Rutambhara Thakar

Others

3  

Rutambhara Thakar

Others

આ સમય પણ વહી જશે

આ સમય પણ વહી જશે

5 mins
377


આ સમય પણ વહી જશે.!

કેટલું સરસ વાક્ય છે..!

દુ:ખમાં હોવ તો આશાની કિરણ સમાન અને સુખમાં ચેતવણીરૂપ...!

સમય એક એવી અદમ્ય ઘટના કે જે ના દેખાય છતાંય દેખાતી હોય..!

પકડી શકાતી હોય એવો ભાસ થાય...! આપણા કાબૂમાં છે, નિયંત્રણ હેઠળ છે એવા ભ્રમમાં રાચવાનું !

સરવાળે તો ભાગાકાર...!

તમે સમયનો કેવો સદુપયોગ કરો છો એનાં પર તમારી સફળતાનો આધાર છે. સમય તમારા માટે એક સેકન્ડ પણ રોકાતો નથી, એ તો સતત અવિરત, નિરંતર, ગતિશીલ અને લયબદ્ધ રીતે ચાલ્યા જ કરે છે.

આપણે નહોતા ત્યારે, આપણે છીએ ત્યારે, અને આપણે નહીં હોઈએ ત્યારે પણ..!

સમય ક્યારેય કોઇનો થયો નથી અને ક્યારેય થવાનોય નથી.

હા, ચોક્કસ.. આપણે સમયના થઈને રહી જઇશું. એની કઠપૂતળી....!

સમયે ઉંમર, જાતિ, સ્થળ, ધનિક કે ગરીબ વ્યક્તિમાં ક્યારેય ભેદભાવ કર્યો નથી. મતલબ કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુની એને સાડાબારી નથી. સમયની છેતરામણી ચાલમાં, ગમે તેવાં ચમરબંધ હોય કે માંધાતા હોય તરતજ સપડાઈ જાય છે. સમય આગળ કોઈની હોશિયારી ચાલતી નથી.

પેલું પ્રખ્યાત ભજન છે ને..!

"સમય મારો સાંધજે વ્હાલા,કરું હું તો કાલાવાલા...!"

આમાં સમયનો ગુઢાર્થ સરળ ભાષામાં સમજાવી દીધો છે. ઈશ્વરને વિનંતી કરી છે કે,

હે ઈશ્વર, મારો સમય સારી રીતે સાધજે ,મને મૃત્યુ સમયે પણ તકલીફ ના પડવા દઈશ.

સહજ મૃત્યુ આપજે.

સમય જોડે અનુસંધાન કરવાની ત્રેવડ મૃત્યુ વખતે તો અનુકૂળ કરી જ આપજે...!

"સમય બડા બલવાન તો ગધા પહેલવાન..!" એ ઉક્તિ એમજ થોડી પડી હશે...!

સમય ખરાબ ચાલતો હોયને તો, હાથી પર બેઠેલાને પણ કૂતરું કરડી જાય છે.

સમય કોઈનો સગો થયો નથી ને થવાનો પણ નથી. ઘણીવાર આપણે ઘણાંય એવા દાખલા જોયા છે કે માણસનો સમય જો ખરાબ ચાલતો હોય તો ગમે તેવાં હોશિયાર માણસની હોશિયારી કામ નથી આવતી.

હા , સમય તમારી નિ:સ્વાર્થ ભાવનાનો હિસાબ-કિતાબ અને લેખાંજોખા ચોક્કસપણે રાખે છે, અને એનું ફળ નિયત સમયે આપશે જ...!

આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને લોકલાડીલા નેતા શ્રી અમિતાભ બચ્ચન બંને જણાં સમયની પ્રતિબદ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણી સમક્ષ પૂરું પાડ્યું છે. છતાંય જો આપણે સમયની અવલેહના કરતા રહીએ તો આપણું જ નુકસાન છે. સમયને તો ઈશ્વર માનીને જ પૂજવો જોઈએ. સમયની એકેએક પળ ખૂબ કિંમતી છે.એમાં જમા ઉધારની કોઈ વ્યવસ્થા જ નથી હોતી..!

