યાદ ને બસ યાદ
યાદ ને બસ યાદ
સમય ? સમયની શું વાત કરું ? દિન કહું કે રાત ?
વાત આ તો ના એક ક્ષણની કહો વર્ષોવર્ષની યાદ,
સનમ ! એ તો અસ્વપ્ન એક દિનનો સમય હતો,
જ્યારે મળી પ્રીતની લ્હેર ને આવી પ્રિયની યાદ,
બીજો દિવસ એ સ્નેહની વાદલડીએ વરસ્યો,
ગુલાબના રોમ રોમમાં પ્રસરી ફરી ફરી એક યાદ,
કિસ્મતના ખેલમાં હારી ગયા પ્રીત પંખીડા,
ત્રીજે વેગળા થયા ને રહી ગઈ બસ ફરિયાદ,
ચોથે દિવસે એ પ્રીતના વિરહમાં રોઈ થાકી આંખ્યું,
પછી દિન ઢળ્યો ને ચાંદ ઊગ્યો, થઈ ગઈ ફરી રાત,
પાંચમે ફરી બેઠી થઈ હસતા મુખે સ્વજન સામે,
ડગ માંડ્યા નવલ જીવને ને વીતી દર્દની રાત,
છઠ્ઠે આવ્યો ભ્રમર પુષ્પ પર ને લઈ ગયો ગુલાબ,
હવે ગુલાબ ગુલાબ ન થતા બની ગુલ ચમનની સુવાસ,
સાતમે ગુલાબ ખર્યું અન્ય પુષ્પ ખીલવી બાગમાં,
ચમકે હવે તો તારલીયો બની, છે શૂન્ય જ્યાં આકાશ,
નજરમાં ન આવે પાંખડી, છતાં ઝાકળ આંખ મહીં,
અશ્રુની વાણી મૌન શું બતાવે, ફરી વળી જો યાદ,
હતી કથા પ્રણયપુષ્પની, 'રાહી' હૈયા કેરી વાત,
એક દિન યુગો સમો, રહે હવે તો યાદ ને બસ યાદ.
