STORYMIRROR

Babulal Chavda

Others

4  

Babulal Chavda

Others

મા તું નથી

મા તું નથી

1 min
41.2K


હજી હું સાવ જાણે પારણામાં છું અને મા તું નથી,
હજી ભાંખોડિયાનાં આંગણામાં છું અને મા તું નથી.

હજી ઝૂલી રહી છે બાંય ફાટેલી આ પહેરણની અને,
હજી ખિસ્સાના આ મૂઠ્ઠી ચણામાં છું અને મા તું નથી.

હજી ઘૂંટ્યા કરું છું હું લખીને 'મા' ફૂટેલી સ્લેટમાં,
હજી બારાખડીનાં બારણામાં છું અને મા તું નથી.

હજી તો ટાઢથી હું થરથરું છું ને ચડ્યો છે તાવ પણ,
હજી તો હૂંફના એ તાપણામાં છું અને મા તું નથી.

હજી કન્યા તું મારે કાજ જોવા ગઈ છે જાણે ને અહીં,
હજી હું ક્યાંક કંકુપોંખણામાં છું અને મા તું નથી.

હજી હમણાં જ તારી વેલને બે ફૂલ આવ્યાં છે નવાં,
હજી પાણી ભરેલા ખામણામાં છું અને મા તું નથી.

હજી બાપુ અને તું કેમ ગામતરેથી પાછાં ના વળ્યાં?
હજી ભેંકાર આ ખાલીપણામાં છું અને મા તું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન