હિંચકો
હિંચકો
ધડામ...અવાજ આવ્યો...
મમ્મી... મમ્મી..
રસોઈ ઘરમાં કામ કરતી મમ્મીએ મુન્નાનો અવાજ સાંભળ્યો. દોડતી અવાજ આવ્યો ત્યાં ગઈ.
મુન્ના.. મુન્ના.. શું થયું ? આમ બૂમ કેમ પાડી ? ને અવાજ શેનો આવ્યો ?
મુન્ના એ પોતાની આંગળી પોતાની બહેન સામે કર્યો.
મુન્નાથી ચાર વર્ષ મોટી મુન્ની..
મમ્મી એ જોયું તો મુન્નીને વાગ્યું હોય એમ લાગ્યું.
અરે...મુન્ની શું થયું ? મમ્મીની નજર હિંચકા તરફ ગઈ.
હિંચકો તૂટી ગયો લાગતો હતો.
જોયું તો સળિયો નીકળી જવાથી હિંચકો પડ્યો હતો.
મુન્ની બહુ વાગ્યું ? આ મુન્નો તોફાની છે. ને તું પણ.. બંને તોફાની છો.
આમ બોલીને મમ્મી એ મુન્નીને ખોળામાં લીધી.
જોયું તો બસ સ્હેજ ઘસરકો થયો હતો.
મમ્મી બોલી," પણ આમ કેવી રીતે થયું ?"
મુન્નો," મમ્મી, હું હિંચકો ખાતો હતો. મને મજા પડી એટલે જોરથી હિંચકો કર્યો..ને એવામાં બહેને મને હિંચકા પરથી ખેંચ્યો."
મુન્ની બોલી," મમ્મી,એ વખતે એક સળીયો નીકળી રહ્યો હતો. એટલે મુન્નાને બચાવવા ગઈ. મુન્નો તો બચી ગયો. પણ હિંચકો પડ્યો.એટલે મારા હાથ પર ઘસરકો થયો. બીજુ કશું નહીં. ભઈલાને વાગે એ મારાથી થોડું જોવાય ! તને ખબર છે ને મમ્મી હું અને ભઈલો કેવા હળીમળીને રમીએ છીએ."
