ટીચર કંઈ જ ન બનવું હોય તો !
ટીચર કંઈ જ ન બનવું હોય તો !
ગૌરીવ્રત નિમિત્તે અમારી શાળામાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. કન્યાશાળા હોવાથી આ દિવસોમાં બાળકોની સંખ્યા ઓછી હોય. દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે શાળામાં ગૌરીવ્રત અંતર્ગત વેશભૂષાનુ આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ દિવસે મારા વર્ગની બધી જ બાળાઓને જાણ કરી કે, આવતીકાલે વેશભૂષા કરવાની છે. બાળાઓ ખૂબ જ ખુશ ખુશ થઈ ગઈ. અંદરો અંદર વાતો કરવા લાગી. ઘોંઘાટ વધી ગયો. બધાં વાતો કરવા લાગ્યા કે હું આવું કરીશ, આવા કપડાં પહેરીશ. મેં તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું. અમુક બાળાઓને ખબર નહોતી પડતી કે શું કરવું. જેથી મેં તેમને કહ્યું કે તમે શિક્ષક બની શકો, કસ્તુરબા, શાકવાળી, ફળોવાળી, પોલીસ અને ભિખારી પણ બની શકો છો. તમારે એવો વેશ ધારણ કરવાનો કે બધાંને જોતાં જ ખબર પડી જાય કે તમે શું બન્યા છો. બસ એટલું જ પૂરતું છે. જો કદાચ તમારે તમારી વેશભૂષાને લગતાં બે ત્રણ વાક્યો બોલવાં હોય તો બોલી શકો છો.
સવારે બધી જ ઢીંગલીઓ સરસ તૈયાર થઈને આવી. બધી દીકરીઓ ઓળખાતી ન હતી. તેઓને હું જોતી જ રહી. જોયા કરું. કેટલી ખુશ હતી. બધી દીકરીઓ એકબીજાને પણ જોતી હતી. મને આવીને કહેવા લાગી, મેડમ હું ટીચર બની ! મેડમ હું શાકવાળી બની. બધી જ દીકરીઓ મારી પાસે આવીને પોતપોતાની વેશભૂષા વિષે કહેવા લાગી. છેલ્લે એક દીકરી મારી પાસે આવીને બોલી, "ટીચર કંઈ જ ન બનવું હોય તો ! ચાલે ? "
