ભાઈનો બહેનને પત્ર
ભાઈનો બહેનને પત્ર
.બ - બહુજ યાદ આવતી
*હે - હેરાન છીયે તારા વિદાયથી
ન - નહીં આવે એક વાર દીદાર કરાવવા ?
મારી પ્યારી બહેન કુશળ હોઈશ, આજે તને દેખે વર્ષો વીતી ગયા છતાં તારો હસતો ચહેરો આજે પણ મારા નેત્રપટલમાં તાજો છે, તારી સાથે વાત કરે કેટલોય સમય વીતી ગયો પરંતુ તારો અવાજ અનાહત નાદની જેમ મારા કાનમાં ગુંજી રહ્યો છે,
આંખો બંધ કરું તો આજે પણ તારો ચહેરો મારા હૃદયમાં મઢાયેલો યાદોની ફ્રેમમાં અકબંધ છે, ઘરના હર એક ખૂણામાં મારી બહેન તારી યાદોની સુવાસ આજે પણ યથાવત છે જે અમારા વચ્ચે આજે પણ ક્યાંક તારી હાજરીની સાક્ષી પૂરે છે. બહેન તારી એ અણગમતી ડાંટ મને ગમે છે આવીને વઢને ! તારી વણમાંગી સલાહ આજે માંગુ છું આપને ! તારા ખિસ્સાખર્ચીના એ ૧૦રુ. વગર આજે પણ મારું પાકીટ ખાલી લાગે છે, હું કોના પાસે માંગુ એ તો કહે ?
કસમયે તું અમને છોડી ગઈ. એ ખેદ અમ હૃદયમાં સદાય રહેશે. તારા જન્મદિવસની શુભેચ્છાઓ તો દર વર્ષે આપતો, શુ ખબર તને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના સંજોગ પણ મારા જીવનમાં આવશે ? અમારા જીવનરૂપી બાગને મહેકાવી ક્યારે પ્રભુએ તને સ્વર્ગમાં ફૂલ બની મહેકવા અમારા વચ્ચેથી છીનવી લીધી ? ખબર પણ ના પાડી, આજે પણ તારા વિદાયની દુર્ઘટના એક ખરાબ સ્વપ્ન જેવી લાગી રહી છે, જે અમો સ્વીકારવા તૈયાર નથી. છતાં પ્રભુ આગળ કોની મરજી ચાલવાની ?
આજે હું તને પત્ર લખી એક વિનંતી કરું છું. કે મારા વતી ભગવાનને પૂછજે બહેન, કે તારા ખજાનામાં બહેનની ક્યાં ખોટ હતી કે તે મારી બહેન મારા પાસેથી છીનવી લીધી ? અને પ્રભુને એક પ્રાર્થના કરજે કે તું આ જનમમાં તો અમારા સાથે પૂરતો સમય ના રહી શકી પરંતુ આગળના ૭ જનમ સુધી મારી બહેન બની આ દુનિયામાં આવજે, બસ બીજું શું કહું ? મારી શબ્દોની શ્રદ્ધાંજલિ સ્વીકારજે.
