Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Others

1.0  

Vijay Shah

Others

ન્યાય

ન્યાય

15 mins
14.1K


સવારનું છાપું ખોલતાજ અક્ષયે આધાત અનુભવ્યો એની સાળી કલ્પનાની હત્યા થઈ હતી.

એનાં સાસરીયાંને જેલમાં મોકલ્યાં હતાં. સનસનાટી મચી ગઈ હતી. કલ્પના આમતો બધીજ રીતે દોમ દોમ સાયબીમાં હતી. પછી અચાનક આ પગલું કેમ લીધું. પૂરી માહિતી વાંચતા પહેલાં તો વિભાએ રડારોડ કરી મૂકી – એ અમોલ માવડિયો હતો અને એની માની ચઢવાણીથી જ આ બન્યું છે… ઓ મારી કલ્પુ રે…

આજુબાજુનાં પડોશી ભેગાં થાય તે પહેલા અક્ષયે વિભાને સંભાળી. બેગ તૈયાર કરાવી કલ્પનાના સાસરીયે જવા તૈયાર કરાવી. રડમસ ચહેરે, કલ્પનાને યાદ કરતી વિભા રીક્ષામાં બેસતાં ફરી રડી પડી. પડોશના કાંતાબેન પુછવા આવ્યાં. "શું થયું વિભાબેન…?" "ઓ મારી કલ્પુને મારી નાખી રે…" કહીને પોક મૂકી વિભાએ રડવાનું શરૂ કરી દીધું. ઘર સંભાળવાની તાકીદ કરીને અક્ષયે રીક્ષાવાળાને રીક્ષા ચલાવવાનું કહ્યું.

શાંત પાણીમાં કાંકરો પડે અને જેમ એક પછી એક તરંગો વહેતા જાય તેમ છાપું વાંચીને અને કાંતાબેનના પ્રત્યક્ષ વર્ણનથી સોસાયટીમાં વાત વહેલા માંડી. વિભાબેનની બેન કલ્પનાનું ખૂન થયું. અમોલ તો માવડિયો હતો. એનું ઘરમાં કશું ઉપજતું નહોતું. થયો હશે કંઈક ટંટો અને આવેશમાં આવીને રહેંસી નાખી હશે. પાછા ડાહ્યા થઈને એમ કહે છે કલ્પનાએ આત્મહત્યા કરી છે. શો કળજુગ આવ્યો છે. ધાર્યું ન થાય તો જીવજ લેવાનો…? એની નણંદો પણ જબરી હતી. પાછી કમાતી ધમાતી તેથી કલ્પનીનો જાણે ગુલામ. ભાભી આ આપો ને ભાભી તે કરો. અમોલથી નાનો કમલ અને એનાથી નાનો નયન. રીટાયર્ડ હેડમાસ્તર સસરા અને જમાદાર સાસુ. આટલાં બધાંની વચ્ચે એક માવડિયા પતિની પત્ની ટકે તો પણ કેટલુ ટકે હૈં?

આતો એક દિ’ થવાનું જ. ચુસ્ત અને પ્રખર થાળીમાં ભાતમાં અગીયાર કોળિયા જ લેવાનાં થોડો ઓછો પણ ભાત ન ચાલે અને થોડો વધુ પણ નહીં. જો ઓછો વધતો થઈ ગયો તો આવી જ બન્યું ને… સાસુને ડાયાબીટીસ એટલે ગણપણ વિનાનું ખાવાનું કરવાનું. મોટી નણંદને દમનું દરદ એટલે એની રસોઈ તેલ વિનાની કરવાની અને નાના બે દિયરો ખાવાનાં એટલા શોખીન કે ઘર તો જાણે હોટેલ હોય તેમ રોજની નવી નવી વાનગીઓ બનાવીને ખાવા જોઈએ.

ખાનાર આઠ. રસોઈ ચાર અને કરનાર એક. કેમ કે વહુ આવે એટલે ઘર ચલાવવાનું તો કામ એનું ને? દીકરીઓ નોકરી કરીને આવે એટલે થાકે અને સાસુ અલીબુન – કલીબુન કરવામાંથી પરવારે ત્યારે રાંધે ને…? વાતોના વમળો ફેલાતા ગયા.

અક્ષયની ઓફીસમાં સ્ટાફ પણ આમ વિચારતો હતો. વિભાની ઓટલા બેઠકમાં પણ કલ્પના અને તેની સાસરી ચર્ચાતી હતી.

બે કલાકે ટેક્ષીમાં રડતી કકલતી વિભા જ્યારે હોસ્પીટલમાં પહોંચી ત્યારે વૃદ્ધ માતા પિતા અને નાનો ભાઈ પ્રદિપ કલ્પનાના મૃતદેહની હોસ્પીટલમાંથી પોષ્ટમોર્ટમ થયા પછી આવવાની રાહ જોતા હતા.

