અનોલી
અનોલી
અનોલી બી.એ.નું છેલ્લું પેપર આપીને આવી. હાશ, હવે શાંતિ થઈ. ખુશખુશાલ થઈ હિંચકા પર આરામ કરી રહી હતી. આગળ લૉ કૉલેજમાં જવું હતું. આશા હતી કદાચ ફર્સ્ટ ક્લાસ આવે. અનોલી એટલે અનોખી, ભગવાને ખૂબ ફુરસદે ઘડી હતી. કોઈ એવો વિષય ન હતો કે જેમાં તેને રસ ન હોય! રાસ, ગરબા, ડિબેટ અને ફેશન શૉ. બધામાં અનોલી પહેલો નંબર. ચુલબુલ ઘરમાં કાયમ ચહેકતું હોય. તેના શરીરના અંગ અંગમાં સ્ફૂર્તિ ભરી હતી. એ આવે એટલે ઘરમાં રોનક ઉભરાય. તેને મિત્રો પણ ઘણાં. તેની ઈર્ષ્યા કરનારને ગણતા પાર ન આવે.અનોલી એ બધાથી પર. જાણે તેને કશું સ્પર્શ ન કરતું હોય. હમેશા પોતાનામાં મસ્ત.
હિંડોળે હિંચતી જાય અને ગમતા ગાયનની પંક્તિ ગુનગુનાવતી જાય. મમ્મી તેની બધી હિલચાલ નિહાળતી હતી. આજે તેને . હા, પરિક્ષાનો ભાર ઉતરી ગયો હતો. તેના મુખ પર કોઈ અનેરી ચમકની છાયા જોઈ આશા ચમકી. શું અનોખી કોઈના પ્યારમાં છે? આ તેના અંદાઝ એવા જણાય છે. અનોલી નાનાપણથી કાંઇ પણ નવીન સમાચાર હોય તો મમ્મીની સાડીના પાલવમાં મુખ છુપાવીને આપતી. આશા વિચારમાં ગરકાવ થઈ ગઈ. નાની મોટી બધી વાત કરનાર અનોલી આવડી મોટી વાત મને જણાવતાં સંકોચ અનુભવે છે કે શું ? અનોલીના મુખ પર બેવડો આનંદ હતો. હવે બસ રજા તેથી અનુરાગને મળવામાં કોઈ વિઘ્ન નહી આવે. વિચારી રહી મમ્મીને હવે જણાવી દંઉ. ભલેને અનુરાગ વાણિયો નથી. શું થયું ? આજકાલ એવું કોઈ વિચારતું નથી. તેનો ભાઈ આજે બે વર્ષ થયા અમેરિકામાં વ્હાઈટ્ને પરણ્યો હતો. હા, મમ્મી અને પપ્પાને તેની ચિંતા છે એટલે કદાચ તેમના જૂના વિચારોને વળગી રહે. એવું બનવાની શક્યતા ઓછી છે.
ધીમે રહીને મમ્મી પાસ આવી. ‘મમ્મી, આજે તને એક વાત કહેવી છે.'
‘હાં, બોલ બેટા.'
'મમ્મી તું અનુરાગને ઓળખે છે?'
'હા, પેલો બંગાળી તારો મિત્ર છે એ. ‘
'હા, મમ્મી.'
કંઈક આગળ બોલવા જતી હતી, ત્યાં મમ્મી સમજી ગઈ. ‘તું એને ચાહે છે, હં ને!’
‘હા, મમ્મી.'
ઘરે બોલાવજે, પપ્પાને મળાવીને બધી વાત કરીશું.
અનોલી ખુશ થઈ ગઈ. એને ખબર હતી. મમ્મી કે પપ્પાને મનાવવા જરા પણ અઘરા નથી.
'આટલા બધા વરસાદમાં છત્રી પણ નથી, સિટ ઈન માય કાર..' અનુરાગ બંગાલી પાછલા શબ્દો સમજ્યો. ગાડીમાં બેસી ગયો. બંગાલીબાબુ દેખાવડા અને સુંદર ઉંચાઈ ધરાવતા હતા. બન્ને એક બીજાને જોઈ રહ્યા. આંખ ફેરવી લીધી. બસ આટલી ઓળખાણ. પછી તો લાયબ્રેરીમાં મળવાનું બનતું. અનોલીને કોઈ મુંઝવણ હોય તો અનુરાગ તેમાંથી માર્ગ બતાવતો. બસ જુવાન હૈયા, આકર્ષાયા અને અંતે પ્યાર થઈ ગયો. પરીક્ષાને કારણે બહુ મળાતું નહી, હવે કોઈ રોકટોક ન હતી.
