Vijay Shah

Others

3  

Vijay Shah

Others

વાત વટેથી –

વાત વટેથી –

4 mins
13.7K


અમેરિકન વહુ કેથરીનનો પીત્તો સાતમા માળે હતો. તે સંકેતને ખખડાવતા બોલી “મેં તને કહ્યું હતુંને, મારી ડેઝીને હું બેબી સીટર પાસે રાખીશ, પણ તારા પપ્પા- મમ્મી પાસે નહીં... તેનું કારણ હવે સમજે છે? તેમને ડેઝીને ગાર્ડનમાં લઇ જવાનું કોણે કહ્યું હતું?”

સંકેત માથું નીચું રાખીને બેઠો હતો. તેણે પપ્પા- મમ્મીને એટલે રાખ્યા હતા કે ડેઝીની કાળજી સારી રીતે લેવાય સાથે ભારતનાં સંસ્કાર, ધર્મ અને ભાષા સચવાય, પણ એ બધું બાજુએ રહ્યું અને ડેઝીનાં નામે ઘરમાં છ મહીનાનો ખાટલો આવી ગયો. ઝડપથી દોડતી ૭ વર્ષની ડેઝી બાગમાં કુંડાને અથડાઈ પડી અને પગનું હાડકુ ભાંગી બેઠી. તાબડતોબ ૯૧૧માં ફોન કરી તેને પપ્પાએ અને મમ્મીએ ઇમરજન્સી દાખલ કરાવી અને સંકેતને ફોન કર્યો ત્યારે તેનો પહેલો પ્રતિભાવ એ જ હતો... “તમને કોણે કહ્યું હતું કે તેને બહાર લઇ જાવ?”

પ્રદીપ કહે, “સંકેત! બનવા કાળ બની ગયું છે હવે આ પિષ્ટપેષણ ના કર. સમજ્યો?”

“પણ પપ્પા, ડેઝી એવી કેવી રીતે દોડી કે ન તમારું ધ્યાન રહ્યું કે મમ્મીનું?’'

હોસ્પીટલમાંથી ડેઝીને ઘરે લઇ જતા સંકેત પપ્પા-મમ્મી ઉપર છણકા કરતો હતો. કેથરીન હોસ્પીટલમાં રહેવાની હતી, પણ પાટો બંધાયો, સ્ક્રુ ચઢ્યા અને આઉટપેશન્ટ દર્દી તરીકે છૂટ્ટી મળી ગઈ હતી.

રાધા કહે, “સંકેત, આ બન્યું એ પહેલાં ડેઝી તો જબરી આનંદમાં હતી. ખૂબ ખીલી હતી. ‘‘કેચ મી” કરીને મને દોડાવતી હતી... અને જોરથી દોડતી હતી... મેં તેને ના પણ પાડી, પણ મારાથી દૂર જવા તે જોરથી દોડતી હતી.

કેથરીન બબડી, “મમ્મી મારી છોકરીને ખોડ રહી જશે તો? તમે આવા બેદરકાર કેમ રહી શકો... ડેઝી તો હજી નાની છે... મને તો એવી રીસ ચઢી છે ને કે શું કરી નાખું?”

પ્રદીપ અંદરથી તો ધુંધવાતો હતો, પણ કમાતી અને પાછી અમેરિકન વહુ... રૂઆબ પણ ના કરાય. બાકી મજાલ છે કે સાસુ- સસરા સામે ચૂં કે ચાં થાય! અને આ તો એક્સિડન્ટ હતો.

રાધાથી ચુપ ના રહેવાયું તે બોલી, ‘‘કેથરીન આ તો અકસ્માત હતો.’’

વિફરેલી કેથરીન કહે, “અહીંના કાયદા પ્રમાણે અમારી પરવાનગી વગર તમે ડેઝીને ઘર બહાર કાઢી જ કેમ?’’

રાધા કહે, “ડેઝી તારી છોકરી છે તેમ સંકેતની પણ છે અને અમે તેના ગ્રાન્ડ પેરન્ટ છીએ... અમને તેને બહાર લઇ જવું ગમ્યું અને લઇ ગયા તેમાં શું મોટું આભ તૂટી ગયું?”

“આ છોકરી ને છ મહિનાનો પાટો આવ્યો તે કંઇ નાની વાત નથી.”

“સંકેત કેથેરીનને કહે સહેજ માન રાખે... આ કંઇ જાણી જોઇને નથી કર્યુ... અકસ્માત છે.’’

“પપ્પા અને મમ્મી તમે શાંત બેસશો? કેથરીનની જેમ મને પણ હવે તો તમારી આવી બેકાળજીથી ત્રાસ થાય છે. સોરી કહીને વાતને શાંત પાડવાને બદલે આ કયો નવો ઝઘડવાનો મુદ્દો લઈને બેઠાં છો?”

રાધા તો હબકી જ ગઈ. આ તેનો સંકેત?