વિભાથી નાની અને કલ્પનાથી મોટી એમની ત્રીજીબેન રક્ષા ગાંડપણમાં આજ પ્રકારે સળગી મરી હતી. તે પ્રસંગેને યાદ કરી એની માતા વિલાપ કરતી હતી. "મારી રક્ષા ગઈ પછી એની પાછળ આવા અકાળ મોતે કલ્પના ગઈ… હં.. પ્રભુ આ શું થવા બેઠું છે?"

વૃદ્ધ રતીલાલની આંખો પણ રડતી હતી. એમનાં નાનાભાઈ એમને સાંત્વન આપતા હતા.

અક્ષયે વિભાનાં નાનાભાઈ પ્રદિપને બાજુમાં લઈ જઈને પુછ્યું, "શું બન્યું હતું?"

પ્રદિપ બોલ્યો, "કાલે રાતે દસ વાગે ફોન આવ્યો કલ્પનાં બેને ગળે ફાંસો ખાધો છે. એમને બચાવીને હોસ્પીટલમાં લઈ ગયાં છે. સીરીયસ છે તમે ચાલો એટલે બા અને બાપુજીને લઈને અને અહીં આવ્યા ત્યારે ખબર પડી કે બેન ખલાસ થઈ ગઈ હતી. સામેના પાડોશમાંથી કોઈએ ફરિયાદ કરી કે કલ્પનાં બેનનું મૃત્યુ શંકાસ્પદ છે તેથી પોલીસ તપાસ શરૂ થઈ નહીંતર… બધું ભેલાઈ જ જતે."

"પણ બહેને આવેશમાં આવી જઈને તો આવું નહી કર્યું હોય ને…" "શું અક્ષયકુમાર, તમે પણ આવું બોલો છો...? ગળે ટુપો દઈને પહેલાં મારી નાખી હશે. અને પછી બતાવવા ખાતર ગાળીયું લટકાવ્યું હશે… ખૈર… ચાલો, જે થયું તે હવે બાપુજી અને બાને સંભાળવવાના છે. વિભાથી તો કંઈ થશે નહીં. તું હિંમત રાખજે. તમે પોલીસને શું સ્ટટમેંટ આપ્યું?"

"જે અમે સાંભળ્યું હતું તે બધુંજ કહ્યું છે. અમોલકુમારનું ઘરમાં કંઈ ઉપજતું નહોતું. અને ઘરમાં એને સાસરીયાં ત્રાસ દેતાં હતાં."
"પછી વધારે કંઈ…?"
"એમણે પૂછ્યું તેટલું બધું કહ્યું એનાં સાસરીયાનું શું સ્ટટમેંટ છે. બધા એકજ સરખું ગાણું ગાય છે. મોટીબેન પીક્ચરમાંથી આવે પછી જમવાની વાત હતી. અમોલકુમારે ભૂખ નથી કહી વાર્તાની ચોપડી વાંચવા બેઠો અને કલ્પું બહેન ઉપર ગયાં. પછી અધો એક કલાક થયો. અને અમોલકુમારે ઉપર જઈને જોયું તો કલ્પુબેન લટકતાં હતાં. એમણે ઉતારીને ડોક્ટરને બોલાવવા નાનાભાઈને મોકલ્યો. ડોક્ટરે કેસ હાથમાં ના લીધો અને ટેક્ષી કરી હોસ્પીટલમાં લાવ્યા ઘરેથી ગોખીને જ લાવ્યા છે. એવું કોંસ્ટેબલ કહેતો હતો." પ્રદિપ એકલી કડવાશથી બોલ્યો.

ત્યાં મૃતદેહ બહાર આવ્યો અને રડારોળ શરૂ થઈ ગઈ. વિકૃત મોઢું – આંખ અને જીભ બહાર નીકળી ગયેલી અને વાઢ કાપથી ચાદરમાં લપેટેલા કલ્પનાના દેહને જોઈને અક્ષયને પણ કમકમીયા આવી ગયા. ઘરના બધાં હતાં છતાં હિંમત કરીને મૃતદેહનાં કાગળીયા પર સહી કરી અને સ્મશાને લઈ ગયાં. સળગતી ચિતામાં ધુમ્રસેરો બનીને ઉર્ધ્વગામી કલ્પના સ્વર્ગસ્થ બની ગઈ.

