Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Others

3  

Vijay Shah

Others

પ્રેસિડન્ટ અવૉર્ડ

પ્રેસિડન્ટ અવૉર્ડ

5 mins
14.4K


આજે સવારથી મન અજંપ હતું. નિરાલીને અજંપ થવાનું કારણ મળી ગયું હતું. તેનો હાફુસ કેરીનો ૩૦ ડૉલર ખર્ચીને આણેલો છોડ સતત વરસાદને લીધે કહોવાઈ ગયો હતો. પાંદડાં તો જાણે ક્યારનાંય ખરી ગયા હતાં, પણ છોડ લીલોછમ હતો તેથી નિરાલીની આશા પણ લીલી હતી. પણ બહું પાણીને કારણે સાવ મૂળીયા કહોવાઈ જશે તેવી કલ્પના નહોતી.

સવારે બૅક યાર્ડ્માં આ દૃશ્ય જોઈને આવી અને રડું રડું થતી તેની આંખો લઈને બાથરૂમમાં ગઈ અને ફુવારો ચાલુ કરી ડુસકાં ભરવાનાં ચાલુ કર્યા. એને જાણે તેની જિંદગી છૂટી પડી હોય તેમ લાગતું હતું. ઘરમાં જાણે બધા હતાં, પણ ફુવારાને લીધે ડુસકાં દબાયેલા હતાં.

અમેરિકા આવતા પહેલાંનો ભૂતકાળ તેને રહી રહીને યાદ આવતો હતો. કોણ જાણે કેમ નિરેનના એવા તો ગળાડૂબ પ્રેમમાં પડી હતી કે તેને તેનું આખું જીવન નિરેનમય કરી નાખ્યું હતું. થાળી પીરસીને આપે, નહાવા જાય તો હાથમાં ટુવાલ આપે, કપડાંને ઇસ્ત્રી કરે અને બહાર નીકળે ત્યારે “એન” લખેલો હાથ રૂમાલ અને પર્સ તેમ જ સ્કુટરની ચાવી આપે અને વહાલથી પાછી કહે પણ ખરી; ટીફીનમાં મોકલેલું બધું જમજો હં કે... રોટલી ઘીથી લસલસતી તો હોય. પણ કેળા પીસીને તેમાં ખાંડ અને ઘી ઠરેલું હોય. એ ઠરેલા ઘીને જોઈને અળવીતરો રોબીન બોલે પણ ખરો... ભાઈ આજે તો ભાભીનું વહાલ વધી ગયું છે. નિરેન બે વર્ષમાં તારી કાયાપલટ કરવાનો ભાભીએ નિયમ લીધો લાગે છે. સંભાળજે બહું ઘી ખાય તેને હાર્ટ એટેક પણ આવે. નિરેન હસતા હસતા કહે અરે ભાઈ આ નવું નવું નવ દિવસ જ, પછી તો વર રાજાનો રાજા સુકાઈ જાય અને એકલો વર “નવરો” થઈને રહી જાય. મરાઠીમાં વરને “નવરો” કહે છે ખબર છે ને?

અને ખરેખર એવું બન્યું કે બધાને પછી તો હાથમાંને હાથમાં બધું જોઈએ અને નિરેન નોકરી ધંધેથી આવે ત્યાં સુધીમાં નિરાલી થાકીને ઠુસ થઈ જાય. નણંદો અને દીયરો ઠેકાણે પડ્યાં ત્યાં સુધીમાં તો બે સંતાનો માની કાળજી પામવા આવી ગયા હતા. પહેલાં દસ વર્ષ વીતી ગયા પછી એક્દમ છઠ્ઠી ઇંદ્રીય જાગૃત થઈ અને સમજાયું કે તે ખાલી આપવા નથી સર્જાઈ. પામવા માટે પણ સર્જાઈ છે. અને એ છઠ્ઠી ઇંદ્રીય દુઃખનું કારણ બની. હું અને નરેન લોહી પાણી એક કરીને બચાવીયે છે અને વારે તહેવારે લેનારા મોટી આશા સાથે લઈ જાય છે પણ આપવાનાં સમયે નાનું મન કે સંકુચિત વહેવારોથી દુભવી જાય છે.