મમ્મી થોડામાં ઘણુ સમજી ગઈ. અનુરાગ આવ્યો. મમ્મી અને પપ્પાને અનોલીની પસંદ, પસંદ પડી. અનોલીએ હા પાડી પણ મન તેનું માનતું ન હતું. લગ્ન એ જીવનમાં બનતો ખૂબ મહત્વનો પ્રસંગ હતો. લગ્ન પછી અનુરાગના કુટુંબમાં કેવી રીતે ગોઠવાશે? મમ્મી અને પપ્પાને તો તેની પસંદ ગમી ગઈ છે. વાત આગળ વધે તે પહેલાં અનુરાગે અનોલીને કલકત્તા તેના માતા અને પિતાને મળવા જવાની વાત કરી. અનોલીએ હા પાડી બન્ને જણાં કલકત્તા જવા રવાના થયા. કલકત્તાના ‘સૉલ્ટ લેક સિટીમાં’ તેઓનો મજાનો બંગલો હતો.
ઘરમાં પ્રવેશતાં માછલીની વાસથી ઉભરાતું વાતાવરણ અનોલીને અણગમતું લાગ્યું. મુંબઈમાં અનુરાગની પ્રતિભા અલગ હતી. અંહી તેનું વર્તન અનોલીને જચ્યું નહી. બંગાળીબાબુ ધોતીમાં આવી ગયા. પૈસાવાળા હતા ચારે તરફ ભાતભાતના પકવાન, બંગાળી મિઠાઈ અને રંગબેરંગી માછલીના તરહ તરહની વાનગીઓ જોઈ અનોલીને ઉબકા આવતાં. અનુરાગ સમજી ગયો. અનોલી શાકાહારી કુટુંબમાંથી આવી છે. તેનાથી આ બધું જોયું જતું નહી. તેણે માને કહ્યું તો તેની માએ મોઢું ચડાવ્યું. આપણા ઘરમાં આવવાની છે, આ બધી વસ્તુઓ તો રોજ બનશે. અનુરાગે માંડ માને સમજાવી. અનોલી ભૂખ નથી કહી ઉપર મહેમાનના રૂમમાં જતી રહી. અનુરાગ બન્નેને સમજાવવામાં નિષ્ફળ નિવડ્યો.
અનોલી જાણતી હતી જો આ વાતાવરણ આજે સહન નહી થાય તો ભવિષ્યમાં તેનું પરિણામ સારું નહી આવે. તેની સાથે ભણતી બે બહેનપણીઓ એક વર્ષમાં પાછી આવી હતી. જો કે કારણ ભિન્ન હતાં. એક નો પતિ ‘ગે’ હતો. બીજીનો સાથે રહેવામાં જરા પણ બાંધછોડ કરવા તૈયાર ન હતો. પ્રેમી મટી પતિ બન્યો અને પોતાનું પોત પ્રકાશ્યું. પૈસાદારનો નબિરો કામ કરવા રાજી ન હતો. પત્ની કમાય અને પોતે બાપના પૈસા ઉડાડે એવા માણસ સાથે જીંદગી કેવી રીતે જીવાય. ‘પટેલ’નો ફટવેલ એકનો એક પાટવી કુંવર! પ્રેમી બની પૈસા ઉડાવતો તેમાં તે ભરમાઈ ગઈ હતી.
અનોખી અનોલી માતા અને પિતાનું નામ બગાડવા માગતી ન હતી. તેના કારણે તેઓ દુંખી થાય તે તેને માન્ય ન હતું. કલક્ત્તાથી પાછી આવી માને પોતાના દિલની વાત કરી. મમ્મી એ કહ્યું,’બેટા, જેવી તારી મરજી.' અનોલી એ અનુરાગને પત્ર લખ્યો. સામ સામે કહેવાની હિંમત ન હતી. તેને ખ્યાલ હતો કોઈ પણ વ્યક્તિ પોતાના માતા તેમજ પિતા વિષે એક પણ શબ્દ સાંભળવા તૈયાર ન હોય. ૨૧મી સદીમાં ઈન્ટરનેટ, ચેટ, વૉટ્સ અપથી ટેવાયેલી પ્રજા કાગળ જોઈને પૂતળાની માફક સ્થિર થઈ ગયો !
અનુરાગ આવા બાલિશ કારણસર પ્રેમ ભગ્ન થયો તે જાણી હસી પડ્યો ચુલબુલ જેવી અનોલી બંગાળીબાબુના પિંજરામાં પુરાવા તૈયાર ન હતી. અનોલી સાથે વાત કરવાનો મોકો મળવાનો ન હતો. તે તો પ્લેનમાં બેસી અમેરિકા જવા રવાના થઈ ગઈ હતી!
