વરસાદી જોર
વરસાદી જોર

1 min

6.7K
સરવરિયાં વાદળીના તળે તરસ થઈ કરતાં'તાં
એવું કૈ વરસાદી જોર,
ભીની એ ભેજ થઈ મહેકયા એવું કે
પછી ગ્હેંકી વરસાદનીયે કોર.
તરસી એ છાંટ આજે વાદળને પૂછે
કયાં સુધી મને લ્યા'ભીંજવશો?
સાંભળીને વાદળ કૈં ધોધમાર વરસ્યો
ને બોલ્યો કે 'થોડું હાચવજો !
તડતડ કરતાં ફોરાં કૈ તૂટયાં કે
ભીનો થ્યો બાવરીનો તોર,
સરવરિયાં વાદળીના તળે તરસ થઈ કરતાં'તાં
એવું કૈ વરસાદી જોર,
વરસાદી જાત પછી એવી તે લાંગરી કે
હરખાયો એક પડછાયો,
ને એકેક કૂંપળ એની મારામાં પાંગરી
ને એમાં તો હું પરખાયો.
ચૂંદડીને ચારેકોર એણે એવી ઓઢી કે
થૈ છે લીલેરી કોર,
સરવરિયાં વાદળીના તળે તરસ થઈ કરતાં'તાં
એવું કૈ વરસાદી જોર.