STORYMIRROR

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

ભાષાની ભેળ

ભાષાની ભેળ

4 mins
13.8K


ભેળ શબ્દ સાંભળતાં મોઢામાં પાણી આવે. એમાં જો તમે મુંબઈગરા હો તો સવારના નાસ્તામાં ભેળ ખાઈ શકો. મુંબઈવાળાની બે વસ્તુ મનગમતી એક ભેળ અને બીજી ચોપાટી. ચોપાટીની ભેળ તેમાંય પેલા લાલ ડબ્બાવાળાની બસ વાત જ ન પૂછશો. ભેળ માટેના ખ્યાત નામ સ્થળ મુંબઈમાં, ચોપાટી, કોલાબા, તારાબાગ, શેટ્ટી અને અંતમાં ઘરે ઘરે ખુમચા લઈ ફરતો ભેળવાળો. બોલો આવી ગયુંને તામારા મ્હોંમાં પણ પાણી. બસ અહીં સુધી વાત બરાબર છે. આજે આપણે કરીશું વાત ભાષાની ભેળની.

જો જો સમજતાં કે મારે ત્યાં આમંત્રણ આપીને તમને મિજલસ માણવા બોલાવું છું. આ તો તમે ત્યાં અને હું અહીં છતાં પણ મોજ માણવા મળશે. સાપ ગયા ને લિસોટા રહ્યાની જેમ અંગ્રેજોને  ૧૯૪૭માં આપણે ખદેડી મૂક્યા. આપણા જેવા મહાન માણસો હજુ તેમની ‘ભાષા’ના ભૂતને વળગી રહ્યા. રોજ એની એવી ભેળ બનાવીએ કે પેલી સાચી, સેવ, મમરા, કાંદા, બટાકા, પૂરી, ગળી ચટણી, તીખી ચટણી અને લસણની ચટણીવાળી ભેળ પણ ફિક્કી લાગે.

પેલી ભાનુ દેશમાંથી સીધી અમેરિકા આવેલી. દેખાવડી હતી એટલે બાલુ તેના પર મોહી પડ્યો. બાલુભાઈને અમેરિકા ખૂબ ગમી ગયું ડોલરમાં કમાણી હોય કોને ન ગમે! દેશમાંથી સસરાજીનો ફોન આવ્યો. ભાનુ બહેને ફોન ઉપર લાજ કાઢી.

અંગ્રેજી બોલવાનો શોખ કાંઈ શહેરીને હોય એવું નથી. નાના, મોટાં ,અબાલ, વૃદ્ધ, શહેરી કે ગામડિયા સહુને એમ છે કે અમે અંગ્રેજી બોલીએ એટલે આધુનિક ગણાઈએ.

‘વહુ બેટા બાલુને ફોન ગિવ ને?'

ભાનુ શરમાઈ ગઈ,‘બાપુ એ ઘાસ કાપે છે’. બાલુભાઈના પિતા એટલે દૂર ઉછળ્યા. શું મે મારા બાલુને એટલે મોટો કર્યો હતો. કાંઈ ન મળ્યું તે ઘાસ કાપે છે. હવે ભાનુ, એ લોન મુવ કરે છે એ શબ્દ ભૂલી ગઈ.

આજે ભાનુ અને બાલુને વર્ષગાંઠની પાર્ટીમાં જવાનું હતું. ખૂબ ઠાંસી ઠાંસીને ખાધું. ઘરે આવું બધું બનાવે તો ‘ડીશીઝ' કોણ કરે? ઘરે જતાં યજમાને કહ્યું ‘જેને જોઈતું હોય તો ઘરે ડોગી બેગ લઈ જાવ’.

ભાનુ રાડ પાડીને બાલુને કહે,‘મારે નથી જોઈતું, આપણે ઘરે ડોગ નથી.'  આજુબાજુ કહેવાતા સુધરેલાં હસી પણ ન શક્યા.

પેલા રમણના બાપા જ્યારે ભારતથી ફોન કરે ત્યારે અંગ્રેજીમાં બોલે. રમીલાને થોડું થોડું અંગ્રેજી આવડતું. રવિવારે  રમણને ભજીયા ખાવાનું મન થયું. ઘરમાં તેલ ખલાસ થઈ ગયું હતું. સસરાજીનો ફોન આવ્યો ત્યારે રમીલાએ ફોન લીધો.

‘બેટા રમણ ‘શોપિંગ’ કરવા ગયો છે?'

‘હા, તેલ લેવા ગયા છે’.

અરે, આ ફેસબુક અને વોટ્સ અપ વાળાઓએ તો હદ કરી. વરસાદ ઈંચમાં નહી,’૬ જીબી’માં પડે છે. તળાવ છલકાતાં નથી ‘મેમરી ફુલ’ થાય છે. વાહન વ્યવહાર ખોરવાતો નથી ‘હેંગ’ થાય છે. હવે આ ભેળ ‘ગોલ્ડન’ છે કે ચટપટી એ સમજવું પણ  ્મુશ્કેલ છે. જો તમને ન ખબર હોય તો ‘ગોલ્ડનનૉ ભેળ’ ખાવા મુંબઈમાં સિક્કાનગર જવું.

મારી એક સહેલી ગુજરાતી, અંગ્રેજીમાં લખે. વળી તેમાં ‘શોર્ટ’ ફોર્મ વાપરે. મારા ભેજાંની કઢી થઈ જાય તેનું લખેલું વાંચતા!

