Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Others

4.0  

Sapana Vijapura

Others

આત્મસાત

આત્મસાત

10 mins
7.2K


પાંત્રીસ વરસની રેશમા એકદમ સુંદર અને આત્મશ્રદ્ધાવાન દેખાતી હતી. વારંવાર ખડખડાટ હસતી હતી અને આંખોમાં એક ચમક હતી. એક કંપનીમાં એમીનેશન એડિટરની સરસ પોસ્ટ પર હતી અને સારું એવું કમાતી હતી. પોતાના તથા પોતાના માતા પિતાના તથા ભાઈ બહેનના દરેક શોખ પૂરા કરતી હતી.

રેશમાને જોઈને નારી શક્તિ પર ગર્વ કરવાનું મન થાય. પણ હા એ જ્યારે અઢાર વરસની હતી અને બસ હાઈસ્કુલ પાસ કરી ત્યારે રેશમા આવી ન હતી. ત્યારે એ રોહીતના સંપર્કમાં આવી હતી. એ દિવસો દરમિયાન એ મુંબઈ આવી હતી. કોઈ મિત્રની બહેનના લગ્નમાં રોહીતની એની મુલાકાત પણ થોડી ડ્રામેટીક હતી. એક એની દોસ્ત રસ્તામાં મળી ગયેલી. એની સાથે ખૂબ દેખાવડો ડેશીંગ યુવાન હતો. ટેમીએ ઓળખાણ કરાવી આ મારો ખૂબ નિકટનો મિત્ર રોહીત! રેશમાને રોહીત ગમી ગયો. પણ મિત્રની સાથે હતો તેથી રોહીતમાં ખાસ રસ લીધો નહીં. પણ ટેમી સાથે મુલાકાત થતી તો રોહીત મળી જતો. આમ સમય જતાં એકબીજાના ફોન નંબર એક્સચેન્જ થયા. રેશમાં પણ ખૂબ દેખાવડી મીઠાં બોલી અને પ્રેમાળ હતી. એક બે વાર એ રોહીતને કોફી માટે એકલી મળી તો ખબર પડી કે ટેમી અને રોહીત ફકત મિત્ર જ હતાં વધારે કઈ નહીં.
હવે રેશમા અને રોહીતની મુલાકાતો વધવા લાગી. રોહીત ખૂબ મોટા સપનાં સેવતો અને એ સપનાંમાં રેશમાને પણ શામિલ કરતો.એને લંડન જઈ આગળ અભ્યાસ કરવો હતો.
રોહીત અને રેશમા ખૂબ નીકટ આવી ગયાં. બન્નેની દોસ્તી પ્રણયમાં બદલી ગઈ હતી. એક દૉઢ વરસ બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં રહ્યા. રેશમા રોહીતને પોતાના માબાપને મળાવા માંગતી હતી. રોહીત તૈયાર હતો લંડન જતાં પહેલાં બન્ને સગાઈ કરી જોડાવા માંગતાં હતાં. રેશમાએ રોહીતને ગામ બોલાવ્યો. બધાં રોહીતને જોઈને ખુશ થઈ ગયાં. ખૂબ વિવેકી ધાર્મિક, દેખાવડો અને ભણેલો છોકરો આજકાલ ક્યાં જોવા મળે છે. બન્ને વીંટી બદલી નાની એવી સેરીમની સાથે બંધનમાં જકડાઈ ગયાં.
રેશમાનાં પપ્પા મમ્મી રોહીતને ખૂબ માનપાન આપતા બલ્કે દીકરાની જેમ રાખતા. પપ્પા બધે ફરવા લઈ જાય મમ્મી સરસ સરસ પકાવીને ખવડાવે અને એનો પડ્યો બોલ ઊઠાવે! રેશમાની ખુશી માટે બધું જ કરે. રોહીત એક આઈ.ટી. કંપનીમાં કામ કરતો હતો. એક વાત રેશમા સમજી શકતી ન હતી કે સગાઈ બાદ રોહીત થોડો બદલાયો લાગતો હતો. વાતવાતમાં રેશમાને ઉતારી પાડતો. ક્યારેક કહેતો કે કપડાં પહેરવાની એને સેન્સ નથી ક્યારેક કહેતો મેઈક-અપ કરતા નથી આવડતો. તો ક્યારેક ગામડીયા જેવું ઈંગ્લિશ બોલે છે. પણ રેશમા તો પ્રેમાંધ હતી. એવું માનતી કે રોહીત મુંબઈનો છે અને પોતે નાના ગામની. પણ ધીરે ધીરે એ બધું શીખી જશે. નવાઈની વાત એ હતી કે ઘણીવાર પહેલા રોહીત એને કહી ચૂક્યો હતો કે તું મેઈક-અપ વગર જ સારી લાગે છે અને તારી સાદગી મને ગમે છે. અચાનક આ ફેરફારથી રેશમા ચિંતા કરતી હતી. પણ ધીમે ધીમે બધું સરખું થઈ જશે એમ માનતી હતી. જોકે પોતે ગામમાં રહેતી હતી અને ફોન પર આવી વાતો કરતો એટલે એમ પણ વિચારતીકે જ્યારે અમે બન્ને સાથે હઈશું ત્યારે રોહીત આ બધી શિકાયતો ભૂલી જશે અને અમે ફરી એક થઈ જઈશું.અને એ મલકી પડતી.
રેશમાની ઈચ્છા હાઈસ્કુલ પછી એમીનેશન ડિઝાઈનિંગની ડિગ્રી લેવાની હતી. એણે ઘણી યુનિવર્સિટિમાં એપ્લાય કરેલું. અને દિલ્હીની યુનિવર્સિટિમાં એનો નંબર લાગી ગયો. એ ખૂબ ખુશ હતી. એણે રોહીતને ખુશી સમાચાર આપવા ફોન કર્યો એનો અવાજ જાણે ખુશીથી ફાટી જતો હતો. "રોહીત, રોહીત મને દિલ્હીમાં એડમિશન મળી ગયું. તું લંડન જઈશ અને હું દિલ્હી!" પણ સામેથી રોહીતનો ઠંડો પ્રત્યુતર મલ્યો. “ઓહ! તો તું હવે શહેરની છોકરી બની જઈશ." તો પણ રેશમા રોહીત સાથે વાત કરતી જ રહી એને ખુશીમાં ખયાલ પણ ન રહ્યો કે રોહીત એની વાતમાં રસ નથી લઈ રહ્યો.
લંડન જવાનું લગભગ નક્કી થઈ ગયું. રોહીત રેશમાને મળવા ગામ આવ્યો. રેશમા પણ દિલ્હી જવાની તૈયારી કરતી હતી. વીસ વરસની રેશમા તાજી કુમળી કળી જેવી હતી. દુનિયાની આંટીધુંટી જાણતી ન હતી. એ તો પ્રેમમાં હતી. મહેબુબકી હર બુરાઈ અછાઈ લગતી હૈ. એમ રોહીતના ન સમજાય તેવા વ્યહવારને પણ ઈગ્નોર કરતી હતી.

