Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સજા
સજા
★★★★★

© Falguni Parikh

Others

4 Minutes   7.0K    2


Content Ranking

કોડિયા એલી નહીં રે મીં તો જેગવી દીધાં તન,
જંપવા દેતું હોય લગીરે, તો ય આ મારું મન...

પરોઢનો મંદ-મંદ વાયુ રેલાતો હતો. સોહમ મીઠી નીંદર માણતો હતો. ત્યાં સૂરીલા અવાજનો એક રણકો... કાન વાટે વહીને તેનાં મનનાં ઊંડાણમાં સ્પર્શી રહ્યો. આ સૂરીલા અવાજે સોહમને નીંદરમાંથી જાગવા પ્રેરિત કર્યો.

ઉનાળાના દિવસો હોવાથી મામીએ સોહમની પથારી પડસાળમાં જ કરી હતી. ત્યાંથી ઊઠી ડેલીએથી બહાર નીકળી પગ આપોઆપ-એ અવાજની દિશામાં ખેંચાતા ગયા.

સોહમને કુદરતનું સાંનિધ્ય, નૈસર્ગિક વાતાવરણ ખૂબ મોહતા. એટલે જ કોલેજમાં રજા પડતી કે સોહમ અમદાવાદથી મામાના ગામ 'સોમપુર' આવી જતો.

અવાજની દિશામાં પહોંચ્યો... ત્યાં જોતા આંખોને અચરજ થયું! એક ખૂબ જ ખૂબસૂરત યુવતી એક હાથે ઘંટીના પડને ફેરવતી, બીજા હાથે અનાજ નાંખતી સૂરીલા સ્વરે ગીત ગાતી જતી હતી! તેનો મધુર કંઠ અને ઘંટીનો ઘરર-ઘરર અવાજ... એક બીજા સાથે સુસંગતતા સાધી તાલ મેળવતા જતા હતા.

એ નયનરમ્ય મૂરત- સૂરીલા સ્વરની ખણકમાં સોહમ એવો ખોવાયો કે ક્યારે ગીત બંધ થયું... ઘંટીનો અવાજ બંધ થયો અને સૂરજ ઊગી નીકળ્યો... એની ખબર ના પડી...!! મધુર હાસ્યના રણકારથી એની તંદ્રા તૂટી. આંખ ખોલીને જોયું તો સામે એ ખૂબસુરત યુવતી હસી રહી હતી.

એના ગુલાબી -પંખુડી જેવા હોઠ, મોતી જેવા દાંત, મૃગનયની જેવી અણિયારી -કાજલ આંજેલી આંખ!!! આહાહા... એના સૌંદર્યનું રસપાન એનાથી વારે-વારે ભૂલમાં જ થઇ જતું હતું!

એણે હસીને આવકાર આપતા કહ્યું, 'આવો ભા, તમે તો મગનભા'ને તિંયા આવેલા ઇમના ભોણા(ભાણા) છોને?’

ઓહ...!! આ યુવતીને એ ખબર હતી. સોહમ હસી પડયો. ગરદન હલાવી હા કહી. ‘તિંયા ચ્યમ ઊભા છો? વાંહે આવોને ભા.' તે ઘરમાં જવું કે ના જવું એ અવઢવમાં હતો ત્યાં એ યુવતીએ એનો હાથ પકડયો અને સોહમને ઘરમાં લઈ જતાં બોલી, 'ભાના મે'માન ઈ અમારા પન મે'માન.’ ખાટ ઢાળીને તેને બેસવા કહ્યું.

ખાટ પર બેસતા ઘરમાં નજર ફેરવી. લીંપણવાળું સુઘડ, સ્વચ્છ ઘર હતું. ઘરમાં બીજા કોઇની હાજરી ના વર્તાઇ. સોહમને અચરજ થયું. આગળ કંઇ વિચારે એ પહેલાં પિત્તળના ચકચકિત પ્યાલા રકાબીમાં ગરમા-ગરમ ચા બનીને તેની સામે આવી ગઇ. એ મધુર કંઠે તેને આપતાં બોલી, ‘લ્યો ભા, ચ્યા.’

સવારમાં ગરમા-ગરમ ચામાંથી આવતી મીઠી -મીઠી સોડમ... સોહમ એને પીવાની લાલસા રોકી ના શકયો. ચા પીને એ યુવતીનો આભાર માની ઘરે આવ્યો. મામીએ એને જોતા સવાલ કર્યો, ‘સોહમ, સવારમાં ક્યાં ફરી આવ્યો?’

તેના કાનમાં હજુ પણ તેનો મીઠો રણકાર ગૂંજતો હતો. હવે તેને એ યુવતી વિષે જાણવાની તાલાવેલી લાગી. મામીને હસીને કહયું, ‘ફરવા જતો રહ્યો હતો.’ મામા ખેતરે જવા નીકળ્યા, ત્યારે મામી પાસે ગયો અને એ યુવતી વિષે પૂછયું.

મામીએ જણાવ્યું એનું નામ 'લાખી'. રવજી હારે ઇના લગન થયા. રવજી-લાખીની જોડી એવી લાગે જાણે 'રામ-સીયા.' બન્ને ખૂબ મહેનતી. રવજીને પોતાનું નાનકડું ખેતર હતું. શિરામણ પતાવી, ભાથું લઇ બન્ને એક હારે જ ખેતર જતા. ગોધણ સમયે પાછા ફરતા.