 

વિભાના કુટુંબની આ લાક્ષાણિક્તા હતી. તેઓ અતિશય ભાવુક – લાગણીશીલ અને વધુ પડતાં વિચારો કરતા અને એથીજ ઘણી વખત છબરડા પણ થતા. રક્ષાનું અસ્થિર મગજ થવાનું કારણ પણ આજ હતું. ઘણીજ ભાવુક અને નિર્મળ છોકરી હતી. પરંતુ એક દિવસ નાની વાતમાં એને ઓછું આવી ગયું એનાં નિર્દોષ હાસ્યને રતીલાલે ટોક્યું, "રક્ષા હવે તું ઉમર લાયક થઈ – આમ શેરીના છોકરાઓની વાતો સાંભળીને હસીયે ના…"

અને એકદમ ગંભીર બની ગઈ. એણે વિયાર્યું બાપુજીને અમારા ઉપર વિશ્વાસ નથી. અમને કંઈ એવા સંસ્કાર આપ્યા છે? અમે કંઈ ભાગી જવાના હતા? અને શેરીના છોકરા તો ભાઈ કહેવાય… બાપુજીને અમારા ઉપર વિશ્વાસ નથી. એને રડવું આવી જતાં રહી ગયું. એની વિચાર ધારાને એ કાભૂમાં રાખવા જતાં જતાંમાં તો ઘણી આગળ જતી રહી. એમને એમ થયું હશે કે એમની દીકરી આડે રસ્તે ચઢી ગઈ. પછી દુઃખી થઈ ગઈ. પછી પાછી આવી એમને નીચાજોણું થયું, નાની બેન કલ્પના અને પ્રદિપ ઉપર એમનાં છાંટા ઉડશે.. અરર... આ શું એમણે વિચાર્યુ?

રતીલાલને આ વાતની તો નોંધ સુદ્ધાં પણ નહીં પરંતુ એક દિવસ – એ ખડખડાટ હસી – પંદર દિવસના ગંભીર મૌન પછી… ખડખડાટ હસતી રહી… કારણ વગર મલકતી રહી ત્યારે ડોક્ટરોએ તેને ગાંડી જાહેર કરી દીધી. રતીલાલને જોઈને એ અચુક હસતી ખડખડાટ હસતી. જાણે કહેતી ન હોય… "બાપુજી, તમને તમારા લોહી ઉપર વિશ્વાસ નથી?"

દવાની અસરો થતી, તો કયારેક હતા ત્યાં ના ત્યાંનો અનુભવ થતો.

બરોબર બે વર્ષે, ભર બપોરે તે કેરોસીન છાંટીને સળગી મરી. ત્યારે તે દુખદ પ્રકરણનો પડધો શમ્યો. રતીલાલ કહેતા પણ ખરા છોકરી સાપનો ભારો છે. જીરવાય પણ ના અને સહેવાય પણ ના, ખરું પૂછો તો આ વધું પડતું ભાવુક અને લાગણી શીલ હોવું અભિશાપ નથી?

 

અક્ષય અમોલને અને તેના કુટુંબને મળવા જવા જતો હતો. પણ તેનાં પગ અચકાતા હતા. તે દિવસે એક પત્રકાર તેને મળીને કંઈક વાત કઢાવવાનાં પ્રયત્નમાં હતો ત્યારે અક્ષયે એકદમ પૂછ્યું, "તમે અમોલને મળ્યા? એ શું કરે છે. શું કહે છે?" પત્રકારે ઠંડા કલેજે કહ્યું, "તમારે એ જાણવું હોય તો હું જરૂર તમને કહીશ. પરંતુ તે પહેલાં હું તમને કંઈક પૂછવા માગું છું તે કહેશો?"

"હા, જરૂર – પણ મારે એમની બધી ઘટનાં સાંભળવી છે તે પહેલાં કહો." "જરૂર કહીશ – પણ મને એ કહો બે એક મહીના પહેલાં અમોલે તમને એની ટ્રાન્સ્ફર કરવવાની વાત કરેલી?" "હા. પછી શું થયું. તે તો મને ખબર નથી." "તમે શું માનો છો? આ ખૂન છે કે આત્મહત્યા?"

"મને કેવી રીતે સમજાય?"
"તમારી સાસરી પક્ષે આને ખૂન છે કે આત્મહત્યા તે સાબિત કરવા કે કરાવવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો તેથી પૂછું છું."

"પોલીસ શું કહે છે?"

