ગીતનો આસ્વાદ
ગીતનો આસ્વાદ
1 min
14.5K
પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે ?
યાદ છે એ સાંજ ? તું બોલ્યા વિના જ મને,
તગતગતી આંખથી વઢેલી !
એ ઘટના તો ત્યાંજ હજી બર્ફ જેમ થીજીને,
ઊભી છે સાંજને અઢેલી,
આથમતા સૂરજના કેસરીયા રંગોમાં,
ઓગળતાં આપણે એ યાદ છે ?
વરસોની ભીડ કોઈ ચોર જેમ આપણા એ,
દિવસોને ચોરી ફરાર થઈ,
એમ ઉભાં’તાં રસ્તાની સામસામે આપણે,
ને વચ્ચેથી જિંદગી પસાર થઈ,
દિવસ ઓઢ્યા ને પછી તડકામાં દોડ્યાં ને,
છાંયડાઓ શોધ્યાં’તાં યાદ છે ?
પાંપણ પર ઝૂલતાં’તાં શમણાં, એ શમણાંનો
હું પણ એક ભાગ હતો યાદ છે ?

