દીવા
દીવા
ગગનગોખમાં વાલે પ્રગટાવ્યા,
કેવા ઝળહળતા બે સુંદર દીવા,
પુરી દુનિયામાં એતો પ્રકાશતા,
કોઈનોય ભેદભાવ ન રાખતા.
એમાં ન તેલ દિવેલ વાટ ખપે,
કામ પોતાનું કરી આગળ ધપે,
કો'નું ન સુણે, ન કો'ને કે'વું પડે,
ન છૂટી ન રજા કે બહાનું જડે.
આવા દીવા ને સૂરજ ચાંદ કહે,
દિવસે એક તો રાતે બીજો રહે,
એકબીજાની કોઈ દખલ ન કરે,
બંને સ્વભાવ સાવ અલગ ધરે.
સૂરજ જીવન ને પ્રકાશ દાતા,
ગરમી તણો એ મુખ્ય પ્રણેતા,
એની હાજરીએ દિવસ ગણાય,
જગ કલ્યાણ તેનું કામ મનાય.
ચંદ્ર એ પ્રેમનું પ્રતીક ગણાય,
જગમાં શાંતિ એથી પ્રતીત થાય,
તપેલી ધરા શીતળતા અનુભવે,
પશુ પંખી માનવી નિદ્રામાં સૂવે.
કેવી કલ્યાણકારી રચના કરી,
ન જોવું પડે પાછું વળીને ફરી,
વાહ રે ઈશ્વર કેવી તારી લીલા,
ફૂલ ઊગાડે પણ ઝાડ કંટીલા.
