STORYMIRROR

Lalit Parikh

Others

3  

Lalit Parikh

Others

બોલબાલા અબોલાની

બોલબાલા અબોલાની

3 mins
15.2K


વિશાળ એવા ‘પ્રસન્ન પ્રાસાદ’માં કેવળ માત્ર અવસાદ જ અવસાદનો પ્રસાર હતો. મૌન જ મૌનનું સામ્રાજ્ય હતું. અબોલાની બોલબાલા બિચારી સાવ મૂંગે મોઢે, ચુપચાપ તમાશો જોતી રહેતી હતી -રણજીત અને રંજીતા નામધારી બે પરિણીત પ્રેમીઓની પારસ્પરિક મૂક તકરારનો. ’ઘર’ પર્દાઓથી શોભતું, સુંદર રંગેલી દીવાલોનું, રાચરચીલાથી સજેલું-સજાવેલું એક શોભા માત્રનું ‘મકાન’ માત્ર બનીને રહી ગયું હતું. સમ ખાવા પૂરતા પણ એ મકાનમાં ન સંવાદ બોલાતા-ભળાતા હતા, ન ટી .વી ચાલવાનો અવાજ સંભળાતો હતો કે ન ભજન કે જુના-નવા ગીતો-ગાયનોની કોઈ કેસેટ પણ વાગતી સંભળાતી હતી. અરે ત્યાં સુધી કે ફોન પણ ડેડ કરી દેવામાં આવ્યો હતો.

હસતા બોલતા ઘરને કોઈની નજર લાગી ગઈ હોય તેમ લાગતું હતું. રણજીત-રંજીતા વાત ન કરે એ તો સમજાય; પણ આ તો નજર પણ મેળવતા બિલકુલ બંધ થઇ ગયા હતા. પોતપોતાના સમયે પોતાની કારમાં ચુપચાપ ચા- કોફી નાસ્તાને ન્યાય પણ આપ્યા વગર રણજીત પોતાની પેથોલોજીકલ લેબ તરફ રવાના થઇ જતો અને રંજીતા પોતાના ગાયનિક ક્લિનિક તરફ યંત્રવત દોડતી.

બેઉ પરાણે પરણેલા કે લાકડે માંકડે વળગાડી દીધેલા પતિ-પત્ની તો નહોતા જ. એક જ શહેરની મેડિકલ કોલેજમાં બેઉ સાથે દાખલ થયેલા, એક જ બેચમાં હોવાથી પરિચય વધતા પ્રેમમાં પડેલા અને માતા પિતાની રાજી ખુશી સાથે ધામધૂમથી પરણેલા એવા પોતાની કોલેજમાં અને જ્ઞાતિમાં લવ બર્ડ્સ તરીકે પંકાયેલા પ્રેમીઓ હતા.

સહિયારી લોન લઈને રંજીતાના પિતાએ આપેલા પ્લોટ પર ‘પ્રસન્ન પ્રાસાદ’નું નિર્માણ કરી તેઓ બેઉ હોંસે હોંસે ગૃહપ્રવેશનો સમાંરભ ઉજવી, પોતાના ટેસ્ટ પ્રમાણે તેને ફર્નિશ કરી સજાવી કરીને, રહેવા આવી ગયેલા. રંજીતાની પ્રેક્ટિસ તો પહેલા દિવસથી જ જોરદાર ચાલી પડેલી. રણજીત સિદ્ધાંતવાદી અને સત્યવાદી યુધિષ્ઠિર હોવાથી કોઈ કરતા કોઈ ડોક્ટરને કમિશન ન આપવાનો દુરાગ્રહી હોવાથી જોઈએ એટલો સેટલ નહોતો થઇ શકેલો. પરંતુ તેમ છતાં તે દર્દીઓ સાથેના પોતાના સદ્વ્યવહાર અને સહાનુભૂતિના કારણે સ્લો પણ સ્ટેડી ગતિથી જામી તો રહ્યો જ હતો.બેઉને લોન પર લીધેલી પોતપોતાની કાર પણ હતી.

પરણ્યાના દસ બાર વર્ષ વીત્યા બાદ પણ સેંકડો ડીલીવરી કરાવનારી રંજીતાને પોતાને ડીલીવરી ન આવતા માબાપના એકના એક દીકરા એવા રણજીતનું મન કૈંક ઉદાસ થવા લાગ્યું. તેના મનમાં કોઈ અનાથ બાળકને ખોળે લઇ પોતાની અને એ દત્તક બાળકની પ્રસન્નતા વધારવાનો વિચાર રંજીતા સામે મૂક્યો. રંજીતાની દલીલ એમ હતી કે પોતાને ડીલીવરી નથી જ આવવાની એવું તો પોતે પણ ગાયનિક હોવાથી વૈજ્ઞાનિક રીતે જાણતી હતી. કોઈ બાળકને દત્તક લીધા પછી પોતાને બાળક થાય તો લાંબે ગાળે દત્તક બાળકની માનસિકતા એક સમસ્યા બની શકે એટલે તે પોતે દત્તક બાળક લેવાના વિચાર સાથે સહમત ન થઇ. છેવટે સહમત થઇ તો પણ દીકરો દત્તક લેવો કે દીકરી દત્તક લેવી તે પણ ચર્ચાનો વિષય બની ગયો. રણજીતને દત્તક દીકરો જોઈતો હતો અને રંજીતાને દત્તક દીકરી જોઈતી હતી. બસ, આમાં જ બોલાબોલી શરૂ થઇ ગઈ અને એ એટલી તીવ્ર થઇ ગઈ કે અંતે અબોલામાં પરિણમી.

સવારે એક વાર આવી બેઉ ટાઈમની રસોઈ કરી જનાર બહેનને પણ આવું જોઈ- જાણી જબરી નવાઈ લાગતી કે આવું અબોલાનું સામ્રાજ્ય ક્યાં સુધી ચાલશે? પરંતુ, આવી અબોલાની સ્થિતિ-પરિસ્થિતિનો કોયડો એકાએક ઉકેલાઈ ગયો જયારે બેઉના માબાપે સરપ્રાઈઝ પાર્ટી રાખી રંજીતાનું બેબીશાવરનું ફંક્શન યોજ્યું અને જેમાં પ્રસન્ન પ્રસન્ન એવા રણજીતે રંજીતાને ભેટીને અભિનંદન આપ્યા અને તેમાંય જયારે રંજીતા એ બાબો અને બેબી એમ બે જોડિયા બાળકોને જન્મ આપી બંનેની ઈચ્છા પૂરી કરી ત્યારે રણજીતની ખુશીનો પર જ ન રહ્યો.

બાબલા-બેબલીના સમાચારે રણજીત -રંજીતાના અબોલાનો અણધાર્યો સુખદ અંત આણી દીધો અને રણજીત કોઈ ગીત ગાવા લાગી ગયો: “એક સે હુએ દો ઔર અબ દો સે હોંગે ચાર, તૂ તો મેરી યાર યાર યાર ! વાહ રે હમારા પ્યાર !”


Rate this content
Log in