એકાંત મળતાં રોહીતે રેશમાને કહ્યું, "લંડનની બધી તૈયારી થઈ ગઈ છે પણ એક વિઘ્ન નડે છે." રોહીતને વીંટળાઈ વળીને રેશમાએ એની આંખોમાં પરોવી પૂછ્યું, "શું વિઘ્ન છે રોહીત આ જાન હાજર કરી દઉં?" રોહીતે રેશમાને દૂર ખસેડતા કહ્યું, "ના.. ના.. આતો જરા પૈસાની તકલીફ્.." રેશમાએ કહ્યું, "અરે, ગાંડો થયો! આ તકલીફ હતી તો મને કહ્યું કેમ નહીં? શું અમારા પૈસા તારા નથી? હું પપ્પાને કહું છું તારે કેટલાં પૈસાની જરૂર છે?" રોહીતે નીચી નજર કરી અચકાતા કહ્યું, "દોઢ લાખની!! ટીકીટ અને રહેવાનો ખર્ચો! ત્યાં જઈ હું જોબ શોધી લઈશ! તારા પપ્પાની પાઈ પાઈ ચૂકવી દઈશ!" રેશમાએ એના ગાલને ચૂમીને કહ્યું, "ડોન્ટ વરી! હું પપ્પાને વાત કરું છું."

