STORYMIRROR

Babulal Chavda

Others

4  

Babulal Chavda

Others

ભીંજવે

ભીંજવે

1 min
27.2K


ક્યાંકથી આવીને વાદળ ભીંજવે,
એમ ભીની યાદ કાગળ ભીંજવે.

કોઈ અનરાધાર વરસી જાય ને,
કોઈને  એ  રોજ  પળ-પળ ભીંજવે.

અંગ કોરું એક પણ રાખે નહીં,
સાવ સાંગોપાંગ પુષ્કળ ભીંજવે.

તરફડે છે મન તરત વ્યાકુળ થઈ,

જ્યાં ધરાને આભ વિહ્વળ ભીંજવે.

આ ત્વચા પર એક છાંટો જ્યાં પડે,

સેંકડો નદીઓની ખળખળ ભીંજવે.

કોઈ બારે મેઘથી પલળે નહીં,
કોઈને તો રોજ મૃગજળ ભીંજવે.

મેઘલી રાતે નર્યા એકાંતમાં,
ભીતરી વરસાદનું બળ ભીંજવે.

નીર નેવાંનાં સતત મોભે ચડે,
આયખાભર એવાં અંજળ ભીંજવે.


Rate this content
Log in