સમય કોઈ પાસેથી ઉછીનો લેવાતો કે અપાતો નથી.એમાં ઈશ્વરે ક્યાંય વ્હેરોવંચો કર્યો જ નથી, સહુને સમાન કલાકો આપ્યા છે.

સમય યોગ્ય રીતે વાપરો એટલો તમારો, બાકી વ્યર્થ...!

સમય તો વહેતા પાણી જેવો છે અને રેતની જેમ સરકતો ...! તમે એને બાંધીને ના રાખી શકો...!

સમય જેવો બળવાન કોઈ નથી. સૂર્ય, ચંદ્ર અને તારા નિયમિત, અવિરત કાર્યો કરે છે. રોજ સમયે ઊગે છે અને આથમે છે. જેથી વર્ષોથી પોતાની મહત્તા જાળવી શક્યા છે.

સમય આપણને નિયમિતતા, શિસ્તબધ્ધતા, અડગતા અને સમર્થતા શીખવે છે. ક્યારેય પોતાના કાર્યોમાંથી ચલિત ન થવું એ શીખવે છે.

સ્થિતપ્રજ્ઞતા દ્વારા પોતાના કર્મને વળગી રહેવાની પણ શીખ આપે છે. સમયની બાબતે એક વાત નિર્વિવાદ છે કે જો તમે એને સરખી રીતે સદુપયોગ કર્યો હશે તો એનું વળતર ચોક્કસ આપશે જ. તમારું ભાગ્ય, હસ્ત રેખાઓ એ તમારો સમય કેવી રીતે વાપરો છો એના ઉપર આધારીત છે.

તમારી સમક્ષ તમારો ચિતાર રજૂ કરનારો સમય જ હશે, એ વાત ચોક્કસ ગાંઠ બાંધી રાખશો.

આપણે ઘણાંય મજબૂત કઠોર હૃદયના લોકોને સમય આગળ લાચાર, પામર અને તુચ્છ સાબિત થતા જોયાં છે.

કારણકે એ વખતે એમને સમયે ત્યારે સાથ નહોતો આપ્યો...!

દરેક જણ પોતાના સમયને આધીન થઈ પોતાના કર્મો ભોગવે જ છે.

એમાં સમય ક્યારેય વ્હાલા કે દવલાની નીતિ અપનાવતો નથી...!

આપણી સમક્ષ 2020ની સાલ એ જીવાયેલું ઉદાહરણ છે. ઈ સ ૨૦૨૦ની જાન્યુઆરીની ૩૦મી તારીખે કોરોનાની મહામારીનો સૌપ્રથમ કેસ ચીનનાં વુહાન શહેરમાં જોવા મળ્યો પછી ઉત્તરોત્તર આખું વિશ્વ કોવિડ-૧૯ મહામારીનાં ભરડામાં આવ્યું. મોટી મહાસત્તાઓ,ધુરંધર દેશોએ પણ આ રોગ આગળ લાચારી અનુભવી...! પૈસો, પાવર, ટેકનોલોજી મેડિકલ સાધનોની પહેલી હરોળની સગવડો હોવા છતાં મોટાં મોટા દેશોને આ મહામારીનાં ભરડામાં ભીંસાવું પડ્યું. દરેક ધોરણે પાયમાલી, ખુવારી અને લાચારી વહોરવી પડી...!

આવું થવા પાછળનું કારણ શું..?

એજ... કે,

સમયે કોઈને સાથ ના આપ્યો...!

એની અવલેહના ભારે પડી...!

સહુ પાસે રહેલ દરેક સાધનો કે સંશાધનો સમય આગળ કારગત ન નીવડ્યા...!

કેટલી લાચારી...! આખી દુનિયા સમયની આ બળવાન લીલાઓ સામે એકદમ પામર, પાંગળી અને પરાસ્ત થઈ..!

એનાંથી મોટું સમયની ગતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બીજું શું હોઈ શકે...?

