અમીરી
અમીરી
મનોજના નાનપણના બે ખાસ મિત્રો હતા સુરેશ અને સુનિલ. ત્રણે વચ્ચે એટલી ગાઢ મિત્રતા હતી કે સ્કૂલ હોય કે પછી સ્કૂલની બહાર એ ત્રિપુટી હંમેશા સાથે જ દેખાતી. સ્કૂલ ના બધા જ એ ત્રિપુટીને 'ત્રિદેવ'ના નામે બોલાવતા. મનોજ માટે શ્રીમંત પરિવારમાંથી આવતા સુનિલ અને ગરીબ પરિવારમાંથી આવતા સુરેશ વચ્ચે કોઈ તફાવત ન હતો અને બંને માટે એકસરખી જ લાગણી હતી. અને નાનપણના ક્યાં કોઈ ઊંચ નીચ, અમીરી- ગરીબી કે સ્વાર્થ હોય છે. બસ માત્ર નિર્દોષ મૈત્રી જ તો હોય છે, જેમાં એક બીજા નો હાથ પકડી ને એક બીજા ના સાથનો નિર્મળ આનંદ લેવાનો હોય છે. પરંતુ જેમ-જમ ત્રણેય મોટા થતા ગયા તેમ તેમ એમના સ્વભાવમાંથી એ નિર્દોષતા લુપ્ત થતી ગઈ અને સંબંધોના સમીકરણો બદલાવવા માંડ્યા. ત્રણેય મિત્રો પોતાના પરિવાર ના સંજોગો અનુસાર પોતાના જીવનમાં આગળ વધી રહ્યા હતા. શ્રીમંત પરિવારમાંથી આવતા સુનિલ એ પોતાનું ભણતર પૂરું કરીને પોતાના પિતાનો ધંધો સંભાળી લીધો અને પોતાના જીવનમાં ખુબ જ સરસ રીતે સેટલ થઈ ગયો. મધ્યમવર્ગી મનોજ પણ પોતાની આર્થિક પરિસ્થિતિને અનુસાર સારી કોલેજમાં અભ્યાસક્રમ પૂરો કર્યો અને એને એક સારી કંપનીમાં સારા પગારવાળી નોકરી મળી ગઈ. જ્યારે સુરેશ એ પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિને અનુસાર પોતાના ઘરની નજીકની જ એક કોલેજમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને એને એક નાની ઓફિસમાં, થોડા ઓછા પગારવાળી, પણ નોકરી મળી ગઈ. આમ ત્રણે-ત્રણ પોતપોતાની રીતે પોતાના જીવનમાં સ્થાયી થઈ ગયા. મનોજ માટે હજી પણ એ બંને મિત્ર ખૂબ જ ખાસ હતા પણ હવે એ સંબંધોની વ્યાખ્યા થોડી બદલાઈ ગઈ હતી અને બન્ને સાથેના વ્યવહારમાં થોડો ભેદભાવ આવી ગયો હતો. એ હંમેશા સુરેશ કરતા વધુ સુનીલની વાત ને અને એની હાજરીને થોડું વધુ મહત્વ આપતો. અને જેવી વ્યક્તિની પ્રતિષ્ઠા અને મરતબો એવોજ એની સાથે નો આપણો વહેવાર, આખરે એ જ તો સમાજની રીત છે. એના દિલના ખૂણામાં એક સ્વાર્થ હંમેશા રહેતો કે જીવનમાં અડધી રાતે પણ ક્યારેક કોઈ જરૂર પડશે અને એ સુનીલનું બારણું ખખડાવશે તો એને મદદ જરૂર મળી જશે જ્યારે સુરેશ પાસેથી કોઈ એવી મદદની અપેક્ષા ન રાખી શકાય. ઉપરથી સુરેશને ક્યારેક જરૂર પડે તો એણે એને મદદ કરવી પડે એવું બને.
