Vijay Shah

Others

3  

Vijay Shah

Others

ટ્રેડ મીલ-

ટ્રેડ મીલ-

6 mins
7.3K


સવારનાં પહોરમાં એકદમ ઘરનું વાતાવરણ ત્રણ ડીગ્રી વધી ગયું.. આશામાજી ઉકળતા હતા… ૨૦૦૦ની સાલમાં ૨૦૦૦ ડોલર ખર્ચીને લાવેલું મારું ટ્રેડ મીલ આ વિપુલીયાનાં ધમાલીયા છોકરાઓએ મચડીને બગાડી નાખ્યુ..

નાનકો કહે દાદીબા ટ્રેડ મીલ તો વૉરંટીમાં હશે હમણા દાદા ફોન કરીને બદલાવી નાખશે તમે ગુસ્સે ના થાવ.

હવે ૨૦૧૫માં કંઈ એ વૉરંટી ના ચાલે!

“પણ બા તમે ક્યારે વાપરો છો આ ટ્રેડ્મીલ!?… પપ્પા અને દાદા તે વાપરે છે.”

“ચુપ રે નાનીયા તને ખબર નથી ક્યારેક મારા પગ ઝલાઇ ગયા હોય અને ઉંઘ ના આવતી હોય ત્યારે હું પણ ચાલુ છું.”

આમેય બા દાદાને સીધું કહે નહીં પણ ઉંચા નીચા કરવા હાય રે… બગાડી નાખ્યુ રે જેવા અરણ્યરુદનો ઉંચા અવાજે ગાય એટલે કાં દીકરો કાં દાદો બગડેલા સાધનનું ઇન્સ્પેક્ષન કરે અને જેને બોલાવવાનો હોય તેને બોલાવી લાવે. કે બોલાવા ફોન કરે પછી એ બોઇલર ટાઢું પડે કે ઘરનું વાતાવર્ણ નોર્મલ થાય.

વિપૂલ હમણા ઘરમાં તેના બંને “ધમાલીયાઓ” મોંટુ અને પીંટુને લઈને આવ્યો હતો. સ્વામીનારાયણ ની પૂજા માટે. ઘરમાં પૂજા હોય એટલે ઘણાં લોકો ઘરમાં હોય અને વટ વહેવાર એકલા બા જ સાચવે તેથી વિપૂલનાં મોંટૂ અને સ્વીટુ ઉપર બહુ ધ્યાન રાખેલું નહીં.

પણ નાનીયાએ બીજે દિવસે સાંજે કહ્યુ હતું કે બા મોંટુભાઈએ આ મશીન ખોલેલું તેથી એક અને એક બે તેમ ગણી ને માજી ઉકળવા માંડ્યા હતા. જો કે આમેય વિપૂલ એમના મોટી નણંદ લીનાનો દિકરો અને નણંદબાએ ખુબ નણંદપણું તેમના સમયમાં દેખાડેલુ એટલે આમેય તે ગમતો તો નહીં જ..

ટીવી ઉપર મહારાજ સાહેબનું પ્રવચન ચાલતું હતું. રજની દાદા તે સાંભળતા હતા અને માજીનાં ઉંચા અવાજે થતા રાડાને પણ સમજતા હતા. મહારાજ સાહેબ બોલ્યા જ્યાં પણ અશાંતિ હોય ત્યાં મૂળભુત કારણ ભૂતકાળ જ હોય. જે ભુલાઈ જાય તો વાતાવરણ શાંત થઈ જાય.

બરોબર એવું જ હતું અત્યારે પણ વિપૂલ ઉપરનો આક્રોશ તો તે લીના કારણે હતો.. આજે ચાલીસ ચાલીસ વર્ષો તે વાતોને વહી ગયા પણ યાદ શક્તિ એટલી તીવ્ર કે હવે પ્રસંગો બધાજ કડે ધડે..હા કદાચ ૬૦ વર્ષ પછીન્નાં સ્મૃતિભ્રંશમાં હવે કદાચ વરસો આડા આવળા થાય પણ સાસુ, નણંદ જેઠ દિયર અને સસરા જાણે મારા વરજીને ચુસવા સતત તૈયાર જ બેઠા હોય…અને એના ભાઈ બહેન પપ્પા મમ્મી તો કાયમ જ બાપડા અને બીચારા…વટ અને વહેવારની વાતોમાં એના પીયરીયા બાપડા અને બીચારા પણ મારા પિયરીઆઓ?