સમયની આ અકળ ગતિમાં ઘણાએ સ્વજન,ધંધા,

રોજગાર,નોકરીઓ, ઘર પરીવારો ગુમાવ્યાં. સમયથી વહેલાં ચાલવાની હોડ લાગેલ હતી ,એમાં સમયે જ બ્રેક મારી દીધી...!

બધું ઠપ્પ..!

સમયથી વહેલું કશું કોઈને ય મળતું નથી, બાદ પણ કશુંય મેળવી શકાતું નથી ...!

માટે સમયની સાથે કદમ મિલાવીને ચાલવામાં જ ડહાપણ છે..!

ઈ સ.૨૦૨૦ની સાલનાં સમયે એકેએક જણને પોતાની ઔકાત બતાવી દીધી. પ્રકૃતિનો બેફામ રંજાડ, મુંગા પશુ-પંખીઓની કત્લ, પ્રદુષણ, આચાર- વિચારની કુનીતિ આ બાબતનો બદલો એકજ ધડાકે લઈ લીધો..!

સુખ-દુ:ખ, કાળું-ધોળું, રાત-દિવસ, સફળતા અને નિષ્ફળતાની જેમ સમય પણ સારો-ખોટો બની આવન-જાવન ચાલું જ રાખે છે.

જો સમય અને સમજણ બંને તમારી પાસે હોય તો તમારાંથી વધુ નસીબદાર આ દુનિયામાં કોઈ નથી.

કારણકે જ્યારે તમારી પાસે સમય હોય ત્યારે સમજણ નથી હોતી..!

અને જ્યારે સમજણ આવે ત્યારે સમય તમારો ના હોય...!

સમય એ ક્યારેય સંજોગોને આધીન નથી હોતો..!

કહેવાય છે કે સમય જ્યારે તમારો નિર્ણય કરવા બેસે ને તો એને સાક્ષીની ક્યારેય જરૂરત નથી પડતી...!

કારણકે આખાય ઘટનાક્રમનો સમય ખુદ જ મૂક સાક્ષી હોય છે.

સમયનું ચક્ર પણ કોઈ ચોક્કસ કર્મની ધરી પર ફરી રહ્યું છે.દરેકને પોતાનાં કર્મ પ્રમાણે સારું નરસું ફળ મળે જ છે.

ઘણાંયને ગત્ વર્ષ ફળ્યું, ઘણાંયે એમાં ઘણું બધું ગુમાવ્યું.

હોશિયાર શિક્ષકની જેમ સમય ઘણુંબધું શીખવી ગયો.

ધીમે ધીમે એ જ સમય બધું નોર્મલ કરી રહ્યો છે. એમાંથી આપણને ક્રમશઃ બહાર લાવી રહ્યો છે. દવાઓ શોધાઈ, રસી શોધાઈ અને લોકોની કુદરત પ્રત્યે પણ જાગૃતિ વધી છે. આપણે દરેક નાનામાં નાની ચીજનું મૂલ્ય સમજતા શીખ્યા છીએ. જે કોઈ ના શીખવી શક્યું એ મહાન કાર્ય સમયે જ શીખવ્યું.

સમય એક મોટો ગુરુ છે. એ સાક્ષાત ઈશ્વરને ય પોતાનાં પ્રમાણે નચાવે છે તો આપણે તો પામર મનુષ્ય છીએ...!

વીતી જશે આ સમય પણ બસ ધીરજ રાખો,સુખ ના ટકી શક્યું તો દુઃખની પણ શું ઔકાત છે..!

મહાભારતનાં યુધ્ધ પછી અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે એવું શું છે જેને સુખમાં બોલીએ તો દુઃખ લાગે અને દુઃખમાં બોલીએ તો સુખ લાગે...!

ત્યારે શ્રીકૃષ્ણ પ્રેમથી જવાબ આપ્યો.....,

"આ સમય પણ વહી જશે..!"

વિચારી જોજો..!

સમય એક શાશ્વત, નિરંતર,અફર અને અવિરતપણે ચાલતી પ્રક્રિયા...!

સમય એક સનાતન સત્ય અને નિર્વિવાદિત હકીકત ..!


Rate this content
Log in