Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sureshbhai patel

Others

3  

sureshbhai patel

Others

દશેરા - વિજ્યાદશમી

દશેરા - વિજ્યાદશમી

3 mins
204


ભગવાનની કૃપા અને ધનુર્ધારિ ધનંજય એટલે મનુષ્ય પ્રયત્ન. હા, આ બંનેનો જયાં-જયાં સુયોગ મિલન સર્જાય ત્યાં-ત્યાં શું શું અશક્ય રહે છે ? માણસનો ચડતો જતો (વધતો જતો) પ્રયત્ન અને ઈશ કૃપાનું મળવું. જો આ બંનેનું મિલન થાય તો વિજયના જ ઘંટ વાગે. આમાં શંકા-કુશંકાને જરાય સ્થાન નથી. હા, આ નિર્વિવાદિત ઘટના છે. માણસની ભક્તિ અને ઈશ્વરની શક્તિના સમયનું મહત્વ સમજાવતો ઉત્સવ એટલે દશેરા ઉત્સવ.

નવરાત્રિના નવ દિવસ જગતજનની માત જગદંબાની ઉપાસના કરી, શક્તિ પ્રાપ્ત કરતો માણસ જય-વિજયની પ્રાપ્તિ માટે ઉત્સાહથી થનગની ઊઠે છે. તે બિલકુલ સ્વાભાવિક છે. આમ, આવી રીતે નીરખાતો દશેરાનો તહેવાર એટલે વિજય મેળવવાનો દિવસ = વિજ્યાદશમી (દશેરા).

આપણા ભારત વર્ષની ભારતીય સંસ્કૃતિ (રીતરિવાજ) વીરતાની પૂજક છે. શૌર્યની ઉપાસક છે. આવા સમાજમાં વીરતા પ્રગટે છે. જ્યાં ઘૂષણકોરી, લૂંટફાટ, સ્ત્રી અત્યાચાર વગેરે વગેરેનો પ્રભાવ પાડે છે, કે પગ પેસારો કરે, ત્યારે રોગ અને શત્રુ (દુશ્મન)ને ઊગતા જ જામી દેવા જોઈએ. તેમનો પગ-પેસારો થઈ ગયા પછી, તેના પર અંકુશ લાવવો ખૂબ કઠિન બને છે. આપણા શાસ્ત્રોમાં આવા, અનેક ઉદાહરણો જોવા મળે છે. ભગવાન રામચંદ્રજીના રાવણ સામે વિજયનું પ્રતીક આ દિવસ બન્યો. બીજું છત્રપતિ શિવાજીએ પણ ઔરંગઝેબને માત કરવા આજના દિવસે પ્રસ્થાન કર્યું હતું. આવા તો અનેક દાખલાઓ છે.

વર્ષાઋતુમાં ઈશ કૃપા વડે માણસ ધન્ય-ધાન્યથી સમૃદ્ધ બન્યો. મતલબ કે, અઢળક અનાજ પકવતો. તેથી તેના મનમાં આનંદનો પાર સમાતો નહોતો. તેની નસે-નસમાં ઉત્સાહના ફુવારા ઊડતાં હોય, ત્યારે વિજય પ્રાપ્ત કરવાનું મન કોને ન થાય..?

વરસાદ પણ ચાલ્યો ગયો હોય, તેથી રસ્તા પર કાદવ પણ સુકાઈ ગયો હોય. આવું વાતાવરણ અનુકૂળ સર્જનાર ગણાય. નવ-નવ દિવસની જગદંબાની ઉપાસના કરીને, મેળવેલી શક્તિ દુર્ગુણો પર પ્રહાર કરવા પ્રેરાતી હોય છે. જળવાદ, ભોગવાદ, માનવ જીવનના મુખ્ય અવરોધક શત્રુ બની ગયા છે. બહારના શત્રુઓની જેમ, અંતર શત્રુઓ પણ છ પ્રકારના છે. જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ,અને મત્સર વગેરે. મનુષ્યના જીવન વિકાસમાં અંતરાય રૂપ બનતા આવા શત્રુઓને ઓળખી લેવા જોઈએ, તે આપણા પર હુમલો કરી અડ્ડો જમાવે તો, તે જીતી જાય. તે પહેલાં, ચેતી જઈ વિજય પ્રસ્થાનના શુભ પ્રસંગે આવા શત્રુઓને આગળ વધતા અટકાવવા જોઈએ.