"તે તો પોષ્ટમાર્ટમના રીપોર્ટ ઉપરથી ખબર પડશે. મારા સસરા રતીલાલ એકદમ સરળ અને નિખાલસ માણસ છે. તેથી અમને જે વહેવારિક લાગ્યું હશે તે કર્યું હશે. હાલતો અને મૃતદેહને અગ્નીદેહ દઈને આવ્યાં છીએ તેથી – આ વાતની ચર્ચાનો દોર અટકાવીએ અને મૃતાત્માની શાંતિ માટે પ્રાર્થના કરીયે તો?" "પણ તમારે અમોલના પ્રત્યાધાતો જાણવા હતા ને?" "હા. સાચા પ્રત્યાધાતો. કોઈપણ રંજાડ કે આડંબર વિનાનાં આપણે કાલે બેસીને આ વિશે ચર્ચા કરીયે તો?"
"ભલે…"

બીજે દિવસે રીપોર્ટરની તો જરૂર જ ન પડી કારણ કે છાપું બધું જ કહેતું હતું. અમોલની વ્યથિત તસ્વીર – એનાં કુટુંબના દરેક દરેક જણને રીમાન્ડ ઉપર લેવાયા. લાઈ ડીરેક્ટર પાસે લઈ જવાયા. દરેકને ફેરવી ફેરવીને એકજ વાત કહી. વકીલો... પોલીસો.. અને પત્રકારોની ભાષામાં એ ખૂન હતું. રતીલાલની જુબાની લેવાઈ નથી. અક્ષયની વાતોને મહત્વ અપાયું હતું. બદલી શામાટે કરાવવાનો હતો. પ્રદિપને નાની ઉંમરનો ગણી તેનાં આત્મહત્યાની કે મૃત્યુની ઘટનાને નવા કાયદાઓ પ્રમાણે કડક પગલે લેવાતી હતી.

અમોલનાં પિતાજીની હેડમાસ્તર તરીકેની કલંક રહિત કારકીર્દી, ઘરમાં સસરા કરતાં પણ વધુ કમાતી મોટીબહેનનું વર્ચસ્વ અને માવડિયા અમોલની બદલી કરવાની ચેષ્ટાએ વાતને ગુંચવી નાખી હતી. અર્ધા એને ખૂન કોર્ટમાં સરકારી વકીલે જાત જાતની ઉલટ તપાસો લીધી. બદલી કરાવવાની ચેષ્ટા વિશે સંતોષકારક જવાબો ન અપાયા. અમોલની એકજ વાત હતી. તે નિર્દોષ હતો. તેને ખબર નથી. તેણે તો કલ્પનાને બચાવવાની કોશિષ કરી હતી.

રતીલાલને સરકારી વકીલે બહુ ઉસ્કેર્યો – તમારી છોકરીનો ખૂની એમને એમ છટકી જશે – તમે કેસ કરો તમે એના વિરુદ્ધનાં પુરાવાઓ આપો. કંઈક કારણ આપો – પરંતુ રતીલાલે મચક ન આપી. "જનાર જતું રહ્યું છે હવે દાટેલા મડદા ઉખેડવાથી શું ફાયદો?" વિભાની વાતો અને મારા સ્ટેટમેંટથી પણ કેઈસને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો પણ પાણીનું નામ ભૂ. પોષ્ટમોર્ટમનો રીપોર્ટ ફક્ત એટલુંજ કહેતો હતો કે શ્વાસનળી પરનાં દબાણને કારણે મૃત્યુ થયુ છે – વધુ ફોરેન્સીક રીપોર્ટ ઉપર રાહ જોવાની હતી.

 

અમૃતભાઈ હેડમાસ્તર તરીકે સરળ અને ભીરુ ગણાતા હતા. જેલના સળિયા પાછળ ચાર દિવસ અને ચાર રાત કાઢ્યા પછી એમની ઉંમર અચાનક વધીને એંસી જેવી લાગતી હતી. તે નવરા વિચારતા હતા.

આ છોકરી મારા ધોળામાં ધૂળ નાખી. મારી છેલ્લાં વરસોની આબરુ ધૂળમાં મેળવી દીધી. હવે પાછળ કમલ અને નયનનું શું થશે? તેનાંથી પણ આગળ આ છોકરીઓનું શું થશે? તેમની નોકરી તો જતી રહેશે અને એનાથી આગળ મારો અમોલ… ફાંસી થશે. આજીવન કેદ. બાઈ ડોક્ટરનો રીપોર્ટ શું હશે. મારું કુટુંબ ખેદાન મેદાન કરી નાંખ્યું. ઓ છોકરી આતેં શું કર્યું. આંખમાંથી ટપ ટપ સરતા આંસુ એક અસહ્ય વેદના.. કશું ન કરી શકવાની બેચેની અને લાચારીના પ્રતિબિંબ સ્વરૂપ હતાં.

અમોલ જુદી કોટડીમાં હતો. કમલ અને નયન અમૃતલાલની સાથે હતા. દરેકના ઉપરનો આરોપ જુદો જુદો હતો. અમોલની મમ્મી કેસરબેન તથા બેનો અવંતિકા અને કામીની પણ જુદી જુદી જગ્યાએ હતા.