મહારાજ સાહેબ આગળ બોલતા હતા.. ભૂતકાળને ભૂત શબ્દ કેમ અપાયો? કારણ કે તે કદી તે સ્વરૂપે પાછો આવતો જ નથી… જે છે તે આજ અને આવતી કાલ આપણા હાથમાં. ભૂત કાળને ભુલાય અને આજે જે હાથમાં છે તેને જીવાય તો જિંદગી બીન જરુરી વલોવાય ના. પણ સહેજ બહાનું મળ્યુ નથી ને આશાબાનાં અરણ્યરુદનો અને આક્રોશો ચાલુ!

રજની કહે “તને કદી જે મલ્યુ છે તે દેખાય છે? નથી મલ્યુ તે શોધવામાં એકદમ એક્ષ્પર્ટ. યાદ કર માઠા દિવસોમાં ગાડુ ભરીને પૈસા કોણ લાવ્યુ હતું? તારા પિયરીયા કે મારા પિયરીયા?”

અને તરત જ આશાબા તાડુક્યા “બજાર ધારે વ્યાજ પણ દીધું છે કંઇ ઉપકાર નથી કર્યો?”

“વ્યાજ તો મેં મારી જાતને ઉપકાર ભાવનાથી દુર રહેવા આપ્યુ હતું કંઈ મોટીબેને માંગ્યું નહોતુ અને અગત્યની વાત માઠુ ટાણું નીકળી ગયું ને?”

“તમે તો એવું જ બોલવાના ને? “

“પણ તારા પિયરીયા તો હાથ ઝાલવાય ઉભા રહ્યા નહોંતા..” – એમ બોલ્યા પછી ભડકો થશે તે બીકે રજનીભાઈ શબ્દો ગળી ગયા.

તેમને બીજો વિચાર એ પણ આવ્યો. આશા તેં ક્યારેય તેં એવું વિચાર્યુ કે મોટીબેન લીના અમેરિકા હતી તો તુ અમેરિકા આવી? પણ આટલા લાંબા દાંપત્ય જીવને રજની ભાઈને એ શીખવી દીધુ હતું કે આશાને વાતે વાતે નિરાશ થઇ જવાની કૂટેવ દુર કરવી હોય તો આવુ બધુ વારંવાર નહીં કહેવું કારણ કે તેનો ચોક્કસ જ પ્રતિભાવ નકારાત્મક જ હોય.. અને બીજુ એ પણ હોય કે મોટાબેન છે એટલું કરે તેમાં શું ધાડ મારી?

મહારાજ સાહેબનું વ્યાખ્યાન પુરુ થયું અને નીચે આવીને ટ્રેડ મીલની સ્વીચો પ્લગો અને વાયરોનું નિરિક્ષણ કર્યુ. આશા બા વાંકી નજરે નિહાળી રહ્યા હતા. કેમેય કરીને ટ્રેડ મીલ ચાલુ ના થયું એટલે કોઈ પીષ્ટપેષણ કર્યા વીના ઉપર જતા હતા ત્યાં ફરી અરણ્યરુદનો ચાલુ થયા..”કહું છુ હવે થી વિપુલને ખબરદાર બોલાવ્યો છે તો?”

રજની કહે “દસ હજાર માઈલ દુર આ એક જ ભાણીયો ગામમાં છે. સારે માઠે પ્રસંગે બોલાવવા પડે અને આપણે પણ જવું પડે…”

“એટલે દરેક વખતે મોંટુ અને પીંટુ આવે ત્યારે મારે ખડે પગે તેમની ચોકી કરવાની?”

“ના. તેઓ પણ મોટા થાય છે હું સમજાવીશ પણ તમને કેમની ખબર પડી કે મોંટુ એજ ટ્રેડમીલ બગાડ્યુ છે ? પંદર વર્ષ તો ચાલ્યુને?” હવે તે પણ આપણી જેમ નિવૃત તો થાયને?”

મને નાનીયાએ કહ્યુ..(નાનીયો એટલે પૌત્ર દીકરાનો દીકરો)

રજનીભાઈએ બુમ પાડી “નાનીયા…”.

“હા દાદાજી..” કરતો નાનીયો તેનૂમ કીડલ હાથમાં લૈને તેના રુમ માંથી બહાર આવ્યો.

“મોંટુ ભાઈ આ મશીનને ખોલતા હતા ત્યારે તું ક્યાં હતો?” રજની ભાઈએ ઉલટતપાસ શરુ કરી.