મુશળધાર વરસાદથી બચવા નિરાશ્રિતોને ઉંચાણવાળા વિસ્તારમાં ‘સેન્ડ’ કર્યા. રેતી નહી કર્યા, મોકલ્યા. આ ભેળમાં તો હવે મમરાને બદલે પૌંઆ નાખ્યા હોય તેવું લાગે છે.

એક સરદારો તો વળી ભેજાબાદ ભગુભાઈ નિકળ્યો. એને પૂછ્યું પ્રશ્ન તરીકે ‘બારસલોના’ નું ઉંધુ શું?

પટ દઈને બોલ્યો’ અંદર સે દોના”.

ગામડાની શાળાના શિક્ષકો વિદ્યાર્થીને અંગ્રેજી શિખવાડતા હતાં. અચાનક મારે ત્યાં જવાનું થયું હતું. તેમના ઉચ્ચાર સાંભળીને મને થયું. મને ‘લીડ’માં પાણી આપો હું ‘સિન્ક’ થઈ જાંઉ. જોયુંને મને પણ તેમનો ચેપ લાગ્યો. ઢાકણીમાં પાણી આપો ડૂબી મરું.

હવે જેમને ત્યાં મહેમાન હતી એ બહેનને અંગ્રજીમાં મને જોઈને શૂરાતન ચડ્યું હતું. 'જુઓ ને મારું અંગ્રેજી કેવું છે.' મારે વારવા પડ્યા. બહેન હું અમેરિકાથી ભારત આપણા ગામડાની દુનિયા માણવા આવી છું.

‘અરે તમે પાછા જાવ ત્યારે તમને યાદ રહેવું જોઈએને. કે ભારતના ગામડાંની સ્ત્રીઓ કેવું સુંદર ફટાફટ અંગ્રેજી બોલે છે.' તેમનો દીકરો અમેરિકા હતો. મને આગ્રહ કરીને કહ્યું હતું, મારા માતા અને પિતાને મળજો, શિયાળામાં તાજો પોંક ખાઈને જ પાછાં આવજો.’

તેમના પ્રેમને નકારી ન શકી. હવે મારે સાંભળ્યા વગર છૂટકો ન હતો.

શાંતા બહેને વાર્તા કહેવાનું સરું કર્યું. નાનપણની પેલી બિલાડીની વાર્તા.

મેં એક પાળી છે ‘કેટ’

તેણે પહેરી છે સફેદ ‘હેટ’.

તેનો રંગ છે એકદમ ‘ફેર’.

તેણે પહેરી સાડી ‘વ્હાઈટ’

તે કરવા ગઈ તળાવમાં ‘સ્વીમ’

એક મગર હતો એ ‘લેકમાં’

મગર ગયો’કેટને’ ઈટ’.

આવા ચક્કરમાં એવી તો ફસાઈ ગઈ કે મને આવડતું હતું એ ગાયન પણ હું ભૂલી ગઈ. બે મિનિટ પછી મેં ગાવાનું શરૂ કર્યું.

મેં એક બિલાડી પાળી છે

તેણે પહેરી ધોળી સાડી છે

તે રગે બહુ રૂપાળી છે.

‘હા, હા એજ કવિતા મેં તમને અંગ્ર્જીમાં કહી બતાવી. બોલો મને અંગ્રેજી કેવું આવડે છે?’ હું એમની સામે એક્ટક જોઈ રહી. શબ્દો મારા મુખેથી ન નિકળ્યા. જાણે તાળું ન વાગ્યું હોય. હજુ મારે બે દિવસ એ ગામમાં રહેવાનું હતું. પેલા એંસી વર્ષના લીલી માસી અમેરિકા દિકરી અને જમાઈને ત્યાં ગયા હતાં. મને અમેરિકાથી આવેલી જોઈ ખુશ થયા.

‘બોન, તમારું અમેરિકા ખૂબ મજાનું’.

‘એમ, તમને ત્યં શુ ખૂબ ગમયું’?

‘અરે બોન, શું વાત કરું તમારે ત્યાં તો બધાય ભણેલાં.'

‘હેં.'

‘અરે તમે ત્યાં રો તમને નથી ખબર, મુઆ બધાય અંગ્રેજીમાં બોલે’.

આટલું કહીને એમનો ઉત્સાહ બેવડાયો. અરે મારા હિમાંશુ અને ચમેલીની ચકલી પણ અલગ.”

હવે મને સમઝ પડી નહી. ’હેં માસી એ કેવી રીતે?'

હવે ચકલી એટલે નળ તેની મને ખબર ન હતી.

‘બોન, એમની બાથરૂમ ખૂબ મોટી. તેમાં એક ચકલી પર ‘એચ’ અને બીજી ચકલી પર ‘સી’ લખેલું હતું.'

હું તો સ્તબ્ધ થઈ ગઈ. મારા હાથમાં હતો એ ચાનો કપ ન મોઢે માંડી શકી ન પાછો ટેબલ પર મૂક્યો.  આવા તો કેટલાં અનુભવ કહી શકું. હવે મને તમારી દયા આવે છે. તમે કહેશો, અમારું અંગ્રેજી કાં તો ‘સ્પોઈલ’ થઈ જશે.  યા તો અમે બોલવાનું ‘શટ’ કરી દઈશું!


Rate this content
Log in