વખત જતા મનોજે બેંકમાંથી લોન લઈને પોતાનું નવું ઘર બનાવ્યું. એના જીવનમાં આમ તો બધું ઠીકઠાક ચાલી રહ્યું હતું પરંતુ બેંકની લોન માથે હોવાને કારણે થોડી થોડી પૈસાની ખેંચ થવા માંડી. એવામાં એક દિવસ તેને અચાનક બે લાખ રૂપિયાની જરૂર પડી. રકમ મોટી હતી પરંતુ દિલના કોઈક ખૂણે એને વિશ્વાસ હતો કે આવા સમયમાં સુનિલ એને જરૂર મદદ કરશે. એના માટે આ રકમ બહુ મોટી ન હતી અને વળી થોડો સમય જતાં એ ઉધારી પણ ચૂકવી દેશે એવો સુનિલને એના પર વિશ્વાસ પણ હોય જ, એવા વિચાર સાથે હિંમત કરીને સુનિલ પાસે મદદ માંગી. પરંતુ એને ખૂબ જ આઘાત લાગ્યો જ્યારે સુનીલે એની વાતને ગોળ ગોળ ફેરવીને બહાનું બતાવીને એની માંગણીનો અસ્વીકાર કરી દીધો. ભારે હૈયે તેણે પોતાની પત્ની મિતાલી ને આ વાત બતાવી. મિતાલી એ મનોજ ને સુરેશ પાસે કઈ મદદ મળી શકતી હોય તો લેવાનો સુઝાવ આપ્યો. સુરેશે મિતાલીની વાતને હસી કાઢતા કયું કે એ શું મદદ કરી શકવાનો હતો. ઊલટાનું ક્યારેક એને જરૂર પડશે તો એ મદદ માટે આપણું ખવડાવશે. બંને વચ્ચે વાત ચાલી રહી હતી ત્યાં જ તો ઘરનું બારણું ખખડ્યું. તેમણે દરવાજો ખોલ્યો તો સામે સુરેશ હાથમાં એક બેગ લઈને દરવાજાની બહાર ઊભો હતો. બંને જણાને સુરેશ ને હાથમાં બેગ લઈને આવેલો જોઈને થોડી નવાઈ લાગી અને એમના ચહેરાનું રહસ્ય તોડતા સુરેશ એ પોતાના હાથમાં રહેલી બેગ મનોજને પકડાવતા કહ્યું કે એ બેગમાં બે લાખ રૂપિયાની રકમ છે. મનોજ ને એ પૈસાની જરૂર હતી એ વાતની સુરેશ ને ક્યાંકથી ખબર પડી અને એણે તરત જ પોતાની બચાવી રાખેલી રકમ લઈને એની મદદ માટે આવી ગયો હતો. સુરેશની વાત સાંભળીને મનોજ ને ખૂબ જ નવાઈ લાગી અને એની આંખમાં આંસુ આવી ગયા. એ ગળગળો થઈને બોલ્યો,"અરે સુરેશ આટલી મોટી રકમ છે અને તને ક્યારેક પૈસાની અચાનક જરૂર પડી તો તું શું કરીશ ?" સુરેશે હસીને જવાબ આપ્યો,"અરે યાર, પડશે ત્યારે જોઈ લઈશું પણ હમણાં મારે એની કોઈ જરૂર નથી એટલે તું રાખ. અને પછી ફિલ્મી સ્ટાઇલમાં મનોજના પીઠ પર હાથ મૂકીને બોલ્યો,"દોસ્તી સે બડકર કુછ નહી !" અને મનોજ એને ભેટી પડ્યો.
મનોજને જીવનમાં એક મહત્વનો પાઠ મળી ગયો હતો કે અમીરી માત્ર પૈસાથી નથી અંકાતી. પૈસાથી અમીર માણસ દિલનો ગરીબ હોઈ શકે અને પૈસાથી ગરીબ માણસ દિલનો અમીર હોઈ શકે. તકલીફના સમયમાં જે પોતાનું સ્વાર્થ ભૂલીને બીજાને મદદ કરે એ જ સાચો અમીર !