રેશમાના પપ્પાએ રોહીતને પૈસાની સગવડતા કરી આપી, જોકે એનાં પપ્પાની પરિશ્થીતિ બહું સારી ન હતી. પણ દીકરી માટે કાંઈ પણ કરવા તૈયાર હતાં. રોહીત પૈસા લઈ મુંબઈ આવવા નીકળી ગયો. મુંબઈ પહોંચી બધી તૈયારી કરી લંડનની ટીકીટ લઈ રેશમાને જણાવ્યું. રેશમા તથા તેનાં પપ્પા મુંબઈ આવી ગયાં. રેશમા ઉદાસ હતી. કોફીશોપમાં રોહીતેને ભેટીને રડી પડી. રોહીત આશ્વાસન આપતો રહ્યો. કહે, "હું જલ્દી આવી જઈશ.એક વરસમાં આપણે લગ્ન કરી લઈશું."

રેશમાને શાંતિ થઈ! એરપોર્ટમાં અંદર દાખલ થવા ન દે! રેશમા પોતાના પ્રેમને વિદાય થતા જોઈ રહી! વારંવાર આંખો ભરાઈ જતી હતી. પપ્પાનો ટેકો લઈને ઊભી હતી. પપ્પા વારંવાર કહેતા હતા કે, "તું ચિંતા શું કામ કરે છે બધું બરાબર થઈ જશે વરસ આમ નીકળી જશે અને એ પાછો આવી જશે સેહરો પહેરીને!" રેશમા રડતાં રડતાં શરમાઈ ગઈ.

રેશમા પોતાના અભ્યાસ માટે દિલ્હી આવી ગઈ. દિવસો નીકળવા લાગ્યા! પોતાના અભ્યાસમાં દિલ લગાડતી. વરસ પૂરું થયું. રોહીત ન આવ્યો. એને જોબ પરથી રજા ન મળી. રેશમાએ માની લીધું. બીજું વરસ પસાર થવા લાગ્યું. આ સમય દરમિયાન રેશમાએ લંડનની યુનિવર્સિટિમાં આગળ અભ્યાસ માટે એપ્લાય કર્યુ. અને લકીલી એને એડમિશન મળી ગયું. રેશમા નાચી ઊઠી. તરત રોહીતને ફોન કર્યો, "ગેસ વોટ!! તારી પાસે આવું છું.. તારી રેશમા હવે તારી પાસે રહેશે!" રોહીત સ્તબ્ધ થઈ સાંભળી રહ્યો. થોડું બોખલાઈને બોલ્યો. "શી રીતે?" રેશમા ઉત્સાહમાં બોલી, "મને યુનિવર્સિટિમાં એડમિશન મળી ગયું છે. હવે હું અને તું અને તું અને હું! ઓહ્.. રોહીત રોહીત રોહીત તારા વગર હું સાવ સૂની થઈ ગઈ હતી... તને ભેટવા માટે તડપી, તરસી રહી છું." "તું ક્યારે આવે છે?" રોહીતે પૂછ્યું. રેશમા એકદમ બોલી પડી, "તારા અને મારા ફેવરીટ દિવસે! ‘વેલેન્ટાઈન ડે’ના દિવસે. "સારુ." કહી રોહીતે ફોન રાખી દીધો. પ્રેમાંધ રેશમાને હકિકત દેખાતી ન હતી કે હકિકતથી મોઢું ફેરવતી હતી.