અવંતિકા સૌથી મોટી અને અમૃતલાલની લાડકી હતી. મોટીબેન હતી ચકોર અને શિસ્તની આગ્રહી મોટી હોવાને કારણે નાનાબધાં ભાડુઓ ઉપરનું વર્ચસ્વ એનું જબરજસ્ત હતું અને અમૃતભાઈ પણ એને માનતા. નોકરી કરતી અને ઘરમાં દીકરો બનીને રહેતી. એને પગલે કામીનીને પણ નોકરી મળી અને અમોલ પણ એનીજ લાગવગે નોકરીમાં સ્થિર થયો.

તે શનિવારે અધો દિવસની નોકરી કરીને અવંતિકા અને કામિનિ ઘરે આવ્યાં. નજીકની ટોકીઝમાં કામિનિનાં ફેવરાઈટ હીરોનું ફીલ્મ લાગ્યું હતું. તેથી થોડોક આરામ કરીને ભાભીને જમવાનું બનાવવાનું મેનું કહીને બે બેનો અને નાનો નયન તે ફીલ્મ જોવા નીકળી ગયાં. છથી નવનો શો હતો.

કેસર અને અમૃતલાલ મંદિરે ગયા હતા કમલ મિત્રોમાં નીચે શેરીમાં ટોળ ટપ્પા કરતો હતો. અને થાકેલો અમોલ ઘરે આવ્યો.

ઘર સુમસામ હતું. કલ્પના એકલી ભાખરી વણતી હતી. અમોલે લાડથી પૂછ્યું, "કેમ કલ્પુ. આજે ઘર સુમસામ છે?" ખિન્ન વંદને કલ્પના એ કહ્યું, "અમોલ, ઘરમાં હું તો કામવાળી માત્ર છું મને ઘરની શું ખબર?"

"કેમ આવુ બોલે છે?"
"તો શું બોલું? પારકી છોકરીને આણીને દુઃખીજ કરવાની ને?"
"અરે, એવુ તે કંઈ હોતું હશે?"
"મોટીબેન અને કામીનીબેન પીક્ચરમાં ગયા. મને સહેજ મદદ કરીને એટલું યે પુછ્યું હોત કે ભાભી તમે પણ ચાલોને. તો પણ કંઈ હું એ લોકોની સાથે જવાની ન હોતી અને જાત તો પણ ખોટું શું હતું? ઘર હતું બધાં હળી મળીને રહે આનંદ પણ કરે. પણ ભાભી. આજે મારે શનીવાર છે ફરાળી નાસ્તો બનાવી રાખજો. અને મોટીબેન માટે ગરમા ગરમ ખીચડી હશે."

"ચાલ એવું તો ચાલ્યાજ કરવાનું. આપણે કાલે જઈશું. નારે, કાલે તમને ઘરમાંથી કંઈ એમ કોઈ છોડવાનું નથી."

"જો કલ્પુ, સંયુક્ત કુટુંબમાં આપણી અનુકુળતા તો ના જ ચાલે ને?"

"આખા ઘરમાં બધાની અનુકુળતા ચાલે એક મારી જ અનુકુળતા ના ચાલે – હવે તમને હું કેમ સમજાવું?"

"કલ્પના એમ આકળા થઈને તે ન ચાલે. તારા ઘર કરતા અહીંનું વાતાવરણ જુદું છે એટલે તને તકલીફ થાય તે સ્વાભાવિક છે પરંતુ ધીમેધીમે સૌ સારાંવાનાં થશે."

"તમારાથી શેક્યો પાપડ પણ ભંગાવાનો નથી. કાલે સવારે પૂછશો અને મમ્મી કહેશે મોટીબેનને પુછ અને મોટીબેન કહેશે – ના - એટલે – ચુપ થઈને બેસી જશો."

"અરે પણ કાલ સવાર તો પડવા દે. એના અત્યારથી વિચારો શું કામ કરે છે."

"આતો રોજનું છે તમને હું કયાં પરણી. મેં તો શું ધાર્યુ હતું ને કેવા નીકળ્યા તમે?"

"શું ધાર્યુ હતુ તેં?"

"ઘરમાં મોટા દીકરા તરીકે તમારું વર્ચસ્વ હશે – પણ તમારી તો દશા જુદી છે. માને પૂછ્યા વિના પાણી પણ નથી પીતા."