“દાદાજી પીંટુભાઇ બહુ ઝડપથી ટ્રેડમીલ ચલાવતા હતા તેથી તે પડી ના જાય માટે કશુંક મશીન ખોલીને કર્યુ હતુ. કે તે કર્યા પછી મશીન ચાલતું જ બંધ થઈ ગયુ.”

દાદાને તાળો બેસતો જણાયો એટલે વિપૂલને ફોન કર્યો.

બીજે છેડે હેલોનાં અવાજે રજની બોલ્યો “બેટા રજની મામા.”

“હા મામા”

“બેટા મોંટુ છે?”

“ના મામા એ તો કોલેજ ગયો છે.”

“ભલે બેટા મને ફોન કરવા કહેજે.”

“પણ શું થયુ એતો કહો?”

“કાલે એણે ટ્રેડ્મીલ ખોલ્યુ હતું તે શાને માટે તે જાણવા ફોન કર્યો હતો.”

“દાદા કાલે પીંટુ ગાંઠતો નહોંતો અને તેને વાગી ના જાય તેથી મોંટુને મશીન ની ઇમર્જન્સી સ્વીચ બંધ કરવાનું મેં જ કહ્યુ હતુ. પણ તમારી સાથે વાત મોંટુએ નહોંતી કરી?”

“ના પણ તેં અત્યારે કરી તો સારુ થયુ.’

“કેમ શું થયુ?”

“થવાનું શું હોય? વાતનું વતેસર. ચાલ પછી શાંતિથી વાત કરીશ.” હમણાં તો બંબો લઈને આગ ઠારવા જઉં છું.”

વિપૂલ કહે” મામા જરા સમજાય તેવું બોલોને?”

“ચિંતા ના કર આ તો ક્યારેક વાતનું વતેસર થઈ જાય તો આગ લાગે તેમ કહેવાય અને હવે સત્યદર્શન થઈ ગયું છે એટલે તે વાત કહેવા બંબો ભરીને ઠંડૂ પાણી લઇને જઉં છું.”

“મામા તમે પણ! ગજબ છો..એમ સીધે સીધુ કહોને કે મામીને સમજવવા જાવ છો…”

“હવે તારી તો મામી છે પણ મારે તો સીધી આગની લપટો ખાવાની છે તેથી તેનું બુરું ના દેખાય તેનું ધ્યાન રાખવુ પડેને?” વિપૂલે હસતા હસતા ફોન મુક્યો અને મનોમન બબડ્યો પણ ખરો કે ખરું જોડું છે? લઢે છે, એક બીજાને વઢે છે છતા એક મેકનું નીચું પડવા નથી દેતા. ચાલીસ વર્ષનો સહવાસ છે ભાઈ!

આ બાજુ કલ્પાંત કરી લીધા પછી આશાબાનું મગજ વહેવારુ બન્યું.. આટલુ મોંઘુ અને મોટું સાધન એમ જરા મચડવાથી બગડે ના. આ મિક્ષ્ચર માં સહેજ લોડ વધી જાય અને સ્વીચ ઓફ થઇ જાય તેવું તો કંઇ નહીં થયુ હોય?

રજની ફોન ઉપર હતો અને આશાબાએ ટ્રેડમીલને ખોલ્યુ.. કંઈ સમજણ ના પડી એટલે નાનીયાને બોલાવ્યો “કાલે મોંટુભાઈ શું કરતા હતા અને ક્યાં કરતા હતા તે બતાવ તો?”

નાનીયો આવ્યો અને કહે, “બા આ મશીન તમે ખોલ્યુ ને તેમ જ ખોલ્યું હતું..પણ તેમણે શું કર્યુ તે મને ખબર નથી.”

વીસ વર્ષ પહેલાનું મેન્યુઅલ લઈને રજની નીચે આવ્યો ત્યાર સુધીમાં તો આશાબા એ ઇમર્જન્સી સ્વીચ શોધી નાખી હતી અને તેને ચાલુ કરી. ટ્રેડ મીલ તો લાઈટો બતાવવા માંડ્યુ.

“હેં એ એ..” કહી આશાબા એ કોલંબસે અમેરિકા શોધ્યાનાં હરખે હરખાઈ રહ્યા હતા.

રજની કહે “આશા તું તો ખોટી જ મોંટુને દોષ દેતી હતીને?” રજનીને અવગણતા આશા બોલી “મને તો તમારા બે બાપ દીકરાની ચિંતા હતી વરસાદમાં ક્યાં બહાર ચાલવા જવાય છે?”

 

 


Rate this content
Log in