નિરેન તો ઓલિયો માણસ છે તે તો એમ કહીને છૂટી જાય છે, “ઘી ઢળ્યું તો ખીચડીમાં”  પણ મારે ભાગે એ ખીચડીમાં ઘી ક્યારેય ના આવે તે કેમ ચાલે? મારો વર સારુ કમાય ત્યારે બધા કહે હવે તમને શું જરૂર છે? સાસરી તો સાસરી, પણ પિયરીયું પણ એવું જ માંગણીયું. મારું તો જાય પણ મને ક્યાંયથી ના મળે? મારો વર સારુ કમાય ત્યારે બધા કહે હવે તમને શું જરૂર છે?

બસ આ વિચારે તેનું મન અમળાયા કર્યું. મન વાસ્તવમાં પાછું આવ્યું જ્યારે નિરેને રસોડામાં શાંતિ જોઈ. પૂછી ગયો. તું ખાઈશ? સવાર ક્યાંય જતી રહી અને ભોજન વેળા થઈ. પણ જવાબ ના મળ્યો એટલે તેના પગમાં પાણી ઉતરવા માંડ્યું. અજંપ મન વધુને વધુ અજંપ થતું ગયું

લગ્ન જીવનનો બીજો દાયકો પૂરો થયો ત્યારે વાટ પકડી અમેરિકાની. નિરેન સમજાવે પણ ખરો કે આ ઘરમાં તું સાકરની જેમ સમાઈ ગઈ ત્યારે વીઝા આવ્યા છે. બધી નાની નાની વાતો ભૂલી જા અને આનંદ માણ. દીકરા-દીકરીઓ ભણશે અને બે પાંદડે થઈશું. વળી એની એ જ ખાસ વાત. આંબે આવશે મોર ને લહેર કરશું આવતે પોર...

દીકરો ભણતાની સાથે પાંદડે પાંદડું ગણતો થઈ ગયો.. તમે જે કર્યું તે તમે ફરજ સમજીને કર્યું, “હમણાં તો તમારાં હાથ-પગ ચાલે છે ને? તે નહીં ચાલે ત્યારે અમે કરીશુંવાળો અગત્સ્યમુનીનો વાયદો કરીને જતો રહ્યો... દીકરી તેને સાસરે... સમયાંતરે ફોન કરતી અને ચિંતા કરતી, પણ આળું મન જે છે તે તો કદી જોતું જ નથી. અને જે નથી તેને ઇચ્છયા કરે છે...

નિરેને કહ્યું નિરાલી થોડુંક બાગમાં આંટો મારી આવ. ફ્રેશ થા બપોરનાં એક વાગ્યો. આજે તો તું બહાર જ નથી નીકળી. અને નિરાલીને પાછો આંબો જતા રહ્યાનું દુઃખ સાંભરી આવ્યું.

નિરેને પાણીનો ગ્લાસ આપતાં કહ્યું, “હવે રડ ના. આમેય ઉતાવળે આંબા પાકતા નથી. થોડો તડકો નીકળશે અને નવા પાંદડા ફરીથી ઊગશે ચિંતા ના કર... અને આજે તને શું થયું છે? સવારથી ચાર પાંચ વખત તને દેવદાસ જેવા દુઃખી સ્વરુપે જોઈને થાકી ગયો દોસ્ત...”

“મને આજે આંબો જતો રહ્યો તેની હતાશા આવી છે. મને થાય છે કે આપણને આખી દુનિયા કેમ આવી રીતે કેમ અવગણે છે?”

નિરેન કહે “ આંબા ઉપરથી તું પાછી ભૂતકાળમાં સરી ગઈ. જો અમેરિકા આવીને હું અમેરિકામાં હોવાનાં ફાયદાઓ જોઈને રાજી થઉં છું જ્યારે તું પેલી માછણની જેમ ટોપલામાં પાણી છાંટીને તે દુર્ગંધમાં જીવે છે. કહે છે ને આજમાં ગઈ કાલનાં દુઃખો ઉમેરો એટલે આજ પણ બગડે અને આવતી કાલ પણ.”

“ પણ શું કરું મને જ્યારે તે છેતરામણો યાદ આવે છે ત્યારે તીડોનાં ઢગલાંની જેમ ઊભરે છે...”