"કલ્પના તું વધુ પડતું વિચારે છે. વધુ તો તને શું કહું હું સમજુ છું તને તકલીફ પડે છે પણ... પણ હું કંઈ કરી શકું તેમ નથી – માને પૂછ્યા વિના…"

"સાવ માવડિયા છો – અમોલ તમારે તો પરણવુંજ ન જોઈએ…"

"ભલે..." – વધુ ગુસ્સો આવે અને કંઈક વધુ વાત વણસે તે પહેલાં અમોલ નીચે ઉતરી ગયો. આઠ સાડા આઠે પાછો ફર્યો ત્યારે તેને લાગ્યું કલ્પના વિચારોમાં મગ્ન હતી – એનાં બાપુજી આગલા રૂમમાં બેસીને છાપું વાંચતા હતા.

અમોલને જોઈને કેસર બોલી – "પાછું આજે વચક્યું છે. ખરું છે આ ગામડાનું ડોબું – આટલું સમજાવીએ છે છતાં – સુધરતુંજ નથી..."

અમોલ મનમાં સમસમી ગયો – એને બોલવાનું મન તો થઈ ગયું. એ ડોબું નથી. તમે નવાનવા સાસુ છો અને વધુ પડતા સાસુપણાથી દબાવો છો. પણ કટુતા વ્યક્ત થવા દીધા સિવાય શિષ્ટાચારથી એટલું જ બોલ્યો. "સૌ સારાંવાનાં થશે. એને થોડો સમયતો આપો."

અમૃતલાલને આ ન સમજાયું. "શું ધૂળ સમય આપે? તેજીને ટકોરો અને ગધેડાને ડફણાં – આ બીજી કક્ષામાં છે…" બીજો ચાબખો – અમોલ આદત પ્રમાણે સહી ગયો. એ વારંવાર સમજાવતો – કલ્પના પણ એની દરેક સમજાવટોમાં એની બુદ્ધિ વાપરતી તેથી ધાર્યું પરિણામ આવતુ નહીં.

ત્યાં કલ્પના આવી. એને પૂછ્યું, "થાળી પીરસું?"

ઉધ્વિગ્ન મને અને ચચરાટી સાથે અમોલે કહી દીધું "હમણાં નહી મોટીબેન આવે પછી બેસીશું…"

એલર્જી થાય તેવી વસ્તુ જ વારંવાર ખવાય તો જેમ એલર્જી વધી જાય તેમ, અચાનક જ મોટીબેનની વાતના સંદર્ભથી કલ્પના સુદ્ધ થઈ ગઈ. અમોલ નવલકથા લઈને તે વાંચવામાં મન પરોવી રહ્યો હતો. એનાથી મા બાપની આ ટકોર સહન થતી ન હોતી.

આખરે કલ્પના તેની પત્ની હતી. તેનાં વિશે ઘસાતું બોલાયતે તેનાથી સહન થતું ન હોતું. પણ એ શું કરે? અંદર બળવો કરવાની હિંમત ભેગી કરતો હતો. પણ સમય આવે ત્યારે. તેણે વિચાર્યું. બદલીની અરજી આપી દીધી હોત તો ઠીક વાત.

આ બાજુ કલ્પનાના મનમાં ક્રોધ જવાળામુખી બનીને ફાટ્યો હતો. "ઘરમાં બધાનું ચાલે, એક મારું નહીં. અમોલ પણ હુકમ કરે. તે મને ન સમજે તે ચાલે? એણે મારી સાથે જમવું જોઈએ ને? એને આટલું સમજાવું છું છતાંય તેને એનુ ઘર દેખાય છે – મા – મોટીબેન – કુંટુંબ – કુંટુંબ – કુટુંબજ વહાલું હતું તો મને પરણ્યો શું કામ. માવડિયા આવા માણસ સાથે જિંદગી કેમ કઢાય? કાલે ઊઠીને એનું કુટુંબ કહે કે કાઢી મૂક આને – મારી નાંખ આને – તો? એક જણ નહીં પાંચ જણાં બકરાને કૂતરું કહે તો – બકરું કૂતરું બની જાય એવો ન્યાય છે આતો.

માનો કે ન માનો – અહીં તો શરણે થાવ – અથવા કપાઈ જાય જેવો ન્યાય છે – એમનું કહ્યું ના માને એટલે ગામડાનું ડોબું અને ગધેડું."

એને રડવાની ઈચ્છા થઈ આવી – પણ રડાયું નહીં. આ જિંદગી પ્રત્યે એકદમ નફરત થઈ આવી. એને એના ઘરે જતા રહેવાની ઈચ્છા થઈ આવી, પછી પાછી પડી. એ આશરે કેટલા દિવસ. ફરી પાછુ અહીંજ આવવાનું ને આજ નરકમા ને? એના કરતા ચાલ રે જીવ. જિંદગીની કેદમાંથી જ મુક્તિ મેળવી લઈ એ.

એણે ઉપરની ઈસ ઉપર સાડીનો છેડો નાંખ્યો અને ગાંઠ બાંધી.