થોડીક ચુપકીદીભરી ક્ષણો ગઇ અને રાધા હીબકે ચઢી ગઈ. તેને સોરી કહેવાની વાતથી જબરદસ્ત આંચકો લાગ્યો.

પ્રદીપ રાધાને છાની રાખતા બોલ્યો, “કેથરીન સોરી. પણ, હવે તમને બેબી સીટર મળે ત્યાં સુધી જ અમે અહીં છીએ. સંકેત અમે ભારત ભેગાં થઇએ તેવી વ્યવસ્થા કરી દેજે.”

ઘર આવી ગયું હતું. રાધાનાં હીબકાં અને ડેઝીનાં ઉંહકારા સાથે ગરાજ બંધ થવાનાં અવાજમાં દબાઈ ગયા હતા.

રીસ અને ગુસ્સો ચારે જણાને ઘરમાં દાખલ થયા પછી જુદી જુદી દિશામાં લઇ ગયો

રાત વધતી જતી હતી. રાધા અને પ્રદીપ નીચેનાં બેડરૂમમાં અને સંકેત- કેથી ઉપરનાં બેડરૂમમાં પોતપોતાની સચ્ચાઈ ઉપર ઝઝૂમતા હતા. કદાચ વહેલી સવાર સુધી સહુ પાસાં ઘસતા હતા.

સવારે સાત વાગે બોસ્ટનથી જનકમામાનો ફોન આવ્યો ત્યારે ફોન ઉપર સંકેત બોલ્યો, “ હા મામા, ડેઝીને હોસ્પીટલથી ઘરે તો લઇ આવ્યા છે પણ, પપ્પાએ અલ્ટીમેટમ આપી દીધું છે.’’

“શાનું?”

“કેથી અને મમ્મીની ટક- ટક ઘટે માટે “બેબી સીટર શોધી લેવાનું અને અધૂરું હોય તેમ ભારત જવાની ટીકીટ કઢાવવાનું”

“પણ ભાણાભાઇ, કહો તો ખરાં શું થયું?”

“ડેઝી એ મમ્મી અને કેથી બંનેની લાડલી. પણ પહેલો હક્ક કેથીનો... ખરુંને? હવે તેને રડતી જોઈ એનું અને મમ્મીનું બંનેનું લાગણીઓથી મન ભરાઇ જાય.”

‘‘સ્વભાવિક છે.”

“કાલે ફોન ઉપર વાત કરી હતી તેમ અમને પૂછ્યા વિના ગાર્ડન ફરવા લઇ ગયા હતા અને તે દોડાદોડી કરવામાં અથડાઈ અને ફ્રેક્ચર થયું. હોસ્પીટલમાંથી તેને પાછા લઇ જતા હતા અને અમેરિકન વહુ અને ભારતીય સાસુમાને થઇ ગઈ બોલાચાલી. મેં લીધો કેથીનો પક્ષ અને પપ્પાએ મમ્મીનો. વાતનું વતેસર થઇ ગયું. હવે હું કોને સમજાવું અને કોને નહીં?”

“ભલે ફોનની લાઇન ઉપર તું રહે અને મમ્મીને આપ.”

“મામા, હમણાં નહીં. હું તેમનો જ છોકરો છું ને. હું તેમની મનમાની નહીં કરું અને કરવા પણ નહીં દઉં.”

“એટલે?”

“અરે, હમણાં ઘરમાં તેમની ખરેખર જરૂર છે ત્યારે વાતને વટે થોડી ચઢાવાય?

“ના જ ચઢાવાય, પણ પ્રદીપકુમાર મમ્મી કરતાં જુદી માટીનાં છે.”

‘‘હા, અને કેથી પણ કંઇ ઓછી માયા નથી. પાકી અમેરિકન છે. મને તો થોડો સમય જોઈએ છે બંનેને ઠંડા કરવામાં.

“ત્યારે ફોનનો ત્રીજો છેડો બોલ્યો, “જો સંકેત! મમ્મીને કે મને બિલકુલ ખોટું નથી લાગ્યું. અમને ચિંતા તારા લગ્ન જીવનની એટલે મેં તો તે ના બગડે તેથી આવું કહ્યું હતું. હું સમજી શકું છું કે કેથી જે કહે છે તે કેથી નથી કહેતી, પણ તેનામાં રહેલી મા કહે છે. અમે ઠંડા જ છીએ પણ, રાધાનાં મોંમાંથી છૂપાયેલું ડૂસકું સરી પડ્યું...

વાત ચાલતી હતી ત્યાં ડેઝીએ બૂમ પાડી, ‘‘દાદીમા!”

કેથી અને રાધા બંને એકી શ્વાસે ડેઝીનાં રૂમ ભણી દોડ્યાં.

બંને પપ્પાઓ ભાગતી મમ્મીઓને જોઈ મૂછમાં મલકાઇ રહ્યા. જનકમામા પણ સમજીને ફોન ઉપરથી હટી ગયા.

વાત વટેથી ઉતરી ગઇ હતી.


Rate this content
Log in