“ આવું થાય ત્યારે અહીં હોવાનાં ફાયદા ગણ. પેલા સમય અને તિથિ જોયા વિના ઊભરાતા અતિથિઓનો ઢગલો અહીં નથી તે વાતથી આનંદ અનુભવને... કોઈ સમય સાચવવાનો નહીં અને વીકએન્ડ ઉપર તો દસ વાગ્યા સુધી ઊંઘો તો પણ કોઈ ઝંઝટ જ નહીં.

“પણ આપણાં મ-બાપ માટે આપણે કર્યું તે તો હવે આપણા માટે કોઈ નહીં કરેને?”

“ઉપર હજાર હાથવાળો બેઠો છે. આપણે જે કર્યું તે તો આપણું દેવુ હતું તે પૂરું થયું તેનો આનંદ માણ અને છોકરા ઉપર કરેલું રોકાણ જેમ શેરબજારમાં ખોટા શેરોનાં ભાવ ઘટી જાય ત્યારે જેમ લોસ ખાવો પડે તેમ ખાધો. તે ઘટનાને પકડીને બેસી થોડું રહેવાય છે? હવે નવેસરથી નવી ગિલ્લી નવો દાવ... ભગવાન બેઠો છે ને? અને દીકરાને તેના સંતાનોને પણ જોવાનાં હોયને?

“ચેસમાં જેમ એક દાવ હારી ગયા પછી બીજી વખતે સંભાળીને ચાલવાનું હોય તેમને?” નિરાલી નૉર્મલ થતી હોય તેમ લાગ્યું.”

“હા બસ તેમ જ... ભૂતકાળમાં રહેવાનું નહીં અને તેનો પદાર્થ પાઠ ભૂલવો નહીં.”

“એટલે?”

“એટલે હવે આપણું આપણું જાળવીને રહેવાનું. સંતાનો પાસે હાથ લાંબો કરવાનો નહીં.”

પણ આવી દલીલોથી નિરાલીને કદીય શાંતિ થતી નહીં..”અરર મારો આંબો... કરીને ફરીથી તે ઉદાસ થઈ.”

આ સંવેદનશીલ લોકોનો રોગ છે. અને તેથી જ તેઓ સંવેદનોને ઝીલે છે. સામાન્ય માળી હોત તો છોડ ક્યારનોય કાઢીને ફેંકી દીધો હોત. પણ આ તો વાત્સલ્ય... આંબા ઉપર દીકરા જેવું વહાલ આવે. કલ્પનાઓ કરી કરી દીકરાનાં દીકરા ખાશે અને રાજી થશે જેવા અનેક સપનાંઓ ચકનાચુર થયાનો અને કાચની કરચો જમીન ઉપર પડતી અને તેના રણકારો સાંભળતી માનો વલવલાટ.

 

નિરેને ઇ-મેલ ખોલ્યો ત્યારે તેમાં બહું જ મોટા સમાચાર હતા. વૉશિંગ્ટનથી દીકરાનો ઇ-મેલ હતો. તેના દીકરા નીલને પ્રેસિડન્ટ અવોર્ડ મળ્યો હતો.. એટલે રાજી થતાં થતાં નિરાલીને કહ્યું, “અરે જો, તારા પૌત્રને પ્રેસિડન્ટ અવૉર્ડ મળ્યો. ઑબામા બરાકની સહીંવાળો પત્ર… ઇ-મેલમાં સ્કેન કરેલું સર્ટિફિકેટ જોયા પછી તો પૂછવું જ શું? પૌત્ર સાથે ફોન ઉપર “કોન્ગ્રેચ્યુલેશન... નીલ... વી આર સો હેપી ફોર યુ... તને આ અવૉર્ડ કેવી રીતે મળ્યો અને કેટલું તારું સન્માન થયું?” તે વાતોમાં વીલાયેલો આંબો અને તેનો અફસોસ ગાયબ થઈ ગયો. રેડીયા ઉપર વાગતું હતું,

જિંદગી કૈસી હૈ પહેલી હાયે,

કભી યે હસાયે કભી યે રુલાએ


Rate this content
Log in