેઈન એનાલાઈઝર અને તેનાં પરીણામો રજૂ કરવાં. બ્રેઈન એનાલાઈઝર ચાલુ જ હતું અને ડો.સ્વામીનાથ પોતાના પિતાની રાહ જોતા હતા. કમીશ્નર આવે એટલે તેઓ આ બ્રેઈન એનાલાઈઝર અને તેનાં પરીણામો પોતાના પિતાને બતાવવા માગતા હતા. ગોગાનો કેસ રિઓપન કરાવવા માગતા હતા. ત્યાં જ પોલિસ કમીશ્નર આવ્યા અને તેમના તરફ જોઈ જોરથી બૂમ પાડી, "હાય... બેટા... મારા દિકરા... આ શું લઈને બેઠો છે?"

ડો.સ્વામીનાથના આશ્ચર્ય વચ્ચે તેમણે જોયું કે બ્રેઈન એનાલાઈઝરનો સ્ક્રીન તેમના પિતાના ન્યુરોન સેલ્સ સલેટી રંગના થઈ ગયા એનો અર્થ એ થયો કે તેમના પિતા જુઠ્ઠું બોલતા હતા મતલબ... ડો.સ્વામીનાથનું મગજ ચક્કર ચક્કર ફરવા માંડ્યું...!


Rate this content
Log in