STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories Comedy Drama

4  

Vrajlal Sapovadia

Children Stories Comedy Drama

ભેદભાવ - માણસ કરતા પશુ પંખી ન્યાય પ્રિય હશે?

ભેદભાવ - માણસ કરતા પશુ પંખી ન્યાય પ્રિય હશે?

2 mins
3

બાળપણની એક યાદ…


હું હજુ ઘણો નાનો હતો. ગામની સવારની હવા હજી ઠંડી હતી, અને આકાશમાં સૂર્યની પહેલી કિરણો ઝાડની પાંદડીઓ વચ્ચે ચમકતી હતી. મારી  બા  કહેતી, “આવ, આપણા પશુઓને હવાડે લઈ જઈએ.” હું ઉત્સાહથી ઊભો થતો. ગાય, ભેંસ, બળદ, તો બીજા કોઈ ગ્રામજનો ક્યારેક ઊંટ, ગધેડા, ઘેટા અને બકરાં—લઈને આવે. અમે  સાથે લઈને ગામના હવાડા તરફ જતા.


હવાડો ગામની બહાર, વડના ઝાડની છાયામાં હતો. ત્યાં પાણી ભરેલું રહેતું—સ્વચ્છ, ઠંડું અને સૌને માટે એકસરખું. જેવા  અમે પહોંચીએ, તેવું બધા પશુઓ એકસાથે આગળ વધતા. મોટી ગાય અને નાનું બકરું, ભારે ભેંસ અને પાતળો ગધેડો, લાંબા ગરદનવાળો ઊંટ અને નાના ઘેટા—કોઈ કોઈને રસ્તો આપતું, કોઈ કોઈને ધક્કો ન મારતું. બધા શાંતિથી પાણી પીતા. મોટું પશુ નાનાને નીચું ન ગણતું, નાનું પશુ મોટાને ડરાવતું  ન હતું. રંગ, રૂપ,  આકાર, જાતિ કે કદ—કોઈ ભેદભાવ નહોતો. હવાડાનું પાણી સૌને સમાન રીતે આપતું, અને પશુઓ તેને સ્વીકારતા.


હું કિનારે બેસીને જોતો રહેતો. મારા મનમાં વિચાર આવતો—આ પશુઓ કેટલા સમજદાર છે! માણસો તો રોજ રોજ જાતિ, રંગ, પૈસા, સુંદરતા કે કદને આધારે ભેદભાવ કરે છે. પણ અહીં, કુદરતના આ સાદા જીવોમાં એવું કંઈ નહોતું. બધા સમાન હતા. હવાડો માત્ર પાણીનું સ્થાન નહોતું; તે કુદરતી ન્યાયનું પ્રતીક હતું.


પછી બપોરે, જ્યારે ખેતરમાં જુવાર કે બાજરીના ખેતરમાં મોલ ઉભો હોય, ત્યારે હું ફરીથી આજુબાજુ જોતો. અમે ખેતરમાં એક નાનો ઝાડની ડાળીઓનો માળો કર્યો હોય તેની ઉપર ચડી જઈએ. હાથમાં ગોફણ હોય. ખાલી ડબ્બા હોય જે વગાડી પક્ષીઓને ભગાડીએ. મોર તેની રંગબેરંગી પૂંછડી ફેલાવીને આવતો, ચકલી નાની-નાની પાંખો ફફડાવતી, કાગડા, કાબર, પોપટ, સુડા, ટીલીયા અને બીજા પક્ષીઓ પણ ભેગા થતા. રૂપ અલગ, રંગ અલગ, સાઈઝ અલગ—પણ બધા એકસાથે દાણા ચણતા. કોઈ પક્ષી બીજાને “તું નાનો છે” કે “તું કાળો છે” કહીને દૂર ન ધકેલતું. બધા ભાઈચારાથી, શાંતિથી, સમાનતાથી ખાતા.


આ દૃશ્યો જોઈને મારા બાળમનમાં એક સત્ય સ્પષ્ટ થઈ ગયું—પશુ-પંખીઓ માણસ કરતાં વધુ સમજદાર છે. કુદરતે બનાવેલા બધા જીવને તેઓ સમાન માને છે. જંગલમાં, વૃક્ષો નીચે, હવાડામાં કે ખેતરમાં—ક્યાંય ભેદભાવ નથી. માત્ર માણસ જ પોતાના મનમાં ઊંચ-નીચની દીવાલો ઊભી કરે છે.


આજે પણ, જ્યારે હું ગામના  તે હવાડાની યાદ કરું છું, ત્યારે મને લાગે છે કે કુદરતે આપણને સમાનતાનો પાઠ પશુ-પંખીઓ દ્વારા જ શીખવ્યો છે. જો આપણે તેમની જેમ જીવીએ—ભેદભાવ વિના, પ્રેમથી, સમાનતાથી—તો આ દુનિયા કેટલી સુંદર બની જાય! 


જોકે માણસ જાતમાં જેમ કોઈક દાદાગીરી કરે એવા દાદા હોય તેમ પશુઓમાં વાઘ, દીપડો, ચિત્તો,  સિંહ જેવા હિંસક પશુ હોય છે જે ગમે ત્યારે ગમે તેનો વગર વાંકે શિકાર કરી લ્યે, પણ માણસની જાતમાં તો ઘણી વાર ખબર પણ ના પડે કે આખી જિંદગી ફલાણા શેઠે આપણો શિકાર કર્યા કર્યો છે! 


સામગ્રીને રેટ આપો
લોગિન