આ રીતે આળસ પણ આપણો મોટો શત્રુ છે. મજબૂત મનોબળ સાથે બાહ્ય અને અંતરિક શત્રુઓ પર વિજય મેળવવા માટે દ્રઢ સંકલ્પ કરી આગળ વધવાનો દિવસ એટલે દશેરા.

આજે માનવીય નૈતિક મૂલ્યો ભયમાં મુકાયાં અને આપણી ભવ્ય અને મહાન સંસ્કૃતિ મૃત:પાય થવાના આરે છે. તો હું ચૂપચાપ કેમ બેસી શકું ? મારી સાથે ઐશ્વર્ય શક્તિ છે. આસુરી વૃત્તિને નીરખવા, મારાથી બનતા તમામ યથાશક્તિ પ્રયત્ન કરીશ, એ સંકલ્પ લેવાનો દિવસ એટલે દશેરા.

ટૂંકમાં કહેવું હોય તો, દશેરાનો દિવસ એટલે સમાજમાં રહેલી દિન, હીન, લાચાર તથા ભોગવૃત્તિને હટાવવા કટિબદ્ધ થવાનો દિવસ. દોષો અને દુર્ગુણો જેવા શત્રુઓ પર વિજય મેળવવા કર્મયોગી બનવાનો દિવસ.

એક પ્રસંગ છે, કે રઘુરાજાને ત્યાં, વરતંતુનો શિષ્ય કૌત્સ આશ્રમ માટે, ગુરુદક્ષિણાના રૂપમાં ચૌદ કરોડ સોનામહોરો લેવા આવ્યો. સર્વ દક્ષિણા દાન આપી, શરદનો મેઘ ખાલી થઈ જાય, તેમ રઘુરાજા ખાલી થઈ ગયા હતા. વેદવિદ્યા વ્રતધારી ગુરુદક્ષિણા માટે આવે અને મારા આંગણેથી ખાલી હાથે પાછો ફરે તો, મારી સાત પેઢી લાજે. એથી, હું આવી અપયશી નહીં લઉં.

ધન સંગ્રહીને બેઠેલા કુબેરને સિમોલ્લંઘનનો પડકાર કર્યો. ગભરાઈને કુબેરે શમીના વૃક્ષ ઉપર સોનામહોરોનો વરસાદ વરસાવ્યો. શમી વૃક્ષે વૈભવ આપ્યો, તેથી તેનું પૂજન થવા લાગ્યું. તેમજ પાંડવોએ તેમનાં દિવ્ય અસ્ત્રો શમી વૃક્ષ ઉપર સંતાડી રાખ્યાં હતાં, તેથી શમીનું માહાત્મ્ય વધ્યું.

રઘુએ શમી વૃક્ષ ઉપર વર્ષારૂપે પડેલી સોનામહોરો કૌત્સને આપી દીધી. ચૌદ કરોડથી વધુ ન લઉં એવો કૌત્સે આગ્રહ રાખ્યો. તારા નિમિત્તે આવી છે તેથી વધારાની મારી તિજોરીમાં નહીં રખાય, એવો આગ્રહ રઘુએ રાખ્યો. વૈભવ ન લેવા માટેનો આગ્રહ કદાચ ભારતમાં જ જોવા મળશે. વધેલી સોનામહોરો લોકોમાં લૂંટાવી દીધી. હક્કનું લેવાની અને અણહકકનું ત્યજવાનો ભાવ જગાવવો જોઈએ. આમ, જડવાદ અને ભોગવાદ ત્યજી ઈશ્વરવાદની ગર્જના કરી, આંતરિક અને બાહ્ય શત્રુઓને મારી ભગાવવા એટલે વિજ્યાદશમી.

"દશેરા" એટલે વીરતાનો વૈભવ, શૌર્યનો શૃંગાર અને પરાક્રમની પૂજા. નહીં કે રાવણનું પૂતળું બનાવી અગ્નિદાહ આપવો. આટલું કરવાથી કંઈ દશેરાનો ઉત્સવ મનાવી ન શકાય. તેમજ ફાફડા જલેબી ખાઈને મનાવી ન શકાય. આમાં કોઈ ઉત્સવનું મહાત્મા જણાતું જ નથી. અહીં નરી ભોગવૃત્તિને મોજશોખ જ તરી આવે છે. આપણા અંદરની રાવણ વૃત્તિ મરવી જોઈએ અને બહારના રાવણોને મારવા એટલે વિજ્યાદશમી.

છેલ્લે એમ કહી શકાય કે... ભક્તિ સાથે શક્તિનું પવિત્ર મિલન એટલે "દશેરા."


Rate this content
Log in