પીધી છે ગઝલ
પીધી છે ગઝલ
1 min
27.9K
સમજી મેં એને છલકતો જામ પીધી છે ગઝલ,
આ નઠારી જિંદગી ને નામ પીધી છે ગઝલ.
ફાવવું ના ફાવવું વિષય બધો છે કામનો,
આપણે પણ ક્યાં ગણીને કામ પીધી છે ગઝલ?
રાત આખી છો રડું પણ ગાલ ભીના થાય ના,
એટલા બસ ચૂકવીને દામ પીધી છે ગઝલ
છું નશામાં હું, નહીંતર ના જખમ પાડું તને?
આજ કરવા દે મને આરામ પીધી છે ગઝલ.
ઓ ખુદા એવું નથી કે હું તને માનું નહીં,
જોઇ લે ને આ લખીને રામ પીધી છે ગઝલ.
ગમ સહેવા કાં તો તું ખૂણાંમા જઇ રડ્યો હશે,
કાં તો તે 'ગોપાલ' ખુલ્લેઆમ પીધી છે ગઝલ.
