Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Hardik G Raval

Others

4  

Hardik G Raval

Others

તૂટેલી ડાળી

તૂટેલી ડાળી

4 mins
863


એક ઘર સળગી રહ્યું હતું, અને ઘરની બહાર થોડા લોકો આગને બુઝાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા. થોડે દૂર એક અઢાર ઓગણીસ વરસની છોકરી એની મમ્મી સાથે ઉભી રડી રહી હતી. થોડીક તપાસ કર્યા પછી ખબર પડી કે એ છોકરીનું જ એ ઘર હતું, એ ત્યાં તેના મમ્મી સાથે રહેતી હતી. તેના પિતા તેને છોડીને બહુ દૂર ચાલી ગયા હતા, કદાચ એક બે વરસ પહેલા જ મૃત્યુ પામ્યા હશે તેના પપ્પા.


મારાથી ત્યાં થોભી જવાયું. નોકરીએ જવાનું મોડું થતું હોવા છતાં હું ત્યાં રોકાઈ ગયો. હું તે છોકરીને રડતા જોઈ રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ નીકળીને તેના ગાલ પર થઈને નીચેની તરફ વહી રહ્યા હતાં. એનું દરેક આંસુ મેં ધ્યાનથી જોવાનો પ્રયત્ન કર્યો. એક આંસુમાંથી એનું આ ઘરમાં વિતાવેલું બાળપણ સરી પડ્યું. બાળપણમાં મમ્મી પપ્પા સાથે વિતાવેલી દરેક સુખદ પળ સરી પડી જાણે ! એ પપ્પાની પીઠ પર સવારી કરીને આખા ઘરમાં કરેલો શાહી પ્રવાસ પણ સરી પડ્યો. તો જાણે બીજા આંખમાંથી સરેલા આંસુમાં તેના સપનાઓ દેખાણા. જેમાં ઉચ્ચ અભ્યાસ કરીને મમ્મીને દુનિયાનું બધું સુખ આપવું મુખ્ય હતું. મમ્મી સાથેનો એ વર્લ્ડટુરનો પ્લાન પણ સરી પડયો જાણે ! મારા જેવા આવારા માણસને કેમ આટલી સમજણ પડતી હતી તેના આંસુની, ખબર નઈ !

હું ત્યાંથી ચાલ્યો ગયો, બધું જોયું, બધું સમજ્યું છતાં પણ જાણે મને કંઇજ ફેર ના પડતો હોય તેમ ચાલી નીકળ્યો. ઓફીસમાં કામમાં કઈ ધ્યાન લાગી રહ્યું ન હતું, બસ દિવસ પસાર કર્યો ઓફીસમાં. રાત્રે ઘરે આવ્યો છતાં તે છોકરી અને તેની મમ્મીનો ચહેરો સામે આવી રહ્યો હતો, ઊંઘ પણ નહોતી આવી રહી. આમતેમ પડખા ફર્યો છતાં પણ તે બંનેના ચહેરા જ સામે આવી રહ્યા હતા. હું ઉભો થઈને મારા ફ્લેટની બાલ્કની પર ઉભો રહ્યો, લાઇટરથી સિગારેટ સળગાવી અને અંધારામાં દૂર દૂર સુધી જોતો રહ્યો. ઠંડીનો સમય હતો તેથી સિગારેટના કશ એ ઠંડીમાં આનંદ આપી રહ્યા હતા. ફ્લેટની સામેના ખાલી એરિયામાં એક બહુ જુના વૃક્ષની ડાળી તૂટેલી દેખાઈ, બીજી એક સિગારેટ જલાવીને તેનો કશ મારી ધુમાડો જોરથી આકાશની તરફ ફેંક્યો અને મારા રૂમમાં આવીને સુઈ ગયો.

સવારે અનાયાસે ફરી એકવાર બાલ્કનીમાં જવાયું. એ તૂટેલી વૃક્ષની ડાળી હજી ત્યાંજ હતી, હું ત્યાં જોતો રહ્યો પહેલા એક બળદ તે ડાળી પાસે આવ્યો અને મોઢાંમાં લઈને તે ડાળી ચાવવા લાગ્યો. પછી કદાચ તેની જરૂરિયાત સંતોષાઈ ગઈ હોવાથી તે ચાલ્યો ગયો. હું હજી ત્યાંજ ઉભો હતો. એટલાંમા જ મારે ત્યાંના દરેક ફ્લેટમાં ન્યૂઝપેપર નાખતો ફેરિયો આવી ચડ્યો. સવારના વહેલી પરોઢમાં પડેલા વરસાદના કારણે તેના ચપ્પલમાં લાગેલા કિચડને તેણે તે ડાળી પર જોરથી ઘસ્યો અને ત્યારબાદ બીજા પગને પણ ઘસ્યો અને તે અંદર આવી ગયો. તે વૃક્ષની તૂટેલી ડાળી હજી હલી રહી હતી. કદાચ તે પગ ના જોરથી ઘસાવાનો 'ફોર્સ' હજી તે મહેસૂસ કરી રહી હતી. 