પપ્પાએ ઘર ગીરવી રાખી ૧૦ લાખની લોન લીધી. રેશમાની ટિકીટ, કોલેજની ફી, એક વરસનો રેહવાનો ખર્ચો.. વગેરે! રેશમા મુંબઈ આવી ગઈ. પપ્પા મમ્મી મુંબઈ મૂકવા આવ્યાં. ‘વેલેન્ટાઈ ડે’ની સવાર હતી. રાતની ફ્લાઈટ હતી. રેશમાનો ફોન રણક્યો. રોહીત હશે! એમ વિચાર્યું એણે ફોન ઉપાડ્યો. હા, રોહીત જ હતો. રેશમા ખુશીથી નાચી ઊઠી.. "હાય, સ્વીટ હાર્ટ! મને થયું તારો ફોન હશે અને ખરેખર તારો જ નીકળ્યો! દિલકો દિલસે રાહ હોતી હૈ!! બસ થોડા કલાકમાં આપણે સાથે હઈશું હેપી વેલેન્ટાઈ ડે સ્વીટ હાર્ટ!" રોહીતે ઠંડા અવાજથી કહ્યું, "જો રેશમા મારે તને એક વાત કહેવી છે. તું શાંતિથી સાંભળજે! અહીં મારે એક મિત્ર બની છે જેની સાથે મારાં વિચારો મળે છે, અમે બન્ને એક જ કંપનીમાં કામ કરીએ છીએ અને અમે એકબીજાની નજીક આવી ગયાં છીએ. પણ હું તને હજુ ચાહુ છું. પણ એના વગર પણ રહી શક્તો નથી. તો તું લંડન આવે એ પહેલા આ વાત કરવી હતી. ઈફ યુ ડોન્ટ માઈન્ડ ધીસ રિલેશન મારા દિલના દ્વાર હજુ ખુલ્લા છે તારા માટે." રેશમા પર જાણે વીજળી પડી. હાથમાંથી ફોન સરી ગયો. સમજ પડતી ના હતી કે કેવા પ્રત્યાઘાત આપવા. એને મક્કમતાથી ફોન હાથમાં લીધો અને કહ્યું કે તું મને એરપોર્ટ પર લેવા ના આવતો.
ફોન મૂકી એ પપ્પા પાસે ગઈ. હવે રડવાનો સમય ન હતો. ખાસ કરીને પપ્પા સામે! એણે પપ્પાને પૂછ્યું, "પપ્પા તમે કોઈને લંડનમાં ઓળખો છે જે મને એરપોર્ટ પરથી લઈ જાય? પપ્પા સમજી ન શક્યા રેશમા શા માટે આવી વાત કરે છે છતાં કહ્યું, "હા, મારા એક મિત્ર છે એનો ફોન નંબર મેં તને આપ્યો છે." પપ્પાએ આગળ કાંઈ પૂછ્યું નહીં. રેશમાએ દિલને મક્કમ કરી લીધું. મમ્મી પપ્પાને કહેવાથી એમને દુઃખ અને ચિંતા બન્ને થશે. બધાં એરપોર્ટ પર પહોંચી ગયાં. રેશમા પપ્પાને વળગી રડી પડી પણ પપ્પાને એમ કે અમને છોડીને જાય છે તેથી રડે છે.