નીચે રેડીયો મોટો થયો. કમલનું કોઈક ડીસ્કોનું ગીત આવતું હતું. અને કલ્પનાના ઉંહકારા ડચકારા.. એ ડીસ્કોનાં ધુમધાંયમાં દબાઈ ગયા. સામી બારીએથી અશ્વીને ચીસ પાડી પણ. ત્યાં સુધીમાં તો અમોલ ઉપર આવી ચૂક્યો હતો.

પછી ઘરમાં સ્મશાનવત શાંતિ પથરાઈ ગઈ. બારણાં ભીડાઈ ચૂક્યાં હતાં. અમૃતલાલ, કેસર, અવંતિકા કામીની – કમલ – નયન અમોલ બધા ગુમસુમ મૃત કલ્પનાને જોતાં હતાં. આંખોમાંથી ધિક્કાર અને ગુસ્સો નીકળતો હતો. અમોલ રડમસ બનીને કલ્પનાની ઉતાવળ ઉપર આંસુ સારતો હતો.

બનવાકાળ બની ગયું હતું. હવે બચવાની જિજીવિષા જોર કરતી હતી. કમલને ડોક્ટરને બોલાવવા મોકલ્યો. બધું સીધું પાર ઉતરી જાય તેવા મનમાં તાણાંવાણાં શરૂ થઈ ગયા.

અશ્વીને નીચે જઈને જોર જોરથી બુમો પાડી ઉપર કલ્પનાને મારી નાખી છે. મારી નાખી છે. ઘર બહાર મોટું ટોળું વળી ગયું. અવંતિકા ને પહેલીવાર અફસોસ થયો. પડોશી જોડે ગુસ્તાખી કરવાનો – એણે અશ્ર્વીન વિશે ગમે તેમ બોલી ને તેનો વિવાહ થતો અટકાવ્યો હતો.

અમોલને વધુ નવ દિવસના રીમાન્ડ ઉપર લેવાયો આગોતરા જામિનોથી કામિની, અવંતિકા તથા નયન છુટી ગયા પરંતુ ઘરના સમયે ઘરમાં હાજર ચારે જણાની કેદ લંબાતી ગઈ. વકીલો – જેલરો – પોલીસો –ની આંખોમાં રહેલી કરડાકી તેમને વારંવાર ખૂની હોવાનો અહેસાસ કરાવતા હતા.

અમોલને તેની કાયરતા ઉપર ધીક્કાર છૂટતો હતો. અને સાથે સાથે કલ્પનાના અવિચારીપણા ઉપર પણ નફરત થતી હતી. એણે જરૂર બા અને બાપુજીની ચર્ચા સાંભળી હશે. લોખંડ ગરમ તો હતું જ અને પાછા આ લોકોનાં શબ્દો ઘણ કરતા સહેજ ઉતરે નહીં – પણ હવે શું? આતો દરેકને પોત પોતાના કર્મોની સજા મળે છે ભાઈ. તેનું મન ઉધ્વીગ્નતાથી બોલ્યું, "પતિ તરીકે પત્નીનું રક્ષણ કરવું એ તારી ફરજ છે. જેમ પુત્ર અને ભાઈ તરીકેની કુટુંબ પ્રત્યે તારી ફરજ છે તેમજ." એની નજર સમક્ષ હસતી કલ્પના. સંવનન કરતી કલ્પના… અને છેલ્લે રડતી, ભારે હૈયે સમજાવવાની મથામણ કરતી કલ્પના ઊભી થતી ગઈ. અને એ ધ્રુસકેને ધ્રુસકે રડતો રહ્યો…

અમૃતલાલ એની આચાર સહીતામાં જ મગ્ન હતા તે કલ્પનાને દોષિત ઠરાવતા હતા. પોતાના ઉપર આવી પડેલી આફતો માટે જવાબદાર કલ્પના હતી – પરંતુ તેમના હ્દયમાં એક ભયનું લખલખું જરૂર રહેતું હતું – અને તે અવગતે ગયેલ કલ્પનાનું ભૂત – એમને જીવવા નહીં દે… ખડખડાટ હસતી કલ્પનાનો ચહેરો એમને ડરાવતો હયો. તે કહેતો હતો, "અમૃતલાલ – માસ્તર થઈને શિસ્તના પાઠો શિખવ્યા – પણ દીવાતળે અધારું ખરું ને? તમારા દીકરા દીકરીઓને શિસ્તના પાઠ કેમ ન આપ્યા. એમને એકલાપેટા કેમ બનાવ્યા? હું તો બીજી કક્ષામાં, કેમ, અને આપ? જાતે બની બેઠેલા જજ, કેમ, ખરું ને? કદી વિયાર્યું કે આમ કરવામાં ન્યાય કયાં છે?"

