Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,
એક સાંજનો ઓછાયો (૨)
એક સાંજનો ઓછાયો (૨)
★★★★★

© Falguni Parikh

Others

4 Minutes   7.5K    14


Content Ranking

પ્રકરણ- ૨

રૂપા નોકરીથી છૂટયા પછી કેતન સાથે સમય વીતાવતી હતી. તેણે અનેકવાર કેતનને લગ્ન માટે કહ્યું; પણ, કેતન નોકરીનું બહાનું આગળ કાઢીને વાત ઊડાવી દેતો હતો. એક દિવસ રૂપા પર ઓફિસના બોસ મિ. કામતનો ફોન આવ્યો. જેમાં તેમને આમંત્રણ આપ્યું કે તેમના ફાર્મહાઉસમાં એક નાનકડી પાર્ટી રાખી છે, ઓફિસના ખાસ લોકો ઉપસ્થિત રહેશે. તમે પણ પ્લીઝ, આ સરનામે સાંજે 8 વાગ્યે પહોંચી જજો. રૂપાએ  એ માટે ઓફિસમાં તેની બાજુમાં બેસતી માલતીને પૂછયું, તે બોલી, ‘હા મારા પર ફોન હતો બોસનો, ઘરે મારી મમ્મી બીમાર છે માટે હું નથી આવવાની. પણ તું ચિંતા ના કર, આપણા બોસ ખૂબ સજ્જન માણસ છે.’ માલતીની હૈયાધારણથી રૂપાને થોડી રાહત મળી. ઘરે માંને ફોન કરી જણાવ્યું કે તેને આવતા મોડું થશે. કેતનને ફોન કરી જણાવ્યું, તો એ બોલ્યો, ‘હા, મને પણ આમંત્રણ છે. હું ત્યાં જવાનો છું.’ કેતન પણ ત્યાં આવવાનો છે એ જાણી રૂપાને ખુશી ને શાંતિ થઈ. નિર્ધારિત સમયે કેતન રૂપાને બાઇક પર બેસાડી ફાર્મહાઉસ પહોંચ્યો. તેને અને રૂપાને આવેલાં જોતાં, બોસે તેમનું સ્વાગત કર્યું. હસીને બંનેને આવકાર્યા. રૂપાનો આભાર માન્યો કે આમંત્રણનું માન રાખીને તે અહીં આવી. રૂપા બોલી, ‘સર! આભાર માનવાનો ના હોય. એ તો મારી ફરજ છે!...  પણ,’ રૂપા થોડી ખચકાઈ. ‘પણ, શું મિસ રૂપા?’ કામત સર હસતા બોલ્યા. ‘સર, પાર્ટીમાં ઓફિસનાં બીજા સાથીઓ કેમ દેખાતા નથી?’ હસીને કામત સર બોલ્યા, ‘મિસ રૂપા, મેં બધાને પાર્ટીમાં બોલાવ્યા નથી, જે મારા ખાસ મિત્રો છે એમને જ બોલાવ્યા છે. કેતન મારો ખાસ મિત્ર છે એટલે એને બોલાવ્યો અને તું મારી ઓફિસની કર્મચારી છે એટલે તને બોલાવી છે. છોડને એ વાતો; આવો, તમારાં બંનેનું સ્વાગત છે આ ખાસ પાર્ટીમાં. કેતન સાથે હતો એટલે થોડી રાહત હતી રૂપાને. કામત સર એ બંનેને તેમનાં બીજા ફ્રેન્ડસ બેઠાં હતાં તેમની પાસે લઇ ગયાં ને બધાની ઓળખાણ કરાવી. રૂપાના અનુપમ દેહલાલિત્ય ને નીરખી બધા અવાચક બની ગયા હતા. અરે, કેતન! અહીં તો બધા ડ્રીંકસ લે છે જે તમારે કામનું નથી. રૂપાને લઇ સામે ફ્રેશ જ્યુસ સેન્ટર છે ત્યાં લઇ જાઓ. તેમની પસંદગીનું જ્યુસ એમને પ્લીઝ આપો! કેતન હસતા હસતાં બોલ્યો, ‘નો પ્રોબ્લેમ સર!’ અને રૂપાને લઈને જ્યુસ સેન્ટર પર પહોંચી જ્યુસનો ગ્લાસ લઈ રૂપા પાસે આવ્યો. ધીરે ધીરે બંને જ્યુસને ન્યાય આપવા લાગ્યા. બીજી બાજુ સાકીની મહેફિલ બરાબર જામી હતી. સાથે સંગીત વાગતું હતું. થોડા સમય પછી રૂપાએ કેતનને કહ્યું, ‘કેતન, મારું માથું દુખે છે અને થોડાં ચકકર પણ આવે છે. પ્લીઝ મારે ઘરે જવું છે.’ કેતન બોલ્યો, ‘હા રૂપા, તારી વાત સાચી છે, મને પણ એવું જ થાય છે. એક કામ કર, અંદર રૂમમાં સોફા અને પલંગ છે ત્યાં થોડીવાર આરામ કરી લે, પછી ઘરે તને મૂકી જાઉં.’ કેતનની વાત યોગ્ય લાગતા રૂપા  થોડો સમય આરામ કરવા માટે સોફા પર બેઠી. માથામાં ખૂબ દર્દ થતું હોવાથી તે ત્યાં નિદ્રાધીન થઇ ગઈ તે તેને ખબર ના પડી. કેતનની હાલત પણ એવી જ હતી. તેનું માથું ખૂબ દુખતા તેણે સામેના સોફા પર આરામ હેતુ લંબાવ્યું અને તે પણ ગાઢ નિદ્રામાં સરી પડયો.

