STORYMIRROR

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

મારાથી નહિ બને...

મારાથી નહિ બને...

1 min
25.6K


નિષ્પ્રાણ મનને પામવું મારાથી નહિ બને,
મરતાં રહીને જીવવું મારાથી નહિ બને.

પ્યાદું બની ચોપાટમાં, રમતો નથી કદી,
હાર્યા વગરનું જીતવું, મારાથી નહિ બને.

છે મોંઘવારી આકરી મૂક્યો છે કાપ પણ,
સંવેદનાનું કાપવું મારાથી નહિ બને.

જ્યાં લાકડીની વેદના સમજી લીધી પછી,
ઘરડાંઘરોનું ખોલવું મારાથી નહિ બને.

ટહુકાનું આભ લૈ લીધું વગડાને કાપી જ્યાં,
ત્યાં પિંજરાને સ્થાપવું મારાથી નહિ બને.

મઝધારથી કિનારને છેટું નથી છતાં,
ઇચ્છા વિના ઝઝૂમવું મારાથી નહિ બને.

ઢોળાવ છું હું આખરી પણ પ્હાડ શો ઊભો,
ત્યાં ખીણ સામે ઝૂકવું મારાથી નહિ બને.


Rate this content
Log in