કેસરને પણ આવું જ થતું હતું. સંતાનો પ્રત્યેનાં મોહમાં અંધ બનીને વહુ પ્રત્યે અન્યાય કરતી હતી તેનો અહેસાસ એને થઈ ગયો. જેવી કામીની તેવી કલ્પના તેવું વેવાણના મોઢે તો બહુ હેતથી બોલી હતી. પણ પછી? "વહુ થઈને આવ્યા છો – કામ કરો – અમારી સાસુતો સહેજ ધણી તરફ ટુંકવા પણ નહોતી દેતી અને – તમે નતો – જુદું જોઈએ...?"  કલ્પના એની સામે બોલતી તો નહી – પણ પાછું વળીને મોઢું બગાડતી, અને બબડતી તમારા વખતમાં ગાડાં જોડીને પીયરમાં જતાં અને હવે તો ચંદ્રમાં જવાનો સમય આવ્યો છે… કેસરની નજર સામે કલ્પના બા મને તમે અન્યાય કર્યો છે. અન્યાય કર્યો છે. અને કેસરનું અજાગૃત મન એ વાત સાંભળી શરમથી ઝૂકી જતું. એ વિચારતી – સાસુ થવામાં એણે પાછું વળીને નથી જોયું. દીકરો મારો છે – તું મારા કહ્યામાં રહીશ તો જ મારો દીકરો તને મળશે – જેવી બાલીશ ચેષ્ટાઓમાં તે હતી – પહેલી વાર સાસુ બની હતી ને તેથી. અવંતિકા કે કામિનિ સાસરે ગઈ હોત અને એની સાસુ એને દુઃખ દેતી હોય ત્યાર પછી એને આ વર્તનને દુઃખ કહેવાય તેનું જ્ઞાન થયું હોત. પણ આતો હલકાને હવાલદારી મળી…

સરકારી વકીલ આત્મહત્યાને ખૂનમાં ઠરાવતા બહુ જ પ્રયત્નો કર્યા. અશ્વીન અને પડોશીઓની જુબાન અમૃતલાલ નો કડક શિસ્ત પ્રત્યેનાં આગ્રહો – કેશરના બીનજવાબદાર વહુને નકામી ઠેરવતા અભિપ્રાયો – અવંતિકાની અને કામિનીની ઉધ્ધત વર્તણુંકો – અમોલનું માવડિયાપાણું – જેવી અનેક બાબતો તેમની વિરુદ્ધમાં હતી. ફોરેન્સીકનો રીપોર્ટ પણ મદદરૂપ નહોતો.

બચત પક્ષે કરેલા દરેક પ્રયત્નો તેમને ખૂન કરવા અંગે કોઈ સબળ કારણ નથી એમ કહી મૃત્યુ દંડને બદલે આજીવન કેદની વાત દોહરાતું હતું. અક્ષય, રતીલાલ, પ્રદિપની વાતો નરોવા - કુંજરોવા જેવી સાબિત થતી હતી. આ ટ્રાયલ દરમ્યાનમાં માનસિક ત્રાસો અસહ્ય હતા.

અમોલ ઉપર તાકી રહેતો. જજની ખુરશી ઉપરનાં નેતાની તસ્વીરમાં કલ્પના વારંવાર ડોકાતી હતી. હસતી હતી અને અમોલને કહેતી હતી. "મારા ભોળા રાજા… આવ…. તને હું ઝંખું છું. સમાજના કુટુંબના વળગણોથી દૂર આવ અહીં આપણું સ્વર્ગ છે… અહીં ફક્ત હું છું અને તું છે… તારે આવવું પડશે. રાજા ભોળા રાજા, મારા રાજા…. આવ… આવ…. તને તારી કલ્પું બોલાવે છે. ચાલ્યો આવ… ચાલ્યો આવ."

જજમેંટના દિવસે જજે બધાને નિર્દોષ જાહેર કર્યા યોગ્ય પુરાવાઓને અભાવે તથા ખૂન અંગે સબળ કારણનો અભાવ જોઈ તેમને છુટા કર્યા.

આજે પણ અમોલને આકાશની અટારીમાં કલ્પના દેખાય છે. પહેલાં હસે છે, પછી ધ્રુસકેને ધ્રુસકે રડે છે. અમૃતલાલે રતીલાલની માફી માંગી. કેશરને પક્ષપાત છે. અવંતિકા અને કામિની નોકરી કરે છે. પણ દિવસમાં બે વખત તો સાંભળે જ છે – ભાભીની ખૂની નણંદો, તમે જ કહો – ન્યાય બરોબર થયો ને?


Rate this content
Log in