ખૂબ મોડી સવારે રૂપાની આંખો ખૂલી. જોયું તો તે સોફાને બદલે પલંગ પર હતી. તેના એકએક અંગમાં કળતર થતું હતું અને બળતરા બળતી હતી. પ્રથમ તો શું થયું તેનો ખ્યાલ ના આવ્યો. પૂરેપૂરી ભાનમાં આવી અને આંખો ખોલીને જોયું તો પોતે બેડ પર અનાવૃત હાલતમાં હતી. તેની ઉપર અને ચારેતરફ રૂપિયાની નોટો ફેલાયેલી હતી. તેનો દેહ એ ચલણી નોટો થી ઢંકાયેલો જોયો. એકદમ સફાળી બેઠી થઈ તે ભયભીત નજરે ચારેબાજુ જોવા લાગી અને યાદ કરવા લાગી... તેનું તો માથુ દુખતું હતું અને આરામ માટે સૂતી હતી તો અહીં કયાંથી આવી પડી? કોણ લાવ્યું મને? ને આ... આ... તેની સાથે? પોતાની હાલત જોતાં તે સમજી ગઇ કે તેને બેભાન બનાવી તેની પર બળાત્કાર કરવામાં આવ્યો છે. પોતાની આબરૂ લૂંટાઈ ગઈ છે તે જાણી ખૂબ રડી. પોતાના કપડાં શોધવા નજર દોડાવી. તેના કપડાં દરવાજા પાસે પડયાં હતાં. તેના અંગોમાં ખૂબ દુઃખાવો થતો હતો. જેમતેમ કરીને ઉભી થઈને કપડાં પહેરી તે લથડતા પગે બહાર આવી. કેતન પણ બેભાન અવસ્થામાં સોફા પર પડયો હતો. તેને સમજાઈ ગયું... કામત સર  અને તેમના ફ્રેન્ડ્સે જ્યુસમાં કંઇક નાખીને આ બધું કર્યું અને તેની ઇજ્જત લૂંટી લીધી. કેતનને ઊઠાડ્યો. તે ના ઉઠ્યો એટલે ફાર્મહાઉસમાંથી બહાર નીકળી ટેક્સી કરી તે સીધી ઘરે પહોંચી. મા તેની રાહ જોતી હતી. આખી રાત દીકરી બહાર હતી તેથી ખૂબ ચિંતા થતી હતી. સવારે તેને આવેલી જોતા રાહત તો થઈ પણ, તેની ચાલ લથડાતી જોઈ મનમાં ધ્રાસકો પડયો અને દોડતી ઘરની બહાર નીકળી બેટી પાસે પહોંચી તેનો હાથ પકડી ઘરમાં લાવી દરવાજો બંધ કર્યો. વહાલથી બેટીના માથે હાથ ફેરવતા બોલી, ‘બેટા કયાં હતી?  મને કેટલી ચિંતા થતી હતી? શું થયું છે?’
માંના એક પણ સવાલનો જવાબ આપવાની હાલતમાં નહોતી રૂપા. માની સામે જોઈ રહી. અચાનક માને ભેટીને રડવા લાગી. ત્યારે જયાને વહેમ પડયો કે ચોક્કસ કોઈ વાત બની છે. તે સવાલો પર સવાલો પૂછવા લાગી. જ્યારે રૂપાએ ઘટેલી ઘટના વિશે વાત કરી ત્યારે જયા પર આભ તૂટી પડ્યું. આખરે તેનો ભય સાચો નીવડ્યો. ગરીબને ઘરે સૌદર્યવાન હોવું એ અભિશ્રાપ છે એ આજે સાબિત થઈને રહ્યું. તે પોતાની દીકરીને આજ સુધી બચાવતી રહી પણ, આજે તેની દીકરી પીંખાઈ ગઈ સમાજના કહેવાતા સુધારકોને હાથે! તે ખૂબ રડી. બંને માં-દીકરીનાં આંસુ જાણે દરિયો બની વહેવા લાગ્યા.

(ક્રમશ:)

 

પ્રકરણ (૨)

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..