સમયનું ચક્ર એવું ફર્યુ કે એમની ખૂશીને કોઇની નજર લાગી ગઇ. રવજી ભાઇબંધોની સોબતમાં દારુના રવાડે ચઢી ગયો. પહેલા ઘરમાં હાસ્યનાં, ગીતનાં રણકાર સંભળાતા ત્યાં હવે ઝઘડા અને માર-પીટના અવાજો સંભળાવા લાગ્યા.

દારુના કારણે પૈસાની તંગી પડવા લાગી. ખેતર ગીરવે મૂકાય ગયું. ઘરમાંથી ખુશી જતી રહી, કંકાસે સ્થાન લઇ લીધું. લાખીને ઘર ચલાવવાના ફાંફા પડવા લાગતા તેને બીજાના ખેતરમાં –દાડિયે (મજૂરી) જવાનો વારો આવ્યો. ગામનાં બધાએ રવજીને ખૂબ સમજાવ્યો, દારુ છોડી દે, પણ...

અચાનક એક દિવસ રવજી કોઇને કાંઇ પણ કહ્યા વગર ઘરેથી જતો રહ્યો. બધી જગ્યાએ ગામવાળાઓએ ખૂબ તપાસ કરી. આજ દિન સુધી એના કોઇ વાવડ નથી. લાખી છેલ્લા ચાર વર્ષથી તેની વાટ જુએ છે!!!

‘ઓહ!!!’ સોહમના મુખેથી આટલા જ શબ્દો સરી પડયા. એ યુવતીની વિતક કથા જાણીને !!
સાંજે સંધ્યા સમયે એ જ પાછો સૂરીલો સ્વર રેલાયો...

'સાંજ પડેને વાયરે કોના પગલાં ભીનાવાય,
ટોડલા મૂઆ ટહુકે, મારે શરમાવાનું થાય,
નેવા ઊઠી ડોકિયું કરે, રોજનું આ તો થ્યું,

ઈ આવશે ત્યાં દોટ મેલીને, પરખી લેજે પવન...
ચાલ્યા આવો... વાલમ... ચાલ્યા આવો વાલમ....!!!

એ ગીતમાં કેટલું દર્દ સમાયું હતું. દિવસો વીતી જાય છે. સાંજ પડતા -ભીનાં પગલાં વાયરાની સાથે વાય છે. એ હૈયાની આરપાર ઉતરી જાય છે. ટોડલે મોર ચીતરેલો છે એય એના મનની જેમ 'પિયુ'ની વાટ જોવામાં ટહુક્યા કરે છે! આ નેવાં ય રોજ ડોકિયું કરી મારી વેદનાઓને જુએ છે! વાલમ... હવે તો ચાલ્યા આવો, હવે તો ચાલ્યા આવો!!

સોહમ લાખીની ઘેરાયેલી વેદનાઓને એ ગીતમાં સાંભળી રહ્યો. વિચારી રહ્યો... રવજીએ દારૂની લતે ચઢીને જિંદગીની કેટલી મોટી ભૂલ કરી છે. હીરા જેવું રતન ધૂળમાં રગદોળી નાખ્યું છે. ના જાને, કયારે એની વિષાદભરેલી આંખોમાં સાજનના સપનાઓ રંગાશે! રવજી હવે પાછો આવશે કે નહીં? આ પહાડ જેવી જિંદગી... લાખી એકલી કેવી રીતે ગુજારશે?

ભગવાને દુનિયામાં 'નારી'ને કેટલી શકિતશાળી બનાવી છે. જિંદગીમાં કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે એ મકકમતાથી સામનો કરે અને 'હેમ'ની જેમ નિખરીને બહાર આવે છે!!! નારીને અબળા સમજનારા પામર છે. તેની આવી સહનશીલતા માટે શબ્દો ઓછા પડે!!

સોહમ જેટલા દિવસ મામાના ઘરે રહયો આજ ચિંતા તેને સતાવતી રહી. વેકેશન પૂરૂ થતાં અમદાવાદ પાછો ફર્યો. અભ્યાસની ચિંતામાં એ વાત વિસરાઇ ગઈ.

એક દિવસ મામીનો ફોન આવ્યો ત્યારે ગામની બધી વાતોમાં એમણે જણાવ્યું, ‘સોહમ તને યાદ છે લાખી?’

‘હા મામી, તેનું શું થયું? રવજી પાછો આવી ગયો? કયારે આવ્યો?’
‘ના, તે પાછો નથી આવ્યો. પરંતુ લાખી જે ખેતરમાં મજૂરીએ જતી હતી તે ખેતરના માલિકના છોકરાએ તેના પર બળાત્કાર કર્યો. આ બનાવ પછી ત્રીજા દિવસે લાખી એ આત્મહત્યા કરી.’

‘ઓહ!!!’ સોહમ એટલું જ બોલી શકયો. તે વિચારી રહ્યો.. દારૂના રવાડે ચઢી આવી કેટલીય લાખીનાં સપનાંઓ રોળાતાં હશે?? એમની એકલતાનો લાભ લઈ, કેટલીય લાખીઓના શિયળ લૂટાતાં હશે! તેમના હોઠ પરથી હાસ્ય છીનવાતું હશે? પુરુષના ક્ષણિક ઉન્માદના ગુનાની 'સજા' તેને પોતાની જિંદગીનું બલિદાન આપીને કેમ ચૂકવવી પડતી હશે?

સામાજિક

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..