રાતની ફ્લાઈટ હતી. પ્લેનમાં બેઠાં બેઠા રોહીતની બેવફાઈ વિષે વિચારતી રહી. શું બધાં પુરુષો આવા હશે? સ્ત્રીની લાગણી સાથે રમતા હશે? ખરેખર પુરુષનો વિશ્વાસ કરવા જેવો ખરો? અને શું એક સ્ત્રીને પુરુષના સહારાની જરુર છે? શું થાત જો મેં એની સાથે લગ્ન કરી લીધા હોત! ના, ના, હવે મને પુરુષરૂપી સહારાની જરૂર નથી. હું પગભર થઈશ અને પુરુષ નામની સાંકળને મારે ગળે નહીં બાંધું. પ્રેમ એકવાર થાય એ મેં કરી જોયો! હવે એ પ્રેમ મને નબળી નહીં પડવા દે! રડી રડીને હું જિંદગી નહીં ગુજારું!! રોહીત તું જોઈ લે તે એ અબળાને સબળા બનાવી દીધી! એનાં હાથની મુઠ્ઠી વળી જતી હતી. કેટલો વિશ્વાસ કર્યો મેં રોહીત પર! એની નફરત પણ સહી. એના અપમાન પણ કે તું ગામડીયણ છે તને બોલતા કપડા પહેરતા આવડતું નથી! પહેલા જે વસ્તુ બોધર થતી ના હતી એ બધી વાતો હવે બોધર થવા લાગી! વિશ્વાસભંગ કરી એણે મને વિશ્વાસ કરાવી દીધો કે પુરુષનો સાયો બની જીવવાની જરૂર નથી. હવે મને કોઈનો વિશ્વાસ નહીં પડે! માણસો સ્વાર્થી જ હોય છે મતલબ નીક્ળી જાય એટલે ઓળખે પણ નહીં!

પ્લેનમાં જરા પણ ઊંઘ આવી નહીં. પણ આંખમાં આંસું ન હતા! શા માટે રડવું? ગુનેહગાર હું નહીં પણ એ હતો. એજ પસ્તાવો કરશે. દિલમાં જરા પણ ગભરાટ ન હતો. એરપોર્ટ પર જે જવું હોય તે થાય! લંડન પ્લેન ઉતરી ગયું. ઈમીગ્રેશન પતાવી એ બહાર દરવાજા પાસે આવી. ટેક્ષી કરી લઈશ અને પપ્પાના મિત્રને ત્યાં જઈશ અને એક બે દિવસમાં ડોર્મમાં શીફ્ટ થઈ જશે. ત્યાં તો એણે રેશમા લખેલું પાટીયું જોયું. એ એ વ્યક્તિ પાસે ગઈ. એ પપ્પાના મિત્રનો શોફર હતો. રેશમા કારમાં બેસી ગઈ. બેચેન નજરે એરપોર્ટ પર જોયુ પણ ખરું! કદાચ રોહીત મજાક કરતો હોય અને વેલેન્ટાઈના ફૂલો અને બલુન લઈને આવી પહોંચ્યો હોય પણ નહીં ત્યાં રોહીત ન હતો. ફીકું સ્મિત એના ચહેરા પર આવી ગયું!

પપ્પાના મિત્ર અને એમના વાઈફ ખૂબ સરસ સ્વભાવના નીકળ્યા! મીરાબેન તો એને દીકરી જ માનવા લાગ્યાં. એમનો એક દીકરો હતો જે ડોકટર બની ગયો હતો અને બીજા શહેરમાં પ્રેક્ટિસ કરતો હતો. આ પ્રોઢ કપલ એકલું રહેતું હતું અને મોટા ઘરમાં બીજી બે-ત્રણ ભારતીય દીકરીઓને પી જી તરીકે રાખી રિટાયર્ડ જિંદગી જીવતા હતાં. રેશમાને એમને ઘરે રહેવા લાગી. બન્ને એને મા-બાપ જેવો સ્નેહ આપતા હતાં.