એ તૂટેલી ડાળીનો લોકો પોતપોતાની જરૂરિયાત મુજબ ઉપયોગ કરતા ગયા અને અચાનક ન જાણે કેમ તે મમ્મી પુત્રીનો ચહેરો મારી આંખો સામે આવી ગયો. મે વિચાર્યું તેમની પરિસ્થિતિ તો પણ આ વૃક્ષની ડાળી જેવી તો... મારે ખરાબ વિચારવું ન હતું. હું બાલ્કનીમાંથી જલ્દી અંદર ગયો. જલ્દી જલ્દી સ્નાન કર્યા પછી મારા નિત્ય ક્રમ મુજબ ઓફિસે નીકળવા માટે ઉતાવળા ઉતાવળા લિફ્ટ તરફ ભાગ્યો. કોઈ કારણોસર ત્રણ ચાર મિનિટ વિતી ગઈ છતાં પણ લિફ્ટ ના આવતા હું પગથિયાં તરફ દોડ્યો. એક શ્વાસે હું દોડીને પાંચમા માળથી પાર્કિંગ તરફ ગયો. બાઇક લીધી અને દોડાવી તે છોકરીના ઘરની તરફ. દશ મિનિટમાં તો ટ્રાફિકવાળા રસ્તામાં સલવાયો. મારે જલ્દી પહોંચવું હતું ત્યાં, જોવો હતો ચહેરો તેમનો. જેમતેમ હું ત્યાં પહોંચ્યો. ત્યાં કોઈના મળ્યું મને ના તે દીકરી ના તેની મમ્મી ! હું નિરાશ થઈ ગયો. મારા પગલાં ધીમે ધીમે તે સળગી ગયેલા ઘર તરફ મંડાણા. ત્યાં પહોંચીને હું દીવાલ પર મોટા મોટા પડેલા કાળા ડાઘ જોઈ રહ્યો હતો જાણે એ કાળા ડાઘ કોઈ ભાવિનું સુચન કરી રહ્યા હતા. એક વૃધ માજી બાજુના ઘરમાંથી નીકળ્યા મેં તેમની પાસે જઈને પૂછપરછ કરી. એ માજીના જણાવ્યા અનુસાર તે વહેલી સવારે જ તેના પપ્પાના મિત્ર આવીને બન્નેને લઈ ગયા.

હું પાછો મારા બાઈક તરફ વળ્યો અને ઓફીસ જવા નીકળ્યો. આમ જ દિવસો વીતતા રહ્યા અને હું તે માતા પુત્રીને ભૂલી રહ્યો હતો / ભૂલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. 


એક દિવસ ઓફીસમાં લંચ દરમિયાન એક સહકર્મચારી તેના પાડોસમાં આવેલા આધેડ વ્યક્તિએ એક માતા પુત્રીને પોતાના ઘરે રહેવા આપ્યું અને મદદ કરી તે ચર્ચા કરી રહ્યો હતો. મને ખ્યાલ આવી ગયો કે એ માતા પુત્રી આ લોકો જ હશે. ખબર નહી મને તેમની કેમ પડી હતી, હું ત્યારેજ નીકળી પડ્યો એ મિત્રના ઘર તરફ. ત્યાં પહોંચ્યો થોડી તપાસ કરતા મને તે આધેડનું ઘર પણ મળી ગયું. તેના ઘર પાસે પહોંચતા જ બારીમાંથી મને દેખાયું કે તે વ્યક્તિ પેલી છોકરીની મમ્મી સાથે વાત કરી રહ્યો હતો અને તેના હાથ પહેલી સ્ત્રીના ખભા પર હતા અને તે હાથ ધીમે ધીમે બ્લાઉઝની કિનારી એ રહેલા શરીર તરફ વધી રહ્યા હતા અને વાતવાતમાં ત્યાં હાથ ફરી પણ જતો. એ શરીર પ્રતિકાર કરી શકતું નહિ. કદાચ પુત્રીના ભવિષ્ય માટે એ... મેં આગળ વિચારવાનું બંધ કર્યું અને હું ત્યાંથી પાછો વળી ગયો અને ન જાણે કેમ મારી આંખો સામે મારા ઘરની સામે રહેલા વૃક્ષની તૂટેલી ડાળી આવી ગઈ ! 


Rate this content
Log in