રેશમાનો અભ્યાસ ચાલુ થઈ ગયો. સાથે સાથે જોબ પણ કરવા લાગી. એની પાસે રોહીતનો નંબર હતો. એણે હિમંત કરી એક દિવસ રોહીતને ફોન કર્યો. અને કહ્યું કે, "મારા પપ્પાએ આપેલા પૈસા મને પાછા આપી દે. એણે પ્રોમીસ આપ્યું કે આપી દેશે. રેશમાએ કહ્યું, "જેમ બને એમ જલ્દી આપી દેજે મારે પૈસાની જરૂર છે." રોહીત હજુ આગળ વાત કરવા માંગતો હતો. પણ રેશમાએ ફોન કાપી નાખ્યો. હવે રોહીત પાસે રેશમાનો નંબર આવી ગયો હતો. એટલે વારંવાર એને ફોન કરવા લાગ્યો. એક યા બીજા બહાને. પણ રેશમાને એને ટાળી દેતી. કોઈ મિત્ર દ્વારા જાણવા મળ્યું કે જે સ્ત્રી સાથે એનાં સંબંધ હતાં તેણે બીજા પુરુષ સાથે લગ્ન કરી લીધા હતાં. હવે ફરી રોહીત 'સીંગલ' અને 'અવેલેબલ' થઈ ગયો હતો. એટલે રેશમાને મેળવવા ફાફા મારી રહ્યો હતો. રેશમાએ એક દિવસ ફોન કર્યો, "રોહીત, મારે તને એક વાત કહેવી છે.." રોહીત ખૂબ ખુશ થઈ ગયો, "હાં, હા બોલ! અને મેં જે કાંઈ કર્યુ એના માટે હું ખૂબ શર્મીંદા છું મહેરબાની કરી મને માફ કરી દે!" રેશમાએ ભારપૂર્વક કહ્યું, "જો રોહીત હું એક સ્ત્રી છું, કોમળ છું કમજોર નહીં. મને મારી જિંદગી પસાર કરવા માટે રોહીત નામના લેબલની જરૂર નથી. મેં તને પ્રેમ કર્યો હતો. પણ તે મારા વિશ્વાસનો ભંગ કર્યો. તને એક વાત કહું વિશ્વાસ કાંતો ૧૦૦% ટકા હોય અથવા ૦%!! એની વચે ના હોય!! અને મને તારા ઉપર ૦% વિશ્વાસ છે. મને ખુશી એ વાતની છે કે તે આ બધું લગ્ન પહેલા કર્યુ જેથી હું મોટા દુઃખ અને જુલ્મથી બચી ગઈ. બીજી વાત તે મને જિંદગીનો મોટો સબક આપ્યો છે કે કદી કોઈ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો! એના માટે તારો આભાર. હું હવે મારી જિંદગી મારી રીતે જીવીશ. મને કોઈ પુરુષના સહારાની કે પડછાયાની જરૂર નથી અને ખાસ કરીને તારા સહારાની તો બીલકુલ જરૂર નથી. એટલે હવે પછી ફોન કરવા નહીં. અને પૈસા જલ્દી આપી દેજે જેથી આપણી વચેની કડી પણ ન રહે મારા પપ્પાના પસીનાના પૈસા છે જે હું તને હજમ નહીં કરવા દઉં!

રોહીતે લગ્ન કરી લીધા અને એકજ મહીનામાં છૂટાછેડા પણ થઈ ગયાં. રેશમાએ જાણવાની કોશીશ પણ ના કરી કે આવું કેમ બન્યું? પણ એનાં હ્ર્દયને ખાત્રી હતી કે એજ કારણ હશે જે પહેલા હતું. રેશમા ખુશ હતી પોતાના જીવનથી! હવે એને તૂટવાની બીક લાગતી નથી. કારણકે જે લોકો એને તોડી શકે એ લોકોને એ ખૂબ દૂર મૂકી આવી છે. હવે એ દેશ વિદેશ ફરે છે સરસ જોબ કરે છે અને સૌથી વધારે પોતાના ભાઈ બહેન અને મા-બાપ માટે જ જીવે છે. અને જ્યારે લગ્ન વિષે પૂછ્યું તો કહે, "શું લગ્ન એજ મંઝીલ છે? હું ફરીવાર તૂટવા નથી માંગતી. હું ખુશ છું મારી કેરીયરથી અને હું જાગૃત છું મારી મા-બાપ અને ભાઈ બહેન પ્રત્યેની ફરજથી. કોઈ પુરુષનું મારાં જીવનમાં સ્થાન નથી! હું સ્ત્રી છું મને પુરુષના લેબલ સાથે મારે જીવવું નથી! આત્મસાત છુ આત્મઘાતક નહીં